નરેન્દ્ર મોદીની આણંદજીભાઈ સાથે થયેલી પહેલી મુલાકાતમાં શું થયું?

રજની મહેતા - વો જબ યાદ આએ | Jun 02, 2019, 12:08 IST

આઇ બિલ્ડ માય કાસલ બાય સ્ટોન્સ થ્રૉન ઍચ મી. - અનુપમ ખેર

નરેન્દ્ર મોદીની આણંદજીભાઈ સાથે થયેલી પહેલી મુલાકાતમાં શું થયું?
ડાબેથી જમાઈ પ્રકાશ વાલંબિયા, આણંદજીભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આણંદજીભાઈના પત્ની શાંતાબહેન, તેમની દીકરી રીટા અને પુત્ર ધીરેન.

વો જબ યાદ આએ

આઇ બિલ્ડ માય કાસલ બાય સ્ટોન્સ થ્રૉન ઍચ મી.

- અનુપમ ખેર

‘મારી ઉપર ફેંકાયેલા પથ્થરોથી હું; કિલ્લો બનાવું છું.’ લોકસભાની ચૂંટણીમાં બીજેપીની અભૂતપૂર્વ જીત માટે નરેન્દ્ર મોદીને ક્રેડિટ આપતાં અનુપમ ખેર કહે છે કે ‘તેમના પર થયેલા દરેક જૂઠા આરોપોને તેમણે પોતાની તાકાતમાં ફેરવીને સાબિત કરી આપ્યું કે તે મુઠ્ઠીઊંચેરા માનવી છે.’ નરેન્દ્ર મોદીની કાર્યશૈલી માટે તમને સવાલ હોઈ શકે, પરંતુ તેમના રાજકીય દુશ્મનો પણ ખાનગીમાં એક વાતનો સ્વીકાર કરે છે કે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય તેમ નથી. તેમના માટે એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય ‘તમે એમને ચાહી શકો, અથવા ધિક્કારી શકો, પરંતુ તેમની અવગણના ન કરી શકો.’

છેલ્લા દોઢ મહિનાથી દેશમાં ચૂંટણીનો માહોલ હતો એ દરમ્યાન સ્વાભાવિક છે કે એ વિશેની વાતો થયા વિના ન રહે. મને ખબર હતી કે નરેન્દ્ર મોદી સાથે આણંદજીભાઈને અંગત સંબંધ છે. એની શરૂઆત કેવી રીતે થઈ તે વિશેની રસપ્રદ વાતો આજે તમારી સાથે આણંદજીભાઈના શબ્દોમાં શૅર કરું છું:

‘અમે અમેરિકા શો માટે ગયા હતા. તે દિવસોમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલ અમેરિકામાં હતા. ન્યુ યૉર્કમાં ટીવી એશિયાવાળા એચ. આર. શાહને ત્યાં અમારી મુલાકાત તેમની સાથે થઈ. તે સમયે નરેન્દ્રભાઈ તેમની સાથે હતા. હું, મારાં પત્ની, પુત્રી રીટા (જે લંડનમાં છે) અને નરેન્દ્રભાઈ એક જ ગાડીમાં ફિલાડેલ્ફિયા ટ્રાવેલ કરતાં હતાં. અમેરિકાની સુખ, સમૃદ્ધિ, સ્વચ્છતા અને શિસ્તની વાતો થતી હતી. રીટાના મનમાં એક વાતનો રંજ હતો કે આપણો દેશ હજી આ બાબતમાં ઘણો પાછળ છે. તેની વાતો સાંભળી નરેન્દ્રભાઈએ કહ્યું કે ‘ભારત પાસે ઘણું પૉટેન્શિયલ છે, પરંતુ કમનસીબે એ વાતને ખુદ આપણે સિરિયસલી લેતા નથી. ભારતની સંસ્કૃતિ અને ધર્મમાં એટલી તાકાત છે કે તે સુપરપાવર બની શકે છે. આપણે ધર્મને સંકુચિત અર્થમાં લઈએ છીએ. દુનિયામાં આપણને માન નથી મળતું. આપણી પરંપરા, આપણો ઇતિહાસ એટલો ગૌરવવંતો છે કે એની તુલનામાં બીજું કોઈ ન આવી શકે. ભારતની અસલી તાકાત અને પૉટેન્શિયલ દુનિયાને દેખાડવાની જરૂર છે અને આ કામ કેવળ દેશપ્રેમને સર્વોપરી માનતા લોકો જ કરી શકે, તકસાધુ રાજકારણીઓ નહીં.’ રીટા સ્વભાવે નિખાલસ છે. નરેન્દ્રભાઈની આ વાત સાંભળી રીટાએ કહ્યું કે ‘દરેક પૉલિટિશ્યન પહેલાં આવી વાત કરે છે, પણ ખુરસી મળતાં આ બધું ભૂલી જાય છે.’

આણંદજીભાઈ આ કિસ્સો કહેતા હતા ત્યારે મને કહે કે આ પૂરી વાત તમારે રીટા પાસેથી સાંભળવી જોઈએ. ત્યાં યોગાનુયોગ રીટાબહેનનો લંડનથી ફોન આવ્યો. આ પહેલાં મારી તેમની સાથે વાતચીત થઈ હતી. આણંદજીભાઈએ કહ્યું, ‘અમે તારી જ વાતો કરતા હતા. અમેરિકામાં નરેન્દ્ર મોદી સાથે તારે જે વાતો થઈ હતી એ કિસ્સો રજનીભાઈને ડીટેલમાં જણાવ.’ અને રીટાબહેને જાણે ગઈ કાલે જ આ ઘટના બની હોય એમ વિગતવાર વાત કરતાં કહ્યું, ‘તે દિવસે અમે બાય કાર જતાં હતાં ત્યારે રસ્તામાં તેમની સાથે દેશની પરિસ્થિતિ વિશે વાત થતી હતી. તે કહે, ‘ભારત પાસે શું નથી? વિશાળ દરિયો છે. હિમાલય અને બીજા પર્વતો છે. અફાટ રણ છે. વિશાળ વસ્તી છે. લાખો યુવાનો છે. એમ છતાં દેશની પ્રગતિ થતી નથી. એનું મુખ્ય કારણ એ છે કે આપણે સ્વભાવે ખૂબ જ ભાવુક છીએ. આ કારણે અમુક કઠોર નિર્ણય નથી લઈ શકતા. આ દેશમાં અનેક ધર્મો છે. ભ્રષ્ટાચારનો પાર નથી. દરેકને ધર્મ માટે લડવું છે; દેશ માટે નહીં. સાચો ધર્મ દેશપ્રેમ છે. અનેક ધર્મોને લીધે દેશ અલગ અલગ સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો છે. કોઈ લાંબું વિચારતું નથી. કોઈની પાસે વિઝન નથી. એજ્યુકેશનનું સાચું મહત્વ ભૂલી ગયા છીએ. દરેક કેવળ પોતાનો વિચાર કરે છે, દેશનો નહીં. નેતા ખુરસી મળતાં જ પોતાના વિશે વિચાર કરે છે. અમે રાજકારણમાં એટલા માટે છીએ કે અમારી લડત આ વિચારધારા સામે છે. આ દેશને તેનું ગૌરવ પાછું મળે એ માટે અમે લડીએ છીએ.’ જે કન્વિક્શનથી તે વાત કરતા હતા એમાં તેમનો આત્મવિશ્વાસ દેખાતો હતો. ત્યારે મને જરા પણ અંદેશો નહોતો કે એક દિવસ તે વડા પ્રધાન બનશે. હું એકદમ સ્પષ્ટવક્તા છું. મેં તેમને કહ્યું કે, ‘સામાન્ય રીતે રાજકારણીઓ આવી જ ભાષા બોલતા હોય છે, પરંતુ ગાદી પર બેસતાં જ તેમની આ વાતોને ભૂલી જાય છે, અને કેવળ પોતાનો જ વિચાર કરે છે.’ તે મારી વાત ચૂપચાપ સાંભળતા હતા. તેમનું મૌન જોઈ મેં કહ્યું, ‘મારી વાત સાચી છેને? ખોટું નહીં લગાડતા.’ તેમણે સ્વસ્થતાથી જવાબ આપ્યો, ‘બહેન, હું તમારી વાત બરોબર યાદ રાખીશ, ભૂલીશ નહીં, પણ તમે એ ભૂલતા નહીં કે હું ગુજરાતી છું. હું જે માનું છું એ જ કહું છું અને કરું છું.’ એ સમયે તેમણે એકદમ દૃઢતાથી જવાબ આપ્યો. તેમની આંખોમાં જે કૉન્ફિડન્સ હતો એ આજે પણ મને યાદ છે. કશુંય કહ્યા વિના તેમનું મૌન એમ કહેતું હતું કે હું જુદી માટીનો માણસ છું. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી તો હતું જ, પણ સાચું કહું કે તેઓ આટલી ઊંચાઈએ પહોંચી જશે એ કલ્પના નહોતી. વડા પ્રધાન બન્યા પછી તેમની સાથે મુલાકાત થઈ ત્યારે મને કહે, ‘રીટાબહેન, કેમ છો? આપણી પહેલી મુલાકાત હજી હું ભૂલ્યો નથી.’ આટલાં વર્ષો બાદ પણ તે એ જ સહજતા અને સરળતાથી અમને મળ્યા, પણ તેમનું મૌન મને કહેતું હતું કે જોયું, ‘હું તમારી પરીક્ષામાં ખરો ઊતર્યો છું.’

PM Modi with Anandji

આણંદજીભાઈ આ વાતના અનુસંધાનમાં આગળ વાત કરતાં કહે છે, ‘નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે અમને કચ્છરત્નનો અવૉર્ડ મળ્યો. ભુજમાં ફંક્શનમાં તે અમને સ્ટેજ પર મળ્યા તો મને કહે, ‘રીટા કેમ છે? આવી છે?’ મેં કહ્યું, ‘મજામાં છે. અહીં આવી નથી. તમને નામ બરાબર યાદ છે.’ તો કહે, ‘તેને પૂછજો, બરાબર કામ કરું છું કે નહીં?’ મેં કહ્યું, ‘તમને એ વાત હજી યાદ છે?’ તો કહે, ‘તેણે તો મને ચૅલેન્જ આપી હતી એટલે ખાસ યાદ કરું છું.’ થોડાં વર્ષો બાદ મહેશ-નરેશના કાર્યક્રમમાં અમારી મુલાકાત થઈ. તરત પૂછ્યું, ‘રીટા આવી છે? આગળ બોલાવો.’ મેં કહ્યું, ‘રીટા નહીં, પણ તેની મમ્મી આવી છે. રીટા તો લંડનમાં છે.’ તો કહે, ‘તેમને આગળ બોલાવો.’ અને અમે તેમની સાથે બેઠાં અને કોઈ પણ જાતના ભાર વિના ઘણી વાતો થઈ.

તેમની યાદશક્તિ ગજબની છે. દરેકનાં નામ યાદ હોય. મારા પરિવારના સભ્યો, કલ્યાણજીભાઈના પરિવારના સભ્યો, દરેકને જ્યારે પણ મળે, ત્યારે નામ લઈને, ખૂબ જ આત્મીયતાથી વાત કરે. દિવસ-રાત, થાક્યા વિના, જે સ્ફૂર્તિથી પોતાની જવાબદારીઓ પૂરી કરે છે એ જોઈને મનમાં વિચાર આવે કે સમાજ અને દેશ માટે તેમનું કમિટમેન્ટ ગજબનું છે.

વડા પ્રધાન બન્યા પછી તેમને મળવા અમે પરિવાર સાથે દિલ્હી ગયા હતા. ખાસ અમારા માટે તેમણે આટલી વ્યસ્તતા વચ્ચે ૩૦ મિનિટનો ટાઇમ આપ્યો હતો. બન્યું એવું કે અમે દિલ્હીના ટ્રાફિકમાં ફસાયા અને મોડું થયું. મેં ફોન કર્યો કે અમે આવીએ જ છીએ. અમને મોડું થયું તે છતાં તેમણે અમારી રાહ જોઈ. અમે પહોંચ્યા એટલે હસીને આવકાર આપ્યો અને કહ્યું, ‘તમારી સાથે વાતો કરવાનો આનંદ થાત, પરંતુ એક અગત્યની મીટિંગ છે એટલે પાંચ મિનિટમાં જ નીકળવું પડશે.’ તે દિવસે રીટા પણ હતી. તેમણે ફરી પાછી એ વાત યાદ કરી કે બરાબર કામ કરું છું કે નહીં. દરેક સાથે ફોટોસેશન થયું અને જતા સમયે સેક્રેટરીને ખાસ આગ્રહ કરીને ગયા કે મારા ખાસ મિત્ર છે. ચા-નાસ્તા વિના તેઓ ન જાય. એ મુલાકાત અમારા પરિવાર માટે એક અવિસ્મરણીય બની ગઈ.’

નરેન્દ્ર મોદીની વાતો કરતાં આણંદજીભાઈ થોડા ઇમોશનલ બની જાય છે, અને એક એવી વાત કરે છે, જેની મેં કલ્પના નહોતી કરી. ‘હું આઝાદી પહેલાંનો માણસ છું. આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે. ગાંધીજીને જોયા છે. પ્રભાતફેરીઓ કરી છે. ખાદી પહેરીને ઇન્કલાબ ઝિન્દાબાદના નારા લગાવ્યા છે. રસ્તાઓ સાફ કર્યા. નરેન્દ્રભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા પછી જે રીતે ગુજરાતની કાયાપલટ કરી એ જોઈને તેમના માટે એક ગુજરાતી હોવાને નાતે, ગર્વ લઈ શકાય. જીવનભર મનમાં થતું કે આઝાદીના સમયે; જે ભારતનાં સપનાં જોયાં હતાં એ કદી સાકાર થશે કે નહીં. તે જયારે પહેલી વખત પી.એમ. બન્યા ત્યારે શ્રદ્ધા જાગી કે વર્ષોથી જોયેલું સપનું હવે પૂરું થશે. તે સમયે મેં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હું ૮૧ વર્ષનો થયો. તેમને જોઈને હજી બીજાં પાંચ વર્ષ જીવવાનું મન થાય છે. આજે ફરી વાર તેઓ પી.એમ. બન્યા છે; ત્યારે તેમને દિલથી શુભેચ્છાઓ આપીએ. ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે તેઓ દીર્ઘાયુ થાય અને દરેક ભારતવાસીઓનાં સપનાં પૂરાં કરે.’

આ પણ વાંચો : લિટલ સ્ટાર્સનાં બાળકો પરદેશમાં ભારતીય સંસ્કૃતિ, સંગીતના ઍમ્બેસેડર બન્યા

નરેન્દ્ર મોદી માટે જનતાનો પ્રેમ અને અતૂટ શ્રદ્ધા આપણે જોઈ રહ્યા છીએ. એ વિશેનાં કારણો શોધવાનું કામ ઍર-કન્ડિશનર રૂમમાં બેઠેલા વિવેચકોને કરવા દો. હકીકત એ છે કે ઉત્તમ નેતામાં કેવળ નેક્સ્ટ ઇલેક્શન જીતવાની કાબેલિયત નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશનનો વિચાર કરવાનું વિઝન હોય છે. ચૂંટણીમાં કેવળ જાત-પાતનું અંકગણિત જીતે છે તે વાતને નરેન્દ્ર મોદીએ પોતાની જનતા સાથેની અદ્ભુત કેમિસ્ટ્રી વડે ખોટી પાડી. હેન્રી કિસિંજર કહે છે. ‘ધ ટાસ્ક ઑફ ધ લીડર ઇઝ ટુ ગેટ હિઝ પીપલ ફ્રૉમ વેર ધે હૅવ ધે આર ટુ વેર ધે હૅવ નૉટ બીન...’

દેશવાસીઓને શ્રદ્ધા છે કે નરેન્દ્ર મોદી તેમના વિઝન અને ઍક્શન દ્વારા ભારતની જનતાને; વણખેડ્યા પ્રદેશોની સુખદ સફર કરાવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK