જ્યારે અમિતાભ પર ફેંકાયા ઈંડા, ટમેટાં

17 March, 2019 10:54 AM IST  |  | રજની મહેતા

જ્યારે અમિતાભ પર ફેંકાયા ઈંડા, ટમેટાં

અમિતાભ બચ્ચન

વો જબ યાદ આએ

સંગીતકાર તરીકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એ પહેલાં જ કલ્યાણજી-આણંદજીને સ્ટેજ શોનું આયોજન કરવાની મહારથ હતી એ આપણે શરૂઆતમાં જોઈ ચૂક્યા છીએ. એક સફળ સંગીતકાર જોડી હોવા છતાં બન્ને ભાઈઓ સતત કંઈક નવું કરવાની શોધમાં રહેતા. જીવનમાં એક મુકામ એવો આવે છે, જ્યારે રૂટીનમાંથી બહાર નીકળી, નવી પ્રવૃત્તિ કરવાની તલબ જાગતી હોય છે. મોટા ભાગના લોકો રૂટીનને સ્વીકારીને જીવન સાથે સમાધાન કરી લેતા હોય છે, પરંતુ જેને ખુદ પર ભરોસો હોય છે તેઓ નવાં સાહસોની શોધમાં આગળ વધતા હોય છે. કલ્યાણજી-આણંદજી અલગ માટીના હતા. સતત નવું કરવાની ધગશ તેમને નવા પ્રયોગ કરવા માટે પડકાર આપ્યા કરે. આજે તેમના જીવનમાં આવેલા એક એવા વળાંકની વાત કરવી છે, જેના કારણે સ્ટેજ શોની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. સતત ૧૪ વર્ષ સુધી, અમિતાભ બચ્ચનથી લઈને અમરીશ પુરી સાથે આ જોડીએ વિદેશમાં અનેક સફળ સ્ટેજ શો કર્યા છે. એની શરૂઆત અનાયાસે કેવી રીતે થઈ એ આણંદજીભાઈના શબ્દોમાં પ્રસ્તુત છે.

‘ફિલ્મ ‘મુકદર કા સિકંદર’નું સંગીત સુપરહિટ થયું. એની રેકર્ડ્સ માટે અમને ‘પ્લેટિનમ ડિસ્ક’ અવૉર્ડ મળ્યો હતો. એની ખુશીમાં પ્રોડ્યુસર-ડિરેક્ટર પ્રકાશ મહેરા અમને કહે, ‘તમને સૌને હું કૉપ્લિમેન્ટરી પરદેશની ટૂર પર લઈ જાઉં છું,’ મેં કહ્યું, ‘એમાં શું વળે?’ તો કહે, ‘ઉધર ઘૂમને કી બહુત જગહ હૈ.’ મેં કહ્યું, ‘યહાં ભી બહુત હૈ.’ પ્રકાશ મહેરા કહે, ‘સબ કો ફસ્ર્ટ ક્લાસ મેં લેકર જાઉંગા’ હું અસમંજસમાં હતો. ત્યાં બાબલાભાઈએ બાપુજીની વાત યાદ દેવડાવી. ‘સામેથી જે કંઈ આવે એની ના ન પાડવી.’ આમ હું, અમિતાભ બચ્ચન, અજિતાભ બચ્ચન અને પ્રકાશ મહેરા, અમેરિકા, કૅનેડા, લંડન અને વેસ્ટ ઇન્ડીઝની ટૂર પર ઊપડ્યા.’

‘સૌથી પહેલાં અમે લંડન ગયા. ત્યાં યુલ બ્રાયનરનો ‘કિંગ ઑૅફ કિંગ્સ’નો શો જોયો. ત્યાંથી અમેરિકા પહોંચ્યા. બૉક્સર મોહમ્મદ અલી સાથે એક મીટિંગ થઈ. તેની અને અમિતાભની એક ફિલ્મ માટે વાતચીત થઈ. અમેરિકામાં ઘણું ફર્યા. નાયગ્રા જોયો. ન્યુ યૉર્કની મોંઘામાં મોંઘી હોટેલમાં અમારો ઉતારો હતો. ત્યાં આગળ ઘણી બિઝનેસ મીટિંગ થતી તે સમયે મનમાં એવો જરાપણ વિચાર નહોતો કે અહીં શો કરવા છે. અમે તો અમારી રીતે ફરતા હતા અને મોજ કરતા હતા. તે દિવસોમાં માઇકેલ જૅક્સનના શો હિટ જતા. અમે લાગતાવળગતા એજન્ટ પાસે ફીડબેક માગ્યો કે અહીં ક્યા પ્રકારના શો થાય છે. ત્યારે થયું કે દુનિયાભરના સેલિબ્રિટી અહીં શો કરવા આવે તો આપણે શો અહીં કેમ ન થાય? એ બાબત વિચાર કરવો જોઈએ એવું અમને લાગ્યું.’

‘લૉસ ઍન્જલસમાં ફ્રૅન્ક સિનાત્રાનો શો જોયો. તેને જે પ્રકારનો રિસ્પૉન્સ લોકો તરફથી મળ્યો એ જોઈને એમ થયું કે નક્કી કંઈ કરવું જોઈએ. અમિતાભ બચ્ચન પણ કહે, ‘કુછ કરતે હૈ’ એટલે અમે અમિતાભ બચ્ચનની ફિલ્મો અને બીજા સ્ટેજ શો કરતા અમેરિકાના ડિસ્ટ્રિબ્યુટર કિરીટ ત્રિવેદી સાથે મીટિંગ કરી. અમારો પ્લાન જણાવ્યો કે અહીં પણ આવા શો કરવા છે. તે તૈયાર થઈ ગયા. અમે એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. અમારો જે પ્લાન હતો એ રજૂ કર્યો. એ ઉપરાંત ત્યાંનો શો બિઝનેસ કેમ ચાલે છે એના વિશે અમે વધુ જાણકારી મેળવી. આ તરફ મેં બિપિનભાઇ (જ્યોતિષવિદ્યાના જાણકાર)ની સલાહ લીધી તો તેમના તરફથી પણ ગ્રીન સિગ્નલ મળ્યું. આ રીતે અમેરિકામાં સ્ટેજ શો કરવાનું નક્કી કર્યું.

અમિતાભ બચ્ચનને કહ્યું કે ત્યાંના આર્ટિસ્ટની જેમ પૂરો શો કરવો પડશે, કેવળ ગેસ્ટ અપિરિયન્સ નહીં ચાલે. તેનો જવાબ હતો. ‘કરુંગા તો પૂરા હી કરુંગા.’ આ શો પાછળ તેમણે જે મહેનત કરી છે તે કાબિલેદાદ છે. મુંબઈમાં અમે બે મહિના પહેલાં રિહર્સલ શરૂ કર્યાં. આ પૂરા શોમાં અમિતાભ સ્ટાર અટ્રૅકશન હતા. તેમણે ડાયલૉગ બોલવાના હતા, નાચવાનું હતું, ગાવાનું હતું, કૉમેડી કરવાની હતી. તે પોતે આ શો માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. કહેતા, ‘આઇ વિલ ડૂ એવરીથિંગ’ એ દિવસોમાં તે ફિલ્મોમાં ડબલ શિફ્ટમાં કામ કરે. રાતના ૧૦ વાગ્યે શૂટિંગ પૂરું કરી અમારા મ્યુઝિક હૉલ પર આવી જાય અને રાતના બે-ત્રણ વાગ્યા સુધી અમારી સાથે હોય. દરેક ગીત યાદ કરે. ગીતનું રિહર્સલ કરે. ત્યાર બાદ અમે કહીએ, ‘અબ ખડે હો કર ગાના પડેગા. અબ ચલતે, ચલતે, ડાન્સ કરતે કરતે ગાના ગાઈએ. કારણ કે સ્ટેજ પર કેવળ ઊભાં-ઊભાં ગીત નહોતું ગાવાનું. તેમને બ્રીધિંગ એક્સરસાઇઝની પ્રૅક્ટિસ શીખડાવવી પડે. અમુક ગીતો હિટ જશે એની ખાતરી હોય એટલે વન્સ મોર મળે તો તે ૧૦-૧૨ મિનિટ સુધી નાચવું, ગાવું પડે, અમે સૌએ ખૂબ મહેનત કરી. અમિતાભ બચ્ચનની સિન્સિયારિટી માટે માન થાય. જે લગન અને મહેનતથી તેમણે રિહર્સલ કર્યાં છે એ ભાગ્યે જ કોઈ કરી શકે. સમયસર આવી જાય. આવતાં મોડું થયું હોય તો અમારા બિલ્ડિંગની સામેની સાઇડ પર ગાડીમાંથી ઊતરીને, દોડીને રસ્તો ક્રૉસ કરીને, લિફ્ટની રાહ જોયા વિના, દાદરા ચડીને ઉપર આવે. એક સુપરસ્ટારનું આવું ડેડિકેશન આપણને ભાગ્યે જ જોવા મળે.’

જે રીતે આણંદજીભાઈ અમિતાભ બચ્ચનની વાતો કરતા હતા એ સાંભળી આપણને એક એવા વ્યક્તિત્વનો પરિચય મળે કે જેણે ટોચ પર પહોંચીને પણ પોતાના પગ જમીન પર રાખ્યા છે. જીવનના અનેક ઉતાર-ચડાવ બાદ પણ પોતાનું સમતુલન ગુમાવ્યું નથી. કદાચ એટલે જ કહેવાય છે કે જે વ્યક્તિ સમય સાચવી લે છે એને વખત આવે સમયે પણ સાચવી લેતો હોય છે. શરૂઆતના દિવસોના અથાગ સંઘર્ષ બાદ અમિતાભ બચ્ચન એક સુપરસ્ટાર બન્યા. ત્યાર બાદ એક એવો સમય આવ્યો કે તેમની પ્રોફેશનલ અને ફાઇનૅન્શ્યિલ કન્ડિશન ખૂબ જ નાજુક બની ગઈ. એ દિવસોમાં તેમણે જે રીતે, જે મળ્યા એ રોલ, કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની ખૂબ જ ટીકા થઈ હતી. સીમી ગરેવાલ સાથેના એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘તમારા જેવા કલાકાર, તમારી ગરિમાને ન છાજે એવા રોલ શા માટે કરે છે’, ત્યારે તેમણે જે જવાબ આપ્યો એ તેમના સંસ્કાર અને નિષ્ઠાનો પડઘો પાડે છે. ‘અત્યારે હું આર્થિક સંકટમાં છું. મારા માટે રોલ નહીં, કામ અગત્યનું છે. આજે મારે કોઈની ઑફિસમાં ઝાડું કાઢવું પડે તો એ પણ મને મંજૂર છે. મારા માથે જે દેવું છે એ ચૂકવવા માટે હું કંઈ પણ કામ કરવા તૈયાર છું. કોઈ કામ ઊંચું કે નીચું હોતું નથી. શરત એ છે કે તમે કામ કરો. જીવનનાં જે મૂલ્યો મારા માતા-પિતાએ મને શીખડાવ્યાં છે, એને હું ભૂલ્યો નથી. હું જેમ બને તેમ જલદીથી મારા પરનું ઋણ ચૂકવાઈ જાય એમ ઇચ્છું છું.’

ફિલ્મલાઇનમાં પૈસા હોવા છતાં હાથ ઊંચા કરી દેનારા અનેક લોકોના કિસ્સાઓ આપણે જાણીએ છીએ. ધાર્યું હોત તો અમિતાભ બચ્ચન એમ કરી શક્યા હોત, પણ એ જુદી માટીના માણસ છે. એટલે જ આજે તેના ચાહકો તેમને ‘મહામાનવ’ માને છે. ‘વર્ક ઇઝ વર્શિપ’ માનનારા અમિતાભ બચ્ચન આજે પણ એમ જ કહે છે, ‘હર દિન એક નયા સંઘર્ષ હૈ,’ આટલું કહી તે આ ઉંમરે સતત કાર્યશીલ રહીને, પોતાની સામાજિક જવાબદારીઓ જે રીતે નિભાવે છે ત્યારે કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ યાદ આવે.

‘કરું જો હું કામ, તો પ્રભુ દેતા માન

ગાઉં જો હું ગીત, તો પ્રભુ કરે પ્રીત’

અમિતાભ બચ્ચન સાથેના પરદેશના સ્ટેજ શોની વાતોનું અનુસંધાન સાધતાં આણંદજીભાઈ આગળ કહે છે;

‘અમિતાભ બચ્ચન સાથેનો અમારો પહેલો સ્ટેજ શો હ્યુસ્ટનમાં થયો. મુંબઈથી હું, કલ્યાણજીભાઈ, અમિતાભ બચ્ચન, બાબલા, વિજુ શાહ, દીપક શાહ, કાંચન, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, મનહર ઉધાસ અને લગભગ ૧૫ મ્યુઝિશિયન્સ અમેરિકા ગયા હતા. અમે સૌ એક્સાઇટેડ હતા. અમારી જેમ, ત્યાંના પ્રેક્ષકો માટે આ નવો અનુભવ હતો. પહેલો શો એકદમ હિટ ગયો.

બીજો શો અમારે ન્યુ યૉર્કના વિખ્યાત મેડિસન સ્ક્વેરમાં કરવાનો હતો. આ એ જ્ગ્યા હતી જયાં દુનિયાના વિખ્યાત કળાકારોના શો થતા હતા. લગભગ ૧૫,૦૦૦થી વધુ પ્રેક્ષકોનો ત્યાં સમાવેશ થઈ શકે એટલું મોટું વેન્યુ હતું. અમારી વાત સાંભળી ત્યાંની મૅનેજમેન્ટ નવાઈ પામી ગઈ. અમને કહે, ‘આર યુ શ્યૉર યુ વૉન્ટ ડુ ઇન્ડિયન મ્યુઝિક્લ શો હિયર?’ અમે કહ્યું. ‘યસ,’ એ કહે, ‘તમને ખબર છે, અહીંનું ભાડું ૨૦,૦૦૦ ડૉલર છે. એ ઉપરાંત બૅન્ક ગૅરન્ટી, ઇન્શ્યૉરન્સ અને બીજા ખર્ચા છે. અમારી પ્રૉપર્ટીને કંઈ પણ ડૅમેજ થશે તો પેનલ્ટી લાગશે. એ ઉપરાંત અમે ડ્રિન્ક અલાઉ નથી કરતા. કાચની બૉટલ અંદર નહીં લાવવા દઈએ. અહીં તો વિખ્યાત લોકોનો જ શો થાય છે. તમે તો હજી નવા છો. તમે આટલા પૈસા ભેગા કેવી રીતે કરી શકશો?’

‘અમે ૧૦૦ ડૉલરની ટિકિટ રાખવાના છીએ.’ અમારો જવાબ સાંભળી તે સમજ્યો કે આ લોકો ગાંડા લાગે છે. એક ટિકિટના ૧૦૦ ડૉલર કોણ આપશે? ત્યારે ત્યાં ૩૦ અને ૪૦ ડૉલરની ટિકિટો વેચાતી હતી, પણ અમને ખાતરી હતી કે આપણા લોકો આટલા પૈસા ખર્ચીને આવશે. ત્યાં શો કરવો એ દરેક આર્ટિસ્ટનું સપનું હોય છે, અમારે સૌએ એ સપનું સાકાર કરવું હતું. તે દિવસોમાં કેવળ લતા મંગેશકરના મ્યુઝિકના શો પરદેશમાં થતા હતા. અમારો વિચાર એવો હતો કે સંગીત ઉપરાંત બીજું મનોરંજન પણ પ્રેક્ષકોને આપવંહ છે.

આમ ત્યાંના પેપર્સમાં પબ્લિસિટી શરૂ થઈ. નસીબજોગે પહેલો શો હિટ ગયો એટલે માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ ખૂબ થઈ. ઍડવાન્સમાં જ શો હાઉસફુલ થઈ ગયો. ત્યાં સુધી કે ટિકિટ પર ૫૦થી ૧૦૦ ડૉલરનું પ્રીમિયમ બોલાવા લાગ્યું. આ બધું જોઈને થિયેટરનો મૅનેજર તો ગાંડો થઈ ગયો. શો શરૂ થયો અને શરૂઆતથી જ પબ્લિકનો જે રિસ્પૉન્સ મળ્યો તે અદ્ભુત હતો. આટલી મોંઘી ટિકિટ હતી એટલે ક્રાઉડ પણ એકદમ સૉફેસ્ટિકેટેડ હતું.

જ્યારે અમિતાભ બચ્ચન ‘મેરે અંગન મેં તુમ્હારા ક્યા કામ કામ હૈ’ ગાવાનું શરૂ કરે ત્યારે જે ધમાલ થતી એ જોવા જેવી હતી. ગાતા ગાતા તેમણે ‘ઑન ધ સ્પોટ’ નક્કી કર્યું કે ઑડિયન્સને સ્ટેજ પર ઇન્વાઇટ કરીએ. ગીતના એક એક અંતરા પર ‘જાડી, ગોરી, લાંબી, પાતળી સ્ત્રીઓ સ્ટેજ પર આવીને તેની સાથે ડાન્સ કરે. પછી તો દરેક સ્ટેજ શોમાં આ આઇટમ આ રીતે જ થાય. આમ પહેલી જ ટૂરથી અમારું નામ થઈ ગયું. એ પછી તો લંડન, સાઉથ, આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને અનેક જગ્યાએ દર વર્ષે અમારા શોની શરૂઆત થઈ ગઈ.

બીજે વર્ષે કૅનેડામાં અમારો શો નક્કી થયો હતો. એ સમયે ખાલિસ્તાનની ચળવળ જોરમાં હતી. એ કારણે અમારી પહેલાં કિશોરકુમારનો શો કૅન્સલ થયો હતો. જોકે અમને કૉન્ફિડન્સ હતો કે આપણે શો કરવો છે. અમને ખબર હતી કે ચાલુ શોમાં પબ્લિક ધમાલ કરશે. એ દિવસોમાં ૧૫થી વીસ હજારનું ક્રાઉડ શોમાં આવતું. આટલા મોટા શોમાં ધમાલ થાય તો ફિયાસ્કો થાય, પણ કોણ જાણે કેમ, અમને હતું કે આપણે સાંભળી લઈશું. સામાન્ય રીતે શરૂઆતમાં બે-ત્રણ સિંગર ગીતો ગાય એ પછી અમિતાભ બચ્ચનની એન્ટ્રી થાય. એ દિવસે અમે શરૂઆતમાં જ અમિતાભને સ્ટેજ પર બોલાવ્યા. તેમણે ગાવાનું શરૂ કર્યું. અમુક તોફાનીઓએ તેમના પર ઈંડા અને ટામેટાં ફેંકવાનું શરૂ કર્યું. અમિતાભ એનાથી વિચલિત થયા વિના ગાતા રહ્યા. એ સીન જોવા જેવો હતો. ઈંડાં અને ટામેટાથી બચવા અમિતાભ સ્ટેજ પર કૂદકા મારે. ગીત પૂરું થયું એટલે અમિતાભ કહે, ‘ભાઈઓ, આપકા બહુત બહુત શુક્રિયા. આપને જિસ તરહ અંડે ઔર ટમાટર સે સ્વાગત કિયા હૈ ઉસકે લિયે ધન્યવાદ. મુઝે પતા હૈ કે આપકે પાસ અભી ભી બહુત અંડે ઔર ટમાટર બચે હૈ, ઇસ લિયે મૈં થોડી દેર બાદ ફિર આઉંગા.’

આ પણ વાંચો : છ વર્ષની ઉંમરે ઊંઘમાંથી ઊઠીને વિજુ શાહે સ્ટેજ-શોમાં હાર્મોનિયમ પર નાગિનની ધૂન વગાડીને વાહ-વાહ મેળવી

તેમની આઇટમ પૂરી થઈ અને સ્ટેજ પર ઝાડું મારી બીજી આઇટમ શરૂ થઈ. ફરી પછી એ જ હાલત. ફરી એક વાર સ્ટેજ સાફ કર્યું. અમિતાભ પાછા આવ્યા અને પછી તો લોકો ધમાલ કરવાનું ભૂલી ગયા અને એન્જૉય કરવા લાગ્યા. આ શો એકદમ હિટ ગયો. શરૂઆતમાં લોકો મને કહેતા કે આ રિસ્ક લેવા જેવું નથી. મારો જવાબ હતો, ‘આ એક પૉલિટિક્લ ઇશ્યુ છે. મ્યુઝિક્લ નહીં, ગભરાયા વિના, ગરમ થયા વિના, શાંતિથી કામે લઈશું, તો કોઈ તકલીફ નહીં પડે. આવા સમયે અમને બાપુજીની શિખામણ બહુ કામમાં આવતી. દરેક કપરી પરિસ્થિતિનું નિવારણ હોય છે. પહેલાં પરિસ્થિતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે. એ જો સ્વીકારી લઈએ તો આપોઆપ એને પડકારવાનું બળ મળી રહે છે.

આણંદજીભાઈ સાથે રિહર્સલ કરતા અમિતાભ બચ્ચન.

columnists amitabh bachchan