સ્થિતિ અને સંજોગ: હવે ડાહ્યો માણસ એ જ કહેવાશે જે ઘરની બહાર નીકળવાનું ટાળશે

13 April, 2021 10:26 AM IST  |  Mumbai | Manoj Joshi

સાચે જ સ્થિતિ ખરાબ છે અને આ ખરાબ સ્થિતિ વચ્ચે ટકી રહેવું અત્યંત અગત્યનું છે

પ્રતીકાત્મક તસવીર

હા, આ જ હકીકત છે. તમે જુઓ, બૉલીવુડના ધુરંધર કહેવાય એવા લોકો પણ કોરોનાની હડફેટે ચડવા માંડ્યા છે અને છેલ્લા ૧૫ દિવસમાં એવા-એવા લોકો કોવિડ-સંક્રમણના શિકાર બન્યા છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. કહેવાનો મતલબ એટલો કે કરોડો અને અબજોની ઇન્કમ ધરાવતા આ સ્ટાર્સ પણ જો કોવિડના સંક્રમણથી બાકાત ન રહી શકતા હોય તો સામાન્ય લોકોની શું વિસાત કે તે બચી શકે. આ તબક્કે, આ સ્થિતિ અને આ સંજોગો વચ્ચે હવે ડાહ્યો માણસ એ જ કહેવાશે જે પોતાના ઘરની બહાર નીકળવા રાજી નથી. હા, કરવું એ જ પડશે અને એ જ સમજણ હવે ઇલાજ બનવાની છે.

કોવિડ-સંક્રમણ વચ્ચે ક્યાંય કોઈ ભેદભાવ નથી. કોવિડ-સંક્રમણમાં ક્યાંય કોઈ ઊંચ-નીચ જોવામાં નથી આવતું. એ તો એકલા અને બેદરકાર પર અટૅક કરવામાં માને છે. સાચે જ સ્થિતિ ખરાબ છે અને આ ખરાબ સ્થિતિ વચ્ચે ટકી રહેવું અત્યંત અગત્યનું છે. જેટલી વધારે દરકાર, જેટલી વધારે ચીવટ એટલી જ સહેલાઈથી આ સમયને કાઢવાની ક્ષમતા. ડરાવવાની કોઈ ગણતરી નથી, પણ ડર સિવાય જો તમે માનવા રાજી ન હો તો બહેતર છે કે તમે ડરો અને એ ડર તમને સલામત રાખે એવી અપેક્ષા રાખીએ.

ફરી એક વખત જુઓ તમે કે કોવિડ સેન્ટર શરૂ કરવાં પડ્યાં છે. બોરીવલીથી માંડીને ઘાટકોપર, થાણે, ગોરેગામ જેવાં સબર્બ્સમાં સેન્ટર શરૂ થઈ ગયાં છે. હૉસ્પિટલમાં જગ્યા રહી નથી. મેડિસિનમાં અછત દેખાવા માંડી છે અને એ અછત વચ્ચે જ રેમડેસિવિર ઇન્જેક્શન એક્સપોર્ટ કરવા પર પણ મનાઈ આવી ગઈ છે. જે પરિસ્થિતિ મુંબઈમાં છે એ જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે અને જે મહારાષ્ટ્રની અવસ્થા છે એ જ અવસ્થા આજે દેશભરની છે. આ સેકન્ડ વેવ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. કબૂલ. કબૂલ કે અમુક લોકો એવી દલીલ કરે છે કે એક વખત કોવિડ થઈ જાય તો નિરાંત; વાત પૂરી થાય, પણ એ થઈ ગયા પછી ટકી રહેવું વધારે હિતાવહ છે. કોવિડની સૌથી ખરાબ વાત જો કોઈ હોય તો એ કે એ શરીરમાંથી ગયા પછી એવી બીમારી આપતો જાય છે કે એને હૅન્ડલ કરવી અઘરી પડે. આજે અનેક હૉસ્પિટલમાં એવા કેસ છે જે દેખીતી રીતે ન્યુમોનિયા છે અને કોવિડ-ટેસ્ટ નેગેટિવ છે, પણ એ કોવિડના પ્રતાપે છે. એણે પોતાનું કામ કરી લીધું છે અને હવે અંદર એવી બીમારી મૂકી દીધી છે જે વકરી ગઈ છે અને પેશન્ટને બચાવવાની સંભાવના ઘટી ગઈ છે. બહેતર છે કે આવી વિટંબણા તમને કે તમારી ફૅમિલીને જોવી ન પડે, પણ એ માટે કરવું એટલું જ પડશે કે તમારે ઘરમાં રહેવું પડશે. લૉકડાઉન ન આવે એવા હેતુસર ખોટી રીતે બહાર ભટકવાનું બંધ કરવું પડશે અને સાથોસાથ એ પણ સમજવું પડશે કે કોવિડ નામ-સરનામું પૂછીને નહીં, બેદરકારી જોઈને ત્રાટકે છે. જો અક્ષયકુમાર અને આલિયા ભટ્ટ પણ એનાથી બાકાત ન રહી શકતાં હોય અને જો એ અબજોપતિનું ઘર જોઈને એમાં પણ ઘૂસી જતો હોય તો બહેતર છે કે આપણે હવે સમજી જઈએ અને સલામત અંતર સાથે, સ્વૈચ્છિક લૉકડાઉન સાથે જીવીએ જેથી કોવિડ અને લૉકડાઉન બન્ને ન આવે.

columnists manoj joshi