ભાદરવી પૂનમે અંબાજીનાં દર્શનનું માહાત્મ્ય કેમ?

20 September, 2021 09:19 AM IST  |  Mumbai | Shailesh Nayak

આજે જાણીએ કે દર પૂનમ કરતાં ભાદરવી પૂનમે માતાજીનાં દર્શનનું મહત્ત્વ કેમ છે અને એની પાછળ કેવી-કેવી લોકવાયકા સંકળાયેલી છે એ...

ભાદરવી પૂનમના પ્રસંગે અંબાજી મંદિરમાં દર્શન માટે આવેલા દર્શનાર્થીઓ.

અંબાજી માનો ભાદરવી પૂનમનો મેળો જગવિખ્યાત છે, કેમ કે આ અવસરે લાખો લોકો પગપાળા દર્શન કરવા આવે છે. આ વર્ષે પાંચ દિવસનો મેળો નહોતો, પણ મંદિરમાં લિમિટેડ સંખ્યામાં ભક્તોને દર્શન કરવાનો લહાવો મળ્યો હતો. આજે જાણીએ કે દર પૂનમ કરતાં ભાદરવી પૂનમે માતાજીનાં દર્શનનું મહત્ત્વ કેમ છે અને એની પાછળ કેવી-કેવી લોકવાયકા સંકળાયેલી છે એ...

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના સમન્વય સમા શક્તિપીઠ અંબાજીમાં દર પૂનમે દર્શન કરવા જનારા લોકોનો તોટો નથી. જોકે એમાંય દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે તો મહામેળો યોજાય. છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે પાંચ દિવસનો આ મેળો રદ થયો છે, પરંતુ બાધા, આખડી કે માનતા જે ભાવિકોએ માની હોય તેવા દર્શનાર્થીઓ માટે આ વર્ષે મંદિર ખુલ્લું જરૂર રહેશે. ભાદરવી પૂનમ અને એનો મેળો વિશિષ્ટ અને અનેરું મહત્ત્વ એ છે કે ભાદરવી પૂનમના આ દિવસોમાં ભાવિકો માતાજીના મંદિરે પદયાત્રા કરીને દર્શન કરવા જાય છે એનું કારણ જણાવતાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરત પાધ્યા કહે છે, ‘કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક એક ભાવ સાથે ભાવિકો કષ્ટ ભોગવીને જાય છે તો તમારી શ્રદ્ધાનું ફળ મળે છે. કોઈ ચાલીને જાય છે તો ઘણા દંડવત્ કરતા પણ જાય છે. હવે શારદીય નવરાત્રિ આવે છે. નવરાત્રિ પહેલાં શ્રાદ્ધ પક્ષમાં તો કોઈ ભાવિક માતાજીને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ પાઠવે નહીં એટલે ભાદરવી પૂનમના આ દિવસોમાં દર્શનાર્થીઓ જગદંબાને પોતાને ત્યાં પધારવા માટે ભાવથી આમંત્રણ આપતા હોય છે. શ્રાદ્ધના દિવસો બેસે એ પહેલાં જ આ કામ કરવામાં આવે છે.’
ગબ્બરનાં દર્શન 
પૂનમે દર્શન કરવા જાય ત્યારે કોઈ પણ શ્રદ્ધાળુ ગબ્બર ન જાય એવું ભાગ્યે જ બને. ગબ્બર પર માડીનાં ઊંચાં બેસણાં છે જ્યાં માતાજી હાજરાહજૂર છે ત્યારે આ ગબ્બરની દિવ્યતાની વાત કરતાં ભરત પાધ્યા કહે છે, ‘ગબ્બરના ગોખે માતાજી જ્યોતસ્વરૂપે બિરાજમાન છે. અહીં માતાજીનો પરંપરાગત દીવો છે. જો તમે રાતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઊભા હો અને માતાજીનાં દર્શન કરીને ઊંધા ફરી જાઓ તો ગબ્બર પર જ્યોતનાં દર્શન થાય છે.’ 
અંબાજીના ગબ્બર પર દર્શન કરવા માટે જો તમે ચડીને જતા હો તો વચ્ચે ઝૂલાનાં દર્શનની જગ્યા આવે છે જ્યાં શ્રદ્ધાળુઓ પહાડના પથ્થર પાસે તેમના કાન ટેકવીને કંઈક સાંભળવાનો પ્રયાસ કરતા જોવા અચૂક મળશે. એવી લોકવાયકા છે કે આ જગ્યાએ પહાડની અંદર આજે પણ હીંચકા પર બેસીને કોઈ ઝૂલતું હોય એવો અવાજ આવે છે. 
કોટેશ્વર ધામ 
અંબાજીને અડીને ડુંગરોની વચ્ચે કોટેશ્વર ધામ આવ્યું છે. આ પૌરાણિક સ્થળ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. સરસ્વતી નદી એ ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદીઓ પૈકીની એક છે. કોટેશ્વર મહાદેવના મંદિર સમીપથી આ નદી પ્રાદુર્ભાવ પામે છે ત્યારે સરસ્વતી નદીના નિર્મળ પવિત્ર જળની અલૌકિક દિવ્ય વાત કહેતાં ભરત પાધ્યા કહે છે, ‘કોટેશ્વરથી ઝરણાં સ્વરૂપે સરસ્વતી નદીનું પ્રાગટ્ય થાય છે. આ સરસ્વતી નદીના જળથી અંબાજી મંદિરમાં પૂજા-અભિષેક થાય છે. ગમે એટલો દુકાળ પડે તો પણ કોટેશ્વર પાસેથી વહેતું સરસ્વતી નદીનું ઝરણું ક્યારેય સુકાતું નથી. સરસ્વતી નદીનાં પાણી અહીંથી ઝરણા સ્વરૂપે સતત વહેતાં રહે છે.’ 
નદીનું નામ તેલિયા કેમ?
અંબાજી સાથે તેલિયા નદીની પણ લોકવાયકા જોડાયેલી છે. અંબાજી મંદિરમાં રાજભોગના રસોડે શુદ્ધ ઘીમાંથી તમામ રસોઈ બને છે. પૂરી-શાક અને ફરસાણ-મીઠાઈ સહિતની કોઈ પણ જમવાની વાનગીમાં તેલનો ઉપયોગ થતો જ નથી, શુદ્ધ ઘીનો જ વર્ષોથી ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે ઘણાં વર્ષો પહેલાં અંબાજી જવા માટે આબુબાજુથી જવાનો રસ્તો હતો. માતાજીના મંદિરે કોઈ દર્શનાર્થી આવતા હોય અને તેમણે જો માથામાં તેલ નાખ્યું હોય તો પહેલાં એ દર્શનાર્થીઓ નદીમાં પોતાનું માથું ધોઈ નાખતા અને પછી જ મંદિરમાં દર્શન માટે આવતા હતા. આ નદીમાં શ્રદ્ધાળુઓ તેલવાળું માથું ધોતા હોવાથી એ નદીનું નામ તેલિયા નદી પડી ગયું હતું. 

શિવશક્તિ પગપાળા સંઘ

અમદાવાદમાં આવેલા પૌરાણિક કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવશક્તિ પગપાળા સંઘ નીકળે છે એની વાત કરતાં ભાવિન શુક્લ કહે છે, ‘આ સંઘમાં પીતાંબર પહેરીને બ્રાહ્મણો જોડાય છે. માતાજીના મંદિરે જઈને નિશાન ચડાવવામાં આવે છે. પગપાળા અંબાજી જવું એ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે ત્યારે અમદાવાદમાંથી નીકળતા કેટલાક સંઘમાં તો આજે ચોથી-પાંચમી પેઢી ચાલતી હશે.’

૧૮૭ વર્ષથી ચાલીને અંબાજી જતો લાલ દંડાવાળો સંઘ

અંબાજી મંદિરે યોજાતા ભાદરવી પૂનમ મહોત્સવ સાથે અમદાવાદમાંથી પોણાબે સદીથી  નીકળતા લાલ દંડાવાળા સંઘની પણ આસ્થા–શ્રદ્ધા સાથેની વાત જોડાયેલી છે. લાલ દંડા સંઘ કેવી રીતે શરૂ થયો એની વાત કરતાં અને આ વર્ષે પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા લાલ દંડા સંઘના વ્યવસ્થાપક મિહિર વ્યાસ કહે છે, ‘લાલ દંડા સંઘ છેલ્લાં ૧૮૭ વર્ષથી પગપાળા અંબાજી જાય છે. વર્ષો અગાઉ અમદાવાદમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. એ જમાનામાં કોલેરાને કોગળિયું કહેતા. આ રોગથી નગરના નાગરિકો પરેશાન થઈ ગયા હતા ત્યારે નગરશેઠ હઠીસિંહે બ્રાહ્મણોને સાથે રાખીને નગરમાંથી કોલેરા દૂર થાય એ માટે માતાજીને અરજ કરી હતી. બાધા રાખી હતી કે આ મહામારી દૂર થશે તો ચાલતાં-ચાલતાં ધ્વજા ચડાવવા આવીશ. જગદંબાના આશીર્વાદથી નગરમાંથી મહામારી દૂર થઈ અને માનતા પૂરી કરી, એ ઘડીને આજનો દિવસ. વર્ષો પછી પણ આ ૧૮૭મું વર્ષ છે, આટલાં વર્ષોથી લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં ચાલતાં-ચાલતાં અંબાજી મંદિરે જાય છે અને ધ્વજા ચડાવે છે.’
લાલ દંડા સંઘ નામ કેવી રીતે પડ્યું એની પાછળ આ સંઘમાં જોડાવાના ચોક્કસ નિયમો છે એની વાત કરતાં મિહિર વ્યાસ કહે છે, ‘માતાજીની ધ્વજા લાલ હોય છે. દંડ છે એ પણ લાલ હોય છે. જે બ્રાહ્મણો સંઘમાં જોડાય છે તેઓ લાલ આબોટિયું પહેરે છે એટલે આ સંઘનું નામ લાલ દંડા સંઘ પડ્યું છે. પહેલાં તો આ સંઘમાં બ્રાહ્મણો જોડાતા હતા, હવે તો આસ્થા ને શ્રદ્ધા સાથે કોઈ પણ શ્રદ્ધાળુ જોડાય છે. સંઘ અંબાજી તરફ પ્રયાણ કરે એમાં સૌથી આગળ માતાજીનું ત્રિશૂળ, ધૂપિયું અને કમંડળ હોય છે. ધૂપ અવિરત ચાલુ હોય છે. ધૂપિયું એ ભૈરવદાદા છે અને એ રક્ષા કરે છે અને રસ્તો કરે છે. જે બ્રાહ્મણો સંઘમાં જોડાય તેઓ સાબુનો ઉપયોગ કરતા નથી. શૅમ્પૂ નહીં કરવાનું, માથામાં તેલ નહીં નાખવાનું, દાઢી નહીં કરવાની. આવા બધા નિયમ પાળીએ છીએ.’ 

પદયાત્રીઓની સેવામાં થાય છે ભંડારો
ગુજરાત ઉપરાંત મુંબઈથી પણ અને ભારતભરમાંથી તથા વિદેશમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા કે પછી અન્ય રીતે ભાદરવી પૂનમના પર્વ પ્રસંગે દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે તેમની સેવામાં ભંડારામાં ભાવતું ભોજન પીરસાય છે. અંબાજી ભાદરવી પૂનમના પ્રસંગે હિંમતનગર પાસે આવેલા વક્તાપુર ખાતે રોકડિયા હનુમાનદાદાના મંદિરે શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળનો તેમનો સેવાનો કૅમ્પ ૨૪ કલાક ધમધમી ઊઠે છે. ભોજન-પ્રસાદની સાથે તેમની ટીમના સેવાભાવી સ્વયંસેવકો થાકેલા પદયાત્રીઓ માટે પગની માલિશની સેવા કરીને પદયાત્રીઓનો થાક ઉતારીને હળવાફૂલ બનાવી દે છે. વર્ષોથી પદયાત્રીઓની સેવા કરતા અતુલ પટેલ કહે છે, ‘આ બધી સેવા ઈશ્વર કરાવે છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ. અમે અંબાજી પદયાત્રીઓ માટે પાંચ દિવસ ભંડારો કર્યો હતો. શીરો, પૂરી-શાક, ગોટા, જલેબી, મોહનથાળ, ફાડા લાપસી, દૂધપાક, ખીર, લાડુ, ફૂલવડી, ચણા-પૂરી, જીરા રાઇસ-દાલફ્રાય, ખીચડી–કઢી, ફરાળી સૂકી ભાજી સહિતની અલગ-અલગ ગરમાગરમ વાનગીઓ રોજેરોજ અમે પદયાત્રીઓને પીરસીએ છીએ. અમારી ૮૦ જેટલા સેવાભાવીઓની ટીમ છે જે પદયાત્રીઓની સેવા કરવા આવે છે.’

columnists shailesh nayak