ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો ટૂંકો કાર્યકાળ શા માટે નુકસાનકારક છે?

11 September, 2022 02:46 PM IST  |  Mumbai | Raj Goswami

આ એક વ્યવસ્થાની જ ‘ખામી’ કહી શકાય કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિઓનો સરેરાશ કાર્યકાળ ૧.૫ વર્ષનો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

તદનુસાર, ભારતના ૨૨મા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ કમલ નારાયણ સિંહનો કાર્યકાળ સૌથી ઓછો, ૧૭ દિવસનો હતો (૨૫ નવેમ્બર ૧૯૯૧-૧૨ ડિસેમ્બર ૧૯૯૧), જ્યારે ૧૬મા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સૌથી વધુ, સાત વર્ષ સુધી, એ પદ પર રહ્યા હતા (ફેબ્રુઆરી ૧૯૭૮ – જુલાઈ ૧૯૮૫).

"૭૦ વર્ષમાં ભારતે ૪૯ મુખ્ય ન્યાયમૂર્તિઓ જોયા છે. આ આંકડો ઘણો મોટો કહેવાય. એ નિશ્ચિતપણે જરૂરી છે કે આ પ્રશ્નનો તાકીદે હલ લાવવો જોઈએ. એવું નથી કે જવાબદાર લોકોએ આ મુદ્દા પર વિચાર્યું નથી."

આ સ્થાનેથી, ૨૮મી ઑગસ્ટે  ‘ક્રૉસલાઇન’માં, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થઈ રહેલા ૪૮મા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એન. વી. રમણના કાર્યકાળની ચર્ચા કરી હતી. એ વાંચીને, ‘મિડ-ડે’ના વાચક જિમિત જોશીએ એક ગંભીર અને મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે; સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનો કાર્યકાળ એક વર્ષથી ઓછો કેમ હોય છે? એમાં કોઈનાં હિત હોય છે? કે પછી સિસ્ટમની ખામી છે? આટલા ટૂંકા ગાળામાં એક વ્યક્તિ દેશ માટે શું કરી શકે? આ પૈસાનો વ્યય નથી?

જિમિતભાઈને આ પ્રશ્નો થયા તેનાં મુખ્ય ત્રણ કારણો છે; નિવૃત્ત જસ્ટિસ રમણ આ પદ પર ૧૬ મહિના રહ્યા હતા અને તેમના સ્થાને જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ૭૪ દિવસ માટે આ પદ પર આવ્યા છે (તેઓ ૨૨ નવેમ્બરે નિવૃત્ત થશે). યોગાનુયોગ એવો થયો કે જસ્ટિસ રમણની નિવૃત્તિના દિવસે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાયમૂર્તિઓ માટેના નિયમો બદલીને, તેમને આજીવન ડ્રાઇવર, ઘરનોકર અને સહાયક, પાંચ વર્ષ માટે અંગત સુરક્ષા, માસિક ફોન/ઇન્ટરનેટ બિલ, છ મહિના માટે ઘર આપવાનું નક્કી કર્યું હતું. 
પ્રશ્ન વાજબી છે. બંધારણમાં સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિવય ૬૫ વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે. એટલે, પ્રત્યેક મુખ્ય ન્યાયમૂર્તિનો કાર્યકાળ તેમની બઢતીની તારીખથી ગણાય છે. મુખ્ય ન્યાયમૂર્તિની પસંદગી સિનિયૉરિટીના આધારે થાય છે.

મોટા ભાગના જજો જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિપદ માટે લાયક બનતા હોય છે, ત્યારે તેઓ તેમની નિવૃત્તિની વય સુધી પહોંચી ગયા હોય છે. પરિણામે, ન્યાયવ્યવસ્થાની સમસ્યાઓ સમજવા માટે અને એમાં નોંધપાત્ર પ્રદાન કરવા માટે તેમની પાસે મર્યાદિત દિવસો જ હોય છે.

આ એક વ્યવસ્થાની જ ‘ખામી’ કહી શકાય કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિઓનો સરેરાશ કાર્યકાળ ૧.૫ વર્ષનો હોય છે. તદનુસાર, ભારતના ૨૨મા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ કમલ નારાયણ સિંહનો કાર્યકાળ સૌથી ઓછો, ૧૭ દિવસનો હતો (૨૫ નવેમ્બર ૧૯૯૧-૧૨ ડિસેમ્બર ૧૯૯૧), જ્યારે ૧૬મા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સૌથી વધુ, સાત વર્ષ સુધી, એ પદ પર રહ્યા હતા (ફેબ્રુઆરી ૧૯૭૮-જુલાઈ ૧૯૮૫).

ઉપર જોયું તેમ, મુખ્ય ન્યાયમૂર્તિઓના કાર્યકાળમાં વિસંગતતાને કારણે, ‘મિડ-ડે’ના વાચકની જેમ, અનેક લોકોના મનમાં પ્રશ્નો ઊભા થાય છે. ઘણા લોકો એવું માને છે કે વિસંગત અવધિના કારણે કોલેજિયમ (જે ન્યાયમૂર્તિઓનાં નામોની ભલામણ કરે છે) અને સુપ્રીમ કોર્ટના કામકાજમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. ભારતમાં ન્યાયિક સુધારનો મુદ્દો ઘણા વખતથી લટકેલો રહ્યો છે, એનું કારણ પણ મુખ્ય ન્યાયમૂર્તિઓની ટૂંકી અવધિ છે. કેસોના ભરાવાથી લઈને ઝડપી સુનાવણીઓ અને ન્યાયની ગુણવત્તાને લઈને દેશની અદાલતોની હાલત દયનીય છે અને મુખ્ય ન્યાયમૂર્તિ પાસે પૂરતો સમય હોય તો જ તે તેઓ તે દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી શકે છે.

આ વિસંગતતા આઝાદી પછી શરૂ થઈ છે. એ કારણ છે કે ૭૦ વર્ષમાં ભારતે ૪૯ મુખ્ય ન્યાયમૂર્તિઓ જોયા છે. આ આંકડો ઘણો મોટો કહેવાય. એ નિશ્ચિતપણે જરૂરી છે કે આ પ્રશ્નનો તાકીદે હલ લાવવો જોઈએ. એવું નથી કે જવાબદાર લોકોએ આ મુદ્દા પર વિચાર્યું નથી.

ન્યાયિક સુધાર માટે કામ કરતા લૉ કમિશને પણ મુખ્ય ન્યાયમૂર્તિઓની અવધિની વિસંગતિને લઈને ધ્યાન દોર્યું છે. કમિશનના ચૅરપર્સને સૂચન કર્યું છે કે મુખ્ય ન્યાયમૂર્તિનો કાર્યકાળ બે વર્ષ સુધી નિશ્ચિત હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ૪૭મા મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ બોબડેનો જ્યારે વિદાય સમારંભ યોજાયો (તેમનો કાર્યકાળ ૧૮ મહિનાનો હતો), ત્યારે ભારતના ઍટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, ‘ઘણા વખતથી પડતર ન્યાયિક સુધારનો અમલ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો કાર્યકાળ ઓછામાં ઓછાં ત્રણ વર્ષનો હોવો જોઈએ.’

સુપ્રીમ કોર્ટના, એક વર્ષ માટે, ૪૦મા મુખ્ય ન્યાયમૂર્તિ પલાનીસ્વામી ગૌન્દર સંથાશિવમે તેમની નિવૃત્તિ પહેલાં એકરાર કર્યો હતો કે તેમના કાર્યકાળ દરમ્યાન તેઓ ઘણું કરવા માગતા હતા, પરંતુ સમય મળ્યો નહોતો. તેમણે કહ્યું હતું કે સરકારી અમલદારોની જેમ મુખ્ય ન્યાયમૂર્તિનો સમય નિશ્ચિત હોવો જોઈએ. તેમણે પણ ભલામણ કરી હતી મુખ્ય ન્યાયમૂર્તિની અવધિ બે વર્ષની હોવી જોઈએ. અન્ય એક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ તીરથ સિંહ ઠાકુરે (૧૩ મહિના) કહ્યું હતું કે જો જજો પરના કેસોનું ભારણ જો ઓછું કરવામાં ન આવે, અન્ય ક્ષેત્રોમાં સુધારા વ્યર્થ સાબિત થશે અને ફરિયાદીઓ ન્યાય માટે ભટકતા રહેશે.

કોઈને એવો પ્રશ્ન થાય કે સુપ્રીમ કોર્ટના અન્ય જજો કેમ સુધારાનું કામ ન કરી શકે? તો એનો જવાબ એ છે કે મુખ્ય ન્યાયમૂર્તિ પાસે પુષ્કળ સત્તા હોય છે. મુખ્ય ન્યાયમૂર્તિ ‘માસ્ટર ઑફ ધ રોસ્ટર’ કહેવાય છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક મિશ્રાએ એક વાર કહ્યું હતું કે મુખ્ય ન્યાયમૂર્તિને બેન્ચોનું ગઠન કરવાની અને તેમને કેસો સોંપવાની સત્તા હોય છે. કોઈ જજ પાસે તેની જાતે કેસ હાથમાં લેવાનો અધિકાર નથી હોતો. દેશના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિનાં પદ જો ખાલી હોય, તો મુખ્ય ન્યાયમૂર્તિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરવા બંધાયેલા છે. બંધારણીય સત્તાની સીડીમાં, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ છઠ્ઠા ક્રમે આવે છે. એના પરથી સમજાય છે કે તેમનો કાર્યકાળ કેમ મહત્ત્વનો છે.

બીજા દેશોમાં જુદી વ્યવસ્થા છે. અમેરિકામાં મુખ્ય ન્યાયમૂર્તિની અવધિ આજીવન હોય છે. મતલબ કે તેઓ મૃત્યુ ન થાય ત્યાં સુધી, રાજીનામું ન આપે ત્યાં સુધી અથવા તેમને મહાભિયોગ મારફતે દૂર કરવામાં આવે ન ત્યાં સુધી પદ પર ચાલુ રહે છે. એટલા માટે અમેરિકામાં ૧૭૯૦માં કોર્ટની રચના કરવામાં આવી એ પછી માત્ર ૧૭ મુખ્ય ન્યાયમૂર્તિઓ પદ પર રહ્યા છે. ઇંગ્લૅન્ડમાં, મુખ્ય ન્યાયમૂર્તિની નિવૃત્તિની વય, ભારત કરતાં ૧૦ વર્ષ વધુ, ૭૫ વર્ષની છે.

ભારતની સરખામણીમાં, આ બે આધુનિક અને પ્રગતિશીલ દેશોમાં ન્યાયિક વ્યવસ્થા કેમ વધુ ગુણવત્તાવાળી છે એનાં બીજાં રાજકીય-સામાજિક કારણો તો છે, પરંતુ એક કારણ મુખ્ય ન્યાયમૂર્તિને બદલાતા સમયની સાથે લાંબા ગાળાનું નક્કર યોગદાન આપવા માટે પૂરતો સમય મળી રહે છે. ભારત માટે તો એક વધારાનું કારણ તેની જટિલ સામાજિક રચના છે. આપણે ત્યાં સમાજ જે રીતે વિવિધતાઓ, અનેક ક્યારેક વિરોધાભાસોથી ભરેલો છે અને ગરીબી તેમ જ નિરક્ષરતાનું પ્રમાણ જેટલું વધુ છે તે જોતાં ન્યાયિક વ્યવસ્થા સામે અનેક પ્રકારના પડકારો આવતા રહે છે અને એટલે જ તેના વડા તરીકે જે વ્યક્તિ હોય તેની પર સમયની તલવાર લટકતી ન હોવી જોઈએ.

મુખ્ય ન્યાયમૂર્તિ હજુ પલાણ છોડે એ પહેલાં તો તેમનો ઘોડો જવા માટે હણહણતો હોય તે મૅનેજમેન્ટના પાયાના ત્રણ સિદ્ધાંતની વિરુદ્ધ છે.

એક, આખા દેશને લગતી જવાબદારીઓ જેમની પાસે હોય એવાં સિનિયર પદો પર વ્યક્તિની નિમણૂક ઓછામાં ઓછી ત્રણ વર્ષની હોવી જોઈએ, જે તે વહીવટી સમસ્યાઓ સરખી રીતે સમજી શકે અને એનાં ઉચિત સમાધાન શોધીને લાગુ કરી શકે.

બે, સિનિયર પદો પર માત્ર અનુભવની સિનિયૉરિટીના આધારે નિમણૂક થાય એની સાથે-સાથે તે પદ માટે તાલીમ મળે એ પણ જરૂરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ પાસે પૂરતો કાર્યકાળ હોય, તો તેઓ તેમના ઉચિત અનુગામીને એના માટે તૈયાર કરી શકે. આ સમય માગી લે તેવું કામ છે.

અને ત્રણ, વહીવટી કામોમાં સતત પ્રગતિ થવી અનિવાર્ય છે, કારણ કે સમાજ સતત બદલાતો રહે છે. મુખ્ય ન્યાયમૂર્તિપદ પર ટૂંકા ગાળે થતા વારંવારના ફેરફારોથી પ્રગતિની પ્રક્રિયા ખોરવાય છે, કારણ કે દરેક નવા જસ્ટિસનો સમય પ્રક્રિયાને ધક્કો મારવાના બદલે એને સમજવામાં ખર્ચાઈ જાય છે. ભારતમાં ન્યાયિક વ્યવસ્થા બાવા આદમના જમાનાની જેમ કામ કરે છે એનું મુખ્ય કારણ આ છે.

ઇન ફૅક્ટ, ખુદ એન. વી. રમણે તેમની નિવૃત્તિના થોડા દિવસ પહેલાં આ જ વાતનો ઇશારો કર્યો હતો. અમેરિકન સુપ્રીમ કોર્ટના જજ સ્ટીફન બ્રેયર સાથે એક વેબિનારમાં બોલતાં જસ્ટિસ રમણે કહ્યું હતું કે, ‘૬૫ વર્ષ એ નિવૃત્ત થવાની વય નથી. ભારતની ન્યાયિક વ્યવસ્થામાં અમે નોકરીમાં જોડાઈએ એ જ દિવસે અમને નિવૃત્તિની તારીખ પણ ખબર હોય છે. એમાં કોઈ અપવાદ નથી.’
બાય ધ વે, જસ્ટિસ સ્ટીફન બ્રેયર ૮૩ વર્ષના છે અને ૨૭ વર્ષથી વર્તમાન પદ પર હતા. ગયા જૂન મહિનામાં તેમણે સ્વેચ્છાએ પદ છોડ્યું, જેથી અમેરિકાનાં પહેલાં અશ્વેત મહિલા જજ કેતનજી બ્રાઉન જૅક્શન તેમના સ્થાને આવ્યાં.

columnists raj goswami