ઘર્ષણથી ‘થાકેલા’ પ્રધાનને વડા પ્રધાન મોદીએ રાહત આપી અને બીજાને રાજસ્થાન-કેન્દ્રી બનાવ્યા!

21 May, 2023 02:49 PM IST  |  Mumbai | Vishnu Pandya

નવી દિલ્હીના શાનદાર શાસ્ત્રી ભવનના ચોથા માળે મે મહિનાની ૧૮મીએ ગુરુવારે થોડી હલચલ વધી ગઈ હતી. કાનૂન પ્રધાન કિરેન રિજિજુ પાસેથી એ વિભાગ લઈ લેવાયો હતો અને તેમના સ્થાને અર્જુનસિંહ મેઘવાલને મૂકવામાં આવ્યા

કિરેન રિજિજુ અને અર્જુનસિંહ મેઘવાલ

કિરેન રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન સોંપવામાં આવ્યું, જે જિતેન્દ્રસિંહ પાસે હતું. ઘણી વાર પ્રધાનમંડળમાં જે-તે વિભાગના નિષ્ણાત કે જાણકાર ન હોય તેમને પણ એ વિભાગ સોંપી દેવામાં આવે એવું બને છે. સૌરાષ્ટ્ર સરકાર દરમ્યાન ચંદ્રસિંહજી ભાડવા દરબાર બોલકા વિરોધી નેતા હતા. 

કેન્દ્ર સરકારમાં આવો ફેરફાર થાય અને એ પણ કાનૂન જેવા ખાતામાં તો ચર્ચાનાં વમળ ન થાય એવું કેમ બને? અગાઉ ભૂતપૂર્વ કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ જેવા જેપી આંદોલનમાંથી આવેલા. ધારાશાસ્ત્રી રવિશંકર પ્રસાદને પણ મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારથી કહેવાતું કે આ કાયદા વિભાગના પ્રધાન થવું એ જ્વાળામુખી જેવું છે, ક્યારે ફાટે એ કહેવાય નહીં. રવિશંકર સમયે તો બીજા ઘણા ‘મોટા’ પ્રધાનોને મુક્ત કરાયા હતા. આ વખતે માત્ર ત્રણ-ચારનો વારો આવ્યો, એમાં રાજ્યકક્ષાના અર્જુનસિંહ મેઘવાલને બઢતી મળી અને કિરેન રિજિજુનું ખાતું સોંપીને સિનિયર બનાવી દેવામાં આવ્યા!

કિરેન રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન સોંપવામાં આવ્યું, જે જિતેન્દ્રસિંહ પાસે હતું. ઘણી વાર પ્રધાનમંડળમાં જે-તે વિભાગના નિષ્ણાત કે જાણકાર ન હોય તેમને પણ એ વિભાગ સોંપી દેવામાં આવે એવું બને છે. સૌરાષ્ટ્ર સરકાર દરમ્યાન ચંદ્રસિંહજી ભાડવા દરબાર બોલકા વિરોધી નેતા હતા. ઢેબરભાઈની સરકાર વિશે તેઓ કહેતા કે ‘જે માણસે કોઈ દિવસ બંદૂકડી પણ પકડી ન હોય તેને ગૃહપ્રધાન બનાવવામાં આવે અને ખેતરમાં હળ ચલાવતાં ન આવડતું હોય તેને કૃષિપ્રધાન બનાવવામાં આવે છે!’ જોકે હોશિયાર રાજકીય નેતાઓ જ્યાં, જે ખાતું મળ્યું હોય ત્યાં થોડા દિવસોમાં જાણકાર થઈ જાય છે. જિતેન્દ્રસિંહ ભૂ-વિજ્ઞાન વિભાગના પ્રધાન હતા, પણ તેમનો રસનો વિષય બીજો હતો. રાજકીય ફટકાબાજીમાં તેઓ માહેર હતા. તેમના સ્થાને હવે રિજિજુ આવ્યા. તેમનો બચપણનો શોખનો વિષય ગૂગલ અર્થ, કલાઇમૅટોલૉજી, ઓશનોગ્રાફી અને કાર્ટોગ્રાફી રહ્યા હતા. ૧૯ મેએ શુક્રવારે પોતાનો વિભાગ સંભાળ્યો ત્યારે પત્રકારોને બીજા પ્રશ્નોમાં રસ હતો, પણ આનાથી શરૂઆત કરી. પછી આવ્યો મહા-પ્રશ્ન, ‘તમે કાનૂન પ્રધાન તરીકે કઈ ભૂલ કરી કે ત્યાંથી હટાવવામાં આવ્યા?’ એનો જવાબ આપતાં રિજિજુએ કહ્યું કે કોઈ ભૂલ નહોતી. વડા પ્રધાનને એ અધિકાર છે કે જુદી-જુદી જવાબદારી સોંપવી. એટલે મને આ ખાતું સોંપવામાં આવ્યું અને આગામી વર્ષોમાં ‘વિઝન ઑફ ડેવલપ્ડ ઇન્ડિયા ૨૦૪૭’ માટે મહત્ત્વની ભૂમિકા અદા કરવાનું કામ આ વિભાગનું છે. વડા પ્રધાનના વિચારોનું આ પરિણામ છે, પણ જે વમળ દેખાયાં છે એ સામાન્ય નથી એવું માનનારા માથું ધુણાવે છે. એની પાછળ કારણ પણ છે. કાનૂન મંત્રાલયનો સીધો સંબંધ ન્યાયતંત્ર સાથે છે. સંસદીય લોકશાહીમાં બંધારણના ઘડવૈયાઓએ ન્યાયતંત્રને મહત્ત્વ આપ્યું એ બધા ધારાશાસ્ત્રીઓ હતા એટલા માટે નહીં, પણ સંસદ, કારોબારીમાં ક્યાંય અતિરેક દેખાય કે અવરોધ જોવા મળે અને નાગરિક અધિકારોની સુરક્ષા જળવાય નહીં તો ન્યાયતંત્ર એના મજબૂત ઉપાય તરીકે રહે એવી માન્યતા ધરાવતા હતા. બાબાસાહેબ આંબેડકર ‘નિષ્પક્ષપાતી ન્યાય’ના પુરસ્કર્તા હતા, પણ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલતના સિનિયરોને અવગણીને ન્યાયમૂર્તિઓને બઢતી આપી ત્યારે ઇન્દિરા-પ્રધાનમંડળના ભૂતપૂર્વ સામ્યવાદી પ્રધાન પી. કુમારમંગલમે એને ‘કમિટેડ જુડિશ્યરી’ કહી હતી. કમિટમેન્ટ પણ કોનું, કોઈ એક પરિબળનું કે પ્રજા માટેના વિશ્વસ્ત ન્યાયનું? એ સવાલ વર્ષોથી લટકતો રહ્યો છે. વર્તમાન સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ છે ધનંજય યશવંત ચંદ્રચૂડ. એક વાર દલીલોના માહોલમાં તેમણે કાનૂન પ્રધાન રિજિજુને કહ્યું કે તે જન્મ્યા ત્યારે મારી વય ૧૨ વર્ષની હતી! વય-વરિષ્ઠતા માટે આ મજાક કહેવાય. એ સમયે તો રિજિજુએ હળવાશમાં જ જવાબ આપ્યો હતો, પણ એવા અનેક પ્રશ્નો હતા જેનો ખુલાસો ન્યાયતંત્રે આપવો જોઈએ એમ રિજિજુ પોતે માનતા હતા. તેમણે પણ કાનૂનનો અભ્યાસ કરીને પદવી મેળવી હતી. પિતા રાજકારણમાં હતા, અરુણાચલ વિધાનસભાના પહેલા અધ્યક્ષ એટલે સ્વાભાવિક રીતે રાજકારણમાં રસ પડ્યો. દિલ્હીની હંસરાજ કૉલેજ અને દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કર્યો, પદવી મેળવી. શરૂઆત ખાદી ગ્રામોદ્યોગના સભ્ય તરીકે, પછી લોકસભામાં બે વાર જીત. કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન બન્યા. યુવા, રમત વિભાગ પણ સાંભળ્યો. ૨૦૨૧માં નરેન્દ્ર મોદીએ તેમને કાનૂન મંત્રાલય સોંપ્યું.

અદાલતોનાં પણ બે રૂપ છે. એક ન્યાય આપવાનું, બીજું; ધારાશાસ્ત્રીઓ, ન્યાયમૂર્તિઓ, વડી અદાલત, હાઈ કોર્ટ, વકીલ મંડળ, બેન્ચ, વિવાદી બાબતોની ટ્રિબ્યુનલો, સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત, ન્યાયમૂર્તિઓની નિયુક્તિ, નિવૃત્તિ, કોલેજિયમ પ્રથા, નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂકો... આમાં ન્યાય પ્રાપ્ત કરવામાં વિલંબ, ‘નૉટ બિફોર મી’નું વલણ, સંસદમાં થયેલા કાયદાઓ વિશે ચુકાદાઓ, ચૂંટણીમાં ઉમેદવારી અને જીત-હાર પર સુનાવણી અને ચુકાદાઓ. છેક ૧૯૫૨થી આ બધી વૃત્તિ-પ્રવૃત્તિને કારણે સંસદની સર્વોપરિતા કે ન્યાયતંત્રની, એ સવાલ વારંવાર ઊઠે છે. કેટલાક કાયદા અને કેટલાક રાજકીય મહાનુભાવોને પડકાર પણ ફેંકાયો છે. શાહબાનુ કેસ તાજો નમૂનો છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અપીલ અલાહાબાદમાં થઈ અને એ ચૂંટણી અનૈતિક હતી એવું સાબિત કરતાં ન્યાયમૂર્તિએ એ સમયે વડા પ્રધાન તરીકે રહેલાં શ્રીમતી ગાંધીને ગેરલાયક ઠેરવ્યાં અને આગળ મુકદ્દમો ચાલે ત્યાં સુધી સંસદગૃહમાં મત આપવાનો અધિકાર ખેંચી લેવામાં આવ્યો. કટોકટી દરમ્યાન મિસા હેઠળના અટકાયતીઓની જેલ-મુક્તિ માટેની હેબિયસ કૉર્પસ અરજીઓનો સાગમટો કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલ્યો ત્યારે હાલના વડા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડના પિતાશ્રી એ જ સ્થાને હતા અને તેમણે સરકારી નિર્ણયને ટેકો આપતો ચુકાદો આપ્યો હતો.

આ કિસ્સાઓના પડછાયા જેવી બાબતો વર્તમાનમાં પણ હતી, રિજિજુ એના પર બોલતા અને કહેતા કે સંસદ પ્રજાએ ચૂંટેલું બંધારણીય ગૃહ છે. ન્યાયાધીશોએ સીધા પ્રજાની વચ્ચે કામ કરવાનું હોતું નથી. કોલેજિયમ પર વધુ ઘર્ષણ રહ્યું. સાચી વાત એ છે કે કેટલાક વિવાદોથી રિજિજુ થાક્યા હતા, એટલે વડા પ્રધાને તેમનો વિભાગ બદલાવ્યો, તેમની જગ્યાએ આવેલા અર્જુનસિંહ રાજસ્થાનથી આવે છે. ૧૬ ટકા દલિતોમાં ૬૦ ટકા મેઘવાલ છે. અર્જુન આઇએએસ અને સમાજસેવી છે. તેમની સરળતાને લીધે ‘સાઇકલ પ્રધાન’ તરીકે જાણીતા છે. રાજસ્થાનમાં એકલાં વસુંધરા રાજે નહીં, પણ મેઘવાલ પણ આવી રહેલી ચૂંટણીમાં વધુ પ્રભાવી રહે એટલે રાજ્યકક્ષાથી તેમણે કેન્દ્રીય પ્રધાન બનાવ્યા છે. જોઈએ, હવે પછીના પ્રધાન બદલાવમાં કોણ, ક્યાં પહોંચે છે અને કોણ મુક્ત થાય છે. ૨૦૨૪ પહેલાં આવું બનતું રહેશે.

columnists indian politics