શક્તિ જ્યારે તમારી પાસે છે ત્યારે શા માટે સમય ખેંચવાની માનસિકતા રાખવી છે?

20 June, 2022 11:55 AM IST  |  Mumbai | Manoj Joshi

કેટલા લોકો એવા છે જેઓ નિયમિત યોગ કરે છે અને કેટલા એવા છે જેઓ પોતાના ફાજલ સમયમાં યોગ થકી સર્વોચ્ચ માનસિકતા બિલ્ટ-અપ કરવાનો પ્રયાસ કરે છે?

શક્તિ જ્યારે તમારી પાસે છે ત્યારે શા માટે સમય ખેંચવાની માનસિકતા રાખવી છે?

આવતી કાલે વિશ્વ યોગ દિવસ છે અને આ દિવસ આપણને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કારણે મળ્યો છે એ આપણે સૌ જાણીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કારણે જ્યારે યોગને વૈશ્વિક ઓળખ મળી ગઈ છે ત્યારે પણ કેટલા લોકો એવા છે જેઓ આજે આ યોગ દ્વારા પોતાના સ્વાસ્થ્યને વધારે મજબૂત કરવાની દિશામાં કામ કરે છે? કેટલા લોકો એવા છે જેઓ નિયમિત યોગ કરે છે અને કેટલા એવા છે જેઓ પોતાના ફાજલ સમયમાં યોગ થકી સર્વોચ્ચ માનસિકતા બિલ્ટ-અપ કરવાનો પ્રયાસ કરે છે?
જવાબ છે, બહુ ઓછા. કહો કે ભાગ્યે જ કોઈક.
યોગ એકમાત્ર એવી શરીર-ચિકિત્સા ધરાવે છે જે દર્શાવે છે કે શક્તિ અને ક્ષમતા તમારી અંદર અકબંધ છે. યોગ એકમાત્ર એવી સાધના છે જે દર્શાવે છે કે શરીર પાસે અખૂટ તાકાત છે, પણ એને બહાર લાવવી પડશે અને એ પછી પણ શરમની વાત એ છે કે આ વાતને માનવા-સમજવા અને એને સ્વીકારવા માટે ભાગ્યે જ કોઈ રાજી હોય છે. યોગ માટે સમય કાઢવો પડશે અને એ સમય કાઢશો તો જ તમને તમારામાં રહેલી પેલી અખૂટ શક્તિનો પરિચય થશે, પણ કહ્યું એમ, તમારે સમય કાઢવો પડશે.
આપણો મોટામાં મોટો પ્રૉબ્લેમ જો કોઈ હોય તો એ છે માનસિકતાનો. આપણી પાસે સમય નથી એવી જે માનસિકતા આપણે મનમાં મોટી કરતા રહીએ છીએ એ જ માનસિકતા આપણને સતત હેરાન કરવાનું કામ કરે છે. ક્યારેય ભૂલવું નહીં કે જેની પાસે સમય હોય છે તે પણ પોતાનું બધું કામ ૨૪ કલાકમાં પૂરું કરે છે અને જેની પાસે સમય નથી તેની પાસે કંઈ ૨૪ કલાકથી નાનો દિવસ ભગવાને આપ્યો નથી. જે પ્રૉબ્લેમ છે એ પ્રૉબ્લેમ છે માનસિકતાનો. તમારે નક્કી કરવાનું છે કે તમે તમારા સમયનો ઉપયોગ કેવી રીતે કરો અને તમે તમારા સમયનો કેવો સદુપયોગ કરો એ તમારે જોવાનું છે. 
એક વાત યાદ રાખજો કે જીવનમાં કોઈની પાસે નિશ્ચિત કલાકો સિવાયનો દિવસ હોતો નથી અને જીવનમાં ક્યારેય કોઈની પાસે અનુબંધિત સમય કરતાં વધારે સમય હોતો નથી. વાત છે એ માત્ર તમારા આયોજનની અને તમારી પ્રતિબદ્ધતાની છે. દિવસ દરમ્યાન તમે ક્યાંથી કેવી રીતે સમયનો વેડફાટ ઓછો કરો છો અને કેવી રીતે તમે એ સમયનું ઇન્વેસ્ટમેન્ટ જીવનમાં કરો છો એ વાત અત્યંત મહત્ત્વની છે અને આ જ મહત્ત્વની વાત શીખવવામાં, સમજાવવામાં યોગ મદદગાર છે. ક્યારેય ભૂલતા નહીં કે જે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે એ જ માણસ પોતાના સમયનું મૂલ્ય શ્રેષ્ઠ રીતે સમજી શકે છે.
સમય કાઢીને યોગ જેવી પ્રવૃત્તિમાં એ સમયનું વાવેતર કરવું એ જીવનનું ધ્યેય હોવું જોઈએ અને એ ધ્યેય પણ એકાદ-બે દિવસ પૂરતું નહીં, આજીવન રહે એની કાળજી લેવી જોઈએ. આવતી કાલે અનેક સ્થળોએ યોગનું આયોજન થશે અને પરમ દિવસે એના ફોટોગ્રાફ્સ પણ છપાશે, પણ એવી શોભામાં અભિવૃદ્ધિ કરવાની ભાવના રાખવાને બદલે યોગ કાયમ માટે જીવનમાં રહે અને તમારા થકી અન્ય સૌને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય આપે એ નીતિ અપનાવશો તો સુખી થશો. સુખી થશો કે નહીં એ તો ગૅરન્ટી સાથે કહેવું અશક્ય છે, પણ હા, ગૅરન્ટી સાથે એટલું તો કહીશ જ દુખી તો નહીં જ થાઓ.

columnists manoj joshi