વીંટીપુરાણઃ મારા હાથમાં કેમ ક્યારેય વીંટી જોવા નથી મળતી?

30 December, 2021 02:49 PM IST  |  Mumbai | JD Majethia

આ સવાલનો જવાબ તમને આજના આ આર્ટિકલમાંથી મળશે અને સમજાશે પણ ખરું કે જેને નાનપણથી વીંટીનો બહુ શોખ હતો તે વીંટીથી આટલો અળગો કેમ રહ્યો

જેડી મજીઠીયા

આપણે વાત કરીએ છીએ વીંટીની અને એ વાતમાં વાત શરૂ થઈ અમારા નાટક ‘સૂર્યવંશી’માં રિપ્લેસમેન્ટ બનીને આવેલા મિલિંદ અને ભાવનગરના જ્યોતિષીની. મિલિંદ ભાવનગરમાં કોઈ નાટકનો શો કરતો હતો ત્યારે પેલા જ્યોતિષીભાઈ તેને મળ્યા અને મિલિંદનો હાથ જોઈને એવું કહ્યું કે કાલે તારી સગાઈ થશે. એવું તો કંઈ હતું નહીં કે જેમાં સગાઈ થાય પણ મિલિંદ મુંબઈ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ચાર વાગ્યે છોકરીવાળા તેને જોવા આવવાના છે. બધું એકદમ બરાબર ગોઠવાઈ ગયું અને એ જ ઘડીએ સવા રૂપિયાની આપ-લે કરી મીઠી જીભ આપી દીધી. પેલા જ્યોતિષી સાચા પડ્યા અને ચોવીસ કલાકમાં બીજા જ દિવસે મિલિંદની સગાઈ થઈ ગઈ. મિલિંદ પાસે આ કિસ્સો સાંભળીને બધાનાં વિશ્વાસ અને ઉત્કંઠા વધી ગયાં. શો તો થતો રહેશે, જલદી આ જ્યોતિષી આવે અને જલદી આપણે આપણું ભવિષ્ય જાણીએ. સાચું કહું તો મને એવી કોઈ બહુ ઉત્કંઠા નહોતી. બે કારણોસર. એક, હું મારા ઠાકોરજીમાં બહુ શ્રદ્ધા ધરાવું. એ જે કરે એ મારા હિતમાં જ હોય, મારા ભલા માટે જ હોય અને બીજું કારણ, ‘ચક્રવર્તી’નું મારું પાત્ર. નાટકમાં હું મુંજાલનું પાત્ર કરતો, જેના માટે મારે બહુ ઓતપ્રોત થવું પડતું એટલે થિયેટર પર જઈએ ત્યારથી મારે મારી જાતને બધી જગ્યાએથી કટ કરીને મારા કૅરૅક્ટર પર પૂરું ફોકસ કરવું પડતું.
નાટક શરૂ થયું, બધા પોતપોતાના કામે લાગ્યા, ઇન્ટરવલ પડ્યો અને એ મહાશય 
આવ્યા. બહુ ખ્યાતનામ અને રિસ્પેક્ટેડ જ્યોતિષી. અબ આગે...
પેલા જ્યોતિષી ભાઈ જેવા બૅકસ્ટેજમાં આવ્યા કે તરત તેમને ઓળખતા હતા એ કે પછી અગાઉ જે તેમને મળી ચૂક્યા હતા એ બધા તેમને મળવા ગયા. મારું કહું તો હું તો તેમને ઓળખતો પણ નહોતો અને મેં તો તેમનો ફોટો પણ નહોતો જોયો. હું તો ધ્યાન કેન્દ્રિત કરીને એક ખૂણામાં બેસી ગયો હતો. ગયા ગુરુવારે તમને કહ્યું હતું એમ ‘ચક્રવર્તી’નું મુંજાલનું મારું જે કૅરૅક્ટર હતું એ એટલી એનર્જી લઈ લેતું કે તમારે રીતસર થોડી વાર માટે ફોકસ થઈને એક જગ્યાએ બેસી જવું પડે અને આ તો હજી ઇન્ટરવલ પડ્યો હતો. સેકન્ડ હાફ આખો બાકી અને ઇન્ટરવલ પહેલાંના સીનની તમને વાત કહું સાહેબ, પ્રી-ઇન્ટરવલ સીન એવો તો અઘરો પડતો મને કે ન પૂછો વાત. મગજ ફાટ-ફાટ થતું હોય અને છાતીમાં બળતરાની રીતસર લાય ઊઠતી હોય એટલે જેવો ઇન્ટરવલ પડે કે તરત હું શાંતિથી બેસી જાઉં જેથી મને થોડો આરામ મળે અને ઇન્ટરવલ પછી હું ફરીથી એ જ એનર્જી સાથે કામે લાગી શકું.
ગ્રીન રૂમમાં હું અંદરની બાજુએ બેઠો હતો એટલે એ જ્યોતિષી ભાઈએ અંદર આવીને એક-બે જણને મળીને પૂછ્યું કે મુંજાલનો રોલ કરે છે એ જમનાદાસ ક્યાં છે. 
સાથી કલાકારો મારા સુધી તેમને લઈને આવ્યા એટલે એ ભાઈ મને કહે કે મારે તમને એક ખાસ વાત કહેવી છે. 
મને મનમાં મૂંઝવણ શરૂ થઈ કે કેવી રીતે હું તેમને ના કહું? એ મને કંઈ કહે, કંઈ કરવાનું કહે અને પછી તકલીફ થશે કે હું કદાચ ફૉલો નહીં કરું પણ મેં હિંમત કરી તેમને કહ્યું કે તમારે મને જે કંઈ કહેવું છે એ સાંભળતાં પહેલાં મારે એક વાત કરવી છે. મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું છે. તમારી વિદ્યા, જ્ઞાન અને તમારી ટૅલન્ટ વિશે મને બહુ માન છે પણ હું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છું અને હું આ બધામાં બહુ રસ ધરાવતો નથી. મને મારા ઠાકોરજી પર શ્રદ્ધા છે એટલે મને એ બધું જાણવાની બહુ ઉત્કંઠા પણ નથી.
જે વિદ્વાન હોય એ તરત જ સાચી વાત, સારા વિચારોને ઓળખી જાય, પારખી જાય. મારી સાથે એ જ થયું અને તેમણે મને કહ્યું કે મેં તમને જોઈ લીધા છે અને એ પછી પણ હું કહું છું કે મારે તમને એક વાત કહેવી છે.
મેં પણ સરળતા અને નમ્રતા સાથે તેમને કહ્યું કે ચોક્કસ પણ કદાચ હું એ માનું નહીં કે મને કંઈ કરવાનું કહો અને હું એ કરું નહીં તો તમે ખોટું નહીં લગાડતા. તેમણે પણ સરસ સ્માઇલ કરતાં કહ્યું કે તારી વાત બિલકુલ બરાબર છે અને એટલે જ હું તારો હાથ નથી જોતો પણ મેં તારું કપાળ જોઈ લીધું છે, તારું ભાલ એટલું સરસ છે કે તારું બધું બહુ સરસ થશે. તું એક કામ કર. હાથમાં એક વીંટી પહેરી લે. 
વીંટી, આવ્યોને આપણો ટૉપિક. 
એ જ્યોતિષી મહાશયે મને એક આંગળી દેખાડીને કહ્યું કે તું આ આંગળીમાં હીરાવાળી વીંટી પહેરશે તો તને બહુ લાભ થશે. 
તમને તો ખબર જ છે આખી વાત, મારે તો પહેલેથી જ વીંટી પહેરવી હતી એમાં વળી પાછું તેમણે કહ્યું એટલે હું તો સાચે જ વિચારે ચડી ગયો કે હવે કરવું શું. ઇચ્છા પણ છે અને સજેશન પણ આવ્યું છે, કરવાનું શું મારે?
ભાવનગર શો પૂરો કરીને ફરી મુંબઈ આવ્યો ત્યાં સુધી મનમાં ને મનમાં એ જ વિચાર ચાલ્યા કરે કે હવે જો હું વીંટી લઈશ તો ક્યાંક મને પોતાને એવું લાગશે કે મેં તેમની વાત માની લીધી અને મારે તો મારાં કર્મો, પ્રયત્નો, પ્રયાસો અને મહેનત થકી જ મારું ભવિષ્ય ઘડવું છે, બનાવવું છે. 
સિદ્ધાંતનો બાબતમાં હું આવો જ જિદ્દી પણ હતો. તોફાની પણ ખરો અને મસ્તીખોર પણ ખરો પણ વાત સિદ્ધાંતની આવે ત્યારે હું એનું પાલન પણ ચુસ્ત રીતે કરું. સિદ્ધાંતની બાબતમાં કોઈ બાંધછોડ ન આવે. મેં તમને મારા પિતાજી વિશે ઘણી વાતો કરી છે અને કરતો જ રહેવાનો છું પણ અહીં મારે ફરીથી તેમને યાદ કરવા છે, કારણ કે વાત સિદ્ધાંતની આવી છે અને તેમણે અમારામાં સિદ્ધાંતોનું સિંચન કરીને અમને મોટા કર્યા છે. 
મને જવાબ મળી ગયો.
‘ના યાર. નહીં, હવે તો નહીં જ પહેરું વીંટી. અને વીંટી પહેર્યા વિના સામા પૂરે તરું તો એની જ મજા છે.’
નક્કી થઈ ગયું આપણું અને એ પછી મેં વીંટી પહેરી જ નહીં અને એમાં પણ હીરાવાળી તો નહીં જ. પણ હા, આગળ જતાં લગ્નમાં વીંટીની વાત આવી. વાઇફ નીપાના કુટુંબીજનોએ મને વીંટી આપી. મારું માપ લઈને જ બનાવી હતી પણ થોડીક જ વારમાં મને એ અનકમ્ફર્ટેબલ લાગવા માંડી એટલે ફાવી નહીં અને મેં એ કાઢીને મૂકી દીધી. વાત એમ થોડી પૂરી થાય, વીંટીએ પણ જીદ પકડી હતી કે એને મારી પાસે આવવું જ છે.
થોડો સમય થયો અને બીજી વીંટી આવી, નીપાએ બીજી વીંટી બનાવડાવી. એ બહુ સરસ હતી અને મને બહુ ગમતી પણ હતી. આ બીજી વીંટી આવી ત્યાં સુધીમાં તો મારી નાટકોની કરીઅર ઘણી આગળ નીકળી ગઈ હતી, મારા પ્રોડક્શન્સનાં નાટકો પણ આવી ગયાં હતાં અને ‘ખિચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ સિરિયલો પણ આવી ગઈ હતી એટલે મને થયું કે હવે વીંટી પહેરવામાં વાંધો નહીં. જે કરવું હતું, જે કરીઅર બનવાની વાત હતી એ બધું બન્યું જ છે અને ઠાકોરજીની ઇચ્છાથી, મહેનતથી બન્યું છે તો હવે વીંટી પહેરાય અને વીંટી પહેરું તો પત્નીને એમ પણ થાય કે પરિણીત છે, સ્ટૅમ્પ લાગેલો છે. બસ, મેં મનોમન નક્કી કર્યું કે ચાલો વીંટી પહેરીએ. 
વાત છે ૨૦૦૩થી ૨૦૦પ વચ્ચેની. એ સમયે હું મલાડમાં રહેતો હતો અને એ ઘરમાંથી વીંટીની ચોરી થઈ. કુક કે સર્વન્ટ કોઈક હતું, મને સમજાયું નહીં કે કોણ લઈ ગયું પણ એ ગઈ કેવી રીતે એ મને યાદ છે. જિમમાં વર્કઆઉટ દરમ્યાન એ વાગે એટલે થોડો વખત માટે કાઢીને કબાટમાં રાખી અને ત્યાંથી ચોરાઈ ગઈ. એ દિવસ અને આજની ઘડી, મેં વીંટી પહેરી નથી. સત્તર-અઢાર વર્ષ થયાં એ વાતને પણ વીંટીને આપેલી તિલાંજલિ આજ સુધી અકબંધ છે. આપણે વીંટી સાથે સંબંધ બાંધ્યો નથી. વીંટીની આવી જ બીજી વાતો સાથે વીંટીપુરાણને નેક્સ્ટ વીકમાં કન્ટિન્યુ કરીશું પણ ત્યારે નવું વર્ષ શરૂ થઈ ગયું હશે એટલે વિશ યુ વેરી હૅપી ન્યુ યર. ઍડ્વાન્સમાં.

ભાવનગરનો શો પૂરો કરી ફરી મુંબઈ આવ્યો ત્યાં સુધી મનમાં ને મનમાં એ જ વિચાર ચાલ્યા કરે કે હવે જો હું વીંટી લઈશ તો ક્યાંક મને પોતાને એવું લાગશે કે મેં તેમની વાત માની લીધી. સામા પક્ષે એ પણ એટલું જ સાચું કે મારે તો મારાં કર્મો, પ્રયત્નો, પ્રયાસો અને મહેનત થકી જ મારું ભવિષ્ય ઘડવું છે, બનાવવું છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia