વડીલોમાં ફાઇનૅન્શિયલ લિટરસીનું શું કામ છે?

05 April, 2023 05:29 PM IST  |  Mumbai | Jigisha Jain

સમયે જો પૈસાને ક્યાં અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવા એ ન આવડતું હોય તો કપરી પરિસ્થિતિ સરજાય છે.

પ્રતીકાત્મક તસવીર

નિવૃત્તિ બાદ આવક ઓછી થાય કે સાવ બંધ થઈ જાય એ પછી પણ ૨૦-૨૫ વર્ષ વ્યક્તિએ જીવન જીવવાનું છે અને એના માટે પૈસાની જરૂર પડવાની જ છે. આવા સમયે જો પૈસાને ક્યાં અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવા એ ન આવડતું હોય તો કપરી પરિસ્થિતિ સરજાય છે. એટલે જેને પૈસા અને એના રોકાણની સમજ નથી તેણે એ કેળવવી અનિવાર્ય છે

કમળાબહેન હજી ૬૨ વર્ષનાં થયાં કે તેમના પતિનું હાર્ટ-અટૅકને કારણે અવસાન થયું. કમળાબહેન એક હોશિયાર સ્ત્રી, પણ જીવનભર હાઉસવાઇફ બનીને જીવ્યાં અને ફાઇનૅન્સ વિશે કંઈ ખાસ ગતાગમ નહોતી તેમને. દીકરો અમેરિકા અને દીકરી સાસરે. પતિની દુકાન તો વેચી નાખી, પરંતુ હવે જે પુંજી છે એને કઈ રીતે સાચવવી એની તેમને કોઈ સમાજ નહોતી. બાળકો આ બાબતે ખાસ કામ લાગવાનાં નહોતાં. પૈસો છે એટલી જ ખબર; પણ કેટલો છે, પૂરતું થઈ રહેશે કે નહીં એ ખબર નહોતી. આ સંજોગોમાં કમળાબહેનને લાગે છે કે હવે ફરીથી કક્કો ઘૂંટવો પડશે. 

ધીરજલાલ એક પ્રાથમિક શાળાના શિક્ષક હતા. જીવનભર નોકરી કરી અને ૬૦ વર્ષે રિટાયર થયા. સ્કૂલ કહે છે કે તમને નોકરી ચાલુ રાખવી હોય તો રાખો. ધીરજલાલને એવું હતું કે આરામથી નિવૃત્ત જીવન જીવીએ. પરંતુ બે વર્ષમાં પરિવાર પર એટલાં સંકટ આવ્યાં કે એક પછી એક એમ ત્રણ મોટી ફિક્સ ડિપોઝિટ તોડવી પડી. હવે બચેલી પુંજીમાં બીજાં કેટલાં વર્ષ નીકળશે તેમને એ ખબર નથી. ધીરજલાલને લાગે છે કે નિવૃત્તિ તેમને સદે એમ નથી. કામ તો કરવું જ પડશે. કમાવું તો પડશે હજી. 

સાક્ષરતા ફક્ત ભાષા પૂરતી સીમિત ન હોવી જોઈએ. આજકાલ અંગ્રેજીમાં એક ટર્મ છે, ફાઇનૅન્શિયલ લિટરસી, જેનો આપણે અનુવાદ કરીને આર્થિક સાક્ષરતા નામ આપી શકીએ. એની જરૂર આમ તો દરેક વયની વ્યક્તિને છે જ, પરંતુ નિવૃત્તિ પછી અથવા તો કહીએ કે સિનિયર સિટિઝનને પણ એની ખાસ જરૂર રહે છે. જે લોકોએ વર્ષોથી પૈસાનું રોકાણ અને પ્લાનિંગ કર્યું છે તેમને ૬૦ વર્ષ પછી ખાસ તકલીફ પડતી નથી. પરંતુ જેમને એ કર્યું નથી જેમ કે નોકરિયાત વર્ગ કે ગૃહિણીઓ કે પ્રોફેશનલ્સ તરીકે કામ કરનારા લોકો તેમને ૬૦ વર્ષ પછી પણ પૈસાનું પ્લાનિંગ શીખવું પડે એવી પરિસ્થિતિઓ સરજાય જ છે. ભલે આખું જીવન એ ન શીખ્યું હોય પણ વૃદ્ધાવસ્થા સારી રીતે ગરિમા સાથે પસાર કરવી હોય તો પૈસાનું ગણિત શીખવું અનિવાર્ય છે. 

શા માટે જરૂરી? 

આપણે ત્યાં લોકો ૬૦ વર્ષે નિવૃત્તિ લઈ તો લે છે, પરંતુ આજના સમયમાં આવરદા વધી છે. આગળનાં ૨૦-૨૫ વર્ષ જેવું જીવન તેમણે પસાર કરવાનું છે એટલું જ નહીં, એ જીવન દરમિયાન નિયમિત આવક બંધ થઈ ગઈ છે એમ સમજાવતાં ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘મધ્યમ વર્ગમાં ખાસ એવું બનતું હોય છે કે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ જેવું કશું ન હોય તો પણ જીવન સુખમય પસાર થઈ રહ્યું હોય છે, કારણ કે જેટલો ખર્ચો હોય એટલી નિયમિત માસિક આવક આવતી હોય છે. સેવિંગ ભલે ખાસ ન હોય, પણ એક સારું જીવન ચાલતું હોય છે. પણ આવી વ્યક્તિ જ્યારે રિટાયર થાય ત્યારે પેન્શનના પૈસા પર નિર્ભર બની જતી હોય છે. આમ તો રિટાયર્ડ લાઇફનું પ્લાનિંગ ૫૦ વર્ષની વયે કરી લેવું જરૂરી છે પણ જો એમ ન થયું હોય તો જાગો ત્યાંથી સવાર સમજીને હવે જેટલું જીવન જીવવાનું છે એનું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરી લો.’ 

શરૂઆત કઈ રીતે? 

પહેલાં તો એ સમજવું જરૂરી છે કે તમારી પાસે શું છે અને કેટલું છે એમ જણાવતાં પ્રિયંકા કહે છે, ‘મોટા ભાગે આવું બનતું હોય છે કે લોકોને ખબર જ નથી હોતી કે તેમની પાસે છે શું અને કેટલું છે. ખાસ કરીને ઘણાં ઘરોમાં સ્ત્રીઓને ખબર જ નથી હોતી કે પૈસાનું રોકાણ કઈ જગ્યાએ અને કેટલું થયેલું છે. આ પરિસ્થિતિમાં એક ડાયરીમાં દરેક ઇન્વેસ્ટમેન્ટ, દરેક વીમા અને દરેક પ્રૉપર્ટીની વિગત લખીને સમજો કે તમારી પાસે અત્યારે કેટલા રૂપિયા છે. બીજું સ્ટેપ એના પછી એ કે એ રૂપિયા પૂરતા છે કે નહીં. જેમ કે તમે આજે ૬૨ વર્ષના છો. મહિનાનો ખર્ચો ૫૦,૦૦૦ રૂપિયા છે. તો વધતી મોંઘવારી, ઉંમરને કારણે આવતા હેલ્થ સંબંધિત ખર્ચાઓ, સામાજિક ખર્ચાઓ, તમારા શોખ અને ઇમર્જન્સીના ખર્ચાઓ બધું જ ગણીને સમજવાની કોશિશ કરો કે આગલાં ૨૦-૨૫ વર્ષ માટે તમારી પાસે પૂરતા પૈસા છે કે નહીં. જો નથી તો અત્યારે છે એ પૈસાને તમારે કઈ રીતે આગળ રોકવા અને જો એ રોકાણ પણ પૂરતું ન થાય તો કઈ રીતે બાકીના પૈસા કમાવા એ વિશે વિચાર કરવો પડશે.’ 

આ પણ વાંચો: મકાનમાલિક અને ભાડૂતો વચ્ચે ભેદભાવ કેમ હોય છે?

પ્લાનિંગનું મહત્ત્વ 

ઘણી વાર એવું થાય છે કે માણસ રિટાયર થાય ત્યાં સુધી સારું જીવન જીવ્યો હોય તો તેને લાગે છે કે માથા પર છત છે, દરરોજના ખાવા-પીવા, હરવા-ફરવાના ખર્ચાઓ આરામથી નીકળશે એટલે કશું કરવાની જરૂર નથી. પણ હકીકત એ હોય છે કે વ્યક્તિ પાસે પાંચ વર્ષ માંડ ચાલે એટલા પૈસા હોય છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે ભલે નિવૃત્ત થયા, પણ કામ સાવ છોડાશે નહીં એમ સમજાવતાં પ્રિયંકા કહે છે, ‘તમારે આવકનો સ્રોત વિચારવો જ રહ્યો. અત્યારે ૬૦-૬૨ વર્ષે તમે કમાઈને ભેગું કરી શકશો. ૭૦-૭૫ વર્ષે કામ નહીં થાય અને પૈસા પણ ઘટી પડ્યા તો ત્યારે કફોડી હાલત થશે. બીજું એ કે ફક્ત રૂટીન ખર્ચાઓ જ ન ગણવા. જીવન આખું તમે કામ કર્યું અને હવે જીવનને માણવાનો સમય છે ત્યારે ટ્રાવેલના ખર્ચાઓ પણ ચોક્કસ એમાં ઉમેરીને પ્લાનિંગ કરજો. થાય છે એવું કે મિડલ એજમાં ભલે તમે કામ જ કર્યું પણ વ્યક્તિ નિવૃત્ત થાય અને તેની પાસે સમય હોય એટલે તેના શોખના ખર્ચા શરૂ થાય છે. એ પણ ગણવા જરૂરી છે.’ 

રોકાણ ક્યાં અને કેવી રીતે?

પૈસા કેટલા છે અને ખર્ચા કેટલા છે એ જાણ્યા પછી વાત આવે, જે પૈસા છે એને એ જગ્યાએ રોકવાની જ્યાંથી વધુમાં વધુ રિટર્ન મળે. એ વિશે વાત કરતાં ફાઇનૅન્શિયલ નૉર્થના ફાઉન્ડર અને ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર વિરેશ પટેલ કહે છે, ‘મોટા ભાગે થાય છે એવું કે આપણા સિનિયર સિટિઝન્સ એમના મિત્રો કે સગાંસંબંધીઓ પાસે જાય છે. તમે ક્યાં રોકાણ કર્યું? એવા પ્રશ્નો પૂછીને જાણે છે અને પછી બીજી વ્યક્તિને આંખ બંધ કરીને અનુસરે છે. ૧૭ વર્ષના મારા અનુભવમાં હું એ કહી શકું કે કોઈ પણ બે વ્યક્તિનું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ એકસરખું ન હોઈ શકે, કારણ કે દરેકની જરૂરિયાત જુદી હોય છે. એક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકે એટલે તમારે પણ એમાં જ રોકવા કે એક વ્યક્તિ કોઈ પૉલિસી લે તો તમારે પણ એ લઈ લેવી એવું નથી હોતું. એવું કરવાથી નુકસાન થઈ શકે છે. આ માટે ફાઇનૅન્સ વિશે પૂરતું નૉલેજ લેવું અને તમારી જરૂરિયાત મુજબનો પ્લાન બનાવવો. એ માટે એક્સપર્ટની મદદ લો, બિઝનેસ સંબંધિત ન્યુઝ વાંચો, સગાંસ્નેહીઓ પાસેથી એમનો અનુભવ પણ લો. બધું જાણ્યા પછી નિર્ણય તમે કરો કે તમારી જે પુંજી બચી છે એને તમારે ક્યાં રોકવી.’

યોજનાઓની જાણકારી

સિનિયર સિટિઝન્સે હાલમાં કયા પ્રકારની સ્કીમ ચાલે છે અને કઈ યોજનાઓ સરકારે એમના માટે શરૂ કરી છે એ બાબતે જાગૃતિ રાખવી જોઈએ. પ્રિયંકા આચાર્ય પાસેથી જાણીએ કે કઈ સ્કીમ્સ વિશેની જાણકારી રાખવી અનિવાર્ય ગણી શકાય. 

 સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)

 બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ પૉલિસીઝ 

 કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ પૉલિસીઝ 

 પ્રધાનમંત્રી વય વંદના યોજના 

 ઇન્શ્યૉરન્સ કંપનીની પેન્શન સ્કીમ્સ

નિવૃત્તિ પછીના ખર્ચમાં ફક્ત રૂટીન ખર્ચાઓ જ ન ગણવા. જીવન આખું તમે કામ કર્યું અને હવે જીવનને માણવાનો સમય છે ત્યારે ટ્રાવેલના ખર્ચાઓ પણ ચોક્કસ એમાં ઉમેરીને પ્લાનિંગ કરજો. - પ્રિયંકા આચાર્ય

રિસ્ક લેવાય કે નહીં?  

૬૦ પછી જ્યારે આવક ઘટી જાય અથવા તો બિલકુલ બંધ થઈ જાય પછી પૈસા ક્યાં રોકવા અને ક્યાં નહીં એ બાબતે વિચારીને નિર્ણય લેવો વાજબી છે. એ વિશે વાત કરતાં વિરેશ પટેલ કહે છે, ‘મોટા ભાગે લોકો એવું માને છે કે આવક નથી તો રિસ્ક લેવું નહીં. પહેલી વાત તો એ કે કોઈ પણ પ્રકારનું રોકાણ રિસ્ક વગર હોતું જ નથી. રિસ્ક વધારે કે ઓછું હોઈ શકે, પરંતુ એ હોય જ છે. વળી આટલું ગભરાવાની પણ જરૂર નથી. તમારી પાસે જે મૂડી છે એને જુદી-જુદી રીતે અલગ-અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને પણ એની લગભગ ૨૫ ટકા મૂડી પર તમે રિસ્ક લઈ શકો છો. એટલે સિનિયર સિટિઝને હંમેશાં સેફ જ રોકાણ કરવું એવું નથી હોતું.’

columnists Jigisha Jain