અનુયાયીઓની આંખો કેમ ઊઘડતી નથી?

13 November, 2022 12:52 PM IST  |  Mumbai | Kana Bantwa

મન માણસને હંમેશાં છેતરતું રહે છે. એ માણસને અંધારામાં રાખીને તેની પાસે કેટકેટલુંય કરાવતું રહે છે. વાંક આંધળા ભક્તોનો નહીં, માણસની સાઇકોલૉજીનો છે

પ્રતીકાત્મક તસવીર

મૉડર્ન સાઇકોલૉજી તો હમણાં આવી, હજારો વર્ષોથી એનો ઉપયોગ અનુયાયીઓને ધર્મના નામે ઘેટાં બનાવવામાં થઈ રહ્યો છે. આ બધી ટૅક્ટિકનો ઉપયોગ ધર્મના ઠેકેદારો કરતા આવ્યા છે અને આજે પણ કરે છે. સાચો ગુરુ કે સાચો માર્ગદર્શક એ છે જે બાંધતો નથી, મુક્ત કરે છે.

રામરહીમ નામના એક બાબાને યુવતીઓના શોષણ બદલ વર્ષો સુધી જેલમાં રહ્યા બાદ રાજકીય લાભ માટે પરોલ પર બહાર કાઢવામાં આવ્યો અને તેની સભાઓમાં હજારો લોકો ઊમટી પડવા માંડ્યા. રામવૃક્ષ કે રામરહીમ કે આશારામ જેવા જેલમાં જાય, તેમનાં કુકર્મો છાપરે ચડીને પોકારે છતાં તેમના અમુક અનુયાયીઓની આંખ ઊઘડતી નથી અને આ લોકો પ્રત્યેની તેમની આસ્થા અકબંધ રહે છે. આવું કેમ બને છે ?

માણસના નેવું ટકાથી વધુ નિર્ણયો અચેતન અવસ્થામાં, અભાનપણે લેવાતા હોય છે. રોજના સેંકડો નિર્ણયો લેવામાં આવે છે. કયા રસ્તે જવું, ગાડી ક્યાંથી બહાર કાઢવી, ટ્રાફિકમાં કઈ બાજુથી નીકળવું, ટ્રેનમાં ક્યાં બેસવું વગેરે નાના નિર્ણયોથી માંડીને શું ખરીદી કરવી, કઈ બ્રૅન્ડનાં શૂઝ લેવાં વગેરે મધ્યમ મહત્ત્વના અને ક્યાં ઇન્વેસ્ટ કરવું, કયો સોદો કરવો વગેરે મોટા નિર્ણયો લેવામાં આવે છે. એવું માનવાની ભૂલ ન કરતા કે નાના અને ઓછા મહત્ત્વના નિર્ણયો અભાનપણે લેવાતા હશે અને મધ્યમ તથા મોટા નિર્ણયો ખૂબ જ વિચારીને સભાનતાપૂર્વક લેવાતા હશે. નાના નિર્ણયો તો અભાનપણે લેવાઈ જ જાય છે. મધ્યમ અને મોટા નિર્ણયોમાં પણ અચેતન મન મોટો ભાગ ભજવે છે અને એ નિર્ણયોમાં પણ ઘણા એવા હોય છે જે સભાનતાપૂર્વક લેવાતા નથી. એમાં પણ ખરીદીને લગતા નિર્ણયો તો સ્વતંત્ર હોતા જ નથી. તમારું મન પક્ષપાત રાખીને જે-તે બ્રૅન્ડની વસ્તુની ખરીદી કરતી વખતે તેને એવું જ લાગતું હશે કે તમે તમને ગમતી, તમારી પસંદગીની વસ્તુ કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ વગર, સંપૂર્ણપણે સ્વતંત્ર રહીને ખરીદી છે; પણ એવું નથી. એવું જરાય નથી. માલ વેચવા માગનારાઓ માનસશાસ્ત્રનો બખૂબી ઉપયોગ કરીને ગ્રાહકને પોતાની પ્રોડક્ટ પધરાવી દેવામાં માહેર હોય છે. ગ્રાહક કેવું વર્તન કરશે, ગ્રાહકને કોઈ વસ્તુ ખરીદવા પ્રેરવા માટે કયા સાઇકોલૉજિકલ ટૂલનો ઉપયોગ કરવો, ગ્રાહકના મનમાં વસ્તુની છાપ કઈ રીતે દૃઢ કરવી વગેરે માટે ખાસ વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. માત્ર મોટી કંપનીઓ જ નહીં, નાના ફેરિયાઓ પણ ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરીને એવા હોશિયાર થઈ ગયા હોય છે કે તેઓ પણ સાઇકોલૉજિકલ ટ્રિક્સનો ઉપયોગ કરતા થઈ ગયા હોય છે. કોઈ ફેરિયા પાસે તમે કોઈ વસ્તુ ખરીદી રહ્યા હો અને તેણે છેક નીચે છુપાવી રાખેલી એવી જ પણ એનાથી ચડિયાતી દેખાતી વસ્તુનો ભાવ તમે પૂછો, એ જોવા માગો તો તેનો જવાબ હશે કે એ ચીજ મોંઘી છે. આવું કરીને તે તમને બે સંકેત આપે છે. પહેલું, તે તમારા અહમ્ પર પ્રહાર કરે છે કે ચીજ મોંઘી છે, તમને નહીં પોસાય. બીજું, એ ચીજનો ઊંચો ભાવ કહીને તે અગાઉ તમને બતાવેલી ચીજનો ભાવ યોગ્ય હોવાનું આડકતરી રીતે કહે છે અને તમારું મન એવું માનવા માંડે છે કે આ મોંઘી વસ્તુનો ભાવ આપ્યો છે તો પ્રથમ પસંદ કરેલી ચીજનો ભાવ યોગ્ય જ કહેવાય. તમે જે વસ્તુ ખરીદો છો ત્યારે તમારો નિર્ણય સ્વતંત્ર નથી.

આવું જ કંઈક બાવા-સાધુ, ઢોંગી-ધુતારાઓના અનુયાયીઓની બાબતમાં થાય છે. એમાં ઘણી બધી સાઇકોલૉજિકલ બાબતો સીધી અસર કરતી હોય છે. પોતાનો ગુરુ યોગ્ય નથી એવું સાબિત થઈ જાય તો પણ તેના કેટલાક અનુયાયીઓ તેને છોડી શકતા નથી. પહેલી બાબત પોતાનો અહમ્ છે. મેં જેને માર્ગદર્શક તરીકે પસંદ કર્યો તે માણસ ખોટો હોઈ જ કઈ રીતે શકે એવી ભાવના એટલી બધી દૃઢ થઈ ચૂકી હોય છે કે અદાલતો ચુકાદા આપી દે, વર્ષો સુધી જેલમાં રહે, સમાજ થૂ-થૂ કરે તો પણ આવા આંધળા ભક્તોનો અહમ્ કહેતો રહે છે કે મારી પસંદગી ખોટી હોઈ જ ન શકે. આને બાયસ બ્લાઇન્ડ સ્પૉટ પણ કહેવામાં આવે છે. મોટા ભાગના માણસો અન્યની ભૂલો જોઈ શકતા હોય છે, પણ પોતાની ભૂલ તેમને દેખાતી નથી. આની પાછળ અન્ય એક પક્ષપાત પણ જવાબદાર છે જેને ચૉઇસ સપોર્ટિવ બાયસ કહેવામાં આવે છે. પોતે કરેલી પસંદગીમાં ખામીઓ હોય તો પણ એને યોગ્ય જ ઠરાવવાનું વલણ માણસ ધરાવે છે. પોતે લીધેલો નિર્ણય સાચો જ હોય એવું માનનારાઓ આ નિર્ણયની સારી બાજુઓ જ જુએ છે; એનાં ખરાબ પાસાંઓને જોતાં તેઓ ડરે છે, જોતા ન નથી. તેમના નિર્ણયને ખોટો ગણાવનારને તેઓ પક્ષપાતી અથવા વિરોધી ગણી લે છે.

બીજા કારણને સાઇકોલૉજીની ભાષામાં ઍન્કરિંગ બાયસ કહેવામાં આવે છે. માણસને જે માહિતી સૌથી પહેલી મળી હોય એના પર તે વધુ વિશ્વાસ રાખે છે, વધુ નિર્ભર રહે છે. ઉદાહરણ તરીકે તમે તમારા મિત્રની વેડિંગ ઍનિવર્સરી માટે ગિફ્ટ ખરીદવા જાઓ છો. તમને કોઈ વસ્તુ ગમી જાય છે જેની કિંમત પાંચ હજાર રૂપિયા છે. તમે મનમાં નક્કી કર્યું હોય કે મિત્રને ત્રણેક હજાર સુધીની ગિફ્ટ આપવી. તમને પસંદ આવેલી વસ્તુની કિંમત તમારા બજેટ કરતાં વધુ છે એટલે તમે એ ખરીદતા નથી. સ્ટોરમાં તમે બીજી એક ચીજ જુઓ છો જે ચાર હજારની કિંમતની છે. તમે એ ભેટ ખરીદવા માટે નિર્ણય લઈ લો છો. તમારા ત્રણ હજારના બજેટ કરતાં વધુ કિંમતની ચીજ ખરીદવા માટે તમે શા માટે તૈયાર થયા? પ્રથમ ગિફ્ટ જોયા પછી એની કિંમત તમારા મનમાં બેસી ગઈ હોય એટલે એ પછીની તમામ વસ્તુઓ તમે એની સરખામણીમાં જ જુઓ છો. કોઈ બાવા કે ધુતારાને મળ્યા પછી માણસના મનને તેના પ્રત્યે એક વિશ્વાસ પેદા થાય છે. આ વિશ્વાસ તેના અવચેતન મનમાં પડેલો હોય છે જે તેને છૂટવા દેતો નથી.

ત્રીજું કારણ ઘેટાંવૃત્તિ છે, જેને બૅન્ડવૅગન ઇફેક્ટ કહવામાં આવે છે. અમુક લેભાગુ ભક્તો તે ઢોંગીને નથી છોડતા. તેમની પાછળ અન્ય ભક્તો પણ જોડાયેલા રહે છે. તેમને થાય છે કે આને હજી શ્રદ્ધા છે તો આપણે પણ રાખીએ. તેઓ પોતાની મેળે વિચારતા નથી, વિચારી શકતા નથી. માણસ ધર્મમાં કે ઈશ્વરમાં કે ગુરુમાં પણ પોતાની માન્યતાઓનું સમર્થન શોધતો હોય છે. જ્યાં સુધી તેને આ સમર્થન મળતું રહે ત્યાં સુધી તે એમાં ટકી રહે છે. માણસની આસ્થા ગણિત મુજબ ચાલતી નથી. એ દિલમાંથી ઊગે છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આસ્થા દિલમાંથી નહીં, અચેતન મનમાંથી ઊગે છે. એના મૂળને માણસ જોઈ શકતો નથી એટલે લાગે છે કે એ દિલમાંથી પ્રગટી છે. વિશ્વાસ માટે, આસ્થા માટે મન જ જવાબદાર છે. મન માણસને હંમેશાં છેતરતું રહે છે. એ માણસને અંધારામાં રાખીને તેની પાસે કેટકેટલુંય કરાવતું રહે છે. વાંક આંધળા ભક્તોનો નહીં, માણસની સાઇકોલૉજીનો છે.

મૉડર્ન સાઇકોલૉજી તો હમણાં આવી, હજારો વર્ષોથી એનો ઉપયોગ અનુયાયીઓને ધર્મના નામે ઘેટાં બનાવવામાં થઈ રહ્યો છે. આ બધી ટૅક્ટિકનો ઉપયોગ ધર્મના ઠેકેદારો કરતા આવ્યા છે અને આજે પણ કરે છે. સાચો ગુરુ કે સાચો માર્ગદર્શક એ છે જે બાંધતો નથી, મુક્ત કરે છે. પોતાની સાથે પણ બાંધી ન રાખે તે ખરો ગુરુ. જોકે આવું કરનાર જવલ્લે જ, સદીઓમાં એક મળશે, કૃષ્ણ જેવા. કૃષ્ણે ધાર્યું હોત તો પોતાનો એક અલાયદો પંથ શરૂ કરી શક્યા હોત. જગતને લાખો વર્ષ સુધી રસ્તો દેખાડતો રહે એવું અદભુત જ્ઞાન ભગવદગીતા દ્વારા આપનાર કૃષ્ણનો સંપ્રદાય ચાલ્યો પણ ખૂબ હોત, પણ તો કૃષ્ણનો ઉપદેશ પણ અન્ય સંપ્રદાયોના ઉપદેશની જેમ બંધિયાર બનીને રહી ગયો હોત.

columnists kana bantwa