સ્ત્રીઓ આટલું બધું બોલતી શા માટે હોય છે?

07 August, 2022 06:16 PM IST  |  Mumbai | Kana Bantwa

પુરુષો વ્યવસાય વિશે કામ કઈ રીતે કરવું, આયોજન કેવું કરવું એ બાબતે વાત કરતા હોય છે; સ્ત્રીઓ લાગણી, ભાવ, સંબંધો, માણસો વિશે વધુ બોલતી હોય છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

એક મહિલા તેના પતિને લઈને ડૉક્ટર પાસે ગઈ.
ડૉક્ટરે પૂછયું, શું સમસ્યા છે તમારા હસબન્ડને?
‘હમણાં-હમણાં તેને ઊંઘમાં બોલવાનો રોગ લાગુ પડ્યો છે, આખી રાત કશુંક બબડતા રહે છે, ’ મહિલાએ સમસ્યા વર્ણવી. 
ડૉક્ટરે દરદીને તપાસ્યા પછી સલાહ આપી : બહેન, તેને દિવસે બોલવાનો મોકો આપો.
એક દંપતી ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યું હતું ત્યાં પત્નીના મોબાઇલની રિંગ વાગી. પંદરેક મિનિટ વાત કર્યા પછી પત્નીએ ફોન મૂક્યો એટલે પતિએ પૂછ્યું, કોનો ફોન હતો? 
‘કોઈએ ભૂલથી રૉન્ગ નંબર લગાવી દીધો હતો,’ પત્નીએ જવાબ આપ્યો.
મહિલાઓની વધુ બોલવાની ટેવ વિશે ઢગલાબંધ જોક અને વાર્તાઓ ફરતાં રહે છે. એક સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓ પુરુષો કરતાં વધુ બોલે છે. આ માન્યતાની તરફેણમાં સંશોધનો પણ થયાં છે. પુરુષો અને સ્ત્રીઓ રોજ કેટલા શબ્દો બોલે છે એના જે અભ્યાસો થયા છે એમાં સ્ત્રીઓ રોજના ૨૦,૦૦૦ જેટલા શબ્દો બોલતી હોવાનું કહેવાયું છે. પુરુષો કેટલા શબ્દો બોલે છે એ બાબતે અભ્યાસોમાં મતભેદ છે. ૭૦૦૦થી માંડીને ૧૩,૦૦૦ સુધીના આંકડા અભ્યાસમાં જણાયા છે. જોકે અમુક માનસશાસ્ત્રીઓએ એવું પણ પ્રતિપાદિત કરવાની કોશિશ કરી છે કે સ્ત્રીઓ વધુ બોલતી નથી. પરંતુ મોટા ભાગના અભ્યાસ સ્ત્રીઓ વધુ બોલતી હોવાનું કહે છે. વિજ્ઞાનીઓએ એવું પણ શોધી કાઢ્યું છે કે મહિલાઓના મગજમાં ભાષા માટેનું પ્રોટીન પુરુષો કરતાં ૩૦ ટકા વધુ હોય છે. મતલબ સ્ત્રી પુરુષ કરતાં ૩૦ ટકા વધુ બોલે છે અથવા બોલી શકે છે.
વાત કરવાની, બોલવાની, કમ્યુનિકેશનની શક્તિ મહિલાઓમાં વધુ હોય એવું હવે મનાવા માંડ્યું છે કે પછી પુરુષોને એ બાબતની જાણ પુરાતન કાળથી હતી? દુનિયાની દરેક સંસ્કૃતિમાં મહિલાને મૂંગી રાખવાનો પ્રયત્ન શા માટે થયો હશે? દુનિયાભરમાં દરેક સમાજે સ્ત્રીઓને નહીં બોલવા માટેની પૂરી વ્યવસ્થા શા માટે ગોઠવી રાખી હશે? શા માટે મહિલા જરા ઊંચા અવાજે બોલે એને પણ દુર્ગુણ ગણવામાં આવતો હશે અને સ્ત્રી ધીમા અવાજે, શરમાઈને બોલે એને સદ્ગુણ ગણવામાં આવતો હશે?
મધ્ય યુગના યુરોપમાં મહિલાઓને જેટલી પ્રતાડિત કરવામાં આવી એટલી અન્ય ક્યાંય નહીં કરવામાં આવી હોય. મહિલાઓને સામાજિક કે રાજકીય બાબતો પર બોલતી અટકાવવા માટે જુલમી ઉપાયો અજમાવવામાં આવતા. મહિલાઓ ઉશ્કેરણીજનક ગૉસિપથી સમાજમાં અવ્યવસ્થા ફેલાવે છે, રાજકીય ઉશ્કેરણી કરે છે એવી માન્યતા હતી. પરિવારના સભ્યો કે સમાજના સભ્યો કે પતિ પોતાની પત્નીને બોલતી અટકાવવા માટે અદાલતમાં જઈને તેને સ્કૉલ્ડ્સ બ્રાઇડલ પહેરવેશની માગણી કરતા. મુખવટા જેવું આ સાધન ભયંકર હતું. ધાતુના બનેલા આ મુખવટાને એમાંની પટ્ટી મોંમાં જીભની ઉપર રહે એમ ગોઠવીને આખા ચહેરા પર જકડી દેવામાં આવતો. જીભ પરની પટ્ટીમાં વળી અણીદાર ખીલીઓ પણ રખાતી. આ મુખવટો પહેર્યા પછી એ સ્ત્રી એક શબ્દ પણ બોલી શકતી નહીં. આટલી સજા ઓછી હોય એમ આ મુખવટા સાથે એક ઘંટડી બાંધવામાં આવતી અને આખા ગામમાં એ મહિલાને ફેરવવામાં આવતી. તેનું વધુમાં વધુ અપમાન થાય, તે વધુમાં વધુ શરમજનક પરિસ્થિતિમાં મુકાય એવી બધી વ્યવસ્થા થતી. આ એ જ યુરોપ છે જેણે સ્ત્રીઓ માટે ચેસ્ટિટી બેલ્ટ શોધી કાઢ્યો હતો.
બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ છે. રાજા જનકે શાસ્ત્રાર્થ યોજ્યો અને જે જીતે તે શિંગડા પર સો-સો ગ્રામ સોનું બાંધેલી હજાર ગાયો લઈ જાય એવું ઇનામ રાખ્યું. ઋષિ યાજ્ઞવલ્ક્યએ પોતાના શિષ્યોને કહ્યું કે આ ગાયો હાંકી જાઓ. ત્યારે વિદુષી ગાર્ગીએ યાજ્ઞવલ્ક્ય ઋષિને પ્રશ્નો પૂછવાનું શરૂ  કર્યું. ગાર્ગીનું હુલામણું નામ વાચક્ન્વી હતું. ગાર્ગી વાક્પટુ હતી. એટલે તેને વાચક્ન્વીનું બિરુદ મળ્યું હશે. એવા પણ ઉલ્લેખ છે કે ગાર્ગીના પિતાનું નામ વાચક્નુ હતું. એ સમય એવો હતો જ્યારે મહિલાઓને બોલવા દેવાનું ચલણ નહોતું, પણ ગાર્ગી પ્રશ્નો પૂછવામાં કુશળ હતી. તેણે યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. જળમાં બધું ઓગળેલું છે તો જળ શેમાં ઓતપ્રોત છે? યાજ્ઞવલ્ક્યએ જવાબ આપ્યો, વાયુમાં. ગાર્ગીએ પૂછ્યું વાયુ શેમાં ઓતપ્રોત છે? યાજ્ઞવલ્ક્યના દરેક ઉત્તરમાંથી ગાર્ગી પ્રશ્ન પૂછતી ગઈ. અંતે બ્રહ્મલોક સુધી વાત પહોંચી. ગાર્ગીએ તો પણ પ્રશ્નો કરવાનું છોડ્યું નહીં એટલે યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે ‘ગાર્ગી, આ અતિપ્રશ્ન છે. આટલા સવાલ ન કર. હવે વધુ પૂછીશ તો તારું મસ્તક પડી જશે.’ ગાર્ગીએ મુદ્દો છોડી દીધો. પણ અન્ય બે વિદ્વાનોએ પ્રશ્નો પૂછ્યા પછી ગાર્ગીએ ફરી પ્રશ્ન પૂછવાની મંજૂરી માગી. અને પ્રશ્ન પૂછ્યો, બ્રહ્માંડ કોને આધીન છે ? યાજ્ઞવલ્ક્યએ બ્રહ્માંડ અક્ષરતત્ત્વને આધીન હોવાનું કહીને પછી પરબ્રહ્મ વિશે લંબાણપૂર્વક સમજાવ્યું અને ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને વિજેતા માન્યા. ગાર્ગી પછી શાકલ્ય વિદગ્ધએ અસંખ્ય પ્રશ્નો કર્યા. અતિ પ્રશ્નો કર્યા અને તેનું મસ્તક પડી ગયું.
આ કથા એવું પણ સૂચવે છે કે મહિલાઓ પુરાતનકાળથી વાણી વિશારદ હતી જ, પુરુષોએ તેમની વાણી રૂંધી રાખી હતી. હવે વિશ્વમાં સ્વતંત્રતા છે અને સ્ત્રીઓએ એ સ્વતંત્રતાને માણવા માંડી છે. યોગ્ય છે. કદાચ એવું હશે કે હજારો વર્ષ સુધી પુરુષોએ સ્ત્રીઓના હોઠ સીવેલા રાખ્યા એના પ્રત્યાઘાતરૂપે સ્ત્રીઓ વધુ બોલતી હશે. પણ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીમાં આદિકાળથી વધુ બોલવાની શક્તિ છે જ. અને એટલે જ છોકરાઓ કરતાં છોકરીઓ વધુ ઝડપથી બોલતાં શીખી જાય છે. છોકરીઓને ચટરપટર કરવાની ટેવ છોકરાઓ કરતાં વધુ હોય છે. ત્રણ-ચાર પુરુષો મળે ત્યારે મૂંગા રહીને પોતપોતાના કામમાં કે મોબાઇલમાં વ્યસ્ત રહી શકે, ત્રણ-ચાર મહિલાઓ મળે તો વાત કર્યા વિના રહી શકે નહીં.
સ્ત્રીઓની બોલવાની ટેવ વિશે કેટલીક માન્યતાઓ જમાનાઓથી ચાલી જ આવે છે, એ બદલાતી નથી. શા માટે નથી બદલાતી એ બહેનોએ વિચારવું. ઉદાહરણ તરીકે મહિલાઓને ગૉસિપ કરવાની ટેવ હોય છે, કૂથલીની ટેવ હોય છે; પુરુષોને આવી ટેવ હોતી નથી. પુરુષો વ્યવસાય વિશે કામ કઈ રીતે કરવું, આયોજન કેવું કરવું એ બાબતે વાત કરતા હોય છે. સ્ત્રીઓ લાગણી, ભાવ, સંબંધો વિશે વધુ વાત કરતી હોય છે. પુરુષો વસ્તુઓ વિશે વાત કરતા હોય છે, સ્ત્રીઓ સંવાદિતા માટે કરતી હોય છે. પુરુષ માટે ભૌતિક ચીજો મહત્ત્વની હોય છે, સ્ત્રીઓ માટે ભાવનાત્મક બાબતો ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાંની અમુક હકીકતો છે અને અમુક માન્યતાઓ. આ બધી જ માન્યતાઓ અને હકીકતો  સદા રહેવાની છે. જ્યાં સુધી આ પૃથ્વી પર પુરુષ અને સ્ત્રી છે ત્યાં સુધી તો રહેશે જ.
ચાર મળે ચોટલા, ભાંગે ઘરના ઓટલા એવી કહેવત સ્ત્રીઓની કૂથલી માટે પડી છે. કૂથલી સ્ત્રીઓ જ શા માટે કરતી હશે? પુરુષો પંચાત કરે, સ્ત્રીઓ કૂથલી કરે. બન્નેમાં આમ તો તાત્ત્વિક ભેદ કંઈ જ નથી. છતાં મહિલાઓને ગૉસિપ કરનાર ગણવામાં આવી છે. મહિલાઓની વાતચીતને જ ગૉસિપ કહેવાનું ચલણ થઈ ગયું છે, વાસ્તવમાં ગૉસિપ શબ્દને મહિલાઓ સાથે કશી લેવાદેવા હતી જ નહીં. મૂળ તો એ શબ્દ ગૉડ અને સિબ શબ્દો પરથી બન્યો છે, જેનો અર્થ થાય ધર્મકાર્ય માટે એકઠા થયેલાઓ. પછીથી આ શબ્દ મહિલાઓ મળે એના માટે વપરાવા માંડ્યો. સત્ય તો એ છે કે સ્ત્રીને ઘણું કહેવું હોય છે અને પુરુષને કશું સાંભળવું હોતું નથી એટલે તેને સ્ત્રી હોય એના કરતાં વધુ બોલકી લાગે છે. એક કહેવત છે, સ્ત્રી જ્યારે તમારી વાત સાંભળીને પૂછે કે શું કહ્યું? ત્યારે એવું નથી હોતું કે તે સાંભળતી નથી, તે તમને તમારી વાત સુધારી લેવાની તક આપતી હોય છે.

columnists kana bantwa