અફસોસ હાયકારાનો : વિદેશ જઈને બૂરાઈ કરતા રાહુલ ગાંધીને એ વાતો અહીં કરવામાં તકલીફ શું હતી?

11 March, 2023 08:08 AM IST  |  Mumbai | Manoj Joshi

આ પ્રકારની વાતો કરવી એ શું દેશની શાનમાં છે? આ થયો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, શું આ દેશમાં રહેવું સુરક્ષિત ન હોય તો એનો અર્થ એવો કાઢી શકાય ખરો કે હવે રાહુલભાઈ ગાંધી પાછા નથી આવવાના કે પછી આ દેશમાંથી કાયમ માટે બીજા દેશમાં જઈને સેટલ થઈ રહ્યા છે

ફાઇલ તસવીર

વિદેશમાં રાહુલ ગાંધીએ ઘણી લવારી કરી છે. હા, લવારી જ કહેવાય એને. આપેલી ૭ સ્પીચમાં ઓછામાં ઓછી ૧૦ વખત તેણે એવી વાતો કરી છે કે આ દેશ હવે સુરક્ષિત રહ્યો નથી. એવું પણ તેણે ૧૨ વખત કહ્યું કે ‘આખો દેશ અત્યારે બાનમાં લેવાઈ ગયો છે’ અને ૧૫ વખત એવું કહ્યું કે ‘આ દેશમાં જાસૂસી કરવામાં આવે છે.’ પોતાના મોબાઇલ રેકૉર્ડ થાય છે એવી વાત પણ રાહુલભાઈએ કરી અને રાહુલભાઈએ ઇનડિરેક્ટલી એવું પણ કહ્યું કે ‘હવે આ દેશમાં રહેવું સુરક્ષિત નથી.’

આ પ્રકારની વાતો કરવી એ શું દેશની શાનમાં છે? આ થયો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, શું આ દેશમાં રહેવું સુરક્ષિત ન હોય તો એનો અર્થ એવો કાઢી શકાય ખરો કે હવે રાહુલભાઈ ગાંધી પાછા નથી આવવાના કે પછી આ દેશમાંથી કાયમ માટે બીજા દેશમાં જઈને સેટલ થઈ રહ્યા છે? બહુ મહત્ત્વનો મુદ્દો જો કોઈ હોય તો એ છે કે જે વાતો ફૉરેનના આંગણે જઈને કરવામાં આવી છે એ વાતો શું કામ એ મહાશયને આ દેશમાં કરવામાં તકલીફ પડી? આ દેશમાં આજે પણ બીજેપી કે નરેન્દ્ર મોદી કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લખનારાઓનો તોટો નથી અને એવી પરિસ્થિતિમાં પણ તેમનો વાળ પણ વાંકો નથી થયો. જોઈ લો તમે અને ઇચ્છો તો નામ પણ ગણી લો એ દરેક દિગ્ગજોના, જેઓ આજે પણ આ જ દેશમાં રહે છે, સુરક્ષિત છે અને નરેન્દ્ર મોદીનું નામ પડતાં જ ફૂંફાડા મારે છે. મારવા જ જોઈએ ફૂંફાડા, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ સાહેબ, મારું કહેવું એટલું છે કે તે સૌ આ દેશમાં રહીને જ આ વાત કરે છે અને આ દેશમાં રહીને જ દેશના શાસનની નુક્તેચીની કરે છે, તો પછી રાહુલ રાજીવભાઈ ગાંધીને એવી તે શું જરૂર પડી કે વિદેશ જઈને તેમણે દેશની શાનની ખિલાફ બધો બકવાસ કર્યો અને એ પણ એવો બકવાસ, જે કર્યા પછી પણ કંઈ પુરવાર થઈ શકે એમ નથી.

તમે દેશની કોઈ એક પાર્ટીના, એક વ્યક્તિના, એક વિચારધારાના વિરોધી હો એ સમજી શકાય. તમે દેશના શાસનના વિરોધી હો એ પણ સમજી શકાય અને એ પણ સમજી શકાય કે તમે સત્તાના ભૂખ્યા હો એટલે શાસક પક્ષના કટ્ટર વિરોધી હો, પણ સાહેબ, તમે દેશના વિરોધી હો એ કોઈ કાળે સ્વીકારી ન શકાય, સ્વીકારવું પણ ન જોઈએ. તમે ક્યારેય તમારા ઘરના પ્રશ્નો બહાર જઈને ઓક્યા છો ખરા? તમે ક્યારેય તમારાં પુત્રવધૂના ઉછાંછળાપણા વિશે બહાર બોલ્યા છો ખરા? તમે જ કહો, તમે ક્યારેય તમારી દીકરીની આડાઈ વિશે બહાર વાતો કરવા ગયા છો?

જો નકારાત્મક કહેવાય એવી વાત પણ તમે પરિવારની બહાર નથી કરતા તો શંકાસ્પદ વાતો તો તમે ત્રાહિતના મોઢે કહેવા જવાની ગુસ્તાખી ન જ કરો અને ન જ કરવી જોઈએ. ઑફિસમાં ચાલતા રાજકારણ વિશે પણ જો માણસ કોઈ થર્ડ પાર્ટી પાસે બોલવા રાજી નથી હોતો તો પછી કેવી રીતે તે શંકાશીલ બનીને તમારા દેશના રાજકીય વાતાવરણની ઊલટીઓ કોઈ અન્ય સામે કરે? રાહુલ ગાંધીને પ્રૉબ્લેમ હોઈ શકે છે અને હોવો જ જોઈએ, લોકશાહી એવા જ તબક્કે તંદુરસ્ત રહે જે તબક્કે સક્ષમ વિરોધ પક્ષ સામે ઊભો હોય, પણ મુદ્દો છે સામે ઊભા રહેવાનો, હજાર કિલોમીટર દૂર જઈને બકવાસ કરવાનો નહીં.

columnists manoj joshi