આપણી ફિલ્મોમાં હીરો મરતા કેમ બંધ થઈ ગયા?

21 July, 2022 11:41 PM IST  |  Mumbai | JD Majethia

ફિલ્મ બહુ ગમી હોય અને તો પણ આપણે ભારે હૈયે થિયેટરની બહાર નીકળીએ. એ ફિલ્મો દિલ સાથે સીધી કનેક્ટ થતી અને એટલે જ એમને સક્સેસ મળતી

આપણી ફિલ્મોમાં હીરો મરતા કેમ બંધ થઈ ગયા?

સીક્વલના મોહને કારણે. પહેલાંની ફિલ્મો યાદ કરો તમે. હીરો ફિલ્મની ક્લાઇમૅક્સમાં મરે અને તમને એવું લાગે કે જાણે આપણું સ્વજન ગુજરી ગયું હોય. ફિલ્મ બહુ ગમી હોય અને તો પણ આપણે ભારે હૈયે થિયેટરની બહાર નીકળીએ. એ ફિલ્મો દિલ સાથે સીધી કનેક્ટ થતી અને એટલે જ એમને સક્સેસ મળતી

‘ચાલીસ વર્ષથી હું ઇન્ડસ્ટ્રીમાં છું. બહુ તડકા-છાયા જોઈ લીધા મેં. બહોત ઉપર-નીચે દેખા. કાફી ફિલ્મેં ચલી, કાફી નહીં ભી ચલી; પર ડરના મત... યે સિર્ફ દૌર હૈ, ગુઝર જાએગા... બસ, હિંમત સે આગે બઢના...’
પિન્કવિલા સ્ટાઇલ આઇકન અવૉર્ડ્‍સ દરમ્યાન ત્યાં આવેલા અનિલ કપૂરે આ શબ્દો કહ્યા અને બધાએ તાળીઓ પાડીને તેની આ વાતને વધાવી લીધી. વાત એવી હતી પણ ખરી. હમણાં બૉલીવુડમાં માહોલ જ એવો છે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે અત્યારનો આ સમય સારો નથી. એક-એકથી ચડિયાતી ફિલ્મો; જેમાં મોટા સ્ટાર, મોટાં નામો અને એ પછી પણ એ ફિલ્મો દર્શકોને સિનેમા હૉલ સુધી લાવી નથી શકી. એકધારું આવું બનતું જતું હોવાથી બધા એના પર બહુ વિચાર કરે છે કે આવું કેમ થાય છે? 
કોવિડને કારણે આજના લોકોએ એટલો મોટો ડ્રામા પોતાની જિંદગીમાં જોઈ લીધો છે કે હવે નાની-નાની વાતના ડ્રામા તેમને અટ્રૅક્ટ નથી કરતા. જો આવા સમયે તમારે ઑડિયન્સને અટ્રૅક્ટ કરવું હોય તો તમારે એને જુદી રીતે જ મનોરંજન આપવું પડે; જુદી રીતે એમની સાથે રિલેટ કરી શકો, કરાવી શકો. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો બહુ ખરાબ રીતે આપણાં હિન્દી પિક્ચરો નિષ્ફળ ગયાં અને એની સામે સાઉથની ફિલ્મો સફળ રહી. એકાદ હિન્દી ફિલ્મ ચાલી, પણ બાકી તો એ લોકો ઝઝૂમી રહ્યા છે કે હવે કરવું શું? જે લખાતી હતી એમને અટકાવી દેવામાં આવી, જે અડધી બની ગઈ હતી એમને ડબ્બામાં મૂકી દીધી તો અમુક પ્રોજેક્ટને એમ જ શટડાઉન કરવામાં આવ્યા. 
અનિલ કપૂરની આ જ વાત પર હું પણ વિચારમાં પડી ગયો અને મને પણ થયું કે આવું થાય છે શું કામ? વિચારતાં-વિચારતાં મારા મનમાં આ વિષય પર અનેક વિચારો આવ્યા, પણ એ બધા વિચારોમાંથી મને જે અગત્યનો લાગ્યો એ વિચાર હું તમારી સાથે શૅર કરું છું.
તમે જુઓ, છેલ્લા ઘણા વખતથી આપણી ફિલ્મોની સ્ટોરી જ બદલાઈ ગઈ છે. હવે આપણી ફિલ્મોમાં હીરો મરતા નથી. વાર્તા કહેવાની એક સ્ટાઇલ હતી જે હિટ સ્ટાઇલ હતી અને વર્ષોથી ચાલી આવતી હતી એ સ્ટાઇલ જ આખી બદલાઈ ગઈ. શું કામ બદલાઈ એ સ્ટાઇલ એના વિશે પણ આપણે વાત કરીશું, પણ એ પહેલાં તમે યાદ કરી લો કે છેલ્લે કઈ ફિલ્મમાં તમે હીરોને મરતો જોયો? યાદ કરો, તમને આસાનીથી એક પણ ફિલ્મ યાદ નહીં આવે. 
હવે તમે યાદ કરો પહેલાંનો સમય?
પહેલાંના જમાનામાં અમિતાભ બચ્ચન કેટલી ફિલ્મોમાં મરી જાય છે અને કેટલી ફિલ્મોમાં રાજેશ ખન્ના ગુજરી જાય છે. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જ નહીં, બીજી ફિલ્મોમાં પણ કેટકેટલા હીરો મરે છે અને તમને તેમને મરતા જોઈને તેમના મોત પર રડવું આવે, દુઃખ થાય અને તમે એ પીડા તમારી અંદર અનુભવો. ‘કયામત સે કયામત તક’, ‘એક દૂજે કે લિએ’ જેવી ફિલ્મોમાં તો હીરો અને હિરોઇન બેઉ મરે છે અને આપણી પણ આંખો ભીની થઈ જાય છે. આ એક ગ્રાફ હતો, સ્ટોરી કહેવાની પૅટર્ન હતી અને આ સાચી પૅટર્ન હતી એવું મને લાગે છે. આ પૅટર્ન પર આખું બૉલીવુડ ઊભું હતું. ‘ડર’ અને ‘બાઝીગર’માં શાહરુખ ખાન મરે ત્યારે બધાને કેવું ફીલ થતું? આંખો ભીની થઈ જાય અને ભારે હૈયે થિયેટરની બહાર ઑડિયન્સ નીકળે.
હવે શું છે કે લોકો પિક્ચર બનાવવાની શરૂઆત કરે ત્યારથી જ એમ વિચારે કે આ પિક્ચર પછી એકાદ-બે સીક્વલ બનાવવી છે એટલે આપણે હીરોને જીવતો રાખવો છે. તમે જુઓ, ‘બાહુબલી’માં પણ હીરો એટલે કે બાહુબલી પહેલાં મર્યો અને એ પછીની સ્ટોરીમાં તે એવી રીતે પાછો આવ્યો કે જાણે આખી વાત જુદી રીતે કહેવાતી હોય. 
મને યાદ નથી આવતું કે હમણાં કોઈ હીરો મર્યો હોય. હીરોને હવે ડિરેક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર પણ મારતા નથી; કારણ કે બધાના મનમાં એક જ વાત છે કે આ ફિલ્મની સિક્વલ બનાવવી છે. પહેલેથી પ્લાન જ એવી રીતે કરે છે કે ભાઈ, મારી બીજી ફિલ્મ પણ બને અને ત્રીજી ફિલ્મ પણ બને અને આ આમ જ ચાલ્યા કરે. 
અરે ભલા માણસ, પહેલી ફિલ્મ ચાલે છે કેવી એનો તો વિચાર કરો. બીજી અને ત્રીજી ફિલ્મ તો પછીની વાત છે. એ ત્યારે જ બનશે જ્યારે પહેલી ફિલ્મ ચાલી હશે. 
મને લાગે છે કે હવે લોકો ફિલ્મ બનાવતાં પહેલાં જ લાંબું વિચારવા માંડ્યા છે. એ જે વિચાર પર, થૉટ પર ચાલે છે એમાં ક્યાંક ને ક્યાંક હીરો રિયલ નથી રહેતો, રિલેટેબલ નથી રહેતો. હીરોને પરાણે જીવતો રાખવાની આ જે માનસિકતા છે એ ફૅક્ટરને લીધે હીરો સાથે તમારી જાતને કનેક્ટ કરવાની જે વાત હતી એ મિસિંગ થઈ જાય છે. આ બહુ અગત્યનો મુદ્દો મારા ધ્યાન પર આવ્યો. 
મોટો નહોતો ત્યારની એ ફિલ્મો જોવાની મને મજા બહુ આવતી. અમિતાભ બચ્ચનની જ ફિલ્મોની વાત તમને કરું. ‘શોલે’માં વીરુ મરે છે. ‘દીવાર’માં વિજયનું મોત થાય છે. ‘ડૉન’માં મરે છે, ‘મુકદ્દર કા સિંકદર’માં મરે છે, ‘શક્તિ’માં મરે છે. અરે, કેટલી ફિલ્મોમાં તે હીરો તરીકે મરે છે. તેને મરતો જોઈને આપણને દુઃખ થાય કે આમ કેમ મરી ગયો? આપણને એવું લાગતું કે જાણે સ્વજનનું મોત થયું. એવી જ લાગણી સાથે આપણે થિયેટરમાંથી બહાર આવતા. એ ફિલ્મોની વાર્તા આપણને ખૂબ ગમી હોય, વારંવાર જોવાનું મન થાય એવી હોય અને અને આપણે જઈએ પણ ખરા. જેમ ભાવતી વાનગીથી આપણું પેટ ભરાય નહીં એવી જ રીતે આ ફિલ્મો વારંવાર જોયા પછી પણ આપણું મન ભરાય નહીં. 
એ બધી વાતો અને આજની ફિલ્મો જોતાં મારા ધ્યાનમાં આ વાત આવી. મને થયું કે આપણી ફિલ્મ બનાવવાની રીત જ સાવ બદલાઈ ગઈ છે. હવે ફિલ્મ નહીં પણ લોકોના મનમાં સીક્વલ આવી ગઈ છે અને સીક્વલ પર જ ધ્યાન આપવું એવું ધારી લેવામાં આવ્યું છે. એક વાત ખબર છે તમને? પહેલી ફિલ્મ બન્યા પહેલાં જ સીક્વલ પર ધ્યાન આપવાનો અર્થ છે બિઝનેસ પર ધ્યાન આપવું. 
ફિલ્મ બિઝનેસ છે. એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એટલે નૅચરલી પૈસાની વાત તો સૌકોઈએ ધ્યાનમાં રાખવી જ પડે. જોકે પૈસાની વાત પહેલાં જો કોઈ વાત ફિલ્મ-મેકિંગમાં આવતી હોય તો એ છે ક્રીએટિવિટી, સર્જનાત્મકતા. તમે સર્જનાત્મકતાને તરછોડીને ક્યારેય બિઝનેસ ન કરી શકો. ખાસ કરીને એ જગ્યાએ જ્યાં ક્રીએટિવિટીનું ઇમ્પોર્ટન્સ પહેલી હરોળમાં હોય. પહેલાં પણ બિઝનેસને ધ્યાનમાં રાખવામાં આવતો જ હતો, પણ એ સમયે માત્ર બિઝનેસ ધ્યાનમાં નહોતો રાખવામાં આવતો. એ સમયે સાચા ક્રમમાં કામ થતું. પહેલાં ક્રીએટિવિટીને જોવામાં આવતી અને એ પછી ફિલ્મના બિઝનેસ પર કામ કરવામાં આવતું અને એ બિઝનેસમાં પણ ક્યારેય ફિલ્મને, એની સ્ટોરીને ભૂલવામાં નહોતી આવતી. અત્યારે એવું નથી રહ્યું. મને લાગે છે કે અત્યારે ફિલ્મો ઓછી બને છે અને પ્રોજેક્ટ વધારે બને છે અને ઘણાં કારણો પૈકીનું એક કારણ આ પણ છે. ફિલ્મ જોવા લોકો જાય, પ્રોજેક્ટ જોવા માટે શું કામ કોઈ પાંચસો અને સાતસો રૂપિયાની ટિકિટ લઈને થિયેટર સુધી આવે?
જે ફિલ્મ દિલથી બને છે એ સીધી દિલ સાથે જોડાય છે, જે ફિલ્મ મનથી બને છે એ સીધી મન સાથે જોડાય છે અને જ્યારે એવું બને છે ત્યારે સિમ્પ્લી જોનારો પણ પોતાનું દિમાગ વાપરીને એટલે કે હિસાબ કરીને જ જોવા જવાનું નક્કી કરે છે.

ફિલ્મ બિઝનેસ છે. એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એટલે નૅચરલી પૈસાની વાત તો સૌકોઈએ ધ્યાનમાં રાખવી જ પડે. જોકે પૈસાની વાત પહેલાં જો કોઈ વાત ફિલ્મ-મેકિંગમાં આવતી હોય તો એ છે ક્રીએટિવિટી, સર્જનાત્મકતા. તમે સર્જનાત્મકતાને તરછોડીને ક્યારેય બિઝનેસ ન કરી શકો.

columnists JD Majethia