પ્લાસ્ટિકના વેપારીને એન્વાયર્નમેન્ટ માટે પૉડકાસ્ટ ચૅનલ શરૂ કરવાનું કેમ સૂઝ્યું?

14 June, 2021 03:30 PM IST  |  Mumbai | Ruchita Shah

અત્યારે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફેડરેશન(WWF) અંતર્ગત તેણે ભારતમાં કુદરતને બચાવવા માટે મથી રહેલા લોકોની વાતો પૉડકાસ્ટ દ્વારા વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવાની શરૂ કરી છે

પ્લાસ્ટિકના વેપારીને એન્વાયર્નમેન્ટ માટે પૉડકાસ્ટ ચૅનલ શરૂ કરવાનું શું કામ સૂઝ્યું?

પાર્લામાં રહેતા સમર્થ શાહે એક વૉટર સ્પોર્ટ દરમ્યાન દરિયાઈ સૃષ્ટિણના બદલાઈ રહેલા સ્વરૂપથી એવો ઝાટકો અનુભવ્યો કે તેણે પ્રકૃતિ સંવર્ધન માટે હવે કંઈક કરવું છે એવું નક્કી કરી લીધું. અત્યારે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફેડરેશન(WWF) અંતર્ગત તેણે ભારતમાં કુદરતને બચાવવા માટે મથી રહેલા લોકોની વાતો પૉડકાસ્ટ દ્વારા વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવાની શરૂ કરી છે

આપણને ખબર નથી કે કઈ ક્ષણ જીવન માટે પરિવર્તનની ક્ષણ બની શકે છે. ૨૦૧૯માં મૉલદીવ્ઝમાં સ્નૉર્કલિંગ કરતી વખતે એવું કંઈક થયું કે પાર્લામાં રહેતા સમર્થ શાહે એન્વાયર્નમેન્ટ માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું અને નક્કી કર્યું કે તે પોતાની રીતે કુદરતને બચાવવાની દિશામાં કોઈક પ્રયાસો કરશે. સૌથી પહેલાં તેણે ભીનો અને સૂકો કચરો જુદો કરવા વિશે જનજાગૃતિ લાવવાની મુહિમ શરૂ કરી. જોકે એ દરમ્યાન લૉકડાઉન આવ્યું. હવે ઘરે રહીને શું કરવું? એવામાં તેણે હવે પૉપ્યુલારિટી મેળવી રહેલી પૉડકાસ્ટ ચૅનલ શરૂ કરી. જેમ તમે યુટ્યુબ પર લોકોએ મૂકેલા વિડિયો જુઓ છો એ જ રીતે પૉડકાસ્ટમાં દુનિયાભરના વિદ્વાન લોકોને સાંભળી શકો. તેમના વિચારો, તેમણે ક્રીએટ કરેલું કન્ટેન્ટ સાંભળી શકો. મોટે ભાગે પૉડકાસ્ટ ઇન્ફર્મેશન બેઝ્ડ બાબતોને સમાવે છે. સમર્થે પણ આ ગંભીર અને મહત્ત્વની વાતો લોકો સાથે શૅર કરવા માટે પૉડકાસ્ટનો રસ્તો અપનાવ્યો છે. આ બધું કેવી રીતે શરૂ થયું અને અત્યાર સુધીમાં તેને કેવો રિસ્પૉન્સ મળ્યો છે એ વિષય પર તેની સાથે‌ વિગતવાર વાતો કરીએ. 
એ પ્રવાસ
હું આમ ફરવાનો શોખીન છું અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં સ્કુબા ડાઇવિંગમાં એક્સપર્ટ છું એમ જણાવીને સમર્થ કહે છે, ‘દુનિયામાં જ્યાં-જ્યાં શ્રેષ્ઠ કક્ષાનું સ્કુબા ડાઇવિંગ થાય છે ત્યાં હું જઈ આવ્યો છું અને દરિયાઈ સૃષ્ટિની શ્રેષ્ઠતાઓને મેં નજરોનજર નિહાળી છે. ૨૦૧૯માં અમે મૉલદીવ્ઝ ગયા હતા. એ સમયે સ્નૉર્કલિંગ કરવા માટે પાણીમાં ઊતર્યા તો અંદર જે રંગીન સુંદર પથ્થરોની દુનિયા દરિયામાં દેખાતી હોય એ કલરફુલ પથ્થરો સફેદ ચટ્ટાન જેવા થઈ ગયા હતા. ખબર પડી કે દરિયાનું ટેમ્પરેચર વધી રહ્યું છે આ એનું જ પરિણામ છે. ૧૯૭૦થી લઈને અત્યાર સુધીમાં દરિયાનું ટેમ્પરેચર લગભગ બે ડિગ્રી જેટલું વધ્યું છે. આ નંબર નાનો નહોતો. એ ટ્રિપમાં મારી નાની દીકરી પણ સાથે હતી. ત્યારે મને થઈ ગયું કે જો અત્યારે આ સ્થિતિ છે તો આવનારા સમયમાં દરિયાની કલરફુલ અને અતિસુંદર દુનિયા મારી દીકરી તો જોઈ જ નથી શકવાની. ત્યાંથી આવ્યા પછી મને ચેન જ નહોતું પડતું એટલે આ દિશામાં મેં રિસર્ચ પણ શરૂ કરી દીધું.’
સોસાયટીનો સંપર્ક
એવામાં પહેલો વિચાર આવ્યો કે દરિયામાં કચરો ન જાય એવા પ્રયાસો થવા જોઈએ. એમાં જ મેં શરૂ કર્યું સોસાયટીમાં જઈને અવેરનેસ લાવવાનું એમ જણાવતાં સમર્થ વાતને આગળ વધારતાં કહે છે, ‘કચરો ન થાય એવા પ્રયાસો થાય તો દરિયામાં ગંદકી ઓછી ફેલાય. એટલે પાર્લાની એક સોસાયટીમાં લેક્ચર આપ્યું અને તેઓ કેવી રીતે તેમની સોસાયટીમાં વેસ્ટ મૅનેજમેન્ટ કરી શકે એ વિશે જાણકારી શૅર કરી. નસીબજોગે હવે એ સોસાયટીમાં વેસ્ટ મૅનેજમેન્ટ વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયું છે. જોકે એ પછી લૉકડાઉન થયું અને કામ અટકી ગયું. હવે શું કરું એમાં મને પૉડકાસ્ટનો વિચાર આવ્યો. મારી ત્રણ વર્ષની દીકરીને હજી અમે સ્ક્રીન નથી દેખાડતા એટલે વિડિયો ફૉર્મેટને બદલે પૉડકાસ્ટ જ મને બેટર ઑપ્શન લાગ્યો. એમાં હું નેચર માટે કામ કરતા લોકો અને સંસ્થાઓ સાથે વાત કરતો અને આ દિશામાં શું કરી શકાય, તેઓ શું કરી રહ્યા છે એ બધું પૂછતો. એ દરમ્યાન જ વર્લ્ડ વાઇલ્ડલાઇફનાં એજ્યુકેશન ડિરેક્ટર રાધિકા સૂરિ સાથે પરિચય થયો. એમાંથી જ આ સંસ્થા વતી પણ પૉડકાસ્ટ શરૂ થયા.’

અત્યાર સુધીમાં સમર્થના પચીસેક પૉડકાસ્ટ આવી ચૂક્યા છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફેડરેશન અંર્તગત જ તે ૧૫ જેટલા પૉડકાસ્ટ કરવાનો છે.

પ્લાસ્ટિકનું જ કામ અને પર્યાવરણની ફિકર

સમર્થ તેના દૂધની પ્લાસ્ટિકની થેલી બનાવવાના ફૅમિલી બિઝનેસમાં છે. લોકો ક્યારેક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ પણ કરતા હોય છે કે પ્લાસ્ટિકને કારણે જ આજે સૌથી વધુ પ્રદૂષણ ફેલાયું છે એના જવાબમાં સમર્થ કહે છે, ‘અમે પ્લાસ્ટિકની દૂધની થેલી બનાવીએ છીએ. જો થેલીઓ ન હોત તો પહેલાંની જેમ કાચની બૉટલમાં દૂધ આવતું હોત અને તમે જ કહો એમાં મોટી ક્વૉન્ટિટીમાં દૂધ સપ્લાય કરવા માટે વધુ વેહિકલની જરૂર પડત અને વધુ પેટ્રોલ બળત.  કેટલું કાર્બન ફુટપ્રિન્ટ વધત એનું કૅલ્ક્યુલેશન કરી જુઓ.બીજી મહત્ત્વની વાત પ્લાસ્ટિક ખરાબ નથી, પરંતુ આપણને પ્લાસ્ટિકનું મૅનેજમેન્ટ કરતાં નથી આવડ્યું. પ્લાસ્ટિક કંઈ પોતાના પગે ચાલીને દરિયામાં પડવા નથી જતું. આપણે જ એને નાખીએ છીએ.’

ruchita shah columnists