પોતાના માટે સારાં કામ પણ કેમ કરી શકતા નથી?

31 July, 2022 06:55 PM IST  |  Mumbai | Kana Bantwa

લાંબા ગાળે થનારા મોટા ફાયદા કરતાં ટૂંકા ગાળે થનારા નાના ફાયદાને પસંદ કરવાની વૃત્તિ પ્રેઝન્ટ બાયસ કહેવામાં આવે છે

પોતાના માટે સારાં કામ પણ કેમ કરી શકતા નથી?

તમે વહેલા ઊઠીને યોગ અને કસરત કરવાનું નક્કી કર્યું છે, સવારે બરાબર સાડાપાંચ વાગ્યે અલાર્મ વાગે છે, તમારી ઊંઘ ઊડે છે, તમને યાદ આવે છે કે વહેલા ઊઠવાનું છે, યોગ-કસરત કરવાનાં છે, તમારા આરોગ્ય માટે આ ફાયદાકારક છે છતાં તમે અલાર્મ બંધ કરી દો છો અને રજાઈ ઓઢીને સૂઈ જાઓ છો.
તમે શૅરબજારમાં રોકાણ કરતા રહો છો. તમને જાણ છે કે તમારે જે શૅર લેવાની ઇચ્છા છે એના ભાવ અત્યારે જે સપાટીએ છે એ વધુ છે, એ નીચા આવવાની સંભાવના છે. છતાં તમે રાહ જોઈ શકતા નથી, તમે અત્યારના ભાવે એ શૅર ખરીદી લો છો.
તમારે આવતી કાલ સુધીમાં ઘણું કામ પૂરું કરવાનું છે. તમને ખબર છે કે જો આજે અડધું કામ નહીં થઈ જાય તો કાલે કામ પતાવવામાં મુશ્કેલી પડવાની છે. છતાં તમે કામ પડતું મૂકો છો અને સોશ્યલ મીડિયા પર રીલ્સ જોવામાં મશગૂલ થઈ જાઓ છો.
આવાં કેટલાંય ઉદાહરણો તમે શોધી કાઢી શકશો. દરેક માણસ ક્યારેક ને ક્યારેક આવું વર્તન કરે જ. આવા પોતાને જ નુકસાન કરતા નિર્ણયો લેવાનું કારણ છે તમારા મનમાંનો પ્રેઝન્ટ બાયસ. દરેક સ્મોકર જાણે છે કે સિગારેટ પીવાથી નુકસાન થાય છે, કૅન્સર થઈ શકે છે છતાં વર્તમાનમાં મળનારા આનંદ માટે તે માણસ ભવિષ્યમાં થનારા નુકસાનને નજરઅંદાજ કરે છે. સવારે કસરત કરવાના ફાયદાઓ બધા જાણે છે, પણ સૂતા રહેવાની વર્તમાન મજા સામે આરોગ્ય સારું રહેવાનો લાંબા ગાળાનો ફાયદો હારી જાય છે. લાંબા ગાળે થનારા મોટા ફાયદા કરતાં ટૂંકા ગાળે થનારા નાના ફાયદાને પસંદ કરવો એને પ્રેઝન્ટ બાયસ અથવા હાઇપરબોલિક ડિસ્કાઉન્ટિંગ કહે છે.
આવું થવાનું કારણ તમારી નબળાઈ ગણી લેવાને બદલે એને આદિમ વૃત્તિ કહેવી વધુ યોગ્ય રહેશે. માણસ જ્યારે સાવ પ્રાથમિક સ્થિતિમાં હતો, સુસંસ્કૃત નહોતો બન્યો ત્યારે તેની પ્રાથમિકતાઓ અલગ હતી. ત્યારે તેની દુનિયા અત્યારના જગત જેવી કૉમ્પ્લેકસ નહોતી. દુનિયા તો છેલ્લાં સો વર્ષમાં વધુ ગૂંચવણભરી બની છે. એનાં પાંચસો વર્ષ પહેલાંની દુનિયા એટલી અટપટી નહોતી. બે-ચાર હજાર વર્ષ પહેલાં તો એકદમ સાદી દુનિયા હતી, જીવન સરળ હતું. માણસે જીવવા માટે બહુ ઓછી પળોજણ કરવી પડતી હતી. અને દસ-વીસ હજાર વર્ષ પહેલાં? ત્યારે તો જીવન એકદમ સીધું-સપાટ હતું. બસ ખાવું, સૂવું, વંશવૃદ્ધિ કરવી, અસ્તિત્વ ટકાવી રાખવું એટલા જ ઉદ્દેશ હતા. શું પહેરવું, શું ખાવું, શું બોલવું, શું જોવું, શું બનવું એવા કોઈ ઑપ્શન જ નહોતા. એ સ્થિતિમાં હજારો વર્ષ માણસનું મન જે રીતે ઘડાયું એ બસો-પાંચસો વર્ષમાં બદલાઈ શકે નહીં. દુનિયા ઝડપથી બદલાઈ ગઈ છે. માનવીનું મન એ ઝડપે બદલાયું નથી, બદલાવું સંભવ પણ નથી. એટલે જે વૃત્તિઓ મનમાં પડી છે એ પોતાનું કામ કરશે જ. પ્રેઝન્ટ બાયસ માણસના મનમાં હજારો વર્ષ પૂર્વે ઘડાયો જ્યારે તેના જીવનમાં પસંદગીઓને ભાગ્યે જ અવકાશ હતો. તેણે ખાવું કે ભૂખ્યા રહેવું એ બેમાંથી એકની જ પસંદગી કરવાની હતી. ભોજનમાં રોટલી ખાવી કે લાડુ એ પસંદગીનો ત્યારે અવકાશ બહુ ઓછો હતો. જેમ-જેમ પસંદગીનો વ્યાપ વધતો ગયો, માણસને નિર્ણય લેવામાં વધુ મહેનત પડતી ગઈ. એ મહેનત નિવારવા માટે માણસના મને પોતાની અંદરની ડિફૉલ્ટ સેટિંગ જેવી વૃત્તિઓના આધારે નિર્ણય લેવાનું ચાલુ રાખ્યું.
ભવિષ્યમાં હાનિ થવાની છે એ દેખાતું હોવા છતાં માણસ જ્યારે એને નજરઅંદાજ કરીને તાત્કાલિક થનારા ફાયદાને, તાત્કાલિક મળનારા આનંદને પસંદ કરે છે ત્યારે તેને પોતાનો નિર્ણય સાચો લાગે છે. માણસ જ્યારે આદિમ જિંદગી જીવતો હતો ત્યારે ભવિષ્ય અત્યંત ધૂંધળું હતું. ત્યારે એક વર્ષ પછી થનારો ફાયદો થાય જ એવી કોઈ ગૅરન્ટી નહોતી. આવતી કાલે શું થવાનું છે એ પણ નક્કી ન હોય એવી સ્થિતિમાં ભવિષ્યના ફાયદા પસંદ કરવાની વાત જ ક્યાં આવે? ત્યારે તો ગમે ત્યારે શિકાર બની જવાય, ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે. ભવિષ્ય નિશ્ચિત જ ન હોય એવાં હજારો વર્ષો સુધી મન એવું જ ઘડાયું હોય જેમાં તરત દાન ને મહાપુણ્ય દેખાતું હોય. હાથમાં તે સાથમાં. હાથમાં રહેલું જાંબુ ભવિષ્યની કેરી કરતાં વધુ મીઠું લાગે. જોકે હવે એવી દુનિયા રહી નથી. હવે ભવિષ્ય ઘણું સ્થિર છે. હવે એક વર્ષ પછીની સ્થિતિનું તમે ખૂબ જ સટિક આકલન કરી શકો, વીસ વર્ષ પછીનું તમારું જીવન કેવું હશે એનો પણ તાગ મેળવી શકો અને એવું જીવન બનાવવા માટે આયોજન પણ કરી શકો. હવે જમાનો અલગ છે. હવે વ્યક્તિની અને વિશ્વની બન્નેની સ્થિરતા વધી છે.
સ્ટેનફર્ડ યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો. એમાં ભાગ લેનારાઓને પસંદગી આપવામાં આવી કે આજે સો ડૉલર લેવા કે અઠવાડિયા પછી ૧૨૦ ડૉલર. મોટા ભાગના લોકોએ આજે સો ડૉલર લઈ લેવાનું પસંદ કર્યું. આ પ્રયોગને આગળ ચલાવવામાં આવ્યો. આ જ અભ્યાસમાં જોડાયેલા લોકોને વીસ વર્ષ પછી પોતાનું જીવન કેવું હશે એની કલ્પના કરવાનું કહેવામાં આવ્યું. મહત્ત્વની બાબત એ જાણવા મળી કે જે લોકોએ અત્યારે સો ડૉલર લઈ લેવાનું નક્કી કર્યું હતું એ લોકો પોતાના ભવિષ્યના જીવન બાબતે બરાબર ચિત્રણ કરી શક્યા નહીં, પણ જે પાર્ટિસિપન્ટ્સે અઠવાડિયા પછી ૧૨૦ ડૉલર લેવાનું પસંદ કર્યું હતું તેઓ વીસ વર્ષ પછીના પોતાના જીવન બાબતે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમણે ભવિષ્ય માટે કેવું આયોજન કરવું, કેવાં રોકાણો કરવાં એ દરેક બાબતે વિચારી રાખ્યું હતું. આ અભ્યાસ દર્શાવે છે કે જે માણસ પોતાના પ્રેઝન્ટ બાયસથી મુક્ત થઈ શકે છે તે ભવિષ્ય માટે વધુ સારું આયોજન કરી શકે છે, વધુ વાસ્તવિક ધરાતલ પર જીવી શકે છે.
 તો પછી આ પ્રેઝન્ટ બાયસ મારામાં હોય તો મારી જિંદગી દોજખ જ બની રહેવાની? આવો પ્રશ્ન કોઈ પૂછી શકે, પુછાવો જ જોઈએ. ના, જિંદગી દોજખ નહીં બને. તમે પ્રેઝન્ટ બાયસથી મુક્ત થઈ શકો, સાવ સામાન્ય પગલાં લઈને. પહેલું પગલું : તમારી વૃત્તિ જ નજીકનો લાડવો ખાઈ લેવાની હોય તો તમે તમારા મોટા ગોલને, વિશાળ ધ્યેયને નાના-નાના ટુકડામાં વહેંચી નાખો; એને સમયના ટૂંકા ગાળામાં વહેંચી નાખો. એનાથી ઉતાવળે આંબા પકાવવાની તમારી વૃત્તિ પણ સંતોષાશે અને નુકસાન પણ નહીં થાય. એક વર્ષે જે મેળવવું છે એને બાર મહિનાના બાર ભાગમાં વહેંચી નાખો અને દરેક મહિનાનું આયોજન કરો. 
બીજું પગલું : ઠેલણવૃત્તિ ન રાખો. કોઈ કામને પછીથી કરવાનું ટાળો. આજે જ, અત્યારે જ એ કામ કરી લો. 
ત્રીજું પગલું : ભવિષ્ય વિશે કાળજીપૂર્વક વિચારતા રહો. ભવિષ્ય અંગે નહીં વિચારવાથી જ પ્રેઝન્ટ બાયસ મજબૂત થાય છે. 
ચોથું પગલું : એકાદ નાનું પણ લાંબા ગાળાનું કામ હંમેશાં હાથ પર રાખો. એ તમારા મનને લાંબા ગાળાના ધ્યેય માટે તૈયાર કરવાનું કામ કરશે.

ભવિષ્યમાં હાનિ થવાની છે એ દેખાતું હોવા છતાં માણસ જ્યારે એને નજરઅંદાજ કરીને તાત્કાલિક થનારા ફાયદાને, તાત્કાલિક મળનારા આનંદને પસંદ કરે છે ત્યારે તેને પોતાનો નિર્ણય સાચો લાગે છે. માણસ જ્યારે આદિમ જિંદગી જીવતો હતો ત્યારે ભવિષ્ય અત્યંત ધૂંધળું હતું. ત્યારે એક વર્ષ પછી થનારો ફાયદો થાય જ એવી કોઈ ગૅરન્ટી નહોતી.

હવે એવી દુનિયા રહી નથી. હવે ભવિષ્ય ઘણું સ્થિર છે. હવે એક વર્ષ પછીની સ્થિતિનું તમે ખૂબ જ સટિક આકલન કરી શકો, વીસ વર્ષ પછીનું તમારું જીવન કેવું હશે એનો પણ તાગ મેળવી શકો અને એવું જીવન બનાવવા માટે આયોજન પણ કરી શકો. હવે જમાનો અલગ છે. હવે વ્યક્તિની અને વિશ્વની બન્નેની સ્થિરતા વધી છે.

columnists kana bantwa