સંતાન આડા રસ્તે ચડી જાય તો એમાં કોનો વાંક?

24 October, 2021 12:07 PM IST  |  Mumbai | Kana Bantwa

માતા-પિતાનો કે સંતાનનો કે બીજા કોઈનો? તમે સંતાનને કેવું બનાવવા માગો છો એ વિશે વિચારતી વખતે એક વાત યાદ રાખજો કે તમે સંતાનના માલિક નથી

સંતાન આડા રસ્તે ચડી જાય તો એમાં કોનો વાંક?

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં ગયો ત્યારથી એક ચર્ચા હજી ચાલે છે કે બાળકનો ઉછેર કરવામાં ધ્યાન રાખવામાં ન આવે તો આવી હાલત થાય. આર્યન ખાન જે દિવસે ઝડપાયો એ જ દિવસે શાહરુખનો વર્ષો જૂનો ઇન્ટરવ્યુ યાદ કરાવાયો જેમાં તેણે કહ્યું હતું કે હું ઇચ્છુ છું કે મારો દીકરો ડ્રગ્સ લે, છોકરીઓ સાથે મજા કરે. બે-એક વર્ષ પહેલાં આર્યન ખાનનો કારમાં કોઈ છોકરી સાથે કૉમ્પ્રોમાઇઝિંગ સ્થિતિમાં વિડિયો વાઇરલ થયો હતો. હમણાં તે ડ્રગ્સમાં પકડાયો. પિતાની બન્ને ખ્વાહિશ પૂરી થઈ. શું શાહરુખ ખાને આયર્નને એ જ રીતે ઉછેર્યો હશે કે તે નશાખોર બને, વિલાસી બને? પ્રયત્નપૂર્વક દીકરાને એવો બનાવ્યો હશે? જો એવો બનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હોત તો કદાચ ન બન્યો હોત. કદાચ દીકરા પર ઓછું ધ્યાન આપ્યું હશે. કદાચ માત્ર પૈસાથી દીકરાને ઉછેરવાનો પ્રયત્ન કર્યો હશે. પણ આપણે અહીં એ પ્રશ્ન ચર્ચવો છે કે સંતાનો જેવાં બને છે એમાં માત્ર માતા-પિતા જ જવાબદાર હોય છે કે બીજું કોઈ? સંતાન કેટલું જવાબદાર હોય છે? અન્ય કોઈ પરિબળોની અસર હોય છે ખરી?
સંતાનને કેવું બનાવશો?
તમે તમારા બાળકને કેવું બનાવવા માગો છો? તમારો જવાબ ટપાક દઈને આવશે કે સારું જ, ઉત્કૃષ્ટ જ, શ્રેષ્ઠ જ બને એવું જ ઇચ્છીએને? બીજો પ્રશ્ન : તમે તમારા બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે શું કરો છો? જવાબ હશે કે બનતું બધું જ કરીએ છીએ. હવે ત્રીજો અને અંતિમ પ્રશ્ન : તમે ઇચ્છો એવું બાળકને બનાવી શકશો ખરા? આનો જવાબ આપતાં પહેલાં તમારે વિચારવું પડશે. માત્ર જવાબ આપતાં પહેલાં જ ન વિચારશો, તમે જો સંતાનનાં માતા-પિતા હો અને તમારું સંતાન અઢાર વર્ષથી વધુ મોટું ન થઈ ગયું હોય તો તેના માટે પણ આ જ પ્રશ્ન મુજબ વિચારી જોજો.
બે વાર્તાઓ વાંચો : એક દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો. યુગલ ખુશ થઈ ગયું. બહુ જ વહાલપૂર્વક તે પુત્રને ઉછેરવા લાગ્યું. મા-બાપની ઇચ્છા હતી કે પુત્રને શ્રેષ્ઠ બનાવવો એટલે તેમણે ગામમાં પધારેલા એક સાધુની સલાહ લેવાનું નક્કી કર્યું. સાધુનાં ચરણોમાં દીકરાને મૂકીને દંપતીએ આશીર્વાદ માગ્યા કે અમે અમારા બાળકને શ્રેષ્ઠ બનાવવા માગીએ છીએ, માર્ગ બતાવો. પેલા સાધુએ જવાબ આપ્યો, માર્ગ સાવ સરળ છે. દંપતીના મન પરથી બોજ ઊતરી ગયો. તેણે જલદી માર્ગ બતાવવાની વિનંતી સાધુને કરી. સાધુએ એક જ લીટીમાં જવાબ આપ્યો, પુત્ર જેવો બને એવું ઇચ્છો છો એવું જ તમારે જીવવું, તમારો પુત્ર એનું અડધું આચરણ કરશે અને એ મુજબ બનશે. દંપતીને સમજાયું નહીં કે અડધું આચરણ શા માટે? સાધુએ સ્પષ્ટતા કરી. બાળક નકલ કરીને શીખે છે. તમારામાંથી સદ્ગુણો શીખશે તો બહારની દુનિયામાંથી પણ ઘણું શીખશે. એટલે તેને તમારા જેવો બનાવવાની સંભાવના અડધી જ છે, અડધી તેના પોતાના પર આધારિત છે. તે બહારની દુનિયામાંથી શું સ્વીકારે છે અને તમારું અનુકરણ કરીને શું શીખે છે એના પર તે કેવો બનશે એનો આધાર છે.
બીજી વાર્તા તમે ઘણી વાર વાંચી હશે એટલે ટૂંકમાં જ કહીએ : એક વ્યક્તિ બહુ જ વ્યસ્ત રહે. એક રાત્રે તે ઘરે આવ્યો ત્યારે દસ વર્ષનો પુત્ર જાગતો હતો. ઘરે હંમેશાં મોડા આવનાર તે માણસે તો પુત્રને હંમેશાં સૂતેલો જ જોયો હતો. તે સવારે જ્યારે જાગે ત્યારે દીકરો સ્કૂલે જતો રહ્યો હોય. આજે પુત્ર જાગતો હતો. તેણે પિતાને પૂછ્યું કે તમને એક કલાક કામ કરવાના કેટલા રૂપિયા મળે? પેલા માણસે ઉતર વાળ્યો કે કલાકના હજાર રૂપિયા હું કમાઉં છું. બાળકે પિતાની પાસે ચારસો રૂપિયા માગ્યા. પેલા માણસને જરા ન ગમ્યું, પણ તેણે ૪૦૦ રૂપિયા બાળકને આપ્યા. બાળકે પોતાનો ગલ્લો તોડ્યો, એમાંથી ૬૦૦ રૂપિયાનું પરચૂરણ કાઢ્યું અને એમાં ૪૦૦ રૂપિયા ઉમેરીને પિતાને આપ્યા અને કહ્યું, ‘આ લો હજાર રૂપિયા, મને તમારો એક કલાક આપો.’
ગાંધીજીના પુત્રો
ગાંધીજીના ચાર પુત્રો હરિલાલ, દેવદાસ, મણિલાલ અને રામદાસ ગાંધી. ચારેય તરફ ગાંધીજીનું વલણ સરખું જ. પોતાના આગ્રહો અને હઠાગ્રહો ગાંધીજી પોતાના પરિવાર પાસે તો પરાણે પળાવતા એટલે ચારેય પુત્રોનો ઉછેર ગાંધીજીએ પોતાની જીદ મુજબ કર્યો. એમાંનો મોટો દીકરો હરિલાલ ગાંધી સાવ હાથથી ગયો. તેને પિતાજીની જેમ વિલાયત ભણવા જવું હતું, ગાંધીજીએ જવા દીધો નહીં. ધીમે-ધીમે હરિલાલ ગાંધીજીની વિરુદ્ધ થતો ગયો, દારૂડિયો થઈ ગયો, હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અંગિકાર કરી લીધો. થોડાં વર્ષ પછી માતા કસ્તુરબાના આગ્રહથી ફરી હિન્દુ બન્યો. ગાંધીજીએ મનાઈ ફરમાવી હોય એવાં તમામ કામ હરિલાલના હાથે થયાં. ગાંધીજીનો બીજા નંબરનો પુત્ર મણિલાલ ગાંધી. તેનો ઉછેર પણ એ જ રીતે થયો. મણિલાલે ગાંધીજી આફ્રિકાથી પાછા આવી ગયા પછી આફ્રિકામાંના ગાંધીજીના અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ને સંભાળ્યું. જીવનપર્યંત તેમણે આ કામ કર્યું. ગાંધીજીનો ત્રીજો પુત્ર રામદાસ ગાંધી. તે પણ ગાંધીજી જોડે જેલવાસ ભોગવી ચૂક્યા હતા. બ્રહ્મચર્યના ગાંધીજીના સિદ્ધાંત સામે તેમને વાંધો હતો. ગાંધીજીએ સ્વેચ્છાએ પોતાના પરિવાર માટે સ્વીકારેલી ગરીબી પણ રામદાસને ગમતી નહોતી. ગાંધીજીનો અંદરખાને વિરોધ છતાં તે હરિલાલ જેટલો પરિવારથી દૂર ન થયો. ચોથો પુત્ર દેવદાસ ગાંધી. તેણે ગાંધીજીના ગુણ સૌથી વધુ આત્મસાત્ કર્યા. તેનો પણ ઉછેર તો અન્ય ભાઈઓની સાથે જ, તેમની જેમ જ થયો હતો. એક ઉદાહરણ : દેવદાસને ચક્રવર્તી રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે પ્રેમ થઈ ગયો. પણ લક્ષ્મી ત્યારે માત્ર ૧૫ વર્ષની હતી અને દેવદાસ ૨૮ વર્ષનો. ગાંધીજી અને રાજગોપાલાચારીએ એવી શરત મૂકી કે દેવદાસ અને લક્ષ્મી એકબીજાને પાંચ વર્ષ ન મળે અને છતાં તેમનો પ્રેમ અખંડ રહે તો બન્નેને પરણવાની મંજૂરી આપવી. બન્ને પાંચ વર્ષ દૂર રહ્યાં અને પછી પરણ્યાં.
વિરોધાભાસ કેમ?
ગાંધીજીના પુત્રોની આ કથા પરથી શું સમજાય છે? ચારેય પુત્રો લગભગ સમાન વાતાવરણમાં ઊછર્યા. ગાંધીજીના ઘરનું વાતાવરણ પણ આશ્રમ જેવું જ હતું. ગાંધીજીનું સંતાનો પ્રત્યેનું વર્તન વધુપડતું કડક તો હતું જ. તો પણ એમાંનો એક પુત્ર સાવ જ વિરુદ્ધમાં ગયો, એક પુત્ર થોડો વિરુદ્ધમાં રહ્યો છતાં પરિવાર સાથે જોડાયેલો રહ્યો. એક પુત્ર ગાંધીજીથી દૂર આફ્રિકામાં રહ્યો, પણ પિતાનું કામ કરતો રહ્યો અને એક પુત્ર ગાંધીજીની છાયામાં પણ વિકસ્યો, કાબેલ બન્યો. દેવદાસ ગાંધી વર્ષો સુધી હિન્દુસ્તાન ટાઇમ્સના એડિટર રહ્યા હતા. કેમ ચારેય પુત્રો સમાન ન બન્યા? હરિલાલ અને દેવદાસ વચ્ચે તો કેટલું અંતર? વર્તન સમાન, વાતાવરણ સમાન, નિયમો સમાન, ઉછેર સમાન છતાં આટલો વિરોધાભાસ કેમ?
દોષ કોનો?
બાળકના વર્તન માટે માત્ર ને માત્ર માતા-પિતાને દોષ આપવો વાજબી નથી. અને માત્ર બાળકને પણ દોષ આપવો યોગ્ય નથી. ઉછેરની પ્રક્રિયામાં માતા-પિતા, બાળક અને પરિવાર ઉપરાંત કેટલાંય પરિબળો કામ કરે છે. એ ભૌતિક પરિબળો ઉપરાંત જે સૂક્ષ્મ પરિબળો છે એ વધુ અસરકારક છે. બાળકનું મન માત્ર ઘરના વાતાવરણથી કે ઉછેરથી ઘડાતું નથી. હા, મા-બાપ બાળકોને બદીઓથી દૂર રાખી શકે, તેને ખરાબ રસ્તે જતું અટકાવી શકે; પણ પોતે ધારે એવું જ ટેલરમેડ બનાવી શકે નહીં.
  મા-બાપનું કામ સંતાનોને પોતાની ઇચ્છા મુજબ બનાવવાનું નથી. તેમનું કામ સંતાનોને ખોટા રસ્તે જતાં અટકાવવાનું છે, તેમનું કામ સંતાનોને સારું અને ખરાબ શું છે એ શીખવવાનું છે, તેમનું કામ બાળકોને ઇષ્ટ અને અનિષ્ટ શું છે એ સમજાવવાનું છે, તેમનું કામ શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ કરવા સક્ષમ બનાવવાનું છે. માતા-પિતાએ બાળકને પોતાની રીતે આકાર આપીને અપેક્ષા મુજબનું બનાવવાનું નથી, બાળકની પોતાની રસરુચિ મુજબ વિકસવામાં સહાય કરવાનું છે. તમે સંતાનના માલિક નથી, યાદ રાખજો. જ્યારે ‘તમે સંતાનને કેવું બનાવવા માગો છો’ એવો પ્રશ્ન પુછાય ત્યારે જે મા-બાપ કહે કે સંતાનને બનાવવાનું ન હોય એ સાચાં.
મા-બાપનું કામ સંતાનોને પોતાની ઇચ્છા મુજબ બનાવવાનું નથી. તેમનું કામ સંતાનોને ખોટા રસ્તે જતાં અટકાવવાનું છે, તેમનું કામ સંતાનોને સારું અને ખરાબ શું છે એ શીખવવાનું છે, તેમનું કામ બાળકોને ઇષ્ટ અને અનિષ્ટ શું છે તે સમજાવવાનું છે, તેમનું કામ શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ કરવા સક્ષમ બનાવવાનું છે.
columnists kana bantwa