મુંબઈના પહેલવહેલા ઘડિયાળી કોણ હતા?

16 July, 2022 11:35 AM IST  |  Mumbai | Deepak Mehta

એ જમાનામાં ઘડિયાળ તો આવી, પણ બગડે તો રિપેર કરનાર કોઈ નહીં! એ હુન્નર શીખીને જમશેદજી મંચેરજી લકબે ચીકા બન્યા મુંબઈના પહેલા ઘડિયાળી

મૅરી ગોર્ડન નામનું વહાણ

માનશો? એક જમાનો એવો પણ હતો કે જ્યારે મુંબઈના થોડા માલેતુજારો પાસે ઘડિયાળ તો હતી, પણ એ બગડી જાય તો એને રિપેર કરનાર કોઈ નહોતું! અને એ વખતે ઘડિયાળ એટલે રિસ્ટવૉચ નહીં હોં. એ તો પછીથી આવી. ત્યારે તો વૉચ એટલે પૉકેટ વૉચ. આપણા દેશમાં જ નહીં, યુરોપના દેશોમાં પણ એ વાપરે ફક્ત પુરુષો જ; કારણ કે મહિલાઓના ડ્રેસમાં પૉકેટ હોય જ નહીં તો પૉકેટ વૉચ રાખે ક્યાં? અને આમ પણ આખો દિવસ ઘરમાં જ રહીને, ઘરકામમાં અને ઢગલો છોકરાં ઉછેરવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને તે વળી ટાઇમ જાણવાની, એ માટે ઘડિયાળ રાખવાની શી જરૂર? પણ પછી થયું કે બૈરાંઓ માટે પણ ટાઇમ જાણવાનું કોઈક સાધન તો હોવું જોઈએ. એટલે ૧૬મી સદીમાં આવી રિસ્ટવૉચ. પણ પુરુષો એ પહેરે જ નહીં! પહેરે ફક્ત બૈરાંઓ. એટલે ઓળખાતી બ્રેસલેટ વૉચ તરીકે. રૉબર્ટ ડડલી નામે ગ્રેટ બ્રિટનનો એક ઉમરાવ. બીજા કોઈ સાથે નહીં પણ ખુદ રાણી એલિઝાબેથને પરણવાના ધખારા. રાણીને રીઝવવા ખાસ બનાવડાવી ‘આર્મ્ડવૉચ’ અને ૧૫૭૧માં તેમને ભેટ ધરી. 
એ જમાનામાં વિલાયતમાં જે આવે એ વહેલું-મોડું હિન્દુસ્તાનમાં પણ આવે. એટલે ઘડિયાળ તો આવી, પણ બગડે તો રિપેર કરનાર કોઈ નહીં! એ હુન્નર શીખીને મુંબઈના પહેલવહેલા ઘડિયાળી બન્યા જમશેદજી મંચેરજી લકબે ચીકા, જે પછી લકબે ચીકામાંથી બની ગયા જમશેદજી મંચેરજી ઘડિયાળી. એમનું ખાનદાન એ મુંબઈ આવીને વસેલું પટેલપરિવાર પછીનું બીજું ખાનદાન. નસીબ અજમાવવા સોરાબજી કડવાજી ૧૬૬૪માં મુંબઈ આવ્યા, પોતાની ગરીબી દૂર કરવા. મુંબઈ આવીને તેવણે શું કામકાજ કીધું એ તો જાણવા મળતું નથી, પણ તેમના ખાનદાનમાં પેદા થયા જોગાજી. ઈ. સ. ૧૭૨૭ કે ૧૭૨૮માં એક ફ્રેન્ચ ઘડિયાળી મુંબઈ આવેલો. કોઈક રીતે તેની સાથે ઘરોબો બાંધીને, આજીજી કરીને તેમની પાસેથી જોગાજી ઘડિયાળ દુરસ્ત કરવાનો હુન્નર શીખ્યા. અને ૧૭૩૦માં શરૂ કરી મુંબઈની પહેલવહેલી ઘડિયાળીની દુકાન. અને પછી તો એ તેમના ખાનદાનનો ધંધો બની ગયો. એ પહેલાં મુંબઈના અંગ્રેજ અમલદારોની ઘડિયાળ બગડી જાય તો રાખી મૂકતા અને રજા લઈને માદરે વતન જાય ત્યારે ત્યાં સમારાવી લેતા. એમાં કેટલાક હવે જોગાજી પાસે આવવા લાગ્યા. અને પછી આ લાટસાહેબોની પાછળ આવવા લાગ્યા ‘દેશીઓ.’ 
જોગાજી પછી ફરદુનજી બન્યા ઘડિયાળી. મનસૂબો કર્યો ધંધો વિકસાવવાનો અને ગયા પુણે. ત્યારે પુણે એ પેશવા રાજવટની રાજધાની. આજે આપણે ભલે અંગ્રેજ શાસનને ભાંડીએ; પણ કાયદો અને વ્યવસ્થાનું શાસન તેમણે સ્થાપ્યું, દેશી રજવાડાંઓની અંધાધૂંધી દૂર કરીને. ફરદુનજીનો વાંકગનો શો હતો એ તો ખબર નથી પણ પેશવાના સિપાઈઓએ પકડીને પૂર્યા કેદખાને. હવે ફરદુનજી ઘડિયાળ સમી-નમી કરવા ઉપરાંત નાનાં-મોટાં વાજિંત્ર પણ બનાવતા. કેદખાનાના કેટલાક અધિકારીઓની રહેમ નજરને પ્રતાપે એક અજબશું જંતર બનાવી રાજાને ભેટ મોકલ્યું. રાજા તો ખુશ-ખુશ. કર્યો હુકમ : છોડી મૂકો કેદખાનામાંથી અને હા, રાજ તરફથી સરપાવ આપીને જ જવા દેજો.
ધંધો વિકસાવવાની ખ્વાહિશ છોડીને ફરદુનજીએ પકડી સીધી મુંબઈની વાટ. અને પછી બાકીની જિંદગી સુખચેનમાં મુંબઈમાં ગુજારી. એવણ જ્યારે બેહસ્તનશીન થયા ત્યારે પાછળ મૂકતા ગયા બે બેટાઓ, મંચેરજી અને કાવસજી. અને એ બન્નેએ બાપીકા ધંધાને ઓર વિકસાવ્યો. એમના વારસોમાં જમશેદજી ઘડિયાળી એવા તો કુશળ, મિલનસાર, સાચકલા કે ઘરાકો પોતાનાં મોંઘાદાટ ઘડિયાળ પણ વગર રસીદે તેમની પાસે છોડી જતા. અને જલદીમાં જલદી તેને દુરુસ્ત કરી એવણ ઘડિયાળ ઘરાકને ઘરે પહોંચાડી દેતા. પછી તો બીજા પારસીઓ પણ આ હુન્નર શીખ્યા, દુકાન કાઢી બે પાંદડે થયા. એક જમાનામાં મુંબઈમાં ઘડિયાળી એટલે પારસી.
અગાઉ આપણે ભીખાજી બહેરામ વિશે વાત કરેલી. એમની મૂળ અટક પાંડે. ત્રણ બેટા : લીમજી ભીખાજી, પેસ્તનજી ભીખાજી, ફરામજી ભીખાજી. એમાં લીમજીશેઠની વિલાયતી સામાનની ભરચક દુકાન અંગ્રેજ બજારમાં. જ્યારે ફરદુનજીએ બાપીકી દુકાન તો ચાલુ રાખી જ પણ સાથોસાથ રિચી સ્ટુઅર્ટની કંપનીના આડતિયા પણ બન્યા એટલું જ નહીં, અરદેસર નામના દીકરાને ચીન મોકલી ત્યાં પણ વેપાર વધાર્યો. મૅરી ગોર્ડન નામનું અને રૂપારેલ નામનું એમ બે વહાણ મેળવી ચીન સાથે આયાત-નિકાસનો ધીકતો ધંધો જમાવ્યો. અહીં એક આડવાત કરી લઈએ. ૧૯મી સદીમાં જ્યારે ચીન સાથેના વેપારની વાત આવે ત્યારે મોટા ભાગે એ હોય અફીણનો વેપાર. અહીંનું અફીણ ચીન જાય. ત્યાંની જણસો બદલામાં અહીં આવે. ફરદુનજીએ પોતાના એક બેટા દીનશાહને હજારો રૂપિયા ખરચીને ભણવા માટે છેક વિલાયત મોકલેલા. જોકે ત્યાં ચાર વરસ ભણીને પાછા આવ્યા પછી તેઓ પણ ચીન જઈ ખાનદાની વેપારમાં જોડાયા. 
ભીખા બહેરામના એક વંશજ તે શેઠ મેરવાનજી ફરામજી પાંડે. ઈ. સ. ૧૮૧૩માં જન્મ. સખાવતી જીવ. પારસી જમાતમાં સખાવતની તો નવાઈ નહીં, પણ મેરવાનજીએ પોતાના જમાનાની જરૂરિયાતો જાણી-સમજીને કેટલાંક અલાયદાં કામ કર્યાં. ૧૯મી સદીમાં તો ગુજરાતના ગામેગામથી પારસીઓનો ગાડરિયો પ્રવાહ મુંબઈ તરફ વહેતો થયો હતો. મોટા ભાગના આવે ત્યારે ગાંઠે ઝાઝો ગરથ હોય નહીં. એ વખતે પણ મુંબઈ એટલે મસમોટું શહેર. બહારગામથી આવતા પારસીઓએ આવીને પહેલો આશરો લેવો ક્યાં? એ વખતનું નામ કરેલ વાડી (આજે પણ એક નાનકડી ગલીનું એ નામ છે). પછીનું નામ ચર્ની રોડ. આજનું નામ રાજા રામમોહન રૉય રોડ. કાવસજી બહેરામજી બનાજીવાલા આતશ બહેરામની સામે મેરવાનજી શેઠની ખાસ્સી મોટી જમીન. એમાંથી એ વખતના ૩૬ હજાર રૂપિયાની કિંમતનો જમીનનો એક ટુકડો અલગ કરી એના પર પોતાના ખરચે મોટી ઇમારત બંધાવી એક લાખ રૂપિયાના ખર્ચે. આજે પણ એ ઇમારત ‘પાંડેની ધરમશાળા’ તરીકે ઓળખાય છે. પણ બીજે ક્યાંય નહીં ને ચર્ની રોડ નજીક જ કેમ બંધાવી આ ધરમશાળા? કારણ કે એ વખતે ગુજરાત આવતી-જતી ટ્રેનો ચર્ની રોડ સ્ટેશને પણ થોભતી. એટલે ગુજરાતથી આવતા પારસીઓ માટે અહીંથી આવવું-જવું સહેલું પડે.
આ શેઠની ઝીણી નજરે એક બીજી વાત પણ નોંધી. એ વખતના મુંબઈમાં અવારનવાર કોઈને કોઈ રોગચાળો ફેલાય. દવાદારૂ માટે તો પારસીઓનાં ધર્માદા દવાખાનાં હતાં પણ માંદગી પછી થોડો વખત જ્યાં રહીને ચોખ્ખાં હવાપાણીથી પાછા તાજામાજા થઈ શકાય એવી કોઈ જગ્યા નહીં. હા, તવંગર પારસીઓએ પરાંઓમાં બંગલા બંધાવેલા એટલે ત્યાં જઈને રહે પણ આમઆદમીનું શું? એટલે આ શેઠે કોલાબા વિસ્તારમાં દરિયાકિનારે મોટું ‘હવાખાનું’ કહેતાં સૅનેટોરિયમ બંધાવ્યું, જેને નામ આપ્યું ‘મહેરવાન બાગ.’ એકસાથે પોણોસો જણ રહીને દરિયાની ખુલ્લી હવા માણી શકે એવી સગવડ. સાથે એક ડૉક્ટર પણ ખરા. જરૂરી સારવાર કરે. બહુ ઓછી કિંમતે દવાઓ પણ ત્યાંથી જ મળી રહે. આ સગવડ ઊભી કરવા પાછળ શેઠે એ જમાનામાં ચાર લાખ રૂપિયા ખર્ચેલા.
મેડિકલ પ્રોફેશનમાં આજે પણ ‘લાન્સેટ’ અઠવાડિકનું ભારે માન છે. ૧૮૨૩માં શરૂ થયેલું. તબીબી દૃષ્ટિએ આ મહેરવાન બાગની સગવડો એટલી તો અફલાતૂન કે ૨૦ જાન્યુઆરી અને ૧૩ એપ્રિલ, ૧૮૭૨ એમ બે-બે અંકમાં એના વિશે વિસ્તારથી લેખ લખીને પ્રગટ કરેલા.
આજના મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ ‘પારસી કૉલોની’ જોવા મળે – ક્યાંક મોટી, ક્યાંક નાની. અમેરિકાના આંતરવિગ્રહને કારણે હિન્દુસ્તાનના કપાસના ભાવ અસાધારણ ઊંચકાયા અને ફકીર હતા એ રાતોરાત અમીર બની ગયા. સાથોસાથ મકાનનાં ભાડાં પણ પુષ્કળ વધી ગયાં, કારણ કે અંતરિયાળ ગામોમાંથી પણ લોકોએ સટ્ટાના તાપણામાં તાપીને રાતોરાત માલેતુજાર થવા મુંબઈ તરફ દોટ મૂકી. મુંબઈ આવતા પારસીઓ માટે રહેણાકનાં મકાન બાંધી તેમણે વાજબી ભાડે આપવાં જોઈએ એવો વિચાર આવ્યો. ચર્ની રોડ પર ધરમશાળા બંધાવ્યા પછી પણ ઘણી જગ્યા ફાજલ પડી હતી. એ જગ્યા પર મકાનો બાંધવાનું કામ શરૂ પણ થયું પણ પછી આંતરવિગ્રહ પૂરો થતાં રૂ બજાર, શૅરબજાર, ખાનગી બૅન્કો, બધું કડડડભૂસ. એમાં આ શેઠ પણ ઘવાયા. હવે પારસીઓ માટે ફ્લૅટનાં મકાનો બાંધવાનો તો સવાલ જ નહોતો. છતાં કોમની ભલાઈ કરવાનો આગ્રહ પણ ગયો નહીં. જે જગ્યા પર ફ્લૅટ બાંધવા હતા એ જગ્યાનો આખો મોખરાનો ભાગ તો તેમણે વેચી નાખ્યો બલકે વેચી નાખવો પડ્યો. પણ પછી એ વેચતાં જે રકમ આવી તેનું એવણે શું કર્યું? વ્યાજ ખાધું? ના. પહેલાં માથા પરનું દેવું ચૂકવી દીધું. પછી જેટલી જમીન વધી હતી એના પર ફ્લૅટ્સ નહીં તો ડબલ રૂમની ચાલ બાંધી. અને એ ખોલીઓ વાજબી ભાડે નબળી આર્થિક સ્થિતિવાળા પારસીઓને ભાડે આપી! હા, એમ કરીને પોતાને માટે થોડીક નિયમિત આવક ઊભી કરી. પણ સાથોસાથ કોમના થોડા લોકોનું પણ ભલું કર્યું. એ વખતે એ ચાલમાં લગભગ પાંચસો પારસીઓ વસતા થયા. અને આ બધું કર્યા પછી બાવાજીના હાથમાં કેટલા પૈસા વધ્યા? પચીસ હજાર. ખરચ્યા સાત લાખ એકત્રીસ હજાર!
અને હા, જે-જે સખાવતો કરી એનો વહીવટ સુવાંગ પોતાના હાથમાં ન રાખ્યો, પણ દરેક મિલકત માટે અલગ-અલગ ટ્રસ્ટ બનાવ્યાં. અને એવનની સખાવત પહોંચી હતી છેક વેલાત સુધી. અમેરિકન આંતરવિગ્રહ વખતે શરૂઆાતમાં લેન્કેશરના કેટલાય વણકરો બેકાર બની ગયેલા. તેમને મદદ કરવા માટે જ્યારે મુંબઈમાં ફન્ડફાળો ઉઘરાવવામાં આવ્યો ત્યારે એમાં પણ ૧૨ હજાર રૂપિયા આપ્યા.
પાંડેના ખાનદાન જેવા બીજા કોઈ ખાનદાન વિશે વાત હવે પછી.

columnists deepak mehta