ધી પૅન્ડેમિક પિરિયડ : કહો જોઈએ કે પાપડ, ફરસાણ, ચૉકલેટ જેવી ચીજવસ્તુ તમે ક્યાંથી ખરીદો છો?

22 January, 2022 09:22 AM IST  |  Mumbai | Manoj Joshi

બૂસ્ટર ડોઝની પ્રોસેસ આપણા ઓલ્ડ-એજ લોકો માટે થોડી કન્ફ્યુઝિંગ રહી છે અને ખાસ કરીને એવા વડીલો માટે જે વડીલો મોબાઇલ સાથે ફ્રેન્ડ્લી નથી

પ્રતીકાત્મક તસવીર

બૂસ્ટર ડોઝ.
ઑલરેડી દેશમાં બૂસ્ટર ડોઝની શરૂઆત થઈ ગઈ છે, હજી પણ મોટા ભાગના, કહો કે ૯૯.૯૯ ટકા લોકો જાણતા નથી કે બૂસ્ટર ડોઝ માટે કઈ અને કેવી પ્રોસેસ કરવાની છે. એ લોકોને એ પણ ખબર નથી કે બૂસ્ટર ડોઝ લેવાનો છે અને તેઓ એ પણ નથી જાણતા કે કેવી રીતે બૂસ્ટર ડોઝ માટે પહોંચવાનું છે. આ પૅન્ડેમિકના સમયમાં કોઈને મદદ કરવાનું કામ કરવું, કોઈની મદદે આવવું એ પણ એક પ્રકારની પૅન્ડેમિક સામેની લડત જ છે અને એ લડતમાં હવે તમારે સામેલ થવાનું છે.
બૂસ્ટર ડોઝની પ્રોસેસ આપણા ઓલ્ડ-એજ લોકો માટે થોડી કન્ફ્યુઝિંગ રહી છે અને ખાસ કરીને એવા વડીલો માટે જે વડીલો મોબાઇલ સાથે ફ્રેન્ડ્લી નથી. આવા વડીલોને શોધો, તેઓ તમને આસપાસમાં જ મળી જશે. તમારી સોસાયટીમાં, તમારા મહોલ્લામાં જેકોઈ એવા વડીલો છે તેમને મળીને તેમના અગાઉના બન્ને ડોઝની તારીખો જાણીને તેમને ગણતરી કરી આપો કે બૂસ્ટર ડોઝ માટે તેઓ ક્યારે જઈ શકશે.
સેકન્ડ ડોઝના ૯ મહિના પછી બૂસ્ટર ડોઝ લઈ શકાય છે, લેવાનો છે, પણ એ ગણતરી આપણા વડીલો સમજી શકતા નથી તો એ કામ તમારે કરવાનું છે, તો વડીલોની સાથોસાથ કોરોના-વૉરિયર્સે પણ બૂસ્ટર ડોઝ માટે હવે તૈયાર રહેવાનું છે, પણ એની વાતો આપણે પછી ક્યારેક કરીશું, અત્યારે વડીલોની વાતોને આપણે આગળ વધારીએ.
નક્કી કરો કે વ્યક્તિગત રીતે તમારે ૧૦ વડીલોને બૂસ્ટર ડોઝ માટે હેલ્પ કરવાની છે તો સાથોસાથ એ પણ નક્કી કરો કે તમારે કોઈ પણ પાંચ બાળકોને કોવિડના આ સમયમાં ફ્રી ટ્યુશન આપવાનું છે તો એ પણ નક્કી કરો કે તમે શક્ય હોય ત્યાં સુધી તમારી આજુબાજુમાંથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખી એ જ વસ્તુ વાપરશો. આજે મોટા ભાગની સોસાયટીમાં કે પછી રિલેટિવ્સમાં કશુંક ને કશુંક ઘરમાં બનાવીને વેચવામાં આવતું હોય છે. ખાખરા, પાપડ, ફરસાણ, ચૉકલેટ્સ, કેક, હોમ-મેડ શૉપ્સથી માંડીને અનેક એવી વરાઇટી હોય છે જે ઘરમાં જ બનાવીને લોકો પોતાના ગ્રુપ-સર્કલમાં વેચતા હોય છે. આઇટમ ચોખ્ખી હોવાની ખાતરી તો એ વરાઇટીમાં છે જ છે, પણ સાથોસાથ એ ચીજવસ્તુ વાપરવી એ કોઈને હેલ્પ સમાન પણ બને એમ છે. એક વાત યાદ રાખજો કે દુનિયાનો દસ્તૂર છે. મોટા માણસને ચિંતા હોતી નથી અને નાના માણસને પોતાની ચિંતા વ્યક્ત કરવામાં કોઈ ડર હોતો નથી. હેરાનગતિ મધ્યમવર્ગના ફાળે આવતી હોય છે અને મધ્યમ વર્ગે તમામ તકલીફોમાં મૂંગા રહીને એનો સામનો કરવો પડે છે. બહેતર છે કે સામનો કરવાની એ જે માનસિકતા છે એમાં આપણે આપણી રીતે ખુશીઓના રંગ ભરીએ અને તકલીફના આ સમયને હૅપિનેસના શેડ્સ આપીએ. આ જ કરવું જરૂરી નથી, તમારા ધ્યાનમાં બીજી કોઈ રીત આવે તો એ પણ અપનાવી શકો છો. મહત્ત્વનું છે કે તમે કોઈની સામે હાથ લંબાવો. આ સમયે લંબાવવામાં આવેલો હાથ મન માટે, હૈયા માટે, લાગણીની વૅક્સિનનું કામ કરશે એ નક્કી છે. 

columnists manoj joshi