ફાધર્સ ડે સેલિબ્રેટ કરવાના સાચા હકદાર ક્યારે બનીશું?

19 June, 2022 09:09 AM IST  |  Mumbai | JD Majethia

ત્યારે જ જ્યારે આપણે જેન્ડર-બાયસ છોડીશું. ત્યારે જ જ્યારે આપણે પહેલા દીકરા પછી બીજા દીકરાને સ્વીકારીએ છીએ એવી જ રીતે પહેલી દીકરી પછી બીજી દીકરીને પણ સ્વીકારીશું.

જેડી મજીઠિયા દીકરીઓ અને પત્ની સાથે

ત્યારે જ જ્યારે આપણે જેન્ડર-બાયસ છોડીશું. ત્યારે જ જ્યારે આપણે પહેલા દીકરા પછી બીજા દીકરાને સ્વીકારીએ છીએ એવી જ રીતે પહેલી દીકરી પછી બીજી દીકરીને પણ સ્વીકારીશું. ત્યારે જ જ્યારે આપણે સંતાનોમાં કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વિના બધાંને સમાન હક સાથે આગળ વધવાની તક આપીશું અને ત્યારે જ જ્યારે આપણી દીકરીને માત્ર સાસરે જવા માટે નહીં, પણ જૉબ પર જવાની કે પછી દુનિયા સામે ઊભી રહેવાની પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ પણ આપીશું

‘ફાધર્સ ડે.’

આ દિવસ સેલિબ્રેટ કરવાનો આવે ત્યારે મને તો એનો પહેલો જ શબ્દ બહુ સરસ લાગે, ‘ફાધર.’ જ્યારે ‘મિડ-ડે’માંથી મને આ વિષય પર લખવાનું કહેવા માટે ફોન આવ્યો ત્યારે પહેલો જ વિચાર

મારા મનમાં આવ્યો કે હું ફાધર ક્યારે બન્યો? 

૨૦૦૦માં. જ્યારે ૧પ ફેબ્રુઆરીએ દીકરી કેસરનો જન્મ થયો. એ દિવસથી મારી લાઇફમાં એક વધુ જવાબદારી ઉમેરાઈ. એ પહેલાં હું દીકરો હતો, ભાઈ હતો, પતિ હતો, મિત્ર હતો, બૉસ હતો, દિયર હતો, પણ ફાધર બન્યો ૧પ ફેબ્રુઆરીએ. સાચું કહું તો એ પછીના દરેક ફાધર્સ ડેએ મને ક્યાંક-ક્યાંક થોડો-થોડો બદલ્યો. કદાચ શરૂઆતનાં વર્ષોમાં મને સમજાયું નહોતું, પણ અમુક વર્ષો પછી મેં અનુભવવાનું શરૂ કર્યું અને એ પછીનાં થોડાં વર્ષોમાં મને એ પણ સમજાયું કે થોડો નહીં, કેસરના જન્મ પછી હું ઘણો બદલાયો છું. હું જવાબદાર થયો. ના, જવાબદાર તો પહેલેથી હતો જ, પણ હું વધુ જવાબદાર થયો એમ કહું તો બરાબર કહેવાય. ખાસ કરીને હું છોકરીઓ અને સ્ત્રીઓ પ્રત્યે વધુ જવાબદાર બન્યો. 

તેમને સમજવાનો મારો જે એક પૉઇન્ટ-ઑફ-વ્યુ હતો એ બદલાયો અને બદલાયેલા એ પૉઇન્ટ-ઑફ-વ્યુ સાથે સમય પસાર થતો ગયો અને ૨૦૦૬માં વાઇફ નીપા ફરી પ્રેગ્નન્ટ થઈ. અમે બન્નેએ નક્કી કર્યું કે આ બીજા બાળકને આપણે બહુ સરસ રીતે દુનિયામાં લાવીશું અને એ પછી જે ઘટના બની એ ઘટના જ આજના આ ફાધર્સ ડેના આ આર્ટિકલના મૂળમાં છે. અમે ચેકઅપ માટે ગયેલાં ત્યારે અમારા ગાયનેકે નીપાને તપાસીને અમારી સામે જોયું અને પૂછ્યું કે પહેલી દીકરી છે તો બોલો, બીજું શું જોઈએ છે?

‘પ્લીઝ, અમને ન જણાવતા...’

મેં રિક્વેસ્ટ સાથે તરત જ જવાબ આપ્યો હતો અને કહ્યું કે અમારે આ બીજા બાળકની જેન્ડર વિશે કંઈ નથી જાણવું. બે કારણસર અમે ના પાડી હતી, પહેલું એ યોગ્ય નથી અને બીજું કારણ કે ગર્ભની જેન્ડર જાણવી એ ગુનો છે.

જેન્ડર જાણવી યોગ્ય કેમ નથી અને જેન્ડર જાણવી કેમ ગુનો બન્યો એ બન્ને પૉઇન્ટને સાથે સમજવાની જરૂર છે. લોકોએ જાણી-જાણીને એ ઇન્ફર્મેશનનો ખૂબ દુરુપયોગ કર્યો. પહેલી દીકરી હોય તો પણ લાખો-કરોડો લોકોએ અબૉર્શન કરાવ્યાં અને પહેલી દીકરી હોય અને બીજી દીકરી આવતી હોય એવા પણ લાખો-કરોડો લોકોએ અબૉર્શન કરાવ્યાં. મારા મનમાં આ વાત ક્યારેય બેસતી નથી, ખાસ કરીને બે સંતાનોમાં કે પહેલો દીકરો હોય તો બીજી દીકરી ચાલે, પણ પહેલી દીકરી હોય તો બીજી દીકરીનું અબૉર્શન કરાવવાનું. તમે તમારી આજુબાજુમાં જોશો કે પૂછશો તો તમને ખબર પડશે કે પહેલો દીકરો હશે અને બીજી દીકરી હશે તો અબૉર્શન નહીં કરાવ્યાં હોય એવા લોકો મળશે, પણ બન્ને દીકરીની વાત આવે ત્યારે દીકરીને જન્મ ન આપ્યો હોય. આ પક્ષપાતનો જન્મ ક્યાંથી થયો હશે? મને લાગે છે કે જેન્ડરની ઍડ્વાન્સમાં મળી જતી જાણકારીમાંથી.
શું કામ ભાઈ?

જે સંતાન આવે તેને આવવા દો, હોંશે-હોશેં વધાવી લો. પહેલાંના જમાનામાં તો કોઈ એવું ધ્યાન નહોતું આપતું. પહેલાં તો જેટલાં સંતાનો કરવાં હોય એટલાં કરતાં, પણ પછી માનસિકતા બદલાઈ ગઈ અને માબાપ બે સંતાન પર આવ્યાં અને એમાંથી એક દીકરો, એક દીકરીની માનસિકતા શરૂ થઈ. આમાં કોઈ સિમેટ્રીની જરૂર નથી. બે સંતાનો બસ. સંતાન સંતાન હોય. 
નીપા જ્યારે મારી બીજી દીકરી મિસરી વખતે પ્રેગ્નન્ટ થઈ ત્યારે અમે બન્ને બહાર નીકળીએ ત્યારે મોટા ભાગના લોકોના ચહેરા પર પ્રશ્ન હોય, જે થોડી વારમાં વાતચીતમાં આવી જાય, 
‘શું લાગે છે?’ 

અમે હસતા મોઢે કહેતાં કે જે સંતાન આવશે તેને વધાવી લઈશું. 

સંતાન સંતાન છે. જે આવે તેને એટલો જ પ્રેમ કરવો એ પણ એટલું જ નૅચરલ અને એટલું જ સ્વાભાવિક હોવું જોઈએ. મિસરી જન્મી ત્યારે અમુક જગ્યાએ ક્યારેક-ક્યારેક રીઍક્શનનો અનુભવ થયો. હું માનું છું કે એ નૅચરલ હશે, પણ એ પ્રોસેસમાં ક્યારેય ન તો અમારા કુટુંબ તરફથી મારા પર કે નીપા પર કોઈ જાતનું દબાણ આવ્યું નથી, પણ મારા આસપાસથી મને એવી-એવી વાતો જાણવા મળી જે જાણીને હું ખુશ પણ થયો, તો મને અમુક વાતોનો અફસોસ પણ થયો. 

પહેલી દીકરી પછી બીજી દીકરી આવે એટલે કેટકેટલા લોકોએ કઈ-કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે, કારણ કે એ લોકોના કુટુંબમાં બધાને એમ જ હતું કે અમારો વંશ આગળ વધાનારું રહ્યું નહીં, ચિતાને અગ્નિ આપનારું કોઈ રહ્યું નહીં. 

ત્યારે મને થાય કે આવા વિચારો, આવી માનસિકતા? જૂના સમયની એ બધી વાતો હતી, એ બધી રીતો હતી, પણ ત્યારે જમાનો આજ જેવો નહોતો. ત્યારે કેમ દીકરીઓ ભણતી નહોતી તો સિમ્પલ કારણ હતું, પુરુષો ખેતરમાં કામ કરવા જતા. બીજો કોઈ કામધંધો કે નોકરીઓ હતી જ નહીં. કેમ દીકરીઓને ભણાવવામાં નહોતી આવતી, કારણ કે ઘરના બધા લોકોનું કામ, રસોઈ અને એ બધું કરવાનું હોય અને દીકરીમાં નૅચરલ ટૅલન્ટ હોય. મા સાથે રહી હોય એટલે ઘરકામ ફટાફટ તેને આવડતાં જ હોય. દીકરો બાપ સાથે રહ્યો હોય, બહાર રમવા જતો હોય એટલે સ્વાભાવિક રીતે એ સમયે એવા રોલ નક્કી થઈ ગયા, પણ આજના સમય માટે આવું બધું નથી અને હોવું પણ ન જોઈએ. 

આજે દીકરીઓ પણ એ જ સ્કૂલમાં જઈ શકે છે અને દીકરાઓ પણ એ જ સ્કૂલમાં જઈ શકે છે. તમે જુઓ તો ખરા કે આજે દીકરીઓ ક્યાં પહોંચી છે; તે પ્લેન ચલાવે છે, આર્મીમાં છે, સ્પેસમાં જાય છે. શું નથી કરતી દીકરીઓ? હા, શારીરિક રીતે પુરુષોનો બાંધો એવો છે એટલે આપણે સ્ત્રીઓને અબળા ગણી લઈએ છીએ, પણ સાહેબ, એ પણ દલીલ જ છે. બાકી તો સ્ત્રીઓ પણ બળવાન છે. તે બાળકને જન્મ આપે છે અને એને માટે કેવી શક્તિ જોઈએ એ પુરુષો વિચારી પણ ન શકે. પ્રસૂતિની પીડા જેવી પીડા દુનિયામાં બીજી કોઈ નથી અને એ સહન કરવાની ક્ષમતા તથા શક્તિ સ્ત્રીમાં છે. આપણે કેમ એ ભૂલી શકીએ? બસ, આવી જ બધી વાતો પરથી મને થયું કે હવે સમય આવી ગયો છે કે આપણે આ બાબતને બહુ ગંભીરતાથી લઈને એને બદલવી જોઈએ અને મનમાં વિચાર આવ્યો કે ફાર્ધસ ડે પર એક ફાધર તરીકે હું મારી બે દીકરીઓને શું આપું?

ક્રીએટિવ માણસ છું એટલે એક સરસ વાર્તા બનાવી, જે આવતી કાલથી તમને ‘વાગલે કી દુનિયા’માં જોવા મળવાની છે. એ સ્ટોરીની બ્યુટી એ છે કે એમાં સેન્સેટિવિટીની વાત લીધી છે જે બધા વર્ગને સારી રીતે રિપ્રેઝન્ટેશન કરે છે અને વાત હું કહું છું એ જ છે, દીકરીની. અત્યારે એ વિષય પર વધારે વાત કરવાને બદલે આપણા ટૉપિક પર આગળ વધીએ, લિંગ પરિક્ષણ.

નાનાં શહેરોમાં અને ગામડાંઓમાં દીકરીના જન્મનું પ્રેશર એવું હોય છે કે ન પૂછો વાત. નાનું શહેર હોય એટલે એ લોકોના પોતાના સંપર્ક હોય એટલે જાણકારી મેળવી લે કે બીજા સંતાનનું લિંગ શું છે અને પછી એનો રસ્તો પણ કાઢી લે. બહુ અફસોસની વાત છે કે એ પરિસ્થિતિમાં મા કેવી રીતે પસાર થાય છે. કેટકેટલી વાર તો ત્રણ-ચાર વખત આવું બને છે અને માનો જીવ જાય એ સ્તરે વાત પહોંચી જાય તો પણ સાસરાવાળાઓનો આ મોહ છૂટતો નથી. મા બિચારી પિયરમાં વાત કરે તો મોટા ભાગનાં પિયરિયાં સામાન્ય રીતે એવું કહી દે, ‘તું ને તારા સાસરાવાળા જાણે.’ ઘણી વાર તો એવું પણ કહે કે ‘તેઓ જે કહે છે એ કરી લેને.’ ઘણી વાર તો આવી સલાહ માની મા જ આપતી હોય છે. કહે છેને કે સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન બનતી હોય છે. મા જ દીકરીને સલાહ આપે, ‘દીકરો તો જોઈએને.’ આ જે સોચ છે એ ઘણી વાર સ્ત્રીઓ જ આગળ વધારે છે. હા, એમાં તેનાં પોતાનાં કારણ હોઈ શકે. પોતે જે વાતાવરણ અને અનુભવમાંથી પસાર થઈ હોય એ જોઈને તેને એમ લાગે કે આ દુનિયામાં પુરુષ તરીકે જીવવું એ પ્રિવિલેજ છે. આ જે માનસિકતા છે એનાં દરેક પાસે પોતપોતાનાં કારણ હોઈ શકે. પણ સત્ય એક જ છે આ માનસિકતા સામે લડવાનો અને એને બદલાવવાનો સમય આવી ગયો છે. મારા કામ થકી અને બીજી પણ ઘણી રીતે મેં આ વાત સામે લડત ભૂતકાળમાં આપી જ છે, પણ આ લડત એકધારી ચાલુ જ રહેશે અને રાખવી પડશે, કારણ કે આ વિચારધારા દસકાઓથી ચાલી આવે છે. લોકોના મનમાં ઘડાઈ ગયું છે કે સ્ત્રીઓ આ ન જ કરી શકે. તેણે આમ જ અને આવું જ કરવું જોઈએ. આમ જ હોવું જોઈએ અને દીકરાને જ પ્રાધાન્ય આપવું જોઈએ. હું કહીશ કે આ માનસિકતા, આ વિચારધારા અને આ સોચ સામે આપણે દસકાઓ સુધી લડવું પડશે અને બધા એકજૂટ થઈને લડીએ. 

જે વારસદારવાળો ઇશ્યુ છે એના પર મને બહુ પ્રશ્ન ઊઠતા હોય છે. હું નથી કહેતો કે લોકોના વિચારો સાવ ખોટા છે, પણ એ એક જમાનામાં ઍપ્લિકેબલ હતા, આજે નથી જ નથી. સામાન્ય વિચારથી મનમાં શું આવે કે માબાપને દીકરો એટલા માટે જોઈતો હોય કે તે તેમને મોટા કરે અને પછી પોતે જ્યારે મોટાં થાય ત્યારે દીકરાઓ સાથે પોતાના ઘરમાં રહે અને દીકરો તેમને સાચવે. દીકરાની વહુ આવે પછી તે રાખે અને પછી તેનાં સંતાનો અને પછી સરસ ત્રણ જનરેશન સાથે રહીએ, ખુશ રહીએ, પણ હવે એવું રહ્યું નથી. આજકાલ દીકરાઓની પણ એ જ ઇચ્છા છે કે તે પોતાની રીતે જીવન જીવે, પોતાના પગ પર ઊભા રહીને બધું કરે. પહેલાંના સમયમાં બાપાની દુકાન દીકરાને મળતી, દીકરો ચલાવતો અને બાપાના જ ઘરમાં તેઓ બધા સાથે રહેતાં, પણ પછી ધીમે-ધીમે બધું બદલાયું. દીકરાને હવે એવું નથી કરવું. 

દીકરાને પોતાની કરીઅર બનાવવી છે. પોતાની આઝાદી અને ઇન્ડિપેન્ડન્ટ લાઇફ બનાવવી છે અને દીકરો એમાં લાગેલો રહે એટલે માબાપને શું થાય કે આ ધ્યાન નથી રાખતો, હવે તે અલગ રહેશે અને અલગ રહેવા જાય એટલે ફરિયાદ ચાલુ કે તે અમને છોડીને જતો રહ્યો. આવી વાતો એટલે થાય છે, કારણ કે તેમણે એક્સપેક્ટેશન એવાં જ રાખ્યાં છે. છોડીને જતો રહ્યો એટલે શું? આસપાસમાં, બાજુમાં જ રહે, જે પાસે રહે કે સાથે રહે. પરિસ્થિતિ પ્રમાણેનાં સમીકરણ સૌકોઈએ સમજવાં જોઈએ અને એ પણ ખુશી-ખુશી. બધાએ બધાની અને પોતપોતાની રીતે જવાબદારી લેવી જોઈએ; દીકરાઓએ-દીકરીઓએ, બનેવીએ. મારા ઘરે મારી સાસુ રહે અને રહેવા આવે જ છે. મારાં મધર ન રહી શકે, કારણ કે મારાં મધરને જોઈએ એવું ધાર્મિક વાતાવરણ મારે ત્યાં નથી. મરજાદી છું, પણ એવું મરજાદ પાળી નથી શકાતું, પણ મારાં મધર-ઇન-લૉ રહેતાં હોય તો મને એવું ફીલ ન થાય. આજે પણ હું નીપાને ઘણી વાર કહું કે તારી પણ તારી મા માટે ફરજ છે. આ જ વાત હું મારી દીકરીઓને પણ સમજાવીશ અને આ સમજણ જ નવા સમજની શીખ છે.

આપણે સમાજને બદલવાની જરૂર છે, વિચારોને બદલવાની જરૂર છે, આપણને બદલવાની જરૂર છે. ન દીકરાઓ પર લોડ નાખો, ન દીકરીઓ પર લોડ નાખો. આ ફાધર્સ ડેના દિવસે આપણે જો અત્યારે સક્ષમ થઈને આ સિસ્ટમ પર લોડ નાખીએ જેથી આ સમાજની સિસ્ટમ બદલાય અને આપણે સંતાનોને સારું પ્લૅટફૉર્મ આપીએ. કહીએ કે પહેલી દીકરી સંતાન છે અને બીજી દીકરી પણ સંતાન જ છે. બદલો તમારી એ માનસિકતા કે એક દીકરો હોવો જ જોઈએ. એ સિસ્ટમને બદલવાની જરૂર છે અને એટલે જ અમે ‘વાગલે કી દુનિયા’માં આ ટૉપિકને ઍડ્રેસ કર્યો છે. 

હું મારી બન્ને દીકરીઓમાં, મારા જીવનમાં કેટલું શીખ્યો છું એની મને ખબર છે. દીકરીઓની સ્કૂલમાં જતો ત્યારે મને બહુ સમજ અને શીખવા મળતું. તેમની ભણતર પ્રત્યેની નિષ્ઠામાંથી પણ હું શીખ્યો છું અને જીવન પ્રત્યેના પ્રોસ્પેક્ટિવમાંથી પણ હું શીખ્યો છું. તેમની મોટા મનની વાતોમાંથી પણ હું શીખ્યો છું તથા કેસર અને મિસરીના જીવનને જોવાના દૃષ્ટિકોણમાંથી પણ હું ઘણું શીખ્યો છું. અહીં મારે એક નાનકડી ચોખવટ પણ કરવી છે. આ તમામ વાતનો ક્યાંય અર્થ એવો નથી કે દીકરાઓને ઓછા આંકવા. ના, જરાય નહીં. હું પોતે બહુ સારો દીકરો છું અને હું દાવા સાથે કહી શકું કે મારા ભાઈઓ પણ બહુ સારા દીકરા છે, પણ મારો મુદ્દો એ છે કે દીકરીઓને કોઈ રીતે ઓછી આંકી ન શકાય. 

મારી બહેનો જે પ્રકારે બધાની કૅર કરે છે, મારી ભાભીઓ જે કૅર કરે છે એ પણ કોઈની દીકરી છે અને એ પછી પણ જે રીતે બન્ને માબાપોનું કરે છે તો આપણે કેવી રીતે દીકરીઓને ઓછી આંકી શકીએ? દીકરો હોય અને બીજો દીકરો આવે તો કોઈને પડી નથી હોતી, પણ જ્યારે દીકરી હોય અને બીજી દીકરી આવે ત્યારે જ શું કામ આવી વાતો થાય કે આવા વિચારો આવે? 
‘બેટી બચાવો આંદોલન’ શરૂ થયું કેવી રીતે? ‘બેટી બચાવ, બેટી પઢાવ.’ આ આખી વાત આવી ક્યાંથી? દીકરીઓ માટે લોકો બેજવાબદાર બનવા માંડ્યા, કારણ કે આપણે ત્યાં લોકો પક્ષપાત કરે છે છોકરાને ભણાવવામાં. છોકરીઓ ભણીને શું કરે, તેણે તો સાસરે જ જવાનું છે. અરે સાહેબ, વિચાર તો કરો, હવે એવું નથી રહ્યું. તેણે સાસરે જવાનું છે એ સાચું, પણ સાસરે જઈને પણ તેણે જીવન બનાવવાનું છે, વિતાવવાનું છે. આ દેશે અને આ ધરતી પરના બીજા ઘણા દેશે સ્ત્રીઓને-દીકરીઓને બહુ અન્યાય કર્યો છે અને એટલે જ કહું છું કે સમાજ બદલાશે, પણ આપણે આજના જે પિતાઓ પહેલાં જાગીએ અને આજના આ ફાધર્સ ડેને રિયલ સેન્સમાં હૅપી ફાધર્સ ડે બનાવીએ.

પિતાઓએ સમજવાની બહુ જરૂર છે કે આપણે આપણી દીકરીઓને કઈ સોસાયટી, કેવો સમાજ આપીએ છીએ. સાસરે જઈને તેણે આમ કરવું પડશે, તેમ કરવું પડશે એ માઇન્ડસેટથી તૈયાર કરીએ, પણ સાથોસાથ આપણે તેને એ રીતે તૈયાર કરવી જોઈએ કે નોકરી પર જઈશ ત્યાં પણ તારે આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ફર્ધર એજ્યુકેશન લઈશ તો ત્યાં પણ તને ચૅલેન્જિસ આવશે. તું જ્યાં જઈશ દુનિયામાં ત્યાં તારે માટે બહુ બધી ચૅલેન્જિસ આવશે. તારો સ્વભાવ એટલો સક્ષમ હોવો જોઈએ કે તું બધી જગ્યાએ હળીમળીને રહી શકે. ફક્ત સાસરે જવાની ટ્રેઇનિંગ જ શું કામ આપવાની. કન્ડિશનિંગ. આપણા મનમાં આવેલી વાત છે એટલે આપણે સામે એવી વાત કરીએ છીએ, પણ આ નવી જનરેશનની કન્ડિશનિંગ બદલવાનો સમય છે, જરૂર છે. ‘વાગલે કી દુનિયા’માં અમે આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે દરેક એવા વિષય લઈએ જે આજની સોસાયટીને ગઈ કાલ કરતાં વધારે બહેતર બનાવે. આવી વાતો કરતાં-કરતાં મને થયું કે આ એક બહુ જ મહત્ત્વનો વિષય છે અને એટલે જ આ વિષયને એમાં સમાવવાનું નક્કી કર્યું.

વાગલે-પરિવારમાં એક ઘટના એવી ઘટે છે કે વાગલે-પરિવાર શૉક્ડ થઈ જાય છે. બન્યું છે વંદના વાગલે સાથે અને વંદના વાગલેની માસી, જે તેને બચાવવા માટે ગંગા નદીમાં કૂદી પડી હતી અને એને લીધે તે આજે પણ શારીરિક પીડા ભોગવી રહી છે એ કેવી રીતે બીજા નાના, ટેન્ડર જીવનો ભોગ લેવા વિશે વિચારી શકે. હું વધારે સ્ટોરી એટલા માટે નથી કહેતો જેથી તમારો ઇન્ટરેસ્ટ જતો ન રહે, પણ જે રીતે વાર્તા કહી છે, જે રીતે તમામ એસ્પેક્ટ્સને વણી લીધા છે એ તમે જોશો તો જ તમને ખ્યાલ આવશે. ચાર એપિસોડની એક સળંગ વાર્તા છે અને આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ જ વિષયની વાત છે, દીકરીની જ વાત છે અને દીકરી સાથે જોડાયેલા પિતાની વાત છે. હું એક વાત કહીશ કે આ એપિસોડ જોયા પછી મને યાદ કરજો અને મને લખજો, કારણ કે મને તમારો પ્રતિસાદ જોઈએ છે. કારણ કે આ પ્રયાસ એ હકીકતમાં એક સ્વસ્થ સમાજ આપવાનો પ્રયાસ છે.

આપણે બધાએ આપણી આસપાસનો સમાજ અને આપણો દેશ બદલવાની જરૂર છે. આપણે વારસામાં સંતાનોને સારું ઘર કે પછી ઘરમાં સારી ચીજો ન આપીએ તો ચાલશે, પણ સારી માનસિકતા અને વિચારધારા તો આપીએ જ, કારણ કે એ આપણી ફરજ છે અને અહીંથી આપણે બધા ભેગા મળીને આગળ વધીશું તો એનો ફાયદો આપણી આવનારી પેઢીને થશે. જેમ સમય બદલાતો જાય છે એમ સમાજે બદલાવાની પણ જરૂર છે. 

આ આખી વાત વાંચીને એવું નહીં ધારી લેતા કે છોકરીઓને જ જન્મ આપવાની વાત છે. ના, દીકરીઓને એટલું જ ભણતર-ગણતર બધાની તક આપવાની જરૂર છે. તેમને એ જ રીતે ટ્રીટ કરવાની જરૂર છે જે દરેક સંતાન ડિઝર્વ કરે છે. બદલાવનો આ સમય આપણા હાથમાં છે અને આ જવાબદારી દરેક પિતાની છે. ફાધર્સ ડેના દિવસે મારા આ આર્ટિકલ સાથે સમાજને બદલવાની દિશામાં એક સ્ટેપ આગળ લઈએ અને તમારા હિસાબે જે થઈ શકે એ કરો અને ધારો કે તમે એ ન કરી શકો તો આ આર્ટિકલ ફૉર્વર્ડ કરવાનું કામ કરજો. તમારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર, તમારા વૉટ્સઍપ ગ્રુપમાં અને બીજે જ્યાં પણ એ ફૉર્વર્ડ થઈ શકે ત્યાં. જેથી ગર્લ ચાઇલ્ડ માટે, પહેલી કે બીજી દીકરી માટે ક્યારેય પણ, કોઈના પર પણ, કોઈ પણ પ્રકારનું પ્રેશર થતું હોય ત્યારે એ પ્રેગ્નન્ટ વુમન તેની સામે લડી શકે, તેનું અજ્ઞાન દૂર થઈ શકે. 

કેવી રીતે આપણે બધા એક દીકરીના જીવને આ દુનિયામાં જેણે જીવવા આવવાનું છે તેને આવવામાં મદદ કરી શકીએ એ જોવાનું છે અને સૌથી અગત્યની વાત એ કે દીકરો કે દીકરી એ નિર્ધાર તો ઉપર ઈશ્વરે કર્યો છે તો આપણે કોણ છીએ રોકનારા. માણસે ઘણું પોતાના હાથમાં લઈ લીધું છે. ઘણું ખરું પોતે બદલ્યું, પણ આ એક વાત તો ઈશ્વરના હાથમાંથી આપણે ન લઈએ, એને નિર્ધારિત કર્યું હોય. છોકરીનો જન્મ થવો જોઈએ તો થવા દઈએ. આપણે એની વચ્ચે આવીને બહુ બધું ખોટું કરી રહ્યા છીએ, એનું પરિણામ પણ ભોગવીએ છીએ, તો મારી દરેકેદરેક ફાધરને, દરેક દીકરીને આજના દિવસની આ ગિફ્ટ છે. તમે પણ દીકરીઓને આ જ ગિફ્ટ આપો અને પ્રેમથી કહો, વી વિલ પ્રોટેક્ટ યુ. વિ વિલ ફાઇટ ફૉર યુ. સો નો વરીઝ, તું આવ... અમે તારી રાહ જોઈએ છીએ.

જ્યારે આ વાત દરેકેદરેક બાપ કરતાં થઈ જશે, ઇચ્છતાં થઈ જશે ત્યારે જ આપણે ફાધર્સ ડે સેલિબ્રેટ કરવાને લાયક બનીશું.

columnists JD Majethia fathers day