બહાનેબાજી નહીં ચલેગી

18 October, 2021 09:44 AM IST  |  Mumbai | Varsha Chitaliya

ઑફિસમાં ખૂબ કામ છે, ક્લાયન્ટ સાથે મીટિંગ છે, માલ મોકલવાનો છે, ઘરે આવતાં મોડું થશે જેવાં જાત-જાતનાં બહાનાં પત્નીના ગળે ઊતરે છે કે પછી ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે? ચાલો જાણીએ

બહાનેબાજી નહીં ચલેગી

દિવાળીની સાફસફાઈમાં મદદ કરવી જોઈએ એવી પત્ની ડિમાન્ડ કરે ત્યારે પતિદેવ કામ ન કરવું પડે એ માટેની છટકબારીઓ શોધી કાઢે છે. ઑફિસમાં ખૂબ કામ છે, ક્લાયન્ટ સાથે મીટિંગ છે, માલ મોકલવાનો છે, ઘરે આવતાં મોડું થશે જેવાં જાત-જાતનાં બહાનાં પત્નીના ગળે ઊતરે છે કે પછી ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે? ચાલો જાણીએ

દિવાળીમાં ઘરની સાફસફાઈ મહિલાઓ માટે ચૅલેન્જિંગ ટાસ્ક છે. આ ટાસ્ક અચીવ કરવા માટે હસબન્ડનો સાથ મળે તો તેઓ રાજી-રાજી થઈ જાય. જોકે ગુજરાતી પુરુષો આ બાબતમાં જુદા પડે છે. સામાન્ય રીતે ઘરકામમાં તેમની દિલચસ્પી હોતી નથી. ફેસ્ટિવ સીઝનમાં હોમ ક્લીનિંગમાં હસબન્ડે હેલ્પ કરવી જોઈએ એવી પત્નીની ડિમાન્ડ હોવા છતાં મોટા ભાગના પતિદેવ કોઈ ને કોઈ બહાનાં કાઢી છટકી જાય છે એવું તારણ નીકળ્યું છે. તેઓ કેવાં-કેવાં એક્સક્યુઝ આપે છે? આ બહાનેબાજી વાઇફના ગળે ઊતરે છે કે પછી હસબન્ડનું ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે? ચાલો જોઈએ.
ઓછી હાઇટનો ફાયદો ઉઠાવે
દિવાળી સીઝન હોવાથી ફૅક્ટરીમાં ખૂબ કામ છે, ઑફિસમાંથી રજા નથી મળતી, રાત્રે ઘરે આવતાં મોડું થશે... સ્ટીલનાં વાસણો બનાવતી ફૅક્ટરીના પૅકેજિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડોમ્બિવલીના વિલાસ ગોસર દિવાળીની સાફસફાઈથી બચવા આવાં તો અઢળક બહાનાં શોધી કાઢે છે. છટકબારીનાં કારણો જણાવતાં તેઓ કહે છે, ‘ગુજરાતી પુરુષોને ઘરકામમાં રસ પડતો નથી. ઘરમાં રહીએ તો કામમાં મદદ કરવી પડે અને ના પાડીએ તો પત્નીને માઠું લાગી જાય એટલે વચલો રસ્તો શોધી કાઢ્યો છે. દિવાળીમાં આમેય ફૅક્ટરીમાં ફુલ કામ હોય છે. છેલ્લા ત્રણ-ચાર રવિવાર ફૅક્ટરી બંધ પણ નથી રાખતા તેથી બહાનું મળી જાય. જોકે પત્ની મીનાક્ષી સામે બહાનેબાજી ચાલતી નથી. મારી પાસે કામ ન કરવાનાં બહાનાં છે તો તેની પાસે કામ કઢાવવાની યુક્તિઓ છે.’
પચીસ વર્ષથી એકનાં એક બહાનાં સાંભળતી આવી છું. તેમની પાસેથી કામ લેવાનો મારી પાસે મસ્ત આઇડિયા છે એમ જણાવતાં મીનાક્ષી કહે છે, ‘અમારી હાઇટમાં ખાસ્સું અંતર હોવાથી પંખા લૂછવા, માળિયા પરથી વસ્તુ કાઢવી, ઉપરનાં ખાનાંમાંથી ડબ્બા ઉતારવા, સીલિંગ પરથી ડસ્ટ સાફ કરવા તેમની મદદની જરૂર પડે. હાઇટનું કારણ આગળ ધરી કામ કઢાવી લઉં છું. દિવાળીમાં ઘર એકદમ ચોખ્ખુચણક જોઈએ. હું પોતે પગ વાળીને બેસું નહીં ને તેમને પણ જંપવા ન દઉં. હા, થોડા મસકા મારવા પડે. આટલાં વર્ષોમાં સૌથી વધુ કામ ગયા વર્ષે કરાવ્યું હતું. હવે ઑફિસ શરૂ થઈ જતાં તેઓ ફરી છટકી જશે.’
કામવાળી પાસે કરાવી લો
ગુજરાતી પુરુષોને પૈસા કમાતાં આવડે છે, ઘરનાં કામ તેમનો વિષય નથી એ વાત સાથે સહમત થતાં દહિસરના જય ભાટિયા કહે છે, ‘દિવાળીની સાફસફાઈ પાછળનું લૉજિક મને સમજાતું નથી. નકામી વસ્તુઓને માળિયામાં ભરી રાખવાની જરૂર શું છે? નથી વાપરતા તો રવાના કરી દોને! પહેલાં હસબન્ડને કામે લગાડી બધો સામાન નીચે ઊતરાવો છો. પછી એમાંથી માંડ એકાદ વસ્તુ ફેંકી બાકીનો સામાન આવતા વર્ષ સુધી માળિયા પર સંઘરી રાખો છો. દર દિવાળીએ ઘરમાં આ સીન ક્રીએટ થાય ત્યારે બહાનાં શોધવાં પડે છે. બીજું એ કે બૈરાંઓ આખો દિવસ કામ કાઢે એટલે જમવાનું બહારથી મગાવવું પડે. બે ટંક બહારનું ખાવાના સહેજે હજાર-પંદરસો થઈ જાય. આટલા રૂપિયામાં કામવાળા પાસે કામ કરાવો તો આપણને થાક ન લાગે અને તેની દિવાળી પણ સુધરી જાય.’
આખું વર્ષ ઘર ચોખ્ખું રાખો, દિવાળીમાં સ્પેશ્યલ ક્લીનિંગની શું જરૂર છે? વાપરવું હોય એટલું રાખો અને બાકીનું ફેંકી દો. કામ ન કરાવવા માટે આવાં બહાનાંઓ કંઈ ચાલતાં હશે? લગ્નના બે વર્ષમાં જ હસબન્ડની છટકબારીઓને સમજી ગયેલી રુચા ભાટિયા કહે છે, ‘સાસરીમાં આ મારી બીજી દિવાળી છે. જયને હોમ ક્લીનિંગમાં ઇન્ટરેસ્ટ નથી એનો અનુભવ લાસ્ટ યર થઈ ગયો. કબાટ પર મૂકેલો સામાન નીચે ઉતારવા કહ્યું ત્યારે મારી સામે શરત મૂકી કે ફેંકવાની હોય તો ઉતારી આપીશ. મતલબ પાછું ઉપર મૂકવાનું નહીં કહેતી. જોકે તેની એકાદ વાતમાં દમ છે. મહિલાઓને ઘણી નકામી વસ્તુ સાચવી રાખવાની ટેવ હોય છે. હસબન્ડની સ્પષ્ટતા ગમી ખરી, પરંતુ બધાં કામો કંઈ કામવાળા પાસે ન કરાવી શકાય. વૉર્ડરોબ અરેન્જ કરવા જેવાં કેટલાંક કામ જાતે કરવા પડે. આ વખતે તેમની પાસે કબાટ સાફ કરાવવાનું નક્કી કર્યું છે.’
બહાનાં શોધવાની જરૂર નથી
પહેલાં બહેન અને મમ્મી કામ કરતાં, પછી વાઇફ આવી ગઈ. ઘરમાં કામ કરવાનો વારો આવ્યો નથી અને ફાવતું પણ નથી. ઘરકામનો સ્પષ્ટ નનૈયો ભણતાં મલાડના બિઝનેસમૅન કેતન કેનિયા કહે છે, ‘દિવાળી ટાણે કે પછી ડે ટુ ડે લાઇફમાં ઘરકામ ન કરવા માટે મારે કોઈ બહાનાં શોધવાની જરૂર નથી. ભાવિનીને શરૂઆતમાં જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે આ મારો વિષય નથી. તમારાથી થાય એટલું કરો અને ન થાય તો માણસ બોલાવીને કામ કરાવી લો. પુરુષોએ પૈસા આપીને છૂટા થઈ જવાનું.’
લગ્નજીવનનાં વીસ વર્ષમાં હસબન્ડને કોઈ કામ કરતા જોયા નથી. હળવી ફરિયાદના સૂરમાં વાત કરતાં ભાવિની કહે છે, ‘તેઓ ઘરકામ નથી કરવાના એ ક્લ‌િયર છે એટલે સામાન્ય દિવસોમાં કામ સોંપતા નથી. જોકે ક્લીનિંગ માટે તેમના ચીકણાવેડા ઓછા નથી. એકેય કામ કરાવવું નથી પણ ઘર ચકાચક જોઈએ. આમ તો આખું વર્ષ અમારા ઘરમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હોય, પરંતુ દિવાળીની વાત જુદી છે. આ એવો તહેવાર છે જ્યારે ઘરનો દરેક ખૂણો સાફ કરવા હસબન્ડની હેલ્પ જોઈએ. ફર્નિચર ખસેડવા જેવાં કામો કંઈ મહિલાઓથી ન થાય. દિવાળી અગાઉ રવિવારની રજામાં આટલું કામ કરાવી લઉં.’
બહારનાં કામ કરાવી લે
જેવું વાઇફ કામ સોંપે કે અર્જન્ટ ફોન કરવાનો છે, ઘરમાં નેટવર્ક નથી, દસ મિનિટમાં આવું છું કહીને નીચે ઊતરી જાઉં. એક કલાક પહેલાં પાછો ન ફરું. સ્ટૉક માર્કેટમાં ડીલર તરીકે કામ કરતા ડોમ્બિવલીના આનંદ ગડા કહે છે, ‘દસ-પંદર મિનિટમાં પાછો ન આવું એટલે વાઇફ કંટાળીને જાતે કામ કરી લે. ઊંઘ પૂરી નથી થઈ કહીને પણ છટકી જાઉં. આવાં બહાનાં કરવાં પડે છે, કારણ કે ડસ્ટિંગ અને ક્લીનિંગનું નામ સાંભળીને ગભરામણ થવા લાગે છે. મારું રૂટીન કામ એવું છે જેમાં આખો દિવસ બેઠા રહેવાનું હોય. અચાનક હેવી વર્ક કરું તો કમરના દુખાવાનો ભય લાગે. ઊલટાનું કામ વધી જાય એના કરતાં ન કરાવવું સારું. જોકે, કોઈકવાર ઝડપાઈ જાઉં તો કિલનિંગ કરવું પડે.’
ઘરની અંદર કામ કરવાનું નથી ફાવતું તો બહારનાં કામ કરાવી લેવાનાં. હસબન્ડ પાસે દિવાળીમાં કંઈક કામ તો કરાવવું જ જોઈએને! હસતાં-હસતાં તેમનાં પત્ની જેનીસ કહે છે, ‘તહેવારમાં કામ કાઢીએ ત્યારે કેટલીય વસ્તુ ફેંકવાની હોય. નાનું-મોટું રિપેરિંગ કામ ચાલે તેથી બહારથી ઘણી ચીજવસ્તુ લાવવાની હોય. દોડાદોડી કરીને સામાન લાવવાનો તેમ જ ઉપરના બધા કામ તેમને સોંપી દઉં.’

 સંઘરેલી ચીજો લૂછીને ફરીથી મૂકવા માટે હસબન્ડને માળિયે ચડાવવામાં કોઈ લૉજિક નથી. સ્ત્રીઓ આખો દિવસ કામ કાઢે એટલે જમવાનું બહારથી મગાવવું પડે. એટલામાં કામવાળા પાસે કામ કરાવો તો થાક ન લાગે અને તેની દિવાળી પણ સુધરી જાય 
જય ભાટિયા

columnists Varsha Chitaliya