15 March, 2026 12:13 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
આખી જિંદગી આપણી ફરિયાદ હોય છે કે મને શું જોઈએ છે એની કોઈને ખબર પડતી નથી. આ ફરિયાદ સાર્વજનિક બની જાય એટલે એની મહત્તા પણ ઓછી થઈ જાય. આપણી પાસે રીલ્સ જોવાનો અઢળક સમય છે, પણ અવલોકન કે નિરીક્ષણ કરવાનો સમય નથી. સારું છે, નહીંતર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કહે છે એવું સત્ય તમાચો ઝીંકવા સામે આવીને ઊભું રહે...
જંપવા દેતું નથી પળભર મને
કોણ કોરી ખાય છે અંદર મને
કોણ જાણે કેમ પણ જઉં છું નડી
હું થવા દેતો નથી પગભર મને
અભાવો કરતાં સ્વભાવો વધારે નડતા હોય છે. એક ટંક ભાણું ન મળે તો ચલાવી લેવાય, પણ જો કોઈ માણસ આપણને સણસણતું મેણું મારે તો એના પડઘા આખી જિંદગી સંભળાયા કરે. સામાવાળાને તો કંઈ ન થાય, પણ આપણે ત્રસ્ત થઈ જઈએ ને જાત પરનો ટ્રસ્ટ ગુમાવી બેસીએ. કોના ઘોંચપરોણા સહન કરી શકાય એની સમજણ હરજીવન દાફડા આપે છે...
તીરથી તેજ કર પ્રહાર મને
ઘેનથી અબઘડી ઉગાર મને
એક અદનું હું તારું સર્જન છું
સાવ નિર્મમપણે મઠાર મને
મઠારવાનું કામ આખી જિંદગી ચાલ્યા કરે છે. જો તમે પોતાને શત-પ્રતિશત અને સંપૂર્ણ માની લો તો કંઈ નવું ન શીખી શકો. અનુભવનું વિશ્વ નવાં-નવાં તારણો લાવીને સામે મૂકે છે. યુક્રેનને અઠવાડિયામાં ધૂળ ચાટતું કરી નાખીશું એવી રશિયાની શેખી હવાહવાઈ થઈ ગઈ. ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થયેલું યુદ્ધ હજી પણ ચાલે છે. ઈરાનને ચપટીમાં નેસ્તનાબૂદ કરવાની અમેરિકાની મંછા બર નથી આવી, કારણ ઈરાન પાસે ડ્રોન અને બૅલિસ્ટિક મિસાઇલની તાકાત છે. યુદ્ધને કારણે વિશ્વ આખું ફસાયું છે. પરબતકુમાર નાયી ‘દર્દ’ આશા પણ રાખે છે અને વાસ્તવિકતા પણ દર્શાવે છે...
વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે
શરત એક જ છે દુનિયાની : અહીં જીવંત દેખાવું
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે
તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે ૧૩ વર્ષથી કોમા જેવી હાલતમાં જીવતા હરીશ રાણાના ઇચ્છામૃત્યુ માટે પરવાનગી આપી. વેજિટેબલ સ્થિતિમાં જીવવું દરદી કરતાં પણ વિશેષ પરિવારજનો માટે આકરું હોય છે. શ્વાસ ચાલે પણ જિંદગી સ્થગિત થઈ ગઈ હોય. એના વિરોધાભાસ જેવો એક પ્રસંગ બન્યો. કોમામાં ગયેલી એક મહિલા દરદીને ઍમ્બ્યુલન્સમાં લઈ જવાતી હતી. રસ્તામાં મોટો ખાડો આવતાં ઍમ્બ્યુલન્સ ઊછળી અને તે દરદી ભાનમાં આવી ગઈ. જે કામ ડૉક્ટર ન કરી શક્યા એ કામ એક ખાડાએ કર્યું. ખરેખર, કુદરતના ચમત્કારો અનોખા હોય છે. નયન દેસાઈ અલખની લીલાને માનવી સાથે સાંકળે છે...
આ સાંજ સાંજ હોય તો હું એનું દૃશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું ઝળહળ રહસ્ય છું
રૂંવે-રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદૃશ્ય છું
રોજ સૂર્યોદય જુઓ કે સૂર્યાસ્ત જુઓ એની ઝાંખી અલગ જ હોવાની. એની રંગલાલિમા આપણને કુદરતનું લાલિત્ય દર્શાવે છે. કયા રંગોમાં ઝબોળીને આકાશ રંગાતું હશે કોને ખબર. બે ઘડી બધી પળોજણ મૂકીને દરિયાકિનારે એક સાંજ ગાળીએ ત્યારે શાતા અનુભવાય. મોજાંનો રવ ભીતર રવાની જગાવતો જાય. કપરા સંજોગોનો સામનો કરવાની શક્તિ આપે, કારણ કે શહેરમાં તો અનેક સમાધાનો કરીને જીવવું પડે. ભલા માણસોને શહેર ભોળવી જાય અને તેની સંપત્તિ ઓળવી જાય. હેમંત ધોરડા ચિતાર આપે છે...
નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને
લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને
લાસ્ટ લાઇન
કોઈ મારું નામ પાડો, કોઈ બોલાવો મને
બારણું છું; એય પાછું બંધ, ખખડાવો મને
સાત મૃત્યુ-સાત જન્મો બાદ પણ તરસ્યો જ છું
કંઈક ખોબામાં ભરી લાવો ને પીવડાવો મને
કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ
છું પુરાતનકાળનું ખંડેર - ખોદાવો મને
અર્થ પણ ભૂલી ગયો છું અડકવાનો હવે
ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને
ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે
ને પછી એમાં જ રંગેચંગે પધરાવો મને
જે સમજની બ્હાર છે એ તો બધું સમજી ગયો
જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો મને
ઉંબરે લાવી મને મૂકો; વખત છે સાંજનો
વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને
- હર્ષદ સોલંકી
ગઝલસંગ્રહ : સાંઈ સલાહ આપો