ક્યા લેંગે, ઠંડા યા ગરમ?

06 January, 2022 03:28 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આ સીઝનમાં ફ્યુઝન મૉકટેલ, ડબલડેકર મૉકટેલ, કોકોઆ, મકાઈ-બાજરીની રાબ, મેક્સિકન બીન્સ સૂપ, લેમન-કોરિએન્ડર સૂપ, ખાઉસે વિથ રસમ, આમન્ડ બ્રૉકલી, પૉપકૉર્ન ચીઝ સૂપ જેવા અઢળક ઑપ્શન આવ્યા છે

લલિત જૈને ઇન્ટ્રોડ્યુસ કરેલાં ડ્રિન્ક્સ

લગ્નવિધિ વખતે મહેમાનોની વચ્ચે રોટેટ થતાં કોલ્ડ ઍન્ડ હૉટ ડ્રિન્ક્સમાં જૂસ અને ચા-કૉફી હવે આઉટડેટેડ છે. આ સીઝનમાં ફ્યુઝન મૉકટેલ, ડબલડેકર મૉકટેલ, કોકોઆ, મકાઈ-બાજરીની રાબ, મેક્સિકન બીન્સ સૂપ, લેમન-કોરિએન્ડર સૂપ, ખાઉસે વિથ રસમ, આમન્ડ બ્રૉકલી, પૉપકૉર્ન ચીઝ સૂપ જેવા અઢળક ઑપ્શન આવ્યા છે

કોઈ પણ લગ્ન સમારંભમાં મહેમાનોને સૌથી વધુ રસ વેલકમ ડ્રિન્ક, સરસ મજાનાં સજાવીને ગોઠવેલાં સ્ટાર્ટર અને દેશ-વિદેશની વાનગીઓના રસથાળમાં હોય છે. મહેમાનો દ્વારા ફૂડનાં વખાણ થયાં તો સમજો પૈસા વસૂલ. એટલે જ પ્રી-વેડિંગ ફંક્શન્સ અને વેડિંગ માટેનું મેનુ કમ્પોઝ કરવા બન્ને પક્ષોએ કેટરિંગ સર્વિસ પ્રોવાઇડરો સાથે ખાસ્સી ચર્ચા-વિચારણા કરવી પડે છે. દરેક પરિવાર પોતાના બજેટ અનુસાર ન્યુ ટ્રેન્ડ સેટ કરવા માગે છે તેથી ફૂડ કાઉન્ટરની જેમ હવે મહેમાનો વચ્ચે રોટેટ થતાં કોલ્ડ ઍન્ડ હૉટ ડ્રિન્ક્સમાં પણ અઢળક ઑપ્શન આવી ગયા છે. ઠંડાં પીણાંમાં જૂસ અને ગરમમાં ચા-કૉફી આઉટડેટેડ લાગતાં હોય તો એલિગન્ટ વેડિંગમાં રાખી શકાય એવાં ઇમ્પ્રેસિવ અને ડિલિશસ ડ્રિન્ક્સના વેરિએશનમાંથી પસંદ કરી લો.
કૂલ ઍન્ડ રિફ્રેશિંગ
ઑરેન્જ, પાઇનૅપલ, સ્વીટ લાઇમ જેવાં બેઝિક સિંગલ જૂસ કરતાં અત્યારે ફ્યુઝન વધુ ચાલે છે. કોલ્ડ અને હૉટ બન્નેમાં કૉમ્બિનેશનનો ટ્રેન્ડ છે એમ જણાવતાં દ​િક્ષણ મુંબઈસ્થિત જૈન કેટરર્સના લલિત જૈન કહે છે, ‘​મોબાઇલમાં (ગેસ્ટની વચ્ચે રોટેટ થતી આઇટમ) ઇનોવેટિવ આઇડિયાઝ ઍડ કરી જે-તે કેટરર્સ એને નવું નામ આપે છે. કેટરિંગ બિઝનેસમાં દરેક આઇટમને અટ્રૅક્ટિવ નામ આપવું જરૂરી છે. કૂલ ઍન્ડ રિફ્રેશિંગ માટે અમે લોકોએ ગ્વાવા, કિવી અને ગ્રીન ગ્રેપ્સના કૉમ્બિનેશનથી બનેલું થ્રીજી ફ્યુઝન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. મિન્ટ સ્વીટ લાઇમ ફ્યુઝનમાં મોસંબી, ફુદીનો અને લેમનનું મિક્સચર છે. ઑરેન્જ-સ્ટ્રૉબેરી પણ ટ્રેન્ડી છે. અનાર-પેરુ ફ્યુઝનને ઑલટાઇમ હિટ કહી શકાય. બે-ત્રણ પ્રકારનાં જુદાં ફ્રૂટ્સનું પંચ ગેસ્ટને પસંદ પડે છે. કોકોનટ વૉટરને અટ્રૅક્ટિવ બનાવવાના ઘણા આઇડિયાઝ છે. મલાઈ ક્રશ કરીને કે મલાઈના ક્યુબ્સ બનાવીને પ્રેઝન્ટ કરો તો સરસ લાગે. કોકોનટમાં અમે થાઇ પૅશન આપીએ છીએ. આ કોકોનટ બૅન્ગકૉકની સ્પેશ્યલિટી છે. ત્યાં કાચા અને હીટ કરેલા એમ બે ટાઇપના કોકોનટ મળે છે. હીટ કરેલા કોકોનટનો ટેસ્ટ જુદો હોય છે. એમાં અંદરની જાડી મલાઈને નૂડલ્સની જેમ લાંબી કાપી, રેડ ઍન્ડ વાઇટ ડ્રૅગન ફ્રૂટના સ્ક્વેર પીસ કરી કોકોનટ વૉટરની અંદર નાખવામાં આવે છે. આ મસ્ત હેલ્ધી ડ્રિન્ક છે.’
 અગાઉ મહેમાનોની વચ્ચે બે-ત્રણ જાતનાં સીઝનલ જૂસ ફેરવો અને ચા-કૉફીના કાઉન્ટર ગોઠવી દો તો ચાલતું હતું. ટ્રેડિશનલ ડ્રિન્ક્સ હવે નથી ચાલતાં તેથી મેનુ ક્યુરેટ કરતી વખતે પાર્ટીને કેટલાં અને કયા પ્રકારનાં ડ્રિન્ક્સ રાખવાં છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરવી પડે છે. કૂલિંગ ઇફેક્ટ આપતાં ​ડ્રિન્ક્સના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં બોરીવલી આંગન હૉલના સુમંગલ કેટરર્સના મેહુલ સિરોદરિયા કહે છે, ‘વેડિંગમાં ફ્રેશ જૂસ મહેમાનોની ફર્સ્ટ ચૉઇસ હોય છે તેથી એમાં જ નવા વેરિએશન ઍડ કરવાં પડે. આ સીઝનમાં ડબલડેકર મૉકટેલ અને કોકોઆ ટ્રેન્ડમાં છે. ડબલડેકરમાં ડિફરન્ટ સાઇઝના બે ગ્લાસમાં જૂસ લઈ એક ગ્લાસની અંદર બીજો ગ્લાસ ગોઠવીને કમ્બાઇન્ડ સર્વ કરવામાં આવે છે. એને પીવાની પણ સ્પેસિફિક સ્ટાઇલ છે. ડ્રિન્કને ટૂ સ્ટ્રોની મદદથી પીવાનું હોય છે. આ ડ્રિન્કમાં પાઇનૅપલ-કોકમ અને પાઇનૅપલ-ખસનું કૉમ્બિનેશન મોસ્ટ પૉપ્યુલર છે. ઑરેન્જ-પીચ અને બ્લૅક ગ્રેપ્સ-સ્ટ્રૉબેરીનું કૉમ્બિનેશન ઑલટાઇમ ફેવરિટ છે.’ 
ટેસ્ટી ઍન્ડ હેલ્ધી    
આજે લોકો હેલ્થ કૉન્શિયસ થયા છે અને વિદેશી વાનગીઓનો ક્રેઝ પણ વધી રહ્યો છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી હવે એવી આઇટમો રોટેટ કરવામાં આવે છે જે અગાઉ બુફે ડિનરના કાઉન્ટર પર જોવા મળતી. ન્યુ ટ્રેન્ડ વિશે વાત કરતાં મેહુલભાઈ કહે છે, ‘વિન્ટર વેડિંગમાં સૂપ રોટેટ થાય છે. કોથમીર, લીંબુ અને વિવિધ વેજિટેબલ સ્ટૉકમાંથી તૈયાર કરવામાં આવતાં લેમન-કોરિએન્ડર સૂપ અને મેક્સિકન બીન્સ સૂપ ગેસ્ટને પસંદ પડી રહ્યાં છે. હમણાં બે-ત્રણ વેડિંગમાં અમે લોકોએ મકાઈ અને બાજરીની રાબ રોટેટ કરી હતી. આ નવી આઇટમને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. મારો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે નવો ટ્રેન્ડ સેટ કરવામાં ગુજરાતીઓ અને મારવાડીઓ મોખરે હોય છે.’ 
હૉટ આઇટમમાં પણ ફ્યુઝન ટ્રેન્ડમાં છે એમ જણાવતાં લલિતભાઈ કહે છે, ‘વિન્ટર વેડિંગમાં સૂપને રોટેટ કરવાનો ટ્રેન્ડ અત્યારે ચાલ્યો છે. રસમ ખાઉસે જબરદસ્ત આઇટમ છે. ખાઉસેમાં થાઇ કરી હોય છે જ્યારે અમે સાઉથ ઇન્ડિયન રસમનો સ્વાદ ઍડ કર્યો છે. આ સૂપમાં સાઉથની ચકરી, સિંગ અને નાસ્તા ઉમેરવાથી સ્વાદિષ્ટ અને જુદી આઇટમ બની છે. ટમેટો બેસિલ કૉર્ન સૂપમાં નૂડલ્સની જેમ ચીઝ નાખી રોટેટ કરવામાં આવે છે. પૉપકૉર્ન છેડા પણ ન્યુ હૉટ ડ્રિન્ક છે. ચીઝ અને પૉપકૉર્ન નાખવામાં આવે છે. બ્રૉકલી આલમન્ડમાં રોઝ પેટલનું ટ્વિસ્ટ ઍડ કરીએ છીએ. પપર્લ કૅબેજમાંથી બનાવવામાં આવેલું બ્લુ હેઝ સૂપ ન્યુ ઍડિશન છે.’
પ્રેઝન્ટેશન મહત્ત્વનું
કેટરિંગના બિઝનેસમાં ઇનોવેટિવ આઇડિયાઝને પ્રેઝન્ટેબલ બનાવવા પણ એટલું જ અગત્યનું છે. ડ્રિન્ક્સને સર્વ કરવાની સ્ટાઇલ એને આકર્ષક બનાવે છે એમ જણાવતાં લલિતભાઈ કહે છે, ‘ફ્રૂટ જૂસને એના રિયલ શેલ્સમાં આપીએ છીએ. વૉટરમેલનને વન બાય ટૂ કરી એના પલ્પને કાઢી જૂસ બનાવવામાં આવે છે અને પછી એ જ જૂસને શેલ્સમાં રેડીને સર્વ કરવાથી નવું લાગે છે. ઑરેન્જ જૂસને ઑરેન્જમાં આપીએ. ઉપર અમ્બ્રેલા સ્ટ્રૉ મૂકી દો તો પ્રેઝન્ટેબલ લાગે. ફૅન્સી ગ્લાસિસની પણ એટલી જ ડિમાન્ડ છે. ડબલ શૉટ જૂસમાં ડિફરન્ટ શેપ અને સાઇઝના ગ્લાસ યુઝ થાય. કોલ્ડ ડ્રિન્ક્સમાં આઇસ ક્યુબ્સથી આકર્ષણ ઊભું કરાય છે. ચાઇના લાઇટિંગ ક્યુબ્સ સહેલાઈથી મળે છે. એક્રિલિક ક્રિસ્ટલ મટીરિયલમાંથી બનાવેલા આ ક્યુબ્સ વૉટરમાં નૉન-સૉલ્યુબલ હોય છે. ડ્રિન્ક સર્વ કરતી વખતે લાઇટિંગ ક્યબુને ઑન કરી ગ્લાસમાં મૂકી ઉપર ત્રણ-ચાર આઇસ ક્યુબ્સને ગોઠવી દેવાથી રિયલ આઇસ ક્યુબ્સ જેવું દેખાય છે. જૂસના ગ્લાસમાં લાઇટ બ્લિન્ક થતી જોઈને બાળકોને મજા પડે છે.’

વૅલ્યુ ફૉર મની

આ બિઝનેસ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે કેટરિંગમાં સૌથી પહેલાં ઇનોવેશન થાય છે અને ત્યાર બાદ સેમ ટુ સેમ આઇટમો હોટેલ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. હોટેલોમાં યોજાતાં ભવ્ય લગ્નોમાં રોટેટ થતાં નાઇટ્રોજન ડ્રિન્ક્સ હેલ્થની દૃષ્ટિએ હાનિકારક હોવાથી તેઓ સજેસ્ટ નથી કરતા. જ્યારે વાડીઓમાં મહેમાનોની પસંદગી અને સ્વાદ પર વધુ ભાર મૂકવામાં આવે છે. લેટેસ્ટ ટ્રેન્ડમાં રહેવા ઇનોવેટિવ આઇડિયાઝની સાથે લગ્નની વાડીમાં લાઇવ જૂસના મશીન ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. આજે પણ ફૅન્સી ડ્રિન્ક્સની તુલનામાં વિધાઉટ આઇસ ઍન્ડ વિધાઉટ શુગરવાળાં ફ્રેશ મોસંબી અને ઑરેન્જ જૂસનું કન્ઝમ્પ્શન હાઇએસ્ટ છે. એવી જ રીતે કોકોનટ વૉટર સૌથી વધુ પીવાય છે, જેને તમે વૅલ્યુ ફૉર મની કહી શકો.

columnists Varsha Chitaliya