જીભથી પેટ સુધીના માર્ગથી શરીરને શું આપીશું, સ્વાસ્થ્ય કે પછી બીમારી?

01 December, 2021 10:27 AM IST  |  Mumbai | Manoj Joshi

પ્રકૃતિના સંતાન એવા જંગલના આશરે રહ્યા પછી કેમ મનમાં આપોઆપ ખુશી જન્મે છે? સહવાસ જો આટલો આનંદ આપવાનું કામ કરી જતો હોય તો પછી કેવી રીતે તમે એવું ધારી શકો કે ટેક્નૉલૉજી અને સિમેન્ટનાં જંગલ તમને ખુશી આપી શકે?

પ્રતીકાત્મક તસવીર

નેચર સાથે કે પ્રકૃતિ સાથે રહેવાનું ઓછું થયું છે ત્યારથી જીવનમાં દુઃખ વધ્યું છે અને આ વાતનો સ્વીકાર તમારા જ અનુભવ પરથી તમે કરી શકો એમ છો. જરા વિચારો કે કેમ મજા આવે છે હિલ સ્ટેશન પર જઈને? શું કામ મન પ્રફુલ્લિત થઈ જાય દરિયાકિનારો માણીને? પ્રકૃતિના સંતાન એવા જંગલના આશરે રહ્યા પછી કેમ મનમાં આપોઆપ ખુશી જન્મે છે? સહવાસ જો આટલો આનંદ આપવાનું કામ કરી જતો હોય તો પછી કેવી રીતે તમે એવું ધારી શકો કે ટેક્નૉલૉજી અને સિમેન્ટનાં જંગલ તમને ખુશી આપી શકે?
માત્ર બાહ્ય દુનિયામાં જ નહીં, આપણે આંતરિક જગતને પણ કૉન્ક્રીટ અને વિજ્ઞાનના હાથમાં મૂકી દીધું છે. કહેવાનું મન થાય છે, વારંવાર થાય છે કે ક્યારેય ભૂલતા નહીં. દુનિયાનો સૌથી શક્તિશાળી જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ કુદરત છે અને એ જ કુદરતનું આપણે સર્જન છીએ. ગઈ કાલે કહ્યું હતું એમ, કુદરતે જે માનવશરીરનું સર્જન કર્યું છે એ માનવશરીરમાં નાનોઅમસ્તો ખોટકો પડે તો લાખો રૂપિયાનું બિલ ચૂકવવાનો વારો આવે છે, પણ એની કોઈ કિંમત ઉપરવાળાએ આપણી પાસેથી વસૂલી નથી. જરા વિચારો અને વિચારીને જવાબ આપો કે જો આ જ ઉપરવાળો આવીને એક સંતાનના જન્મના ૨૫-૫૦ લાખ રૂપિયા માગે તો શું એ આપવા તમે તૈયાર થાઓ ખરા? જાતને ક્યાંય તાતા-બિરલા કે અંબાણીના સ્તરના ધનિક ગણવાના નથી. અત્યારની, આજની આ જે આર્થિક પરિસ્થિતિ છે એને જ નજર સામે રાખીને જવાબ આપવાનો છે. શું તમે એક જીવ પેટે ૨૫-૫૦ લાખ રૂપિયા આપવા તૈયાર થાઓ ખરા?
ઇમોશનલ ખૂણે ગયા વિના જો જવાબ આપવાનો હોય તો તમારો જ નહીં, મારો, આપણા સૌનો એક જ જવાબ હોય કે આપણે ૫૦૦ ને ૭૫ વખત એ વિશે વિચારીશું અને જો આ હકીકત હોય તો પછી હાર્ટમાં સ્ટેન્ટ મૂકવાના પાંચ-દસ લાખ રૂપિયા ચૂકવતી વખતે કેમ એ વિચાર નથી આવતો કે કુદરતના ખોળે રહેવા વિશે ગંભીરતા સાથે વિચારવું જોઈએ. નેચરને આવકારવું જોઈએ અને પ્રકૃતિની સંગાથે કદમ માંડવાં જોઈએ. જરૂરી નથી કે તમે તમારા કામધંધાને તરછોડી ગામડામાં જઈને વસવાટ કરવા માંડો. જરૂરી એ પણ નથી કે તમે તમારા જીવન માટે જરૂરી હોય એવી સુખ-સુવિધાઓને ત્યજી દો, પણ એ તો જરૂરી છે જ છે કે તમે તમારા જીવનને તો નેચર સાથે જોડો. તમારા શરીરને નેચરનો સંગાથ આપો અને એ દિશામાં આગળ વધો જે શરીરનું કુદરતે સર્જન કર્યું છે એ કુદરતે પોતાનો મૂળ રંગ દેખાડવો ન પડે, એ કુદરતે ક્યાંય રૌદ્ર રૂપ ધારણ ન કરવું પડે કે પછી એ કુદરતે જરા પણ લાલ આંખ ન કરવી પડે.
જીભથી પેટ સુધીનો જે રાજમાર્ગ છે એ સ્વાસ્થ્યનો માર્ગ છે. આ માર્ગ પર ઉકરડો ફેલાવવો કે પછી એ માર્ગ પર ખુશ્બૂ ફેલાવતાં ફૂલોની જાજમ પાથરવી એ તમારા પર નિર્ધારિત છે. એ રાજમાર્ગ પર તમારે તંદુરસ્તીને આગળ વધારવી કે પછી બીમારી માટે એને ખુલ્લો મૂકી દેવો એ પણ તમારા પર આધારિત છે. યોગ્ય રીતે અને યોગ્ય સમયે જાગી જવાનો સમય આવ્યો છે ત્યારે કહેવાનું માત્ર એટલું કે શરીરને મોજશોખનું સાધન માનનારાઓએ ભૂલવું નહીં કે સાધક બની સાધના કરવામાં સાર છે.

columnists manoj joshi