ભૂદેવ વડા પ્રધાન: જો દરેક કમ્યુનિટી આવી ડિમાન્ડ કરવા માંડે તો દેશની શું હાલત થાય?

15 June, 2021 09:32 AM IST  |  Mumbai | Manoj Joshi

લોકશાહીમાં જ્ઞાતિવાદ નહીં, રાષ્ટ્રવાદ જ મહત્ત્વનો રહે અને એ રાષ્ટ્રને જે આગળ લાવી શકે, રાજ્યનો વિકાસ સર્વોચ્ચ રીતે કરી શકે એને જ પ્રાધાન્ય મળવું જોઈએ, નહીં કે જ્ઞાતિની ગણતરીઓના આધારે

પ્રતીકાત્મક તસવીર

પાટીદારોએ હમણાં ગુજરાતમાં એવું સ્ટેટમેન્ટ કર્યું કે કેશુભાઈ પટેલ પછી પાટીદારોને પ્રાધાન્ય નથી મળ્યું એટલે હવે પછીના ઇલેક્શનમાં અમે પાટીદારને પ્રાધાન્ય આપશે એની સાથે રહીશું. આવું જ અગાઉ બિહારમાં સ્ટેટમેન્ટ થયું હતું અને બંગાળમાં પણ આ જ પ્રકારના જ્ઞાતિવાદને પ્રાધાન્ય મળવા માંડ્યું હતું. હું કહીશ કે દેશમાં બ્રાહ્મણોને મહત્ત્વ મળતું નથી, બ્રાહ્મણો એક થઈને આગળ આવે અને ભૂદેવને મહત્ત્વ આપે, એની સાથે રહો. વૈષ્ણવો પોતાની વાત કરશે તો લોહાણાઓ પણ જાગશે અને એ પછી તો પારસીઓ પણ જાગી શકે અને રાજપુત પણ આગળ આવી શકે. શું આ વાજબી કહેવાય ખરું? ઉચિત કહેવાય ખરું?

ના, ના અને ના જ. લોકશાહીમાં જ્ઞાતિવાદ નહીં, રાષ્ટ્રવાદ જ મહત્ત્વનો રહે અને એ રાષ્ટ્રને જે આગળ લાવી શકે, રાજ્યનો વિકાસ સર્વોચ્ચ રીતે કરી શકે એને જ પ્રાધાન્ય મળવું જોઈએ, નહીં કે જ્ઞાતિની ગણતરીઓના આધારે. આવી ગણતરીઓના આધારે ધારો કે કોઈ વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન બની પણ જાય તો એની વિશ્વસનિયતા પર ભારોભાર શંકા જાગશે. અન્ય જ્ઞાતિને લાગી શકે છે કે પક્ષપાત થાય છે અને આ રીતે સત્તા પર બેઠેલી વ્યક્તિએ પક્ષપાતી બનવું જ પડતું હોય છે, કારણ કે તેને જ્ઞાતિના આધારે સત્તા મળી છે.

જ્ઞાતિના આધારે રાજકારણ શક્ય જ નથી. જ્ઞાતિના કારણે રાજકારણ થવું પણ ન જ જોઈએ. જો તમે ઇચ્છતા હો કે રાષ્ટ્રનો વિકાસ થાય તો એ વિકાસ ખાતર પણ જ્ઞાતિવાદી ભાઈચારાને તિલાંજલિ આપવી પડે. ગુજરાતે તો અગાઉ જોઈ પણ લીધું છે કે જ્ઞાતિવાદને સ્થાન મળ્યું નથી અને એ સ્થાન મળવા માંડ્યું હતું એટલે જ બે-અઢી દશકા પહેલાં વિવાદ સાથે કેશુભાઈ પટેલે શાસન ગુમાવવું પડ્યું હતું. જો શાસન ગુમાવવાની તૈયારી હોય તો જ આ રસ્તે ચાલવું જોઈએ. પાટીદારો ભૂલ કરી રહ્યા છે. કાં તો પાટીદારો અને કાં તો પાટીદારોના આગેવાન છે એ.

તમારી માગણી રાજ્ય માટે એવી હોય તો હજી પણ વાસ્તવિક લાગી શકે કે સ્થાનિક રાજકીય આગેવાન જ મુખ્ય પ્રધાનપદ પર આવે. ગુજરાતમાં તમિલ કે પછી દિલ્હીમાં ગુજરાતી મુખ્ય પ્રધાનની કલ્પના થોડી અઘરી લાગી શકે, પણ એ અશક્ય તો નથી જ. જો મહારાષ્ટ્ર જેવું રાજ્ય હોય અને એ રાજ્યમાં વસ્તીમાં બહોળો પ્રજાવર્ગ કોઈ એક પ્રાંતનો હોય તો હજી પણ એ સંભાવના પર વિચારી શકાય છે, પણ સ્થાનિક રાજકારણમાં તમે કોઈ કાળે આ પ્રકારનો જ્ઞાતિવાદ કલ્પી ન શકો, કરવો પણ ન જોઈએ. મુખ્ય રાજકીય પથ પર જ નહીં, સ્થાનિક રાજકારણમાં પણ આ વાતની કલ્પના ન થઈ શકે. પાટીદારોની વસ્તી બહોળી છે, પણ બહોળી વસ્તી હોવાનો અર્થ એવો નથી સરતો કે રાજકીય આગેવાની તેના હાથમાં હોવી જોઈએ. જ્યાં બહોળી વસ્તી નથી હોતી એવી જગ્યાએ પણ સક્ષમ પાટીદાર નેતા હોય તો તેના હાથમાં સત્તા હોવી જોઈએ અને બહોળી વસ્તી ધરાવતા મથકમાં ધારો કે લોહાણા અગ્રણી વધારે વાજબી કાર્ય કરી શકતાં હોય તો તેને આગેવાની મળવી જોઈએ. આ જ સ્વસ્થ રાજકારણની નિશાની છે અને આ જ તંદુરસ્ત રાજનીતિની વાસ્તવિકતા છે. સંસ્થાકીય હસ્તક્ષેપમાં રાજકારણને ઓરીને તમે રાજ્ય અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવાનું દ્રોહ કરી બેસો છો. જાણતા-અજાણતા એટલે એવી ભૂલ ક્યારેય કરવી નહીં.

columnists manoj joshi