‘રામ તેરી ગંગા મૈલી’ બૉક્સ-ઑફિસ પર હિટ થઈ એનું સાચું કારણ શું હતું?

14 January, 2023 02:44 PM IST  |  Mumbai | Rajani Mehta

અનેક વિવેચકોએ વખોડેલી ‘રામ તેરી ગંગા મૈલી’ બૉક્સ-ઑફિસ પર હિટ થઈ એનું સાચું કારણ શું હતું?

‘રામ તેરી ગંગા મૈલી’ બૉક્સ-ઑફિસ પર હિટ થઈ એનું સાચું કારણ શું હતું?

રાજ કપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે ‘પ્રિવ્યુ’ મીટિંગ કરી ત્યારે ફિલ્મના અંતિમ દૃશ્યનું શૂટિંગ નહોતું કર્યું. સૌ એ જાણવા માગતા હતા કે ફિલ્મનો અંત કઈ રીતે આવે છે. રાજ કપૂર એ વિશે જવાબ આપે એ પહેલાં જ વી. પી. સાઠે (જેમણે કે. એ. અબ્બાસ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી)એ ધડાકો કર્યો, ‘અંતમાં મંદાકિની (ગંગા) મૃત્યુ પામે છે. એણે મરવું જ રહ્યું.’
થોડી ક્ષણો માટે ‘પિન ડ્રૉપ સાયલન્સ’ છવાઈ ગયું અને પછી ગણગણાટ શરૂ થયો. દરેકે કહ્યું કે આ તો ગંગાના પાત્ર સાથે મોટો અન્યાય છે. જેની સાથે પૂરી જિંદગી નાઇન્સાફી થઈ છે તેને અંતમાં મૃત્યુના હવાલે કરવાથી દર્શકોને છેતરાયા જેવું લાગશે. ફિલ્મની સફળતા માટે આ અંત હાનિકારક સાબિત થશે. મોડી રાત સુધી આ બાબત ઉગ્ર ચર્ચા થઈ. બન્ને પક્ષે દલીલો થઈ. જોકે આ પૂરી ચર્ચામાં રાજ કપૂર ‘નરો વા કુંજરો વા’ની જેમ ચૂપ રહીને સાક્ષીભાવે, કોઈ પણ જાતનું કમિટમેન્ટ આપ્યા વગર શાંતિથી બેઠા હતા. 
આ ઘટનાને યાદ કરતાં પત્રકાર બની રૂબેન લખે છે, ‘મેં રણધીર, રિશી અને રાજીવ સાથે આ બાબત ચર્ચા કરી તો એ ત્રણે નાખુશ હતા. તેઓ એ મતના  હતા કે  હિરોઇન મૃત્યુ પામે એવો અંત પ્રેક્ષકો કદી નહીં સ્વીકારે. ફિલ્મનો અંત સુખદ જ હોવો જોઈએ. હું પોતે પણ આ જ મતનો હતો.’ 
એક ફિલ્મમેકર તરીકે રાજ કપૂરની સારી આદત એ હતી કે ફિલ્મ બનાવતાં તેમના મનમાં જે કાંઈ ‘ક્રીએટિવ ઇન્સ્પિરેશન’ આવે એની નજીકના વર્તુળમાં ચર્ચા કરતા. એ લોકોનો જે પ્રતિભાવ આવે એ બાબત તે ખૂબ સભાન હતા અને એના પર ઊંડો વિચાર કરતા. મોટા  ભાગના લોકોનું સૂચન તેમના ગળે ઊતર્યું અને તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટનું અંતિમ દૃશ્ય ફરી વાર શૂટ કરવાનું નક્કી કર્યું. સ્ક્રિપ્ટરાઇટર્સ સાથે વિચારવિમર્શ કર્યા બાદ એમ નક્કી થયું કે દિવ્યા રાણા (હીરોની પત્ની) પિતાએ ગંગા પર ચલાવેલી ગોળી પોતાની ઉપર ઝીલી લઈને ગંગાનો જીવ બચાવે છે અને સાચા પ્રેમની જીત થાય એ માટે પોતાના પ્રાણનું સમર્પણ કરે છે. 
આવો સુખદ અંત શૂટ કરીને રાજ કપૂરે લોકોને દેખાડ્યો ત્યારે સૌએ એક અવાજે કહ્યું કે આવો ચીલાચાલુ ફિલ્મી અંત આર. કે. ફિલ્મ્સને શોભા નથી આપતો. રાજ કપૂર વિચારમાં પડ્યા. થોડા દિવસો શૂટિંગ થંભાવીને અંતે તેમણે વચલો રસ્તો કાઢ્યો. બંદૂકની ગોળી ખાઈને ઘાયલ થયેલી હિરોઇનની ઈજા પ્રાણઘાતક નહોતી એમ બતાવીને તેને જીવતી રાખી. અંતમાં હીરો-હિરોઇન સમાજથી દૂર પોતાના બાળક સાથે નવી દુનિયા વસાવવા નીકળી પડે છે એવા દૃશ્યથી ફિલ્મનો અંત આવ્યો. 
રાજ કપૂરે ત્યાર બાદ ફિલ્મને મોંમાગી કિંમતે ડિસ્ટ્રિબ્યુટર્સને આપી. ફિલ્મ રિલીઝ થઈ અને એ સાથે પબ્લિસિટી શરૂ થઈ. બની રૂબેને એક મહિલા પત્રકારને ઇન્ટરવ્યુ માટે બોલાવી જેમાં તેના ઊલટા-સીધા સવાલોના જવાબ આપતાં-આપતાં રાજ કપૂરે પદ્મિની કોલ્હાપુરે વિશે વાંધાજનક વાતો કરી. એ ઉપરાંત બની રૂબેને મંદાકિનીનાં સ્નાન દૃશ્યોના ઉત્તેજક ફોટો પબ્લિસિટી માટે આપ્યા. જ્યારે આ ઇન્ટરવ્યુ અને ફોટો મૅગેઝિનમાં પબ્લિશ થયા ત્યારે રાજ કપૂરે ગુસ્સે થઈને બની રૂબેનને ખખડાવી નાખ્યા, કારણ કે તેમને ભય  હતો કે ફિલ્મને ‘સત્યમ શિવમ સુંદરમ’ની જેમ નેગેટિવ પબ્લિસિટી મળશે. 
 રાજ કપૂરને જે ડર હતો એ સાચો પડ્યો. મોટા ભાગના વિવેચકોએ ફિલ્મની આકરી ટીકા કરી. ‘રાજ કપૂર ફિલ્મની સફળતા માટે અર્ધનગ્ન દૃશ્યોનો સહારો લે છે, રાજ કપૂર પોતાનો ‘મિડાસ ટચ’ ખોઈ બેઠા છે,  તેમણે સંન્યાસ લઈ લેવો જોઈએ, આર. કે. ફિલ્મ્સ જેવું બૅનર આવી વાહિયાત ફિલ્મો બનાવે એ શરમની વાત છે’ આવા અનેક આક્ષેપો રાજ કપૂરે ઝેલવા પડ્યા. 
બે વિરોધાભાસની નોંધ લેવા જેવી છે. મરાઠી વર્તમાનપત્ર ‘લોકસત્તા’ના રિપોર્ટર શરદ ગુર્જરે ફિલ્મની સખત ટીકા કરી. મોટા ભાગે તે હિન્દી ફિલ્મોને મનોરંજનનું સાધન ગણીને તેની કમર્શિયલ વૅલ્યુ ધ્યાનમાં રાખીને, અવલોકન કરતા. તે માનતા કે હિન્દી ફિલ્મો મોટા ભાગે ભાગેડુવૃત્તિથી બનાવેલી હોય છે. એનું મુખ્ય કામ દર્શકોને ‘ટાઇમપાસ’ મનોરંજન આપવાનું છે. એટલે એમાં વધારે ખામીઓ કાઢવાનો કોઈ અર્થ નથી. વિવેચકોએ વખોડેલી અનેક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર હિટ ગઈ છે.   
બીજી તરફ હતા ‘ફિલ્મફેર’ના યુવાન ક્રિટિક ખાલીદ અહમદ, જે ૯૦ ટકા હિન્દી ફિલ્મોની ટીકા કરવા માટે જાણીતા હતા. અકળ કારણોસર તેણે ફિલ્મનાં ભરપૂર વખાણ કર્યાં. ‘પ્રેમ રોગ’ માટે તેણે કમેન્ટ કરી હતી કે આ ફિલ્મ રાજ કપૂરની ‘મોસ્ટ કન્ફ્યુઝ્ડ ફિલ્મ’ છે. એની પાસેથી ફિલ્મનાં વખાણ વાંચીને ઇન્ડસ્ટ્રીને ખૂબ નવાઈ લાગી. તેણે જે રીતે ફિલ્મની વાહ-વાહ કરી હતી એ વાંચીને ખુદ રણધીર કપૂર પણ પોતાનું હસવું ખાળી નહોતો શકતો.
ફિલ્મની રિલીઝ બાદ થોડા સમય પછી એક કાર્યક્રમમાં બની રૂબેન અને શરદ ગુર્જરની મુલાકાત થઈ. મસ્તીના મૂડમાં બની રૂબેને શરદ ગુર્જરની ટાંગ ખેંચતાં કહ્યું, ‘ગુર્જર, તારા  ખરાબ રિવ્યુને કારણે જ રાજ કપૂરની ફિલ્મ હિટ થઈ.’
‘એ કંઈ મને સમજાયું નહીં.’ ગુર્જરે નવાઈ પામતાં કહ્યું. 
‘તને સમજાવું. લોકો અવઢવમાં હતા. પોતાની જાતને જ પ્રશ્ન કરતા હતા કે રાજ કપૂર એટલી ખરાબ ફિલ્મ તો ન જ બનાવે જેટલી ‘લોકસત્તા’માં કહેવામાં આવી છે. ચાલો, જઈને જોઈએ તો ખરા ગુર્જર સાચું કહે છે કે ખોટું? હકીકતમાં તો તારા રિવ્યુને કારણે જ પ્રેક્ષકોનાં ટોળેટોળાં ફિલ્મ જોવા ઊમટી પડ્યાં. આર. કે. ફિલ્મ્સ તારો ખૂબ આભાર મને છે.’ 
બની રૂબેનનો જવાબ સાંભળી શરદ ગુર્જરની શું હાલત થઈ હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. 
કેવળ એક પત્રકાર એવો હતો કે જેણે ફિલ્મનું ‘In depth, critical analysis’ કર્યું. ‘સન્ડે’ મૅગેઝિનના સુમિત મિત્રાએ રાજ કપૂર સાથે લાંબી મુલાકાત કર્યા બાદ જે કવર-સ્ટોરી પબ્લિશ કરી એનાથી એક વાત સાબિત થઈ કે ફિલ્મ જર્નલિઝમમાં ન હોવા છતાં એક પત્રકાર તટસ્થ રહીને પરિપક્વતાથી ફિલ્મના રિવ્યુ લખી શકે છે. આર. કે. ફિલ્મ્સ માટે આ એક વણમાગ્યું બોનસ હતું.
રાજ કપૂરનું નસીબ સારું હતું કે વિવેચકોએ જે ફિલ્મનાં છોતરાં કાઢી નાખ્યાં એ ‘રામ તેરી ગંગા મૈલી’ બૉક્સ-ઑફિસ પર હિટ ગઈ. એનાં કારણોમાં પડ્યા વિના એક વસ્તુ નક્કી હતી કે જે નેગેટિવ પબ્લિસિટી થઈ એના કારણે ફિલ્મને નુકસાન થવાને બદલે લાભ વધારે થયો. ફરી એક વાર સાબિત થયું  કે સારા કે ખરાબ રિવ્યુને કારણે ફિલ્મો ‘હિટ’ કે ‘ફ્લૉપ’ નથી જતી. (ઇતિહાસમાં આનાં અનેક ઉદાહરણો છે. એ વિશે વિસ્તારથી લખી શકાય.) 
એકાદ વર્ષ બાદ એક પાર્ટીમાં ‘ફિલ્મફેર’ના નવા નિયુક્ત થયેલા તંત્રી રઉફ અહમદે બની રૂબેનને પ્રશ્ન કર્યો, ‘મને હજી સુધી સમજાયું નથી કે ‘રામ તેરી ગંગા મૈલી’ બૉક્સ-ઑફિસ પર હિટ કેમ થઈ?’ 
બની રૂબેને જવાબ આપ્યો, ‘હિન્દી ફિલ્મોની સફળતાની વર્ષો જૂની ફૉર્મ્યુલાની આ કમાલ છે. યાદ છેને, ‘મધર ઇન્ડિયા’ કેટલી લોકપ્રિય થઈ હતી? આખી જિંદગી અન્યાયનો સામનો કરતી અબળા નારીની અંતે તો જીત થાય જ. એ વિષય પરની ફિલ્મો ભારતીય પ્રેક્ષકોને અત્યંત ગમતી હોય છે. ‘રામ તેરી ગંગા મૈલી’માં એ જ ફૉર્મ્યુલા કારગત નીવડી છે.’
રાજ કપૂરની માનસિકતા અને ફિલ્મમેકર તરીકેની વિચારધારાને સારી રીતે જાણતા બની રૂબેન અંતમાં એક વાત કરે છે,  ‘મેહબૂબ ખાન હૉલીવુડના વિખ્યાત ફિલ્મમેકર સેસિલ ડી મેલેના મોટા પ્રશંસક હતા. તેમણે પોતાની હિટ ફિલ્મો માટે એક ફૉર્મ્યુલા શોધી કાઢી હતી. રાજ કપૂરે પણ એ જ જૂની ફૉર્મ્યુલાનો ઉપયોગ કર્યો. ધર્મ અને સેક્સનું મિશ્રણ કરીને ફિલ્મ બનાવો તો સો ટકા સફળતા મળે જ મળે.’

rajnimehta45@gmail.com

columnists rajani mehta bollywood news