આંખોને અચરજ મળેઃ ગુજરાતી ફિલ્મો સામે ચૅલેન્જ વધી છે ત્યારે મેકર્સે શું ભૂલવું ન જોઈએ?

20 December, 2021 05:16 PM IST  |  Mumbai | Manoj Joshi

આપણે વાત કરતા હતા દિવાળી પછી રિલીઝ થયેલી બે ગુજરાતી ફિલ્મોની. આ બે ફિલ્મોની વાત પણ એટલા માટે શરૂ થઈ કે એમાં મહિલાઓની ભાવના, લાગણી અને ઊર્મિની વાત કરવામાં આવી છે.

મિડ-ડે

આપણે વાત કરતા હતા દિવાળી પછી રિલીઝ થયેલી બે ગુજરાતી ફિલ્મોની. આ બે ફિલ્મોની વાત પણ એટલા માટે શરૂ થઈ કે એમાં મહિલાઓની ભાવના, લાગણી અને ઊર્મિની વાત કરવામાં આવી છે. આપણી ફિલ્મો માટે એકધારી ફરિયાદ કરવામાં આવે છે કે આપણે એકસરખી બીબાઢાળ ફિલ્મો બનાવતા રહ્યા છીએ અને એ ફરિયાદ ખોટી પણ નથી. કૉમેડી ફિલ્મો પર વધારે ભાર મૂકવામાં આવતો રહ્યો છે. એવું ધારીને કૉમેડી ફિલ્મો બનાવવામાં આવે છે કે ગુજરાતી ઑડિયન્સને કૉમેડી ફિલ્મો વધારે જોવી છે. કૉમેડી નાટકો ચાલતાં રહ્યાં છે એટલે સીધો એ જ થમ્બ રૂલ વાપરવામાં આવ્યો છે અને ૧૦માંથી ૮ કે પછી ૯ કૉમેડી ફિલ્મો બનવા માંડી છે, પણ કોઈએ ભૂલવું ન જોઈએ કે ગુજરાતી પાસે અદ્ભુત સાહિત્ય છે અને એ સાહિત્યનો ઉપયોગ પણ થાય એ ખૂબ જરૂરી છે.
‘કેવી રીતે જઈશ?’ નામની પહેલી ફિલ્મ આવી અને એ ફિલ્મ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો નવો યુગ શરૂ થયો. બધા એ યુગમાં આગળ વધવા માંડ્યા, પણ સૌકોઈ એક વાત ભૂલી ગયા કે નવા યુગનો આરંભ જુદા જ દૃષ્ટિકોણ સાથે કરવામાં આવ્યો હતો અને એટલે જ ‘કેવી રીતે જઈશ?’ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર અનેક રેકૉર્ડ બનાવ્યા અને ઑડિયન્સને આફરીન પણ પોકારાવી દીધું. ઑડિયન્સ ખુશ તો બૉક્સ-ઑફિસ સ્વાભાવિક રીતે છલકાય. આ એક સર્વસામાન્ય નિયમ છે, પણ એ નિયમને ભૂલીને સૌકોઈને પછી કૉમેડી ફિલ્મ દેખાવી શરૂ થઈ ગઈ અને કૉમેડી ફિલ્મ પાછળ ભાગનારાઓએ અજાણતાં જ એવો તો મારો ચાલુ કરી દીધો કે ઑડિયન્સ ફરી એક વાર દૂર ભાગી ગયું અને ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને માત્ર ૧૦ કે ૧૫ વર્ષમાં જ નવેસરથી તકલીફો જોવાની આવી ગઈ. આ તકલીફમાં જો કોઈએ ઉમેરો કર્યો હોય તો એ ઉમેરો છે પૅન્ડેમિકનો. જે ગુજરાતી ઑડિયન્સ માંડ થિયેટર સુધી જતું થયું હતું, ગુજરાતી ફિલ્મો જોવા માટે રાજી થવા માંડ્યું હતું એ ગુજરાતી ઑડિયન્સ પૅન્ડેમિક વચ્ચે થિયેટરમાં જતું બંધ થયું. બન્યું એવું કે આ પૅન્ડેમિકમાં જે નીતિનિયમો બન્યા એ નીતિનિયમોને કારણે અનેક હિન્દી ફિલ્મો પણ અટકી ગઈ અને હવે એ બધાનો ભરાવો એકસાથે બહાર આવવાનું શરૂ થયું છે. ગુજરાતી ફિલ્મો પણ એમાં છે અને હિન્દી તથા હૉલીવુડ ફિલ્મો પણ એમાં છે. નૅચરલી બજેટની અસર એ ફિલ્મો જોવા જતી વખતે દેખાવાની છે અને એ અસર દેખાશે એટલે ભોગ રીજનલ ફિલ્મોનો લેવાશે. એવું તો જ ન બને, જો કન્ટેન્ટ એવું હોય અને એ કન્ટેન્ટમાં તમે કોઈ જાતની બાંધછોડ ન કરી હોય. બાંધછોડ ન થાય એનું ધ્યાન રાખો, બહુ જરૂરી છે ગુજરાતી ફિલ્મો માટે. ગુજરાતી મેકર્સ ઓછા છે ત્યારે જેકોઈ ફિલ્મ બનાવે છે એના પર આ વિષયની ગંભીર જવાબદારી છે. મેકર્સ એટલે કે માત્ર પ્રોડ્યુસર નહીં, પણ રાઇટર-ડિરેક્ટરે પણ આ બાબતમાં સજાગ રહેવું પડશે અને એવી ભૂલ ટાળવી પડશે જેનો ગેરલાભ આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ભોગવવો પડે. ગુજરાતી ફિલ્મ વિશે આપણી આ વાત આવતી કાલે પણ કન્ટિન્યુ કરીશું, પણ નવા વિષય અને નવા મુદ્દા સાથે.

manoj joshi columnists