જવાબદાર નાગરિકની બીજી ફરજ કઈ છે?

14 November, 2021 06:44 PM IST  |  Mumbai | JD Majethia

દરેકેદરેક નાગરિકે એક વાત સમજવાની જરૂર છે કે એ બીજાં રાજ્યોમાં જઈને તમામ નીતિ-નિયમો અને કાયદાઓનું પાલન કરે છે અને કાયદાઓનો ભંગ પોતાના રાજ્યમાં જ કરે છે. કેવી બેદરકારી છે આ!

જવાબદાર નાગરિકની બીજી ફરજ કઈ છે?

દેશ, રાજ્ય, શહેર, સોસાયટી અને પરિવાર મળી પાંચ જવાબદારી પૈકી બીજા નંબરે આવે છે રાજ્ય. દરેકેદરેક નાગરિકે એક વાત સમજવાની જરૂર છે કે એ બીજાં રાજ્યોમાં જઈને તમામ નીતિ-નિયમો અને કાયદાઓનું પાલન કરે છે અને કાયદાઓનો ભંગ પોતાના રાજ્યમાં જ કરે છે. કેવી બેદરકારી છે આ!

જવાબદાર નાગરિક તરીકે પહેલી ફરજની વાત ગયા રવિવારે આપણે કરી, એમાં કહ્યું એમ, દેશને પ્રાધાન્ય આપવાનું કામ કરવાની અત્યંત આવશ્યકતા છે અને અત્યારના તબક્કે તો ખાસ એની જરૂર છે. સામાન્ય નાગરિક તરીકે આપણે દેશ માટે બીજું કશું નથી જ કરી શકવાના, પણ આપણે દેશ સાથેનો આપણો વ્યવહાર તો સ્પષ્ટ કરીએ. પ્રયાસ કરીએ કે આપણે મૅક્સિમમ સ્વદેશી ચીજવસ્તુઓ તરફ વળીએ.
ગયા વીકમાં આ વાત વાંચીને કેટલાક ફ્રેન્ડ્સે સવાલ કર્યો હતો કે જ્યારે ફૉરેનની ચીજ સારી મળતી હોય ત્યારે શું કામ આપણે સ્વદેશીનો આગ્રહ રાખવો. વાત ખોટી નથી તો સાથોસાથ એમાં પૂર્ણ સત્યતા પણ નથી. જગ્ગીજીએ કહેલી એક વાત મને અત્યારે યાદ આવે છે. જો તમે તમારા જીવનસાથી માટે એક ચોક્કસ લક્ષ્મણરેખા બાંધીને ચાલતા હો તો સ્વદેશીપણાને પણ એવી જ એક લક્ષ્મણરેખા આપવી જોઈએ. કબૂલ કે ટીવી કે પછી ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ ફૉરેનનાં બેસ્ટ છે અને આપણે એ વાપરવા માગીએ છીએ. ઍગ્રી, વાપરો એ ત્યાંનાં, પણ રોજબરોજની ચીજવસ્તુઓ તો આપણે આપણી વાપરી જ શકીએ છીએ. બિસ્કિટથી માંડીને વેફર્સ, ટૂથપેસ્ટ, સાબુ જેવી ચીજવસ્તુઓનો વપરાશ આપણે ક્યારેય ગંભીરતાથી લીધો નથી, પણ બહુ બહોળી સંખ્યામાં એની ખપત હોય છે. આપણે વર્ષમાં ૧૨ ટીવી નથી લઈ નાખતા, પણ વર્ષ દરમ્યાન આપણે ૨૪ ટૂથપેસ્ટ વાપરી લેતા હોઈએ છીએ. બહુ લાંબો પ્રયાસ ન કરીએ તો નાની-નાની ચીજોમાં આપણે સ્વદેશી બનીને મોટો સહકાર આપીએ.
પહેલી જવાબદારી પછી હવે વાત આવે છે બીજી જવાબદારીની. એક જાગ્રત નાગરિક તરીકે આપણી બીજી જવાબદારી છે આપણું સ્ટેટ, આપણું રાજ્ય. આપણે આપણા સ્ટેટ માટે પણ એટલું જ ગંભીર રહેવાનું છે જેટલા ગંભીર આપણે આપણા પરિવાર માટે રહેતા હોઈએ છીએ. સ્ટેટની જવાબદારીની વાત આવે ત્યારે ઘણા એવું કહેતા હોય છે કે એમાં જવાબદારી જેવું શું હોવાનું, જે કામ દેશ માટે કરીએ એ જ કામ આપણે આપણા રાજ્ય માટે કરવાનું હોય, પણ ના, એવું નથી.
રાજ્યની જવાબદારી પૂરી કરવા માટે પહેલાં તો સજાગ થવાની જરૂર છે. આજે મેં ઘણા એવા લોકોને જોયા છે જેમણે આપણું મહારાષ્ટ્ર હજી બરાબર જોયું નથી અને દૂર-દૂર ફરવા માટે નિયમિત રીતે જતા રહે છે. આ રાજ્ય પ્રત્યેની જે બેદરકારી છે એ બેદરકારી લાંબા ગાળે રાજ્યને જ નુકસાનકર્તા બને છે. પહેલાં તમે તમારા રાજ્યને જુઓ, એને જાણો, માણો અને એ પછી તમે દેશના બીજા ભાગને જોવાનું શરૂ કરો. હમણાં જ મેં એક ભાઈનો આર્ટિકલ વાંચ્યો. એ ભાઈએ નક્કી કર્યું છે કે ૭૦ વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં તે ૭૦ દેશ ફરી લેવા માગે છે. બહુ સરસ છે, પણ આ સરસ વાતની સાથે મહત્ત્વની વાત એ પણ છે કે તેણે પોતાનું રાજ્ય, પોતાનો દેશ કેટલો જોયો અને જાણ્યો છે. ટપલી દાવ રમતા હોઈએ એ રીતે બહાર ફરવા માટે નીકળી જવું બિલકુલ ગેરવાજબી છે. મહારાષ્ટ્રની જે ખુમારી છે, જે ખમીર છે એને માણ્યા વિના દુબઈ કે સિંગાપોર કે ન્યુ ઝીલૅન્ડની મહેમાનગતિ માણનારાઓના આ બધા દેશોના વિઝા રદ કરાવવાનું મન થઈ આવે. રાજ્ય પ્રત્યેની પહેલી જવાબદારી આ, પહેલાં તમારા રાજ્યને જુઓ, માણો અને એને સમૃદ્ધ કરો. એ પછી જ બહાર નીકળવાનો વિચાર કરો. અનિવાર્ય હોય તો વાત જુદી છે, પણ જો અનિવાર્યતા ન હોય અને માત્ર સ્ટેટસ માટે જ આવો વિચાર આવતો હોય તો એ વિચારને મનમાંથી તિલાંજલિ આપીને પહેલાં તમારા રાજ્યને પ્રેમથી માણો.
બીજી અગત્યની જવાબદારી જો કોઈ હોય તો એ છે નિયમ, કાયદાનું પાલન. દરેક રાજ્યના પોતપોતાના કાયદા છે અને એ કાયદાઓનું પાલન ચુસ્તપણે થાય એ અત્યંત આવશ્યક છે. અફસોસની વાત એ છે કે આપણે જ આપણા સ્ટેટના કાયદાઓનું ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. માણસ બીજા રાજ્યમાં જઈને ડાહ્યો થઈ જાય છે, ત્યાંના એકેક નિયમનું પાલન કરે છે, પણ જેવા તેઓ પોતાના રાજ્યમાં આવે કે તરત બેદરકાર બની જાય છે. આ જે અપનાપન છે, આ જે પોતાના રાજ્ય માટેની ખુશી છે એને આવી રીતે દેખાડવી જરૂરી નથી. એને તમે ધારો તો સાચી રીતે, સારી રીતે અને યોગ્ય પ્રકારે પણ દેખાડી શકો છો તો પછી આજથી નક્કી કરીએ કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા દરેકેદરેક નિયમનું પાલન કરીશું.
ગોવામાં લિકર પીધા પછી વેહિકલ ચલાવવાની છૂટ છે, પણ આપણે ત્યાં નથી અને એ વાતને આપણે ગંભીરતા સાથે પાળીશું. આ ઉદાહરણના ભાગરૂપે કહેવાયું છે. ગુજરાતમાં લાઇસન્સ વિના વાહન ચલાવનારાઓનો મોટો વર્ગ છે, પણ એનો અર્થ એવો નહીં કરવાનો કે આપણે પણ એવું જ કરીએ. લાઇસન્સ વિના વાહન ચલાવવું નથી અને લાઇસન્સ ન હોય તેના હાથમાં વાહન આપવું નથી. સિમ્પલ કરી નાખો બધી વાતોને. રાજ્યમાં જે નિયમ છે એ નિયમનું ચુસ્તપણે પાલન કરવું છે. કોઈ શૉર્ટ-કટ શોધવો નથી અને શૉર્ટ-કટ શોધનારાઓને પણ સીધાદોર કરતા જવા છે.
નિયમો છે તો જીવન છે અને રાજ્ય સ્તરના નિયમો છે તો સંસાર છે. સરળ લાગતી આ વાતને વધારે સહજ બનાવીને જીવીશું તો માત્ર સમાજ કે રાજ્ય પર જ નહીં, વ્યક્તિગત રીતે પણ જીવન વધારે સમૃદ્ધ બનશે. સમૃદ્ધ પણ બનશે અને શ્રેષ્ઠ પણ બનશે. તમે જેટલા પણ વેલ-ડેવલપ્ડ દેશો છે એ જોઈ લો. દરેકેદરેક સ્ટેટના રહેવાસીઓ સ્થાનિક નીતિ-નિયમ અને કાયદાઓનું જબરદસ્ત ચુસ્તીથી પાલન કરે છે. મેં જોયું છે કે ગુજરાતમાં દારૂબંધી છે, જેનો મોટો ગેરલાભ સૌથી વધારે ગુજરાતીઓ જ લે છે. પરમિટ માટેના નિયમો હળવા કર્યા પછી ગુજરાત સિવાયના જેકોઈ સ્ટેટમાંથી લોકો આવ્યા હોય એના આધાર-પુરાવા લઈને દારૂ લઈ આવે છે અને પછી એની મહેફિલ માણે છે.
ખોટું જ છે. એ પ્રકારની મહેફિલો ન થાય એને માટે તો ગુજરાતમાં દારૂબંધી રાખવામાં આવી છે, પણ એની છટકબારી શોધી લેવામાં આવી છે, તો એવું જ આપણે ત્યાં પણ છે. ગુટકા અને પાનમસાલાની મનાઈ છે, પણ આપણે ત્યાં એ સહજ રીતે મળે છે અને ખરીદનારાઓનો પણ તોટો નથી. ભલા માણસ, મનાઈનો અર્થ શું છે અને પહેલાં તો એ વિચારો કે મનાઈ શું કામ રાખવામાં આવી છે?
સિમ્પલ છે, એ તમારી હેલ્થ માટે સારાં નથી તો પણ આપણે એનું સેવન કરીએ જ છીએ. પહેલો ગુનો એ ખરીદવાનો કરીએ છીએ અને બીજો ગુનો એ વેચનારાને વેચવા માટે ઉશ્કેરીને કરીએ છીએ. ત્રીજો ગુનો એ પાનમસાલા સંતાડવાનો બન્ને પક્ષ કરે છે અને ચોથો ગુનો એ ખાઈને ગંદકી ફેલાવીને કરીએ છીએ. જો સામાન્ય કહેવાય એવા પાનમસાલામાં આટલા નિયમો તૂટતા હોય તો વિચાર કરો કે આપણે દિવસ દરમ્યાન આપણા જ મહારાષ્ટ્રના કેટલા નિયમો તોડતા હોઈશું અને જવાબદારીઓમાંથી છટકબારીઓ શોધતા હોઈશું. વિચારો, વિચારો અને પછી એ બધું બંધ કરવાની દિશામાં સકારાત્મક રીતે આગળ વધો, જે બહુ આવશ્યક છે.

જવાબદારીની આ સિરીઝમાં હવે પછી આપણે વાત કરીશું શહેર પ્રત્યેની જવાબદારીની, પણ નેક્સ્ટ સન્ડે.

મહારાષ્ટ્રની જે ખુમારી છે, જે ખમીર છે એને માણ્યા વિના વિદેશની મહેમાનગતિ માણનારાઓએ સમજવું જોઈએ કે સૌથી પહેલાં તમારે તમારા રાજ્યને એક વખત જોવું જોઈએ. રાજ્ય પ્રત્યેની આ જવાબદારી છે અને એ નિભાવવી અત્યંત આવશ્યક છે. રાજ્યને જુઓ, માણો અને એને સમૃદ્ધ કરો. એ પછી જ બહાર નીકળવાનો વિચાર કરો.

columnists JD Majethia