અમીર જેને ખરીદી શકતો નથી અને ગરીબ જેને વેચી શકતો નથી એવું સુખ શું છે?

16 January, 2020 04:20 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

અમીર જેને ખરીદી શકતો નથી અને ગરીબ જેને વેચી શકતો નથી એવું સુખ શું છે?

પ્રતીકાત્મક તસવીર

પૃથ્વી પરનું સૌથી મોટું સુખ શું એવું કોઈ પૂછે અને આપણે આધ્યાત્મિકતાના વિચારોમાં ઊંડા ઊતરવા લાગીએ છતાં કંઈ ન સૂઝે ત્યારે તાત્કાલિક જવાબમાં કહી દઈએ કે ઊંઘ સૌથી મોટું સુખ છે તો પણ આપણે ફુલ્લી પાસ થઈ જઈએ. કોઈ પ્રાણી આ જગતમાં એવું નથી જે ઊંઘથી પર હોય. માનવ જીવનમાં તો ઊંઘ જીવનનો ત્રીજો ભાગ ગણાય છે. આજે આપણે ઊંઘની વાત કરવી છે. સૌને પ્રિય હોય એવી આ પ્રિયતમા રોજ આપણા જીવનમાં આવે છે, પાછી જાય છે અને પાછી આવતી રહે છે. એ ન આવે તો આપણને જરાય ચેન ન પડે. બીજા બધાના મિલન વગર ચાલી જાય, પરંતુ ઊંઘના મિલન વિના  ન ચાલે. આજે માણસ સતત તનાવમાં જીવવા લાગ્યો હોવાથી તેની કીમતી ઊંઘ ગુમાવી રહ્યો છે. શાંતિથી  ઊંઘવા માટે તેણે એટલુંબધું જાગવાનું શરૂ કરી દીધું છે કે તે હવે ઊંઘમાં પણ કામ કરતો રહે છે. આથી કાયમ માટે સૂઈ જવાનું થાય એ પહેલાં રોજેરોજ વ્યવસ્થિત નિદ્રારાણીનો સહવાસ લઈ લેવામાં સાર છે.

આમ તો ઊંઘની મુખ્ય ભૂમિકા રાતની જ હોય છે, પણ આપણને એ એટલી વહાલી હોય છે કે આપણે મોકો મળે તો એનો દિવસ દરમ્યાન પણ ગમે ત્યારે સ્વીકાર કરી લઈએ છીએ. યાદ રહે, જીવનના સમયનો ત્રીજો હિસ્સો આપણે ઊંઘમાં વિતાવીએ છીએ, જેથી ઊંઘના મહત્વને સમજવું વિશેષ જરૂરી છે. જેને ઊંઘ વહાલી ન હોય એવો એક પણ માણસ તમને આજ સુધી મળ્યો નહીં હોય. 

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે કોઈની ઊંઘ ન બગાડવી, જેથી આપણે કોઈના ઘરે જઈએ ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખીએ છીએ કે સામેવાળી વ્યક્તિની ઊંઘ ડિસ્ટર્બ ન થવી જોઈએ. અર્થાત ઊંઘ મૂલ્યવાન છે, જેને નથી મળતી તેને એનું મૂલ્ય વધુ સમજાય છે. ઇન શૉર્ટ, ઊંઘ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સુખ છે. 

ઊંઘને જોવાનો અદ્ભુત લહાવો

તમે ઊંઘને જોઈ છે ખરી? તમે કહેશો, અરે ભાઈ ઊંઘમાં તો આપણે સૂઈ ગયા હોઈએ, એને જોઈ ક્યાંથી શકીએ? મારો આમ પૂછવાનો અર્થ એ છે કે તમે ઊંઘને આવતા જોઈ છે? હા, પણ કસમયે નહીં એટલે કે ઑફિસમાં કામ કરતાં-કરતાં ઊંઘ આવે તો ન ચાલે. હા, તો અમે કહેતા હતા કે  જો તમે ઊંઘને આવતી જોવાની બાબત પર ધ્યાન ન આપ્યું હોય તો હવે પછી ધ્યાન આપજો, કારણ કે એનો આનંદ જ અનોખો છે. ઊંઘનો ખરો આનંદ એને આવતી જોઈ શકવામાં છે. એ આવી જાય ને આપણને એના વશમાં કરી લે પછી તો આપણને કંઈ ખબર રહેતી નથી; પરંતુ એની આવવાની પળોને જોવામાં આવે, મહેસૂસ કરવામાં આવે તો જલસો પડી જાય. કેમ કે એ આવ્યા બાદ આપણને એ સ્વર્ગમાં લઈ જવાની હોય છે જ્યાં આપણે એ રહે ત્યાં સુધીનો સમય  સુખ અને દુઃખથી પર થઈ જવાના હોઈએ છીએ. અને કદાચ એ જ બુદ્ધત્વની અવસ્થા પણ બની શકે‍.

ઊંઘ સાચી સેક્યુલર હોય છે

ઊંઘ તદ્દન સેક્યુલર હોય છે તેમ જ સાચા સંત કે ભગવાન જેવી હોય છે. તેને જાતિ, જ્ઞાતિ, ધર્મ, ઊંચ, નીચ, દરજજો, પદ, અમીર, ગરીબ, સજ્જન, દુર્જન, કરોડપતિ, રોડપતિ વગેરે સાથે કોઈ ભેદભાવ નથી હોતો. દરેકની ઊંઘ સામાન્ય હોય છે છતાં આગવી હોય છે, ઊંઘ ક્યાંય પણ અને ક્યારે પણ આવી શકે છે. રાત તો એને બહુ વહાલી હોય છે અને દિવસભરનો થાક એ ઓઢી લે છે અને માણસો એ સમયે પોઢી લે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આવતી ઊંઘ, બકવાસ ફિલ્મો જોતી વખતે આવતી ઊંઘ, ભણવાના સમયે કંટાળાને લીધે આવતી નીંદર આવાં તો ઊંઘનાં કેટલાંય સ્વરૂપો છે. માણસ બીમાર પડે ત્યારે ડૉક્ટર એ બીમારને દર્દ ઓછું થાય એ માટે પણ પ્રયાસ એવો કરે છે કે તેને જલદી ઊંઘ આવે જેથી મોટા ભાગની દવાઓમાં કંઈક અંશે ઘેન હોય છે. ઇન શૉર્ટ, ઊંઘ ઘણાંબધાં દર્દોની દવા સમાન છે. માણસ સખત ટેન્શનમાં હોય ને તેને ઊંઘ આવી જાય તો એટલો સમય કમ સે કમ તેનું ટેન્શન અદૃશ્ય થઈ જાય છે. આમ ઊંઘના અનેક ફાયદા છે.

ઊંઘને ટેમ્પરરી ડેથ કહી શકાય

ઊંઘને ટેમ્પરરી મૃત્યુ પણ કહી શકાય. ઊંઘને ધ્યાનની અદ્ભુત સ્થિતિ પણ કહી શકાય. એટલો સમય માણસ કંઈ જ કરતો નથી, અકર્તા બની જાય છે અથવા કંઈ કરવા અસમર્થ બની જાય છે. ઊંઘ નિર્દોષ હોય છે, કારણ કે એ સમયે માણસ કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતો નથી, હાનિ કરી શકતો નથી. માણસને ઘણી વાર તો ઊંઘમાં જ કાયમી મૃત્યુ પણ આવી જાય છે જેને મૃત્યુની શ્રેષ્ઠ અવસ્થા પણ કહેવામાં આવે છે. ખેર, ઊંઘની વાત સાથે મૃત્યુની વાત ભેળવીને તેના આનંદને આડા માર્ગે ફંટાવી દેવા કરતાં ઊંઘના જ આનંદને માણીએ. ઊંઘમાં માણસ  અહંકાર, ઈર્ષ્યા, વેરઝેર વગેરે જેવા ભાવોથી પણ મુક્ત હોય છે. હા, ઊંઘમાં આવતાં સપનાં દરમ્યાન માણસ કોઈ પણ પ્રકારનાં ભળતાં કામો પણ કરતા હોય છે. જોકે એ માત્ર સપનાં જ હોય છે. ઊંઘમાં માણસ આપોઆપ સારો પણ બની જાય છે, કેમ કે આ સમય દરમ્યાન તે કોઈને નડતો પણ નથી અને કોઈને ન નડવું એ તો સૌથી મોટી સમાજસેવા છે. 

અમીરી અને ગરીબીથી પર

ઊંઘ આવવા માટે પણ માણસ પાસે સારાં નસીબ જોઈએ. જેમને ઊંઘ નથી આવતી એવા માણસોની પીડાને જાણો તો સમજી શકાય કે ઊંઘનું શું મૂલ્ય છે. ઊંઘ વેચાતી નથી મળતી કે ઊંઘ ખરીદી શકાતી નથી. કોઈ પણ અમીર માણસ ગરીબમાં ગરીબ માણસને એમ કહી શકતો નથી કે આ લે આટલા રૂપિયા અને મને તારી ઊંઘ મળી જાય એવું કર. માલિક તેના નોકરને કહી શકતો નથી કે મને તારી ઊંઘ આપી દે નહીંતર તારો પગાર કાપી લઈશ. ઊંઘ પહેલાંની પળોની જેમ ઊંઘ બાદની પળો પણ અદ્ભુત હોય છે. ઊંઘ માણસને નવો જન્મ લઈને ઊભો થયો હોય એવો અહેસાસ આપે છે. દરેક ઊંઘમાંથી જાગેલો માણસ સામાન્ય અને અસામાન્ય બન્ને અર્થમાં નવો દિવસ કે નવું જીવન લઈને તૈયાર થાય છે.

પરમાત્માની ભેટ 

આપણા માટે ઊંઘ જીવનના સતત ચાલતા રિયલિટી શોની વચ્ચે આવતા રહેતા કમર્શિયલ બ્રેક  જેવી સ્થિતિ છે. આ ઊંઘ બાદ સવારે ફરી તાજામાજા થઈ આપણે જીવનના રિયલિટી શોમાં ફરી સક્રિય થઈ જઈએ છીએ. પરમાત્માએ ઊંઘ સૌને આપી છે, પ્રત્યેક જીવને ઊંઘ જોઈએ છે અને દરેકને એ અપાઈ છે. એક-એક પશુ, પક્ષી, જંતુ સુધ્ધાં ચોક્કસ સમયે ઊંઘને શરણે જાય જ છે. ઊંઘના અનેક પ્રકાર હોય છે, સ્વરૂપ કે સ્વાદ પણ હોય છે. વહેલી સવારની ઊંઘ મીઠી હોય છે. મોડી રાતની ઊંઘ થાકેલી હોય છે. મધરાતની ઊંઘ જીવનના મધ્યકાળ જેવી હોય છે.

અસલી ઊંઘ તો વહેલી સવારની કહેવાય છે. સ્કૂલ જતા વિદ્યાર્થીએ જ્યારે વહેલી સવારે સ્કૂલ જવાનું હોય છે ત્યારે તેની માતાને એ સંતાનને જગાડતી વખતે જે અનુભવ થાય છે એવા અનુભવમાંથી ભાગ્યે જ કોઈ માતા બાકી હશે. પાંચ મિનિટ, પાંચ મિનિટ કરતાં-કરતાં બાળક હોય કે યુવાન કલાક તો અમસ્તા જ કાઢી નાખે છે. આ પાંચ મિનિટ કેટલી મીઠી હોય છે એ તો એ  નિદ્રાધીન હસ્તી જ જાણે. આપણે ઊંઘની બાબતમાં કુંભકર્ણ થવાનું નથી એ ખાસ ધ્યાન રાખવું, પણ ઊંઘને માણવાની મજા ખોવી નહીં. જે માણસ ખરેખર સારી ઊંઘ કરે છે તે જ વધુ ફ્રેશ રહીને કામ પણ કરી શકે છે અન્યથા એ માણસ કામના સમયે જ ઊંઘ કાઢે એવું બને છે. કોઈની ઊંઘ લઈ લેવી એટલે તેનું સુખ લઈ લેવા જેવો ગુનો છે અને કોઈને આપણી જરૂર હોય ત્યારે સૂઈ જવું એ પણ એક અપરાધ જ કહેવાય.

આ પણ વાંચો : આત્મરક્ષણ માટે તમે સજ્જ છોને?

ખરેખર તો ઊંઘ પરમાત્માનો આભાર માનવાની રોજ-રોજ આવતી ઘડીઓ છે અને સવારે ઊંઘમાંથી એ જ પરમાત્મા આપણને જગાડીને નવો દિવસ આપતો આવ્યો છે, રોજ વરસોથી અને  વરસો સુધી...

jayesh chitalia columnists