Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આત્મરક્ષણ માટે તમે સજ્જ છોને?

આત્મરક્ષણ માટે તમે સજ્જ છોને?

16 January, 2020 04:15 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આત્મરક્ષણ માટે તમે સજ્જ છોને?

સેલ્ફ-ડિફેન્સ

સેલ્ફ-ડિફેન્સ


વર્તમાન માહોલમાં હેલ્પલાઇન નંબરો અને વિમેન્સ સેફ્ટી ઍપ આઉટડેટેડ થઈ રહ્યાં છે. મહિલાઓ પોતે જ માને છે કે કટોકટીના સમયે આવા પર્યાયોના ભરોસે બેઠાં રહેવામાં સમજદારી નથી. બળાત્કારની વધી રહેલી ઘટનાઓના કારણે પેપર સ્પ્રે અને લિપસ્ટિક ગન જેવા ઑપ્શન્સ તરફ તેમનો ઝુકાવ વધ્યો છે ત્યારે જાણી લો કે માર્કેટમાં મહિલાઓની સલામતી માટેનાં કેવાં સાધનો ઉપલબ્ધ છે તેમ જ આફત ટાણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

આફત કહીને નથી આવતી, એ માટે સાવધાન રહેવું પડે. વર્તમાન માહોલમાં આપણા દેશમાં મહિલાઓની સલામતીના મુદ્દે આ વાત અક્ષરશ­: સાચી પડી રહી છે. ભારતના દરેકેદરેક પ્રાંતમાં બળાત્કારની ઘટનાઓ હંમેશાંથી ઘટતી રહી છે, પણ સાત વર્ષ પહેલાં દિલ્હીના રસ્તા પર બનેલી આઘાતજનક ઘટના બાદ લોકો એના વિશે જાહેરમાં બોલતા થયા છે. નિર્ભયા અને હૈદરાબાદ રેપ પ્રકરણ બાદ મુંબઈથી ગુજરાતના છેવાડાના ગામ સુધી અને ઉત્તર પ્રદેશથી દક્ષિણ ભારત સુધી કોઈ પણ ખૂણામાં રહેતી મહિલાઓ માટે સુરક્ષાનો પ્રશ્ન ચિંતાનો વિષય બનતો જાય છે.



દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અત્યારે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. અપરાધને ડામવા સરકારના પ્રયાસો ચાલે જ છે, પરંતુ આફતના સમયે વિમેન્સ હેલ્પલાઇન નંબરો કામ લાગતા નથી અને પોલીસની સહાય મળવામાં ઘણું મોડું થઈ જાય છે એવી અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ મોટા ભાગની મહિલાઓ માનવા લાગી છે કે તેમને બચાવવા કોઈ આવવાનું નથી. સ્વરક્ષણ માટે હવે પોતે જ સક્ષમ બનવું પડશે. મહિલાઓના મનમાં ઊભા થયેલા ભયને કારણે માર્કેટમાં સેલ્ફ-ડિફેન્સના વધુ ને વધુ ઑપ્શન ખૂલતા જાય છે. સામાન્ય સૂઝબુઝથી વાપરી શકાય એવા આત્મરક્ષણ માટેના હૅન્ડી સેફ્ટી ટૂલ્સ તરફ હવે મહિલાઓનો ઝુકાવ વધ્યો છે ત્યારે જાણીએ કે માર્કેટમાં કેવી પ્રોડક્ટ અવેલેબલ છે.


પેપર (મરી) સ્પ્રે વિશે તમે સાંભળ્યું જ હશે. સેફ્ટી ટૂલ્સ માટે અત્યારે આ પ્રોડક્ટ ટૉપ પર છે. હમણાં થોડા સમયથી સોશ્યલ મીડિયામાં હિમાચલ પ્રદેશના સિંઘમ તરીકે ઓળખાતાં લેડી આઇપીએસ અધિકારી સૌમ્યા સંબાસિવનનો વિડિયો ખાસ્સો લોકપ્રિય થયો છે. આ વિડિયોમાં તેઓ મહિલાઓને ઘરમેળે પેપર (કાળાં મરી) સ્પ્રે બનાવતાં શીખવી રહ્યાં છે. મહિલાઓને સંબોધીને તેઓ કહે છે, ‘કાયદો અને વ્યવસ્થા એનું કામ કરે જ છે, તમે પણ આત્મરક્ષણ માટે સજ્જ થઈ જાઓ. દરેકે વ્યક્તિગત સલામતી માટે તૈયાર રહેવું જોઈએ.’

સેફ્ટી પ્રોડક્ટમાં પેપર સ્પ્રે મોસ્ટ પૉપ્યુલર અને હાથવગું હથિયાર છે. હુમલો કરનાર પર સ્પ્રે છાંટતાં જ ત્વચા પર બળતરા થવા લાગે છે પરિણામે પકડ ઢીલી પડે છે. ચહેરા પર છાંટવામાં સફળ રહો તો બેસ્ટ. એનાથી આંખોમાંથી પાણી નીકળવા લાગશે અને હુમલાખોરને શ્વાસ લેવામાં પણ તકલીફ થશે. માર્કેટમાં મળતાં પેપર સ્પ્રેની અસર ત્રીસથી ચાળીસ મિનિટ સુધી રહે છે. પચાસ મિલીલીટરની બૉટલની કિંમત ત્રણસોની આસપાસ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી. હડબડાટમાં એકસાથે આખી બૉટલ વપરાઈ ન જાય એટલી સાવધાની રાખવી. છ સેકન્ડથી વધુ સ્પ્રે ન કરવું જેથી બીજી વાર વાપરવાની જરૂર જણાય અથવા એક કરતાં વધુ માણસો હોય તો બચાવ કરવા કામ લાગે. ભારતમાં પેપર સ્પ્રેના વેચાણ માટે લાઇસન્સની આવશ્યકતા નથી. જોકે કેટલીક જગ્યાએ પેપર સ્પ્રે લઈ જવા પર પ્રતિબંધ છે. આ દિશામાં છૂટછાટ આપવા વિચારણા ચાલી રહી છે. ગયા મહિને બૅન્ગલોરની મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓને પેપર સ્પ્રે લઈ જવાની પરવાનગી આપવામાં આવતાં મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.


પેપર સ્પ્રે ઉપરાંત કીચેઇન બીજી લોકપ્રિય પ્રોડક્ટ છે. દરેક મહિલાની પર્સમાં ચાવી તો હોય જ છે. આજકાલ મહિલાઓ પાસે ટૂ-વ્હીલર હોવું સામાન્ય બાબત છે તેથી એક કરતાં વધુ કીચેઇન પણ રાખી શકો છો. આ પ્રકારના કીચેઇનનો આકાર અંડાકાર પિસ્તોલ જેવો હોય છે. એટલે કે સેફ્ટી ટ્રિગર તમારા હાથમાં છે. જીન્સના ખિસ્સામાં કે આંતરવસ્ત્રોમાં એને છુપાવીને પણ રાખી શકાય છે. હુમલાખોર તમારી છાતી પર હાથ નાખશે કે શરીરના નીચેના ભાગ પર હાથ મૂકશે એવું જ કીચેઇનનું બટન દબાશે અને એમાં ગોઠવવામાં આવેલા જીપીએસ દ્વારા સંદેશો પહોંચી જશે તેમ જ લોકેશન ટ્રેસ કરવામાં સહાય કરશે. આ ડિવાઇસ થોડું મોંઘું છે, પણ સુરક્ષાની વાત આવે ત્યારે મહિલાઓ કૉસ્ટ જોતી નથી. એક હજાર રૂપિયાની આસપાસ ઑનલાઇન અવેલેબલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાતની શિફ્ટમાં કામ કરતી વર્કિંગ મહિલાઓ સલામતી માટે લેઝર ટૉર્ચ સાથે રાખવા લાગી છે. લિપસ્ટિક આકારની આ હૅન્ડી ટૉર્ચમાં ગોઠવવામાં આવેલી એલઈડી લાઇટ્સ એટલી આક્રમક છે કે સામેવાળા પર ફેંકતાં જ કેટલીક સેકન્ડ માટે આંખો સામે અંધારું છવાઈ જાય છે. આટલી વારમાં તમે સજાગ થઈ જાઓ. આ ડિવાઇસ વાપરનારી મહિલાઓમાં હિંમત અને તાત્કાલિક ઍક્શન લેવા જેટલી સૂઝબૂઝ હોવી ખૂબ જ જરૂરી છે અન્યથા ખાસ કામ લાગશે નહીં. આ ઉપકરણની કિંમત પણ એક હજારની આસપાસ છે.

સ્માર્ટ સેફ્ટી વૉચ, જ્વેલરી, સેફ્ટી અલાર્મ વગેરે અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે. મહિલાઓને સુરક્ષા પ્રદાન કરતાં ડિવાઇસ આવી જતાં રાહત થઈ છે, પરંતુ ભયભીત હોઈએ ત્યારે એનો ઉપયોગ કરવો આપણે ધારીએ છીએ એટલું સરળ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે હુમલાખોરોને ડરાવવા બનાવવામાં આવેલા પ્રોડક્ટ્સ ત્યારે જ ઉપયોગી થશે જ્યારે મહિલાઓમાં પરિસ્થિતિ સામે લડવાની માનસિક તૈયારી હશે. મહિલાઓને સેલ્ફ-ડિફેન્સ માટે તૈયાર કરવા અને સેફ્ટી ટૂલ્સના પ્રૅક્ટિકલ ડેમો માટેની વર્કશૉપનું આયોજન કરવું જોઈએ. સ્કૂલ અને કૉલેજમાં આવા ડેમો રાખવાથી ઘણો ફાયદો થશે એવું તેમનું કહેવું છે.

spray

વારાણસીના આ યુવાને બનાવી છે ઍન્ટિ-ટીઝિંગ લિપસ્ટિક ગન

વારાણસીસ્થિત અશોકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઇનોવેટર શ્યામ ચૌરસિયાએ બનાવેલી સ્માર્ટ ઍન્ટિ-ટીઝિંગ લિપસ્ટિક ગને હાલમાં મહિલાઓનું ધ્યાન ખેંચ્યું છે. એમાંથી નીકળતો ફાયરિંગનો અવાજ એક કિલોમીટરના દાયરામાં સંભળાય એટલો ઊંચો છે. તાજેતરમાં ગોરખપુર મહોત્સવમાં આયોજિત સાયન્સ એક્ઝિબિશનમાં એને મૂકવામાં આવી હતી.

ડિવાઇસને માર્કેટમાં લૉન્ચ કરવાની કાયદાકીય પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થઈ જશે અને નજીકના ભવિષ્યમાં આ પ્રોડક્ટ માર્કેટમાં આવી જશે એવી અપેક્ષા છે ત્યારે આ ઉપકરણ કઈ રીતે કામ કરે છે એ વિશે સમજાવતાં શ્યામ કહે છે, ‘દેખાવમાં બિલકુલ લિપસ્ટિક જ લાગે, પણ કામ ફાયરિંગનું કરે છે. એમાં બે બટન બેસાડવામાં આવ્યાં છે. એક બટન તમારું લોકેશન ટ્રેસ કરવામાં પોલીસ અને પરિવારના સભ્યોને સહાય કરશે. બીજું બટન છે એ વાસ્તવમાં ફાયરિંગ કરવા માટેનું ટ્રિગર છે. એની અંદર બે બુલેટ મૂકવામાં આવી છે. સૌપ્રથમ ડિવાઇસને બ્લુ ટૂથ વડે તમારા મોબાઇલ સાથે જોડી દેવાનું રહેશે. અસામાજિક તત્ત્વો વચ્ચે ઘેરાઈ જાઓ કે તમારા પર અચાનક કોઈ હુમલો થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. તમે જ્યારે ઑફિસમાંથી મોડા નીકળો છો અથવા રાતના સમયે બહાર નીકળવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે સૌથી પહેલાં તમારા મોબાઇલમાંથી હેલ્પલાઇન નંબર ડાયલ કરી લો. ત્યાર બાદ કદાચ મોબાઇલ આંચકી લે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. લિપસ્ટિકનું બટન સેલફોનનું કામ કરશે. લિપસ્ટિકને હાથવગી રાખો. બટન દબાવતાં જ હેલ્પલાઇન નંબર અને તમારા ઇમર્જન્સી નંબર પર મેસેજ પહોંચી જશે કે તમે અત્યારે ક્યાં છો. સહાય મળવામાં સહેજે પંદર મિનિટનો સમય લાગવાનો જ છે. આ દરમ્યાન બીજા બટનથી ફાયરિંગ કરો. ઍન્ટિ-ટીઝિંગ લિપસ્ટિક સામાન્ય રિવૉલ્વરમાંથી ગોળી છૂટે એના કરતાં ચાર ગણો વધુ અવાજ બહાર ફેંકવા સક્ષમ છે.’

ઉપરોક્ત ડિવાઇસને ડેવલપ કરવામાં સાત મહિનાનો સમય લાગ્યો છે. એક લિપસ્ટિક વિકસાવવા પાછળ અંદાજે ચારસો રૂપિયાનો ખર્ચ થયો છે. ડિવાઇસમાં ચારસો એમએચ લિથિયમ બૅટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક વાર ચાર્જ કર્યા બાદ બે અઠવાડિયાં સુધી ચાલે છે. આ પ્રકારના ડિવાઇસના વેચાણ માટે સરકારી પરવાનગી આવશ્યક છે. શ્યામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. આ ઉપકરણ મહિલાઓની સુરક્ષા અર્થે બનાવવામાં આવ્યું છે તેથી સરકારી સહાયની પૂરી અપેક્ષા છે.

ઘરે પેપર સ્પ્રે બનાવવાની રીત

સૌપ્રથમ જારમાં એક ગ્લાસ (અંદાજે ૨૦૦ મિ.લી.) પાણી લો. એમાં ત્રણ ચમચી લાલ મરચું, બે ચમચી મરી પાઉડર અને એક કપ શુદ્ધ તેલ નાખો. ત્યાર બાદ એમાં એક એસિટોન (નેઇલ-રિમૂવર)ની બૉટલ ઉમેરો. મિશ્રણને સરખી રીતે હલાવી લો. થોડી વાર પછી એને ગાળીને સ્પ્રે બૉટલમાં ભરી લો. સ્વરક્ષણ અર્થે આ સ્પ્રેને પર્સમાં રાખો. પેપર સ્પ્રે સાથે હોવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આફતના સમયે સેફ્ટી-ટૂલ્સ જેટલું મહત્વ સેલ્ફ-કૉન્ફિડન્સનું હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2020 04:15 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK