એવું શું છે કે ટીનેજમાં પણ હેરલૉસ થવા લાગે છે?

12 August, 2022 05:22 PM IST  |  Mumbai | Aparna Shirish

બીમારી સિવાય કેટલીક દવાઓને લીધે પણ વાળ ખરવાની સમસ્યા થાય છે. ઉદાહરણ તરીકે કીમોથેરપી કે સાઇકોલૉજિકલ કન્ડિશન માટેની દવાઓ, ઍક્ને માટેની દવાઓની સાઇડ ઇફેક્ટ રૂપે વાળ ખરે છે.

એવું શું છે કે ટીનેજમાં પણ હેરલૉસ થવા લાગે છે?

વાળ ખરવાની સમસ્યા મોટે ભાગે પુખ્ત વયના લોકોને જ થતી હોય છે એવુ માનવામાં આવે છે. પણ એવું જરાય નથી. પ્યુબર્ટીમાં આવેલા ટીનેજર્સને પણ અનેક કારણોસર હેરલૉસ થઈ શકે છે. છેલ્લા લગભગ દોઢેક દાયકાથી ટીનેજમાં પણ વાળ ખરવાનું અને વાળ પાતળા થવાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આ વિષે જણાવતાં ત્વચા અને વાળ નિષ્ણાત ડૉ. મેઘના મૌર કહે છે, ‘એક્ઝામના સ્ટ્રેસથી લઈને બીમારી અને અમુક હૅબિટ્સને કારણે ટીનેજર્સને હેરલૉસનો સામનો કરવો પડી શકે છે.’

અલબત્ત, અહીં પૉઝિટિવ વાત એ છે કે ટીનેજમાં થતો હેરલૉસ જે-તે કારણ સુધી સીમિત હોય છે અને એ કારણનો ઇલાજ કરતાં જ વાળ ફરી પાછા ઊગી જાય છે. જાણી લો કેટલીક એવી હેલ્થ કન્ડિશન્સ વિશે જેના કારણે વાળ ખરે છે. 

બીમારી અને દવાઓ | કેટલીક બીમારીઓ અને હૉર્મોનલ કન્ડિશન્સને લીધે હેરલૉસ થઈ શકે. આ વિશે ડૉ. મેઘના કહે છે, ‘અનકન્ટ્રોલ્ડ જુવેનાઇલ ડાયાબિટીઝ, થાઇરૉઇડ, પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ જેવા હૉર્મોનલ ડિસઑર્ડર તેમ જ કોવિડ, ટાઇફૉઇડ, મલેરિયા, ડેન્ગી જેવી બીમારીઓમાંથી ઊઠ્યા બાદ એની સાઇડ ઇફેક્ટ રૂપે થોડા સમય સુધી હેરલૉસની તકલીફ રહે છે. મોટી સર્જરી કે ટ્રૉમા પછી પણ હેરલૉસ થાય છે.’

બીમારી સિવાય કેટલીક દવાઓને લીધે પણ વાળ ખરવાની સમસ્યા થાય છે. ઉદાહરણ તરીકે કીમોથેરપી કે સાઇકોલૉજિકલ કન્ડિશન માટેની દવાઓ, ઍક્ને માટેની દવાઓની સાઇડ ઇફેક્ટ રૂપે વાળ ખરે છે.

સ્ટ્રેસ અને ઈટિંગ હૅબિટ્સ | સ્ટ્રેસને લીધે જે રીતે મોટાઓમાં વાળ ખરે છે એ જ રીતે ટીનેજર્સમા પણ આ સમસ્યા થાય છે. ટીનેજમાં ભણવા સિવાયનાં પણ ઘણાં સ્ટ્રેસ હોય છે, જે ટીનેજર્સ પોતાના સુધી જ રાખે છે. મનમાં ને મનમાં જ ભરી રાખેલી એ વાત સ્ટ્રેસ, ડિપ્રેશન, ઍન્ગગઝાયટી ક્રીએટ કરે છે જેની અસર તેમના વાળ પર દેખાય છે. એ સિવાય પ્રૉપર ન્યુટ્ર‌િશનવાળી ચીજો ખાવાને બદલે આ એજમાં જન્ક ફૂડ પણ તેઓ વધુ ખાય છે. શરીરને પૂરતું પોષણ ન મળવાથી શરીર પર અને ખાસ વાળ પર ખરાબ અસર થાય છે. વાળના સારા ગ્રોથ માટે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામ‌િન્સ, મ‌િનરલ્સ ન મળવાથી વાળ ખરે છે. ખાસ કરીને જે ટીનેજર્સ ઍથ્લેટિક ઍક્ટિવિટી સાથે જોડાએલા હોય તેમને આયર્નની કમીને કારણે એનીમિયા થઈ શકે છે જે હેરલૉસનું એક કારણ છે.

ટ્રીકોટિલમેનિયા | આ એક એવી મેડિકલ કન્ડિશન છે જેમાં બાળકો અને ટીનેજર્સ પોતાના જ વાળ ખેંચે છે, જેના લીધે માથામાં ટાલ પડી જાય છે. આ બાબતે ડૉ. મેઘના કહે છે, ‘આ એક મેન્ટલ કન્ડિશન છે જેના માટે કાઉન્સેલિંગ અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સની હેલ્પ લેવી પડે છે. જ્યાં સુધી તેઓ પૂરી રીતે વાળ ખેંચવાનું બંધ ન કરી દે ત્યાં સુધી.’

હેરસ્ટાઇલિંગ અને ટ્રીટમેન્ટ્સ | વાળ ખેંચીને હાઈ પોનીટેઇલ બાંધી રાખવી, વાળ ખેંચાય અને તૂટે એવી હેરસ્ટાઇલ્સ લાંબા સમય સુધી કરવી એનાથી ટેમ્પરરી કે પર્મનન્ટ હેરલૉસ થઈ શકે છે. આ સિવાય વાળમાં આયર્નિંગ અને સ્ટ્રેટનરનો સતત વપરાશ, કલર, બ્લીચ, સ્ટ્રેટનિંગ જેવી કેમિકલ ટ્રીટમેન્ટ્સને લીધે પણ હેરલૉસ મોટા પ્રમાણમાં થાય છે.

એલોપેસિયા | એલોપેસિયા એક ઑટોઇમ્યુન ડિસઑર્ડર છે, જે ટીનેજમાં પણ બહુ કૉમન છે. વિશ્વભરના આંકડાઓ તપાસીએ તો વિવિધ દેશોમાં ૧૫.૫થી ૩૮.૫ ટકા સ્ટુડન્ટ્સ ક્યારેક એલોપેસિયાથી ગ્રસિત હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે હેર ફોલિકલ ડૅમેજ થાય છે. લાઇફમાં ઓછામાં ઓછી એક વાર વ્યક્તિને એલોપેસિયા થઈ શકે છે. આ કન્ડિશન કેટલીક વાર ટીનેજમાં પણ થઈ શકે છે જેમાં માથાની સાથે પાંપણ અને આઇબ્રોના વાળ પણ ખરી જાય છે. આ કન્ડિશન માટે ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને ઇલાજ કરવો હિતાવહ છે.

 થોડા વાળ ખરવા નૉર્મલ છે, પણ જ્યારે એનું પ્રમાણ વધી જાય ત્યારે એનો સીધો અર્થ એ થાય છે કે ટીનેજર માનસિક કે શારીરિક રીતે તાણમાં છે અથવા પોષણની કમીને કારણે બીમાર છે. 
ડૉ. મેઘના મૌર, ત્વચા અને વાળ નિષ્ણાત

columnists health tips