કોરોનાથી કેટલું ડરવું: જો બીક ન લાગે તોતો સારા ડૉક્ટર સાથે તાત્કાલિક વાત કરવી

12 April, 2021 03:31 PM IST  |  Mumbai | Manoj Joshi

જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ પરિવારના સભ્યોને જઈને એક વખત મળી આવો, જાણી આવો કે કોરોનાથી કેટલું ડરવું જોઈએ અને શું કામ ડરવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

હજી પણ એક વર્ગ એવો છે જે કોરોનાથી ડરવાને બદલે, લાજવાને બદલે ગાજી રહ્યો છે અને સતત પોતાના સર્કલમાં એવું પ્રસ્થાપિત કરી રહ્યો છે કે કોરોનાની બીક રાખવાની જરૂર નથી. જરા પણ ડરવા જેવું નથી અને એ કશું કરી નથી લેવાનો. મારું માનો, જો આ વાત તમારા મનમાં ઘર કરી ગઈ હોય તો જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ પરિવારના સભ્યોને જઈને એક વખત મળી આવો, જાણી આવો કે કોરોનાથી કેટલું ડરવું જોઈએ અને શું કામ ડરવું જોઈએ?

કોરોનાને લીધે મૃત્યુની અંતિમ ક્ષણો બદલાઈ ગઈ. કોરોનાને લીધે જીવન તો ઠીક, મૃત્યુ સુધ્ધાં બદલાઈ ગયું. અંતિમવિધિઓ પણ થતી બંધ થઈ ગઈ અને પ્લાસ્ટિકના પૅકેટમાં પૅક થઈને અંતિમ મજલ કાપવાનો સમય આવી ગયો. આ બધું જોઈએ પણ છીએ અને એ જોઈને અરેરાટી પણ ઊપજે છે, પણ એ બધું ક્ષણ‌િક રહે એ ગેરવાજબી છે. કોરોનાથી ફાટી નથી પડવાનું. ના, જરા પણ નહીં, પરંતુ એને અવગણવાની ભૂલ પણ નથી કરવાની. બહેતર છે કે કોરોનાથી સાવચેત રહીએ અને એ સાવચેતી વચ્ચે કોરોના એક પ્રકારનું તૂત છે એવી અફવા ફેલાવવાનું પણ બંધ કરીએ. આવી વાતો કરનારા કે પછી આવી વાતોને વજન આપીને બધાની વચ્ચે મૂકનારાઓથી સાવચેત રહેવું એટલું જ જરૂરી છે જેટલું કોરોનાથી બચવું. જો તમે ઇચ્છતા હો કે કોરોનાથી તમારો પરિવાર હજી સુધી બચેલો રહ્યો છે, એ બચેલો જ રહે તો બહેતર છે કે તમે કોરોનાના કેરમાં ન અટવાઈ જાઓ એ મુજબનું જીવન જીવો.

જુઓ આજે તમે. દેશનાં અમુક રાજ્યોમાં ફેલાયેલા કોરોનાના કારણે એટલી હદે પેશન્ટ્સ વધ્યા છે કે હૉસ્પિટલો ખૂટી ગઈ છે, દવા ખૂટી ગઈ છે. ઇન્જેક્શન મળતાં નથી અને જે ઇન્જેક્શન ૮૦૦ અને ૧૨૦૦માં મળે છે એ ખરીદવા માટે લોકો ૫૦,૦૦૦, ૭૦,૦૦૦ આપવા પણ તૈયાર થઈ ગયા છે. કોરોનાનો આ કેર ખરેખર જુલમી છે. આ સેકન્ડ વેવમાં જાતને સલામત રાખવી અને પરિવારની કાળજી રાખવી એનાથી વિશેષ કંઈ કહેવું જ ન જોઈએ અને એ પછી પણ કહેવું પડે છે કે પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ, કોરોના ઝોલ છે, એ તૂત છે એવી વાતો ધારો કે માનતા પણ હો તો એને તમારા પૂરતી જ સીમિત રાખજો, બીજા પાસે એવી ખોટી વાતો ફેલાવવાનો પ્રયાસ ન કરો, જરાય નહીં. અરે સગાં મા-બાપને પણ એવું કહીને તેના મનમાં સંશય નહીં લાવો. કોરોના છે અને એ તૂત નથી. તૂત બે-ચાર કે બાર પંદર લોકો વચ્ચે સચવાયેલું રહી શકે. દુનિયાઆખી વચ્ચે નહીં, એટલે એવી વાતોને વજન આપવાની કોશિશ કરવાને બદલે આટલી સાદી અને સરળ વાત સમજવાની કોશિશ કરો એ જ તમારા હિતમાં છે. તમારા, તમારા પરિવારના અને તમારા સ્વજનના હિતમાં છે. જો તમે ઇચ્છતા હો કે વિશ્વ જલદી આ મહામારીમાંથી બહાર આવે તો તમારે એક જ કામ કરવાનું છે, ઘરમાં રહેવાનું છે અને ઘરમાં રહીને જાતને, ફૅમિલીને સાચવી લેવાનું છે. બસ, આટલો સાથ આપો. બીજું કશું નથી માગતી દુનિયા તમારી પાસે.

columnists manoj joshi