તમારે ગુસ્સો કરવો નથી અને દબાવવો પણ નથી તો શું કરશો?

26 January, 2022 12:04 PM IST  |  Mumbai | Ruchita Shah

એના માટેના ઘણા રસ્તા છે જેમાં ક્યાંકને ક્યાંક યોગની જ વાતોને જુદી-જુદી રીતે વણી લેવાઈ છે. માત્ર ગુસ્સો જ નહીં પણ ઈર્ષ્યા, અસુરિક્ષતતા, અહંકાર, લાલચ જેવી ઘણી નકારાત્મક લાગણીઓને એક્સપ્રેસ કે સપ્રેસ કર્યા વિના ટૅકલ કરી શકાય છે એ વિષય પર આજે વાત કરીએ

તમારે ગુસ્સો કરવો નથી અને દબાવવો પણ નથી તો શું કરશો?

માની લો કે તમને જોરદાર ગુસ્સો આવ્યો છે. એટલો વધારે કે તમને સામેવાળાના દાંત તોડી નાખવાનું મન થયું છે. એવો જબરો કે તમને આસપાસ પડેલી વસ્તુઓની તોડફોડ કરવાનું મન થયું છે. એવો જબરો કે ગુસ્સાથી તમારું માથું ફાટ-ફાટ થઈ રહ્યું છે. એવો જબરો કે તમારી વિચારવાની ક્ષમતા અટકી પડી છે. આ ગુસ્સા વચ્ચે પણ તમે જાત પર સંપૂર્ણ કન્ટ્રોલ રાખીને બેઠા છો કે ગમે તે ભોગે પણ તમારે ગુસ્સો કરવાનો નથી.  જો ગુસ્સો કરશો તો મૅટર બગડી જશે. જો ગુસ્સો કરશો તો લેવાના દેવાના પડી જશે. નછૂટકે તમારે તમારો ગુસ્સો ગળવાનો છે. પણ ગુસ્સો ગળી જશો કે પી જશો તો ક્યાંકને ક્યાંક એની અસર તમારા શરીર પર પડવાની છે એ પણ તમે અંદરખાને જાણો છો. જો ગુસ્સો બહાર નહીં જાય એ અંદર રહેશે તો એ તમારી હેલ્થને ડિસ્ટર્બ કરશે. તો શું કરવું? પશ્ચિમી દેશોના સંશોધકો કહે છે કે તમારાં કોઈ પણ ઇમોશન્સને સપ્રેસ નહીં કરો. સપ્રેસ્ડ ઇમોશન્સ તમારી હેલ્થને જોરદાર નુકસાન કરે છે. શરીરમાં અનેક નવી બીમારી રૂપે અવતરે છે. જોકે તમારો ક્ષણિક આવેશ જો બહાર આવે તો તમારાં બનતાં કામ બગાડી શકે કે તમારા સંબંધો પર કાયમ પૂર્ણવિરામ મુકાવી શકે. ગજબ દ્વિધા છેને? ગુસ્સો એક્સપ્રેસ કરો તો પ્રૉબ્લેમ અને ગુસ્સો સપ્રેસ કરો તો પ્રૉબ્લેમ તો કરવું શું? ગુસ્સો જ શું કામ આવાં તો અઢળક એવાં નકારાત્મક ઇમોશન્સ છે જેને તમે મને-કમને કે સંજોગોને કારણે દબાવીને રાખો છો કે ખોટા સમયે અયોગ્ય રીતે તેને એક્સપ્રેસ કરીને તકલીફો નોતરો છો. પરંતુ યોગ અને યોગ સાથે તાલમેલ ધરાવતી વિવિધ સાધના પદ્ધતિઓ થકી ગુસ્સા જેવા નુકસાન કરતા ઇમોશનને દબાવ્યા કે જતાવ્યા વિના તમને એમાંથી રાહત આપી શકે એમ છે. આવી જ પદ્ધતિઓ વિશે યોગ નિષ્ણાત રીના મિતેશ જોશી કહે છે, ‘કોઈ પણ નકારાત્મક લાગણીઓના આવેગના સમયે મોટા ભાગે એવું થતું હોય છે કે આપણે પણ બાયસ હોઈએ છીએ. એવા સમયે આપણે જો તટસ્થ રહી શકીએ અને મનને સ્થિર રાખી શકીએ તો મોટા ભાગે સપ્રેસ કે એક્સપ્રેસ થયા વિના પણ એ ઇમોશન પ્રોસેસ થઈને રિલીઝ થઈ જતું હોય છે. અમે કેટલીક મેથડ્સનો નિયમિત ઉપયોગ કરીએ છીએ, જેના વિશે હવે આપણે વિગતવાર વાત કરીએ.’   
જાણીએ એવી કેટલીક ટેક્નિક
૪-૭-૮ બ્રીધિંગ.
શ્વસન કરો. આમ પણ તમે શ્વાસ તો સતત લઈ જ રહ્યા છો પણ આ વખતે ૪, ૭ અને ૮ આ આંકડાને ધ્યાનમાં રાખીને શ્વાસ લેવાનો છે જેમાં ચાર કાઉન્ટ સુધી શ્વાસ અંદર ભરવાનો. સાત કાઉન્ટ શ્વાસને રોકવાનો અને આઠ કાઉન્ટ શ્વાસ બહાર. જ્યારે પણ તમને ગુસ્સો, ઇન્સિક્યૉરિટી, જેલસી, ઍન્ગ્ઝાયટી, સ્ટ્રેસ જેવાં કોઈ પણ ઇમોશન્સ મનમાં સળવળે ત્યારે આ શ્વસન પદ્ધતિને ફૉલો કરવાની ટ્રાય કરજો. લગભગ પાંચથી સાત રાઉન્ડમાં જ મનનો ભાર હળવો થશે.  
હું કોણ?
શંકરાચાર્યથી લઈને રમણ મહર્ષિની શીખમાંથી આવતી આ ટેક્નિકનો ઉપયોગ ખરેખર અદ્ભુત રિઝલ્ટ આપી શકે છે. શરત માત્ર એટલી કે તમને આપણા અધ્યાત્મ પર વિશ્વાસ હોય. જ્યારે પણ તમે ગુસ્સાથી લાલ-પીળા થયા હો ત્યારે જાતને પૂછો કે આ ગુસ્સો કોને આવે છે? તમારું મન તમને જવાબ આપશે જ. એમાં ફરી સવાલ પૂછો કે તમે એટલે કોણ? તમે એટલે આ શરીર જો એમ નહીં તો તમે કોણ? તમે એટલે માઇન્ડ, બુદ્ધિ? જો એ નહીં તો તમે કોણ? ગુસ્સો કોને આવે છે અને જેને આવે છે એ કોણ છે એની ખોજ તમને આત્મ તત્ત્વના ઊંડાણ સુધી લઈ જઈ શકવા સમર્થ છે. તમારે માત્ર અટકવાનું છે અને જાતને પૂછવાનું છે. ધીમે-ધીમે તમારું મગજ બ્લૅન્ક થઈ જશે. આ એક તીવ્ર ખોજ વ્યક્તિને ગુસ્સાથી નિર્વાણ સુધી લઈ જઈ શકે છે. અટકો અને જાતને પૂછો કે આ ગુસ્સો કોને આવે છે. હું કોણ? મારું મન તો કોનું મન? બુદ્ધિ? કોની બુદ્ધિ? 
તૂ હી તૂ
કબીરજીથી લઈને નરસિંહ મહેતાએ પણ કૃષ્ણ નાચે કૃષ્ણ પાસેવાળા સિદ્ધાંતનું પ્રતિપાદન કરતી આ મેથડને ફૉલો કરી છે. ગુસ્સો કરનાર પણ ઈશ્વર, કરાવનારા પણ ઈશ્વર, ગુસ્સે થનાર પણ ઈશ્વર અને ગુસ્સો જેના પર થઈ રહ્યો છે એ પણ ઈશ્વર. સતત એ જ બ્રહ્માંડની એનર્જી દ્વારા ઈશ્વર બન્યો, હું બન્યો અને આ ગુસ્સો બન્યો. જ્યારે આ પ્રકારનો ભાવ મનમાં આવશે ત્યારે ધીમે-ધીમે ગુસ્સાની તીવ્રતા તો ઘટશે જ પણ સાથે એની નિરર્થકતા પણ ફળીભૂત થશે.
જ્ઞાનયોગી માર્ગ
દરેક ઍક્શન પાછળ કોઈક કારણ હોય છે. તમને આવી રહેલી કોઈ પણ નકારાત્મક લાગણી પાછળનું કારણ શું છે એના મૂળ સુધી જવાના પ્રયાસો નિષ્પક્ષ થઈને તમે કરો છો ત્યારે તમારો આવેશ શાંત થઈ જશે. જેમ કે કોઈક કારણસર તમને ગુસ્સો આવ્યો. કોઈએ તમને ઊંચા અવાજમાં અપમાનજનક શબ્દમાં જવાબ આપ્યો. તમને ગુસ્સો આવ્યો પણ પછી તમે ઊંડાણપૂર્વક વિચારો છો કે શું કામ આ ઘટના ઘટી, તમારો શું રોલ હતો એમાં, કોઈએ મને ગાળ આપી એટલે હું ગુસ્સે છું કે મને તો ગાળ અપાય જ નહીં એ જાત સાથે મનમાં બનાવેલી મારી છબીને ઠેસ પહોંચી છે એટલે ગુસ્સે છું. જેમ-જેમ બુદ્ધિના સ્તરે ઍનૅલિસિસ કરવા માંડશો એમ મનનો આવેશ શમવા માંડશે. 
ભક્તિયોગ
હું કરું-હું કરું એ જ અજ્ઞાનતાવાળો ભક્તિયોગનો સિદ્ધાંત પણ કોઈ પણ નકારાત્મક લાગણીઓને ટેકલ કરવામાં બેસ્ટ સાબિત થઈ શકે છે. પોતાની મર્યાદાનો સ્વીકાર કરીને ઈશ્વરને બધું જ સોંપી દેવું. ટોટલ ઑફરિંગ એ પણ નકારાત્મક લાગણીઓને હૅન્ડલ કરવાનો શ્રેષ્ઠ તરીકો છે. હે ભગવાન હું મારી ઈર્ષ્યા, ગુસ્સો, ઇન્સિક્યૉરિટી પણ તમને જ સમર્પિત કરું છું. મને ગુસ્સાનો ભાવ આવે છે એ ભાવ હું પરમાત્માને અર્પણ કરું છું. મારા અહંકારને અર્પણ કરું છું. એ ભાવ પણ મનને ત્વરિત શાંત કરી દેશે. 
હો ઓ પોનોપોનો
હવાઇયન હીલિંગ ટેક્નિક છે આ. પહેલાં ઇમોશનને સ્વીકારવાં એના મૂળ સ્વરૂપે. એ ભાવ લાવવો મનમાં કે મારી સાથે જે પણ થાય છે, મારી આસપાસ જે પણ કંઈ છે એ બધું જ મેં ક્રીએટ કર્યું છે. કોઈ મારી સાથે ખરાબ ભાષામાં બોલે તો એમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હું જ જવાબદાર છું. એટલે એ સ્વીકાર સાથે આઇ ઍમ સૉરી, પ્લીઝ ફરગિવ મી, થૅન્ક યુ, આઇ લવ યુ આ ચાર વાક્યો જેને હવાઇયન સાઇકોલૉજિસ્ટ મંત્રથી જરાય ઓછાં નથી ગણતા. એક ખૂબ જ જાણીતો કિસ્સો છે જેમાં ડૉ. હ્યુ લેન નામના સાઇકોલૉજિસ્ટે આ જ પદ્ધતિ દ્વારા ઘણાબધા બીમારોને સાજા કર્યા હતા.

 આપણે જો તટસ્થ રહી શકીએ અને મનને સ્થિર રાખી શકીએ તો એ ઇમોશન પ્રોસેસ થઈને રિલીઝ થઈ જતું હોય છે.
રીના મિતેશ જોશી

તમારાં કોઈ પણ ઇમોશન્સને સપ્રેસ ન કરો. સપ્રેસ્ડ ઇમોશન્સ તમારી હેલ્થને જોરદાર નુકસાન કરે છે.

columnists ruchita shah