આવી હાલતમાં ટર્કી ફરવા જવાય?

26 February, 2023 12:50 PM IST  |  Mumbai | Ruchita Shah

‘કચ્છમાં ભૂકંપ આવે અને મુંબઈ કે ગોવા પણ ન જવાય?’ એમ જણાવીને ટર્કીની ટૂર ઑર્ગેનાઇઝ કરતી ટ્રાવેલ કંપનીઓનું કહેવું છે કે ભૂકંપની જગ્યા અને ફરવાની જગ્યા વચ્ચે લગભગ ૧૫૦૦ કિલોમીટરનું અંતર છે. તેમણે પોતાની ટૂરના આયોજનમાં કોઈ પ્રકારનો ચેન્જ નથી કર્યો.

આવી હાલતમાં ટર્કી ફરવા જવાય?


‘શ્વાસ થંભાવી દેતી સીન-સીનેરી, રોમાંચક ઇતિહાસ, અદ્ભુત આર્કિટેક્ચર અને શૉપિંગનું અકલ્પનીય ડેસ્ટિનેશન જેવાં અઢળક કારણો છે, જેના આધારે તમારે ટર્કી અથવા તો તુર્કસ્તાન જવું જોઈએ. અત્યારના સમયમાં આ બધાં કારણો સાથે વધુ એક કારણ ઉમેરાયું છે અને એ છે ત્યાં આવેલો ભૂકંપ. યસ, ભૂકંપ પછી તો ખાસ ત્યાં જવું જોઈએ અને ત્યાંની ઇકૉનૉમીને ફરી બેઠી કરવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. આજના સમયે તમે ટર્કી ફરવા જશો તો તમે ટર્કીને તમારા તરફથી નોંધાવેલો એ મદદનો હાથ હશે.’
ટર્કીની ટૂર ઑર્ગેનાઇઝ કરતી મોટા ભાગની ટ્રાવેલ કંપનીના માલિકો દ્વારા થઈ રહેલી વાતમાં આ સૂર સંભળાઈ રહ્યો છે. ગણતરીના કલાકોમાં ૪૦,૦૦૦થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારો દારુણ ભૂકંપ જે દેશમાં આવ્યો હોય ત્યાં ફરવા જવાનું હોય? માનવતાની સાથે વ્યક્તિગત સુરક્ષિતતાનો ભય પણ વ્યક્તિને પગ ન ઉપાડવાની દિશામાં જ પ્રેરતો હોય એ સ્વાભાવિક છે. ટર્કીના ભૂકંપ પછી ટ્રાવેલ કંપનીઓ પોતાના સ્વાર્થને કારણે હજીયે ટૂર કૅન્સલ કરવા તૈયાર નથી કે મામલો કંઈ જુદો છે. લોકોનો શું પ્રતિભાવ છે, જે ક્યારેક ટર્કી જવાનું વિચારી રહ્યા હતા અથવા તો લેટેસ્ટ ટર્કી જઈ આવ્યા હોય એવા લોકો પાસેથી આ આખી વાત વિશે જાણીએ આજે. 
ભૂકંપવાળી જગ્યા દૂર

ટર્કીમાં ભૂકંપ આવ્યાનાં એ સ્થળ ક્યાં છે એની સ્ટડી લોકોએ કરવી જોઈએ, એમ જણાવીને ઉર્વી લક્ઝરી ડેસ્ટિનેશનના હાર્દિક મહેતા કહે છે, ‘મારું એક ગ્રુપ આજે જ ટર્કીથી પાછું ફર્યું છે. બધા જ સહીસલામત છે. તમે ભૂકંપની વાત કરો છો, પરંતુ જે ટૂરિસ્ટ પ્લેસિસ પર અમે લોકોને લઈ જઈએ છીએ એનાથી ભૂકંપ થયો છે એ જગ્યા લગભગ ૧૫૦૦થી વધારે કિલોમીટર દૂર છે. ભૂકંપ સિરિયાની બૉર્ડર પર છે, જે મુખ્ય ટૂરિસ્ટ આકર્ષણ એવા ઇસ્તંબુલથી ખૂબ દૂર છે. ભૂકંપ બીજી જગ્યાએ છે અને ફરવાનું બીજી જગ્યાએ છે. ફરી પાછું એ બેઠું થઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના એક જૈન કપલે ટર્કીમાં બે મહિના પછી ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે. હમણાં જ ત્યાં એક બૉલીવુડ ફિલ્મનું શૂટિંગ પણ થઈ ગયું. એવું નથી કે ત્યાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. ઇન ફૅક્ટ અત્યારે ત્યાં જઈને લોકોને મદદ કરવાના ભાગરૂપે પણ જવું જોઈએ, એવું હું સ્ટ્રૉન્ગલી રેકમેન્ડ કરીશ.’
અમે જઈ આવ્યા

હાર્દિક મહેતાના ઇસ્તંબુલથી પાછા ફરેલા ગ્રુપના ટૂર-મૅનેજર ધીરેન રૂપારેલિયાએ હજી ગયા અઠવાડિયે જ લોકોને ટર્કીની સેર કરાવી છે. દેખીતી રીતે એમાં જોડાયેલા ટૂરિસ્ટથી લઈને ધીરેનભાઈના પોતાના પરિવારવાળાને પણ ડર તો હોય જ. ધીરેનભાઈ કહે છે, ‘ટૂરિસ્ટ પ્લેસ પર માહોલ સામાન્ય છે અને ત્યાં કોઈ અસર નથી, પરંતુ બધાને ડર છે એ વાત સાચી છે. ત્યાંના અમારા એજન્ટ અને ટ્રાવેલ-પાર્ટનર સાથે આખી પરિસ્થિતિનો અંદાજ લગાવીને અમે અહીં પહોંચ્યા હતા. ઇસ્તંબુલ અને એની નજીક રહેલી લગભગ ૬થી વધુ જગ્યામાં અમે ફર્યા છીએ ત્યાં ભૂકંપની કોઈ અસર નથી. અફકોર્સ, પોતાના જ દેશના આટલા મોટા પ્રમાણમાં લોકો ભૂકંપનો ભોગ બન્યા હોવાનો વસવસો અને ગમગીની તમને વાતાવરણમાં દેખાશે. એ જ કારણે અમે બધા જ જાહેર સ્થળે ફોટો લેવાનું ટાળતા હતા. તેમની દુઃખની ઘડીથી આપણને કંઈ લાગેવળગે નહીં એવો મેસેજ ભૂલથી પણ પાસઑન ન થાય એની તકેદારી અમે રાખી છે. અલબત્ત, ત્યાંના લોકો ટૂરિસ્ટને પ્રેમથી આવકારી રહ્યા છે. ભૂકંપ પ્રોન એરિયાથી ખૂબ દૂર હોવાને કારણે વ્યક્તિગત ધોરણે ફરવા જશો તો કોઈ તકલીફ તમને પડવાની નથી. હા, એ પછીયે મારે દિવસના ચાર ફોન ઘરે કરવા પડતા હતા, જેથી તેમને એમ લાગે કે હું સલામત છું. જોકે ત્યાં જવું હજીયે સુરક્ષિત છે એવું તો હું મારા પોતાના અને મારી સાથેના મોટા ગ્રુપના અનુભવ પરથી ચોક્કસ કહી શકું.’
કોણ મદદ કરશે?

રાજેશ જોધાણી, ધવલ જાંગલા અને ધીરેન રૂપારેલિયા

જ્યારે કુદરતી આપત્તિએ કેર મચાવ્યો હોય અને નુકસાની પણ એની ચરમસીમાએ હોય ત્યારે કોઈ દેશને સધ્ધર થવા માટે જે મદદની જરૂર હોય એ મદદ ટૂરિઝમને કન્ટિન્યુ રાખી આપણે કરી શકીએ છીએ. કુલિનકુમાર હૉલિડેઝના ડિરેક્ટર રાજેશ જોધાણી કહે છે, ‘દર વર્ષે વેકેશન સીઝનમાં એટલે કે એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધી ટર્કીમાં અમારાં ગ્રુપ જાય છે અને આ વર્ષે પણ એપ્રિલ અને મેનાં બુકિંગ લગભગ પૂરાં થઈ ગયાં છે. અત્યારની સ્થિતિ જોતાં આ ગ્રુપ્સ કૅન્સલ કરવાનું અમને કોઈ કારણ દેખાતું નથી. ભૂકંપ ઈસ્ટ સાઇડ છે, જ્યારે ટર્કીની મોટા ભાગની ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વેસ્ટ અને નૉર્થની બાજુએ છે. ખાસ્સું અંતર છે અને સેફ છે એટલે જ તો અમે પણ જોખમ લઈએ ટૂરિસ્ટને લઈ જવાનું. ત્યાંની ઍરલાઇન કે સરકાર પણ જો જોખમ હોય તો લોકોની એન્ટ્રી પર બૅન મૂકી દે. ત્યાંની હોટેલવાળાને ત્યાં ટૂરિસ્ટ્સ છે જ અત્યારે. બીજું એ પણ સમજવું જોઈએ કે ટર્કીની ઇકૉનૉમીમાં સેકન્ડ લાર્જેસ્ટ શૅર એના ટૂરિઝમથી છે. આજે બીજી રીતે દેશ પાયમાલી ભોગવી રહ્યો હોય ત્યારે ટૂરિઝમની આવક પણ જો બંધ થાય તો ફરી બેઠા થવું અઘરું છે તેમને માટે. જુઓ, જોખમી જગ્યા હોત તો ત્યાંની સરકાર ના પાડે, અમે લોકો પણ હિંમત ન કરીએ, પણ ખરેખર જોખમની સંભાવના બહુ ઓછી છે. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આપણે ઑફિસ નહોતા જતા કે આપણે મુંબઈથી પુણે જવાનું બંધ કરી દીધું હતું એવું નહોતુંને. કચ્છ પણ ભારતમાં જ હતું અને દુનિયાની દૃષ્ટિએ જે ન્યુઝ ફેલાયા હતા એ ભારતમાં ભૂકંપના હતા, પરંતુ દેશના નાગરિક તરીકે આપણે જાણતા હતા કે કચ્છ અને મુંબઈ કે કચ્છ અને કેરલામાં કેટલો ફરક છે. એવો જ ભેદ અત્યારે ટર્કીમાં છે છતાં અમારાં ગ્રુપ ત્યાં પહોંચે એ પહેલાં અમે ત્યાંની સ્થિતિનો પૂરતો અભ્યાસ પણ કરી રહ્યા છીએ અને અમારા ટૂર-પાર્ટનરની મદદથી સંપૂર્ણ વૉચ પણ રાખી રહ્યા છીએ.’
ટર્કીની ટૂર માટે સ્પેશ્યલાઇઝ્‍ડ ગણાતા ઔરોરા ટ્રાવેલ કંપનીના માલિક ધવલ જાંગલા પણ આ વાત સ્વીકારતાં કહે  છે કે ‘આપણી સામે ભૂકંપના એરિયાને જ હાઇલાઇટ કરાયા છે એટલે લોકોમાં ભયનું વાતાવરણ હોવું સ્વાભાવિક છે. ગુજરાતીઓ આવા સંજોગોમાં ડરને કારણે ઘરે બેસી રહે એવી પ્રજા નથી. કોરોનામાં અમેરિકામાં ૬ લાખ કરતાં વધારે લોકો મરી ગયા હતા, પરંતુ આપણે અમેરિકા જવાનું બંધ નથી કર્યું. સાવચેતી-સાવધાની જરૂરી છે અને એ ટ્રાવેલ કંપની તરીકે અમારી નૈતિક જવાબદારી છે, પરંતુ જો જોખમ નથી તો માત્ર અમુક ચૅનલોમાં દેખાડવામાં આવતા વન સાઇડેડ ન્યુઝથી આપણે પ્લાન બદલવો જોઈએ એ યોગ્ય નથીને. આ વાત અમારા ગ્રુપને પણ અમે સમજાવી છે. આ જ હકીકત છે. અત્યારે તમારા ટ્રાવેલથી તેમને ત્યાં એમ્પ્લૉયમેન્ટ અને ઇન્કમ જનરેટ થશે અને જેની તેમને જરૂર છે. દર વર્ષે અમારી ટર્કીની રિમાર્કેબલ ટૂર હોય છે. એપ્રિલમાં તો દર ચાર દિવસે એક ગ્રુપ ટર્કી માટે રવાના થાય છે. શરૂઆતમાં લોકો પૅનિક થઈને કૅન્સલેશન માટે ફોન કરી રહ્યા હતા, પરંતુ અત્યારે બધું જ કન્ટ્રોલમાં હોવાની ખાતરી હોવાથી લોકોએ પોતાના પ્લાન નથી બદલ્યા. અર્થક્વેક એ કહીને આવતી વસ્તુ નથી. જપાન, ઇન્ડોનેશિયા જેવા દેશો અર્થક્વેક ઝોન છે અને ક્યારેય ભૂકંપ આવી શકે, આપણું ઉત્તરાખંડ પણ ભૂકંપગ્રસ્ત વિસ્તાર મનાય છે, છતાં લોકો જાય જ છે. કુદરતની આફતના ડરથી ઘરની બહાર ન નીકળે એ ગુજરાતી તો ન જ હોય. આ અમારો વર્ષોનો અનુભવ છે.’
અહીં શાહ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલના વિકી શાહ જોકે વેઇટ ઍન્ડ વૉચની સલાહ આપતાં ઉમેરે છે કે ‘અત્યારની સ્થિતિમાં અમે કોઈ નિર્ણય પર નથી આવ્યા. 
છેલ્લાં ૧૦ વર્ષથી ટર્કીની ટૂર અમે કરીએ છીએ અને એપ્રિલથી સપ્ટેમ્બરમાં જ મેજર પ્રોગ્રામ્સ હોય, પરંતુ અત્યારે અગ્રેસિવલી કોઈ પરિણામ પર અમે નથી પહોંચ્યા.’

columnists ruchita shah turkey gujarati mid-day