બે ચોપડી ભણેલાં આ બહેન લંડન જઈને શું શીખવી આવ્યાં?

05 March, 2023 11:10 AM IST  |  Mumbai | Shailesh Nayak

અચાનક પતિનું છત્ર જતાં બે ટંકનો છેડો મેળવવાનો સંઘર્ષ કરી ચૂકેલાં કચ્છનાં રાજીબહેન વણકરે પ્લાસ્ટિક વેસ્ટમાંથી વણાટકામ કરીને મજાની પ્રોડક્ટ્સ તૈયાર કરી છે જેની સરાહના છેક લંડન સુધી થઈ છે

પ્લાસ્ટિક વેસ્ટમાંથી વણાટકામ શીખવતાં રાજીબહેન.

૩૫ બહેનોને રોજગારી આપવાની સાથે બાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમ જ પ્લાસ્ટિક વેસ્ટ મૅનેજમેન્ટ કૅટેગરીમાં સુંદર કામગીરી બદલ રાષ્ટ્રપતિ અવૉર્ડથી સન્માનિત થયેલાં સીધાંસાદાં આ બહેનની પ્રેરણાદાયી દાસ્તાન જાણીએ...

અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ મન મક્કમ હોય તો સફળતા તમારા કદમોમાં આવે જ છે એ વાતનો દાખલો છે કચ્છનાં રાજીબહેન વણકર. બાળકોના ઉછેર માટે અને પરિવારનું બે ટંકનું પૂરું કરવા માટે આ વિધવા માતાની સંઘર્ષથી સફળતા સુધીની સરાહનીય સફર પ્રેરણાત્મક છે. પર્યાવરણને બચાવવા, બહેનોને રોજગારી આપવા અને વણાટકળાને જીવંત રાખવાની નેમ સાથે આગળ વધેલાં રાજીબહેન મૂળજીભાઈ વણકર એક સમયે પોતે રોજગારી મેળવવા અનેક ઠેકાણે ફરતાં હતાં અને આજે તેઓ ૩૫ બહેનોને રોજગાર પૂરો પાડી રહ્યાં છે અને તેઓ ખુદ એક બ્રૅન્ડ બન્યાં છે!

કચ્છમાં ભુજ નજીક આવેલા કુકમા ગામમાં રહેતાં રાજીબહેન વણકર રૂઢિ ચુસ્ત માહોલના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતાં રાજીબહેન વણકર કહે છે, ‘મારાં લગ્ન અંજાર તાલુકાના વીડી ગામમાં થયાં હતાં. પતિ મજૂરીકામ કરતા હતા. ૧૬ વર્ષ પહેલાં પતિને અટૅક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. એ વખતે મારા બે દીકરા અને એક દીકરી નાનાં હતાં. સાસુ-સસરા પણ નહોતાં. ક્યાં જવું, શું કરવું, સંતાનોનો ઉછેર કેમ કરવો એની સૂઝ પડતી નહોતી. અગાઉ હું ઘરની બહાર ક્યારેય નીકળી નહોતી. મારી માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. મજૂરીકામ કર્યું, પણ એનાથી પૂરું થતું નહીં. જેમતેમ મજૂરીકામ કરીને બે વર્ષ કાઢ્યાં. મારી આ પરિસ્થિતિ વચ્ચે મારાં મોટાં બહેન પાબાબહેને મને તેમને ત્યાં અવધનગર બોલાવી લીધી અને સધિયારો આપતાં કહ્યું, ‘તને કામ મળી જશે.’ હું બે ચોપડી ભણી છું એટલે સારી નોકરી તો મળે નહીં, પણ કેશવજીકાકા નામના વડીલે મને ખમીર સંસ્થાની વાત કરીને કહ્યું કે વિધવા બહેનો માટે સંસ્થા કામ કરે છે. એટલે એ સંસ્થાનાં મીરાબહેનને હું મળી એ સંસ્થામાં જોડાઈ ગઈ, જ્યાં વણાટકામના તાણા અને બોબીન ભરવા માટેનું કામ મને મળ્યું.’

સંસ્થામાં વણાટકામ જોઈને પોતાનો ભૂતકાળ નજર સમક્ષ આવી ગયો અને પિતાના ઘરે રહીને કેવા રૂઢિચુસ્ત સંજોગો વચ્ચે વણાટકામ શીખ્યાં એ વિશે વાત કરતાં રાજીબહેન કહે છે, ‘વણાટકામ હું મારા પિતાજી ખીમજીભાઈ પાસે શીખેલી. મારા પિતાજી, મારી માતા કુંવરબહેન અને અમે ૬ બહેનો અને એક ભાઈ કોટાય ગામે રહેતાં હતાં. એ સમયે મેં મારા પિતાજીને કહ્યું કે મને વણાટકામ કરવા દો, ત્યારે બાપુજીએ ના પાડી દીધી અને કહ્યું કે દીકરીની કમાઈ બાપ ન ખાય. એ જમાનામાં છોકરીઓને વણાટકામ કરવાની મનાઈ હતી. બાઈમાણસ વણાટકામ ન કરે એવો નિયમ હતો. મને પ્રશ્ન થતો કે કેમ દીકરીઓ વણાટકામ ન કરી શકે? જોકે મારા પિતાજી ખેતીકામ માટે જતા ત્યારે મોટા બાપાના દીકરા મેઘજીભાઈ કામ કરતા હોય ત્યારે તેમની પાસેથી હું વણાટકામ શીખતી. મારી ધગશ જોઈને પછી પિતાએ પણ મને શીખવ્યું. ૩૫ વર્ષ પહેલાંની કોટાય ગામમાં હું પહેલી દીકરી હતી જેણે વણાટકામ શીખ્યું હોય. એ સમયે હું ૧૨ વર્ષની હતી. હું વણાટકામ શીખી હોવાથી જ્યારે મારા સાસરે ગઈ ત્યારે મારે વણાટકામ કરવું હતું અને એમ કરીને ઘરમાં થોડીઘણી મદદ કરીને બચત કરવાનો વિચાર હતો, પણ મારે ઘર સંભાળવાનો વારો આવ્યો એટલે વણાટકામ થઈ શક્યું નહીં.’

અમેરિકાથી આવેલી ડિઝાઇનર કૅટલની રાજીબહેન સાથે મુલાકાત થઈ અને જીવનની દિશા બદલાઈ ગઈ એના રસપ્રદ વળાંકની વાત કરતાં તેઓ કહે છે, ‘૨૦૧૧માં ખમીર સંસ્થામાં અમેરિકાથી કૅટલ નામે એક બહેન આવેલાં. તેને વણાટકામમાં કંઈક કરવું હતું. પ્લાસ્ટિકનાં ઝભલાં ગમે ત્યાં કચરામાં જોઈને કૅટલના મનમાં વિચાર આવ્યો કે આમાંથી વીવિંગ થઈ શકે? હું એની સાથે અઠવાડિયું હતી ત્યારે મને થયું કે વિદેશથી આવેલી આ છોકરી કેટલું સારું વિચારે છે! પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય અને બીમારીઓ ઊભી થાય છે એટલે મને થયું કે પ્લાસ્ટિકના વીવિંગકામમાં હું પણ જોડાઉં. સંસ્થામાં મેં વાત કરી કે મને વણાટકામ આવડે છે અને પ્લાસ્ટિક વેસ્ટ હું એકઠો કરી લઈશ. સંસ્થાએ એ કામ કરવાની મંજૂરી આપી દીધી. પહેલાં મેં આજુબાજુનાં ગામમાં ઘરે-ઘરે ફરીને પ્લાસ્ટિકનાં ઝભલાં એકઠાં કર્યાં. એને સાફ કરીને ટેબલ-મૅટ, પેન્સિલ પાઉચ, મોબાઇલનાં કવર જેવી કેટલીક વસ્તુઓ સૅમ્પલ તરીકે બનાવી. લોકોને એ ગમ્યું. નવું મટીરિયલ, નવી વસ્તુ લાગી એટલે સંસ્થાએ મને કહ્યું કે ‘તમે આમાં આગળ વિચારો કે શું કરવું જોઈએ?’ મને થયું કે આ કામમાં બહેનોને જોડવી જોઈએ. બહેનોને ભેગી કરીને એક ગ્રુપ બનાવીને પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરી એને ધોઈને સાફ કરીને પટ્ટી કાપવા સહિતની કામગીરી શરૂ કરી. અવધનગરમાં ૧૦ બહેનોને એકઠી કરીને ગ્રુપ બનાવીને તેમને તાલીમ આપી એમાંથી ત્રણ બહેનો આ કામ માટે તૈયાર થઈ. મેં ત્રણ બહેનોથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી પ્લાસ્ટિક કટિંગ કરીને, દોરા બનાવીને પ્લાસ્ટિકની અડધા ઇંચની પટ્ટી કાપીને બોબીન ભરીને એનું વણાટકામ કરવાનું શરૂ કર્યું. પ્લાસ્ટિક વેસ્ટમાંથી ચટાઈ અને બીજી વસ્તુઓ બનાવવાની શરૂ કરી.`

બે ચોપડી ભણેલાં પણ કોઠાસૂઝવાળાં રાજીબહેનની વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વણાટની કળાનું લંડનની મહિલાઓને એવું તો ઘેલું લાગ્યું કે તેમને લંડન લઈ ગયાં અને અંગ્રેજ મહિલાઓને વણાટકામ શીખવ્યું એ વિશે વાત કરતાં રાજીબહેન ગર્વ સાથે કહે છે, ‘૨૦૧૮માં લંડનથી કૅરીબહેન, જુલિયાબહેન અને લૉરાબહેન સંસ્થામાં આવ્યાં હતાં. તેમણે અમારું કામ જોયું અને અમારી સંસ્થાને કહ્યું કે ‘પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતી વિવિધ બનાવટનું કામ શીખવવા રાજીબહેનને લંડન મોકલશો?’ મારી સંસ્થાએ હા પાડી અને હું હાથસાળ લઈને લંડન ગઈ. લંડન પાસેના વેલ્સમાં ૧૮ દિવસ રોકાઈ હતી અને વર્કશૉપ કરીને વીસેક બહેનોને વીવિંગકામ અને કટિંગકામની તાલીમ આપીને કાપડ બનાવવા સહિતની નાનીમોટી બનાવટ વિશે શીખવ્યું હતું. એ લોકોને કામ એટલું ગમ્યું કે લંડનની તેમની ગૅલરીમાં મારું નામ મૂક્યું છે.’

ખમીર સંસ્થામાંથી અલગ થઈને રાજીબહેને પોતાનું અલગ કામ શરૂ કર્યું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘૨૦૧૮માં સંસ્થામાંથી છૂટી પડીને મેં ઘરેથી કામ શરૂ કર્યું. દીકરી પૂજા પણ એમાં જોડાઈ. અમે ત્રણ બહેનોથી કામની શરૂઆત કરી હતી અને આજે મારી સાથે ૩૫ બહેનો કામ કરી રહી છે. અમે અલગથી શરૂઆત કરી એ દરમ્યાન અમદાવાદના નીલેશભાઈ મને મળ્યા. અમે જે ડિઝાઇન અને વર્ક કરતાં હતાં એમાં તેમણે ડિઝાઇનિંગ અને માર્કેટિંગમાં સપોર્ટ કર્યો. તેમણે બદલાયેલી દુનિયાની વાત કરીને મારી બ્રૅન્ડ ઊભી કરવાની વાત કરીને ‘અપસાઇકલ પ્લાસ્ટિક વીવિંગ, રાજીબહેન’ નામે બ્રૅન્ડ બનાવી. પહેલાં મારી પાસે બે હાથસાળ હતી, આજે ૧૦ હાથસાળ છે. અમે ચશ્માંનાં કવર, ઑફિસ બૅગ, ટ્રે, યોગ બૅગ, કાર્ડ હોલ્ડર, વૉલેટ, પેન્સિલ પાઉચ, લૅપટૉપ કવર, ફાઇલ ફોલ્ડર સહિતની ૪૦થી ૫૦ પ્રકારની પ્રોડક્ટ બનાવીએ છીએ. ૫૦ રૂપિયાથી માંડીને ૨૫૦૦ રૂપિયા સુધીની પ્રોડક્ટ અમે બનાવીએ છીએ.’

પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતી વસ્તુઓ માટે પ્લાસ્ટિક વેસ્ટ ક્યાંથી એકઠો કરવામાં આવે છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘કુકમા, ભુજોડી સહિત આસપાસનાં ગામો તેમ જ ભુજમાં ફરીને પ્લાસ્ટિક વેસ્ટ અમે એકઠો કરીએ છીએ. એક કિલો પ્લાસ્ટિક વેસ્ટના અમે ૨૦ રૂપિયા આપીએ છીએ. પર્યાવરણની સુરક્ષાને લઈને હું બધાને મેસેજ આપું છું કે જ્યાંત્યાં પ્લાસ્ટિક કચરો ફેંકો નહીં. મારા કામમાં મારી દીકરી પૂજા, બે દીકરા જયેશ અને પરેશ તેમ જ પુત્રવધૂ પ્રિયા મદદ કરે છે. મારો ઉદ્દેશ છે કે પર્યાવરણની રક્ષા કરું - બચાવું, બહેનોને રોજગાર આપું અને વણાટકલા જીવંત રાખું. આ વિચાર સાથે હું ચાલી નીકળી હતી એ વિચાર આજે મૂર્તિમંત થયો છે એનો આનંદ છે. જ્યારે મેં કામની શરૂઆત કરી ત્યારે મારી બહુ વાતો થતી કે વિધવા બહેનો આગળ ન વધે, પણ લોકો વાતો કરતા હતા અને હું વિશ્વાસ સાથે આગળ વધી. આજે સ્થિતિ એવી છે કે જે લોકો વાતો કરતા હતા તેઓ આજે વખાણ કરે છે. મને રાષ્ટ્રપતિ અવૉર્ડ જાહેર થયો એ અવૉર્ડ મારો એકલીનો નથી, પણ મારી સાથે જોડાયેલી તમામ બહેનોનો છે. એક સમય હતો જ્યારે મેં અને મારા પરિવારે ખાધા વગર દિવસો કાઢ્યા હતા. આજે મહેનત કરીને આગળ વધી છું ત્યારે મને રાષ્ટ્રપતિ અવૉર્ડ મળ્યો એનો સવિશેષ આનંદ છે.’

રાજીબહેને ઘણી બધી બહેનોને તાલીમ આપી છે. મુંબઈ પાસે જવાહર ગામમાં એક સંસ્થામાં ૩૦૦થી વધુ બહેનોને તાલીમ આપી છે. સફળતા મળવામાં થોડી વાર લાગે કે સમય પસાર થાય, પણ રાજીબહેનની જેમ જે વ્યક્તિ હિંમત હારતી નથી તેને સફળતા મળતી હોય છે. બે ચોપડી ભણેલી એક વિધવા ગ્રામ્ય નારી રાજીબહેન પોતાના પરિવાર માટે હૈયામાં હામ રાખીને બદલાયેલા સમય અને સંજોગો વચ્ચે નવી દુનિયામાં આગળ વધીને અન્ય બહેનો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે ત્યારે આ ગ્રામીણ બિઝનેસ વુમનને આદરપૂર્વક વંદન સાથે બાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમ જ પ્લાસ્ટિક વેસ્ટ મૅનેજમેન્ટ કૅટેગરીમાં સુંદર કામગીરી બદલ રાષ્ટ્રપતિ અવૉર્ડથી સન્માનિત થયાં એ બદલ તેમને અભિનંદન.

columnists shailesh nayak