તમને કેવી રીતે મદદ કરી શકે છે નિયમિત બચત?

08 April, 2019 11:52 AM IST  |  | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

તમને કેવી રીતે મદદ કરી શકે છે નિયમિત બચત?

સેવિંગ્સ

નાણાકીય પિરામિડમાંના રક્ષણસંબંધી પાયાનું મહત્વ હવે તમને સમજાઈ ગયું હશે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં તમને એ કવચ રક્ષણ આપતું હોય છે. પિરામિડનો બીજો થર નિયમિત બચતનો છે. તમારો મજબૂત પાયો તમને અનિશ્ચિતતાઓ સામે રક્ષણ આપશે અને એ મજબૂત પાયા પર એક-એક ઈંટ તરીકે તમારે બચત જમા કરવાની હોય છે.

નિયમિત બચત કોઈ શરતોને આધીન હોતી નથી. શૅરબજાર ગમે તેવું હોય, વ્યાજના દર ગમે તેટલા મળતા હોય, સોનાનો ભાવ ગમે તેટલો હોય, તમારી બચત ઓછી કે વધારે કરવાનો સવાલ ઊભો થતો નથી. તમારે તો જેટલી વધારે બચત થતી હોય તેટલી કરવાની જ હોય છે.

૧) સંતાનોના શિક્ષણ માટેની જોગવાઈ: તમે આવક કરવા લાગો ત્યારથી નિયમિત બચત કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એની મદદથી તમે ભવિષ્યમાં પ્રચંડ મોટી રકમ પ્રાપ્ત કરવા સમર્થ બનો છો. સંપત્તિસર્જન જેટલું વહેલું શરૂ થાય તેટલું સારું. જો તમે તમારા સંતાનના જન્મના દિવસથી જ ઇક્વિટી ફંડમાં દર મહિને માત્ર ૬૫૦૦ રૂપિયા જમા કરાવતા રહો તો એ અઢાર વર્ષનું થાય ત્યાર સુધીમાં તમારી પાસે ૪૯-૫૦ લાખ રૂપિયાનું ભંડોળ જમા થઈ શકે છે (અહીં આપણે ઇક્વિટી ફંડના વળતરનો દર ૧૨ ટકા ધાર્યો છે).

૨) નિવૃત્તિકાળ માટેની જોગવાઈ: નિવૃત્તિ બાદ કેટલું જીવન હશે એ કોઈને ખબર હોતી નથી. જોકે, એક વાત સાચી છે કે વર્તમાન સમયમાં લોકોની આવરદા વધી ગઈ છે. આથી નિવૃત્ત જીવન માટે પૂરતી નાણાકીય જોગવાઈ કરી લેવી જરૂરી બને છે. તમારે આવકના ઓછામાં ઓછા 20 ટકા હિસ્સાનું રોકાણ નિવૃત્તિકાળ માટે કરવું જોઈએ. તમને ઘર ખરીદવા, કાર ખરીદવા, ટીવી-ફ્રિજ કે મોબાઇલ ખરીદવા લોન મળી શકે છે, પરંતુ નિવૃત્ત જીવન માટે આ દુનિયામાં કોઈ જ સંસ્થા લોન આપતી નથી! ચક્રવૃદ્ધિ વળતર એ આ જગતની આઠમી અજાયબી છે, જેને આ વાત સમજાઈ છે એ સુખી છે અને નથી સમજાઈ એ દુ:ખી છે. જો તમે પોતાની ઉંમરના ૩૦થી ૫૫મા વર્ષ સુધી એટલે કે ૨૫ વર્ષ સુધી દર મહિને ઇક્વિટી ફંડમાં 20,૦૦૦ રૂપિયા ભરતા રહો તો નિવૃત્ત જીવન માટે તમારી પાસે ૩.૭૫થી ૪ કરોડ રૂપિયા જેટલું ભંડોળ જમા થઈ શકે છે.

૩) ઘરની ખરીદી માટેની જોગવાઈ: પોતાનું ઘર ખરીદવાની જવાબદારી મોટી હોય છે. આપણા દેશમાં તો આ ઘણી જ મોટી બાબત છે. જો તમે હોમ લોનથી ઘર ખરીદવાનું નક્કી કરો તો તમારે ઊંચા ચ્પ્ત્ (ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ્સ) ભરવા તૈયાર રહેવું પડે છે. કહેવાય છે, આજના સમયમાં ગુલામોને સાંકળથી નહીં, કરજથી બાંધી રાખવામાં આવે છે.

તમારે એ યાદ રાખવું કે તમારું ઘર એક ઍસેટ નહીં, લાયેબિલિટી છે. તમારી માસિક આવક ઊંચી હોય તો તમે વધુ લોન લઈ શકો છો એ વાત સાચી, પરંતુ જેટલી જોઈતી હોય તેટલી જ લોન લેવી, વધારે લોન લેવાના લોભમાં પડવું નહીં.

એક સારા ઘરના સાટામાં તમે પોતાનાં વીસ વર્ષ આપી દો છો એ વાત યાદ રાખજો. હોમ લોન દસ વર્ષમાં ચૂકવી દેવાય એવી રીતનું આયોજન કરવું.

આ પણ વાંચો : શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકનો ઉછાળો

તમે નાણાકીય પિરામિડનો મજબૂત પાયો રચીને અને નિયમિતપણે બચત કરીને જીવનને ચિંતામુક્ત બનાવી શકો છો. ફક્ત વધુ પૈસા મેળવવાનું નહીં, પણ આર્થિક રીતે સ્વતંત્ર રહી શકો એ લક્ષ્ય રાખવું જોઈએ. આ આર્થિક સ્વતંત્રતા તમને ભવિષ્યમાં પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે. યોગ્ય નાણાકીય આયોજન વર્તમાન અને ભવિષ્ય બન્નેમાં તમને તથા તમારા પરિવારને સુખ-શાંતિ આપે છે.

columnists