અમલ છે બેસ્ટ:વાંચવું અને સાંભળવું આપણને ગમે, પણ અમલવારીમાં આપણે કચાશ રાખીએ છીએ

25 November, 2021 09:16 AM IST  |  Mumbai | Manoj Joshi

આ આપણી માનસિકતા છે અને આ માનસિકતાને લાંબા સમયથી જોયા પછી કહેવાનું મન થાય છે કે જાણવું મહત્ત્વનું નથી, પણ અમલમાં મૂકવું અત્યંત અગત્યનું અને મહત્ત્વનું છે. 

મિડ-ડે લોગો

ગઈ કાલે ‘મિડ-ડે’ની એક કૉલમમાં ‘ઇકિગાઇ’ વિશે વાંચ્યું અને એકાએક વિચાર આવી ગયો કે આપણે બધું જાણી લેવા માટે તૈયાર રહીએ છીએ, પણ અમલની વાત આવે ત્યારે આપણે સૌથી પાછળ જઈને ઊભા રહી જઈએ છીએ. આ આપણી માનસિકતા છે અને આ માનસિકતાને લાંબા સમયથી જોયા પછી કહેવાનું મન થાય છે કે જાણવું મહત્ત્વનું નથી, પણ અમલમાં મૂકવું અત્યંત અગત્યનું અને મહત્ત્વનું છે. 
આજે તમે જઈને કોઈ પણ પબ્લિશરને પૂછશો તો ખબર પડશે કે સૌથી વધારે ડિમાન્ડ મોટિવેશનલ પુસ્તકોની છે. યુટ્યુબ પર પણ જો કંઈ સૌથી વધારે જોવાતું હોય તો એ મોટિવેશનલ છે. વંચાય મોટિવેશનલ અને જોવાય પણ મોટિવેશનલ અને એ પણ આજકાલથી નહીં, છેલ્લાં ઑલમોસ્ટ ૮-૧૦ વર્ષથી. એ પછી પણ ડિપ્રેશન જોવા મળે, એ પછી પણ માનસિક સંતાપ સતત દેખાયા કરે અને એ પછી પણ હતાશ અને નિરાશ લોકો જોવા મળ્યા કરે જે દેખાડે છે કે આપણે વાંચીએ છીએ, પણ રોબોટિક-વે પર વાંચીએ છીએ. આપણે સાંભળીએ છીએ; પણ એ શબ્દો કાન સુધી જ પહોંચે છે, એનાથી આગળ નથી વધતા. વાંચેલું જો મનમાં જાય, સાંભળેલું જો દિલમાં જાય તો એની અસર થાય અને અસર પણ એમ જ ક્યારેય નથી થતી. વાંચેલા કે સાંભળેલા શબ્દોની માવજત કરવી પડે અને એ માવજત વચ્ચે મનને મક્કમ બનાવવું પડે. જો એ કાર્ય થઈ શકે તો અને તો જ એ શબ્દો પોતાની જગ્યા બનાવે અને પોતાની અસરકારકતા દર્શાવે, પણ એ નથી થતું જેનું કારણ છે અમલવારી.
આપણે અમલવારીમાં પાછળ છીએ, આપણે અમલવારીની બાબતમાં કચાશ રાખીએ છીએ. સુધરવું છે, પણ પ્રયાસ નથી કરવો. શ્રેષ્ઠ થવું છે, પણ ઉપાય નથી કરવો. ઉત્તમ રસ્તે ચાલવું છે, પણ પગ નથી ઉપાડવો. કહેવત છે કે ‘માગ્યા વિના મા પણ ન પીરસે’. આ જ કહેવત અહીં પણ લાગુ પડે છે. જો અંદરથી કશું નહીં જાગે તો આંખો ખૂલશે નહીં. ફૂલને ઉગાડતાં પહેલાં એની માવજત કરવી પડે છે. જો માવજતમાં કચાશ રહી જાય તો છોડ પર ફૂલ ક્યારેય આવે નહીં. એવું જ મોટિવેશનનું છે. મોટિવેશનની દિશામાં આગળ વધવું હશે તો તમારે એની માવજત કરવી પડશે અને સજાગ રીતે, સજ્જડતા સાથે પ્રયાસ કરવા પડશે. જો એ પ્રયાસમાં ક્યાંય પણ કચાશ રહી ગઈ તો મોટિવેશનના ઝાડ પર ફૂલ નહીં આવે અને ફૂલ નહીં આવે તો ફોરમનો અનુભવ તમે નહીં કરી શકો. બહેતર છે કે પ્રયાસ કરો. ઇકિગાઇ હોય કે પછી તમારા મનમાં જે કોઈ થિયરી હોય, તમારે એના માટે પ્રયાસ કરવા પડશે અને એ પ્રયાસમાં નિષ્ફળતા મળે તો નવેસરથી મોટિવેશન લાવીને એની વાવણી કરવી પડશે. સાંભળેલા શબ્દો ત્યારે જ અસરકારક બને છે જ્યારે એ શબ્દો મનમાં ઊતરીને પોતાની અસર છોડે અને એ અસરને જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે. આ પ્રયાસ તમારે કરવાનો છે. તમે જો એ પ્રયાસ કરી શકશો તો અને તો જ મોટિવેશનની આંગળી પકડવી લેખે લાગશે. બાકી વાંચો છો, સાંભળો છો એ મોટિવેશનનું કોઈ મૂલ્ય નહીં રહે અને એની અસર પણ જોવા નહીં મળે. જીવનનું સૂત્ર બનાવો - સારું લાગે, સાચું લાગે એનો અમલ કરો, આજે જ કરો.

columnists manoj joshi