કાંતશે કોણ? પીંજશે કોણ?

26 June, 2022 08:23 AM IST  |  Mumbai | Kana Bantwa

કેટકેટલાં પોટલાં માથા પર ઉપાડીને ફરતો રહે છે માણસ. પોતાનાં તો ઠીક, પારકાં પોટલાં પણ તે વેંઢાર્યે રાખે છે. પોટલું ઉપાડવું જ પડે એમ હોય તો એ પોટલાને બને એટલું વહેલું નીચે કઈ રીતે મૂકી દેવું, કઈ રીતે એને ફેંકી દેવું એ શીખવું મહત્ત્વનું છે.

પ્રતીકાત્મક તસવીર

આપણાથી મદદ થઈ શકતી હોય એવા માણસની એવી ચિંતા કરવી યોગ્ય છે; પણ આપણી જ્યાં પહોંચ ન હોય, જેની સાથે કશું લાગતું-વળગતું ન હોય એની ચિંતા આપણે એટલી બધી કરીએ છીએ કે મગજ ચકરાવે ચડી જાય. યુક્રેન યુદ્ધ થાય એનાથી દુનિયાને નુકસાન થાય એ ચિંતાનો વિષય છે, પણ એની ચિંતામાં આપણને ઊંઘ ન આવે એ યોગ્ય નથી

તમારા માથે જે પોટલું છે એમાં શું છે એ જો જોઈ લેવામાં આવે તો એમાંનું શું ઉપયોગી છે અને શું બિનજરૂરી છે એ સમજાઈ જાય. મોટા ભાગે એવી જ વસ્તુઓ વધુ હશે જે ફેંકી દેવા જેવી હશે

એક વખત એક રાજા પોતાના રથમાં બેસીને નગરમાં પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં તેણે નગરના જ એક ગરીબ માણસને માથા પર એક પોટલું ઉપાડીને નગર તરફ પગપાળા ચાલીને જતાં જાયો. રાજાને દયા આવી કે ‘આ માણસ આટલું વજન ઉપાડીને આટલે દૂર કોણ જાણે કયારે પહોંચશે? તેને રથમાં બેસાડી દઉં. રથમાં જગ્યા છે જ. થોડું વજન વધશે તો રથ વધુ સ્થિર ચાલશે.’ એટલે રાજાએ રથ ઊભો રાખીને પેલા ગરીબ માણસને રથ પર ચડી જવા કહ્યું. ગરીબ માણસ તો ડઘાઈ જ ગયો કે રાજા તેને રથમાં બેસવાનું કહે છે! રાજાની સાથે એક વાહનમાં પોતે જઈ જ ન શકે એવું કહીને તેણે તો હાથ જોડીને રથમાં બેસવાની ના પાડી દીધી. રાજાએ તેને સમજાવ્યો કે ‘તમે રથમાં બેસશો એનાથી મને અપમાન જેવું કશું જ નહીં લાગે. રથમાં પૂરતી જગ્યા છે. ઘોડા એકદમ તાજામાજા છે. તમારા બેસવાથી કોઈ ફરક નહીં પડે. અચકાયા વગર બેસી જ જાઓ રથમાં.’ પેલો ગરીબ માણસ થોડો અચકાયો, પણ રાજાએ વધુ આગ્રહ કરતાં તે રથમાં બેસી ગયો. જોકે રથમાં બેઠા પછી પણ તેણે પેલું પોટલું તો પોતાના માથા પર જ રાખ્યું. રાજાને આશ્ચર્ય થયું કે આ માણસે હજી પોટલું પોતાના માથા પર જ શા માટે ઊંચકી રાખ્યું છે? ‘પોટલું રથમાં મૂકી દો અને નિરાંતે બેસો’ રાજાએ પેલા માણસને કહ્યું. તે માણસે જવાબ આપ્યો, ‘રાજાજી, આપના રથમાં બેસીને મેં વજન વધાર્યું એ શું ઓછું છે કે હું આ પોટલાનું વજન પણ રથ પર નાખું? એ વજન તો હું જ ઉપાડી રાખીશ.’

જીવનરથનો બોજ માથે
માણસ આમ જ પોતાના માથા પર પોટલાં ઉઠાવી રાખે છે. એ પોટલાંનું વજન રથને અને માણસને બંનેને લાગે છે. જ્યારે તમે રથમાં બેસી જ ગયા છો તો પછી પોટલું માથા પર રાખો કે રથમાં મૂકો એનાથી શું ફરક પડે? જોકે મોટા ભાગના માણસોને એ સમજાતું નથી કે પોટલું માથા પર રાખવાથી બમણું નુકસાન જાય છે. તેમને સતત એવું લાગે છે કે આ પોટલાનું વજન ઉપાડી રાખીને હું અન્યનો ભાર હળવો કરું છું. કેટકેટલાં આવાં પોટલાં, જેને ઉપાડી રાખવાં સાવ વ્યર્થ છે એને માણસ ઉપાડી રાખે છે, એનું વજન વેંઢાર્યે રાખે છે. જીવન નામના રથ પર તમે ચડી જ ગયા છો તો એ પોટલાનું વજન જીવનરથને ઉપાડવાનું જ છે, તમારા માથા પરથી પોટલું રથ પર મૂકી દો. પેલો ગરીબ માણસ તો એક જ પોટલું માથા પર લઈને બેઠો હતો. આપણે તો અનેક પોટલાં ઉપાડીને ફરતા રહીએ છીએ અને એના વજન નીચે કચડાતા રહીએ છીએ. સામાન્ય માણસના માથે કેટકેટલો બોજો હોય, કેટકેટલી ચિંતા હોય અને જેમ-જેમ જીવન આગળ વધતું જાય તેમ-તેમ પોટલાં વધતાં જાય, બોજ વધતો જાય.

લેવાદેવા વિનાની ચિંતા
પોતાનાં પોટલાં તો આપણે ઉપાડીને ફરીએ જ છીએ, પારકાં પણ અનેક પોટલાં પોતાના માથે મૂકી દઈએ છીએ. અન્યને ખબર પણ ન હોય અને ઇચ્છા પણ ન હોય કે તમે તેની ચિંતાનું પોટલું તમારા માથે ઉપાડો છતાં આપણે ઉઠાવી લીધું હોય. જેમાં આપણે કશુંય કરી શકીએ એમ ન હોઈએ એવાં પોટલાં પણ ઉપાડી લઈએ. એનાથી અન્યનો બોજ તો ઓછો થતો નથી, આપણો વધી જાય છે. કોઈને કંઈ થાય તો આપણે લેવાદેવા વગર ચિંતા કરવા માંડીએ કે હવે તેનું શું થશે? આપણાથી મદદ થઈ શકતી હોય એવા માણસની એવી ચિંતા કરવી તો યોગ્ય છે; પણ આપણી જ્યાં પહોંચ ન હોય, જેની સાથે કશું લાગતું-વળગતું ન હોય એની ચિંતા આપણે એટલી બધી કરીએ છીએ કે મગજ ચકરાવે ચડી જાય. યુક્રેન યુદ્ધ થાય એનાથી દુનિયાને નુકસાન થાય એ ચિંતાનો વિષય છે, પણ એની ચિંતામાં આપણને ઊંઘ ન આવે એ યોગ્ય નથી.

તમારા પોટલામાં શું છે?
માણસનું મન અમુક હદથી વધુ બોજ સહન કરી શકવા સમર્થ નથી. બોજ વધી જાય ત્યારે એ વજન ઓછું કરવાના મનના પોતાના રસ્તાઓ છે જે આપણને પરવડે એવા નથી. તનાવ, અવસાદ, નિરાશા વગેરે મનના રોગો ખોટા બોજ, ખોટી ચિંતા, સતત એક ને એક વાતને વિચારતા રહેવાને કારણે વકરે છે. જે માણસને બોજને છોડતાં આવડે છે તેને સ્ટ્રેસ કે ઉદાસી આવતાં નથી. મન પર બોજ આવતો અટકાવી શકાય એમ ન હોય, પોટલું ઉપાડવું જ પડે એમ હોય તો એ પોટલાને બને એટલું વહેલું નીચે કઈ રીતે મૂકી દેવું, કઈ રીતે એને ફેંકી દેવું એ શીખવું મહત્ત્વનું છે. આ સ્પર્ધાત્મક જગતમાં અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ચિંતાનો, બોજનો સામનો કરવો અનિવાર્ય છે. એ અનિવાર્ય અનિષ્ટ છે એટલે એને વેંઢારતા રહીને દુ:ખી થવાને બદલે સમજીને એનો નિકાલ લાવવો જરૂરી છે. તમારા માથે જે પોટલું છે એમાં શું છે એ જો જોઈ લેવામાં આવે તો એમાંનું શું ઉપયોગી છે અને શું બિનજરૂરી છે એ સમજાઈ જાય છે. જોકે પોટલાં ખોલીને જોવાનો પ્રયાસ કોઈ કરતું નથી. એ પોટલાંઓમાં મોટા ભાગે એવી જ વસ્તુઓ વધુ હશે જે ફેંકી દેવા જેવી હશે, જે નકામી હશે. એવી કેટલીયે બાબતો હશે જેને તમારે ઉપાડવાની કોઈ આવશ્યકતા જ નથી. એવી કેટલીયે વસ્તુઓ હશે જે ફેંકી દઈએ તો કોઈ ફરક પડવાનો નથી. એવી કેટલીયે વસ્તુઓ હશે જે એટલી જૂની થઈ ગઈ હશે કે હવે એમને રાખવાનો કોઈ અર્થ નહીં હોય. પોટલાં ખોલશો તો જ ભાર ઓછો થઈ શકશે.

નાહકની ચિંતામાં

એક જૂની વાત છે. એક ગામના એક પીંજારાનો પુત્ર મુંબઈમાં નોકરી માટે આવ્યો. મુંબઈમાં બરાબર સેટ થઈ ગયો, કમાતો થયો એટલે પુત્રએ પિતાને મુંબઈ શહેર જોવા માટે તેડાવ્યા. એ સમય હતો જ્યારે મુંબઈમાં કાપડની મોટી-મોટી મિલો ધમધમતી. જીનિંગ અને સ્પિનિંગ મિલોમાં લાખો ગાંસડી રૂમાંથી કાપડ બનતું. પીંજારાનો પુત્ર પિતાને એક મિલ જોવા લઈ ગયો. મિલમાં જીનિંગ માટે આવેલું હજારો ગાંસડી રૂ પડ્યું હતું. પોતાના ગામમાં રોજ પાંચ-સાત કિલો રૂ  પીંજીને કાંતતો પીંજારો રૂનો આટલો વિશાળ જથ્થો જોઈને બાઘો બની ગયો. તેણે પ્રશ્ન કર્યો કે ‘કાંતશે કોણ?’, ‘પીંજશે કોણ?’ મિલ જોઈને બહાર નીકળ્યા તો પણ એ રટણ ચાલુ જ રહ્યું, ‘કાંતશે કોણ?’, ‘પીંજશે કોણ?’ તેને મનમાં એક જ ચિંતા ઘર કરી ગઈ કે આટલું બધું રૂ કાંતશે કોણ, પીંજશે કોણ? ઘરે ગયા પછી પણ એક જ રટણ ચાલુ રહ્યું, ‘કાંતશે કોણ?’, ‘પીંજશે કોણ?’ મુંબઈમાં બે-ચાર દિવસ રહ્યા ત્યાં સુધી એક જ વાત, ‘કાંતશે કોણ?’, ‘પીંજશે કોણ?’ વાત અહીં પૂરી ન થઈ. મુંબઈથી પોતાના ગામ ગયા પછી પણ એ જ રટણ : ‘કાંતશે કોણ?’, ‘પીંજશે કોણ?’ ગામના લાકોને લાગ્યું કે પીંજારાનું મગજ ફરી ગયું છે. પીંજારાના પુત્રે ગામના એક ડાહ્યા માણસને બધી વાત કહી. પીંજારા પાસે પહોંચીને શાણા માણસે કહ્યું કે ‘હું કાલે જ મુંબઈથી પાછો ફર્યો. મુંબઈમાં હું એક મોટી મિલ જોવા ગયો હતો. મેં જોયું કે એ મિલમાં તો બે દિવસ પહેલાં જ આગ લાગી હતી અને બધું રૂ  બળી ગયું હતું.’ આ વાત સાંભળીને પીંજારાએ કહ્યું, ‘હાશ, હવે ચિંતા ટળી. મને તો એક જ ચિંતા હતી કે આટલું કાંતશે કોણ? પીંજશે કોણ?’

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists kana bantwa