કભી કભી માટે સંગીતકાર ખય્યામ યશ ચોપડાની પહેલી પસંદ નહોતા

01 December, 2019 04:06 PM IST  |  Mumbai | Rajni Mehta

કભી કભી માટે સંગીતકાર ખય્યામ યશ ચોપડાની પહેલી પસંદ નહોતા

ફિલ્મ કભી કભી માટે સંગીતકાર શંકરના હસ્તે ફિલ્મફેર એવોર્ડ સ્વીકારતા ખય્યામ

સામે ચાલીને કામ માગવા જવું સંગીતકાર ખય્યામની ફિતરતમાં નહોતું. આ કારણે લાંબા સમય સુધી તેમના હાથમાં ઝાઝું કામ ન રહેતું. ઘર ચલાવવા માટે તે નાના બૅનરની પણ પોતાને ગમતા વિષયો પરની ફિલ્મો હાથમાં લેતા. ‘આખરી ખત’ પછી તેમની જે ફિલ્મો આવી એ હતી ‘મેરા ભાઈ મેરા દુશ્મન’ (૧૯૬૭), ‘પ્યાસે દિલ’ (૧૯૭૪), ‘સંકલ્પ’ (૧૯૭૪), ‘મુઠ્ઠી ભર ચાવલ’ (૧૯૭૫), ‘સંધ્યા’ (૧૯૭૫) અને ‘કભી કભી’ (૧૯૭૬). આ ફિલ્મના સંગીતે ફરી એક વાર સાબિત કર્યું કે ખય્યામ તેમના હુનરના બાદશાહ છે. એ ફિલ્મ વિષે વાત કરતાં પહેલાં બીજી એક ફિલ્મ ‘રઝિયા સુલતાન’ વિષે વાત કરવી છે જે શરૂ તો થઈ ૧૯૭૪માં, પરંતુ રિલીઝ થઈ છેક ૧૯૮૩માં. આ ફિલ્મના સર્જક કમાલ અમરોહી ખૂબ જ ધીમી ગતિથી કામ કરવા માટે જાણીતા હતા. આ પહેલાંની તેમની ફિલ્મ ‘પાકીઝા’ પણ શરૂઆત થયા પછી લાંબા સમય બાદ રિલીઝ થઈ હતી. બેશક ફિલ્મ દુનિયામાં તેમનું નામ આદરથી લેવાય છે. તેમને યાદ કરતાં ખય્યામ કહે છે.  

 ‘કમાલ અમરોહી માટે મારા દિલમાં એક વિશિષ્ટ સ્થાન છે. ફિલ્મના વિષય માટે જે ઝીણવટથી તેઓ નાનામાં નાની માહિતી ભેગી કરે એ ભાગ્યે જ કોઈ કરી શકે. ખાસ કરીને જો કોઈ ઐતિહાસિક વિષય પર ફિલ્મ બનાવવાની હોય તો રાઇટિંગ, ડિરેક્શન, સ્ક્રીનપ્લે, સંગીત, સેટ્સ, કૉસ્ચ્યુમ આ બધી બાબતોમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. આવા સબ્જેક્ટ પર તેમના જેવી હથોટી ભાગ્યે જ કોઈની પાસે હતી. મારે કહેવું જોઈએ કે તેમની સાથે કામ કરતાં મને જે ક્રીએટિવ  સૅટિસ્ફ‍ેક્શન મળ્યું છે એનો કોઈ હિસાબ નથી. ‘પાકીઝા’ પછી ૧૯૭૪માં કમાલસા’બ રઝિયા સુલતાનની તૈયારી કરતા હતા. આ ફિલ્મ માટે સંગીતની પૂરી જવાબદારી તેમણે મારા પર નાખી દીધી હતી. તેમને માટે આ બહુ મહત્ત્વાકાંશી ફિલ્મ હતી. આ ફિલ્મનું મુરત બહુ ધામધૂમથી  શાનદાર રીતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે મશહૂર ગીતકાર જાંનિસાર અખ્તર ગીતો લખવાના હતા.’

સંગીતપ્રેમીઓને જાંનિસાર અખ્તરની બીજી ઓળખ આપું. આજના જમાનાના ગીતકાર જાવેદ અખ્તરના તે પિતા થાય. અમારી સંસ્થા ‘સંકેત’ના એક કાર્યક્રમમાં અમે જાવેદ અખ્તર, શબાના આઝમી અને શૌકત આઝમીની ઉપસ્થિતિમાં પિતા-પુત્રનાં ગીતોની સંગીતમય રજૂઆત કરી હતી. સંગીતકાર ઓ.પી. નય્યરના તે ફેવરિટ હતા. આ જોડીએ ‘સીઆઇડી’,  ‘નયા અંદાઝ’, ‘બાપ રે બાપ’ અને બીજી ફિલ્મોમાં અનેક હિટ ગીતો આપ્યાં. આ ઉપરાંત તેમના ‘સારી સારી રાત તેરી યાદ  સતાયે, (અજી બસ શુક્રિયા–રોશન), મૈં તુમ્હી સે પૂછતી હૂં, મુઝે તુમસે પ્યાર ક્યૂં હૈ (બ્લૅક કૅટ–એન. દત્તા) નૂરી, નૂરી આ જા રે ઓ મેરે દિલબર આ જા (નૂરી–ખય્યામ) અને બીજાં અનેક ગીતો લોકપ્રિય થયાં હતાં.

કમાલ અમરોહી માટે ખય્યામ આગળ કહે છે, ‘કમાલસા’બની એક ખૂબી હતી. તે ખૂબ સરસ રીતે દરેકને સ્ક્રીનપ્લે અને ગીતની સિચુએશન સમજાવી શકતા. આને લીધે અભિનેતા હોય કે પછી ટેક્નિશ્યન હોય કે પછી સંગીતકાર હોય, ફિલ્મ સાથે સંકળાયેલા સૌને માટે કામ એકદમ આસાન બની જતું. આ  કારણે એક સંપૂર્ણ દૃશ્ય અમારી આંખ સામે આવી જતું. કઈ રીતે પડદા પર આ દૃશ્ય દેખાશે એનો અણસાર અમને આવી જતો. જ્યારે આટલી ક્લૅરિટી હોય ત્યાર બાદ કોઈ પણ સિચુએશન માટે ગીત કમ્પોઝ કરવું સહેલું થઈ જાય છે. તમે નોટિસ કર્યું હશે કે અય દિલે નાદાં આરઝૂ ક્યા હૈ, જુત્સજુ ક્યા હૈ, આ ગીતમાં એક પંક્તિ આવે છે,  ‘યે ઝમીં ચુપ હૈ, આસમાં ચુપ હૈ.’ અહીં જે ચુપકીદીની અનુભૂતિ કરાવી છે એની દરેકે પ્રશંસા કરી છે. હકીકતમાં આ મારી કમાલ નથી પરંતુ કમાલસા’બની કમાલ છે. મને ખબર હતી કે આ ગીતનું પિક્ચરાઇઝેશન કેવી રીતે થવાનું છે એટલે મારે સંગીતમાં આ ગૅપ રાખવા પડ્યા. જ્યારે આ ગીતનું રેકૉર્ડિંગ પૂરું થયું ત્યારે થોડી ક્ષણો માટે એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. આ ગીત આટલી અસર ઊભી કરશે એની અમને કોઈ કલ્પના નહોતી.’

હું ખય્યામની વાતો સાંભળતો હતો અને મનમાં આ ગીતની ધૂન ગુંજતી હતી. આ ગીત અનેક સંગીતપ્રેમીઓની સાથે ખુદ લતા મંગેશકરને પણ અત્યંત પ્રિય છે. આ ગીતની પંક્તિમાં જે પોઝ (pause) આવે છે એ સમયે મૌન બોલતું હોય છે. શબ્દો તો અર્થને સીમિત બનાવી દેતા હોય છે, જ્યારે મૌન શબ્દને સભરતા આપે છે. સંગીતમાં આવા દરેક પોઝ મીનિંગફુલ હોય છે એટલે તો કહેવાય છે કે When words fail, music speaks. 

એક દૃષ્ટાંત કથા યાદ આવે છે. એક સમયે પૃથ્વીના માનવીઓમાં જિજ્ઞાસા થઈ કે આપણા ગ્રહ સિવાય બીજા ગ્રહોમાં જીવન શક્ય હશે? ત્યાં પણ આપણા જેવા મનુષ્યો જીવતા હશે? એની ખબર કઈ રીતે પડે? થોડા શાણા માણસોએ એક ઉપાય શોધ્યો. એમ નક્કી થયું કે એક નિર્ધારિત સમયે સમસ્ત માનવજાત એકી સાથે ઓમકારનો નાદ લગાવશે. શક્ય છે આટલો પ્રચંડ અવાજ સાંભળી બીજા ગ્રહમાં રહેતા જીવો એનો પ્રતિસાદ આપે તો માનવું કે ત્યાં પણ આપણા જેવી વસાહત હશે.

અને એક સમય નક્કી થયો જ્યારે સૌએ ઓમકારનો નાદ કરવો. પરંતુ કહેવત છેને કે ‘સો શાણા પણ અક્કલ એક.’ દરેકે વિચાર્યું કે પૂરી દુનિયાના લોકોનો ઓમકાર સાંભળવાનો આવો મોકો ક્યારે મળશે? એટલે હું મૌન પાળીને ધ્યાનથી એ પ્રચંડ નાદ સાંભળીશ. મારા એકનો અવાજ હોય કે ન હોય, શું ફેર પડવાનો છે? બન્યું એવું કે જે સમયે ઓમકારનો નાદ થવાનો હતો એ સમયે દુનિયામાં મૌનની જે ચાદર પથરાઈ ગઈ એ અનુભૂતિ આજ સુધી કોઈએ નહોતી કરી. એ  શાંતિએ દુનિયાને મૌનની ભાષાનો પરમ આવિષ્કાર કરાવ્યો.

 ફરી પાછા આપણે ‘અય દિલે નાદાં’ ગીત પર આવીએ. આ ગીત રેકૉર્ડ થયા બાદ એક એવી ઘટના બની જે વિષે વાત કરતાં ખય્યામ એકદમ રોમાંચિત થઈ જાય છે.

‘એક વાર રાતે બે વાગ્યે મારી ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો જયા બચ્ચન ઊભાં હતાં.  મને કહે, ‘આ ગીત વિષે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વાતો થાય છે. અમિતજીની બહુ ઇચ્છા છે કે એક વાર આ ગીત સાંભળવું છે. તેમને માટે જો આ ગીતનું  ટેપ-રેકૉર્ડિંગ આપી શકો તો મોટી મહેરબાની થશે.’ મેં કહ્યું કે ઓરિજિનલ રેકા‌ૅર્ડિંગ તો કમાલસા’બ પાસે છે. આવતી કાલે તેમની પાસેથી લઈને હું તમારા ઘેર મોકલાવી આપીશ, પરંતુ આ માટે મારે તેમની પરમિશન લેવી પડશે. મને ખાતરી છે કે તેઓ ના નહીં પાડે. બીજા દિવસે તેમની રજા લઈ મેં ટેપ અમિતજીના ઘેર મોકલાવી આપી. થોડા દિવસ પછી તેમનો ફોન આવ્યો કે જ્યારે-જ્યારે મને સમય મળે છે ત્યારે હું આ ગીત એક નહીં અનેક વાર સાંભળું છું. લાંબા સમય બાદ આવું અસરદાર ગીત સાંભળવા મળ્યું છે.’

ખય્યામ સાથેની મારી મુલાકાતોમાં મને અનેક એવી વાત જાણવા મળી જે હું પહેલી વાર સાંભળી રહ્યો હતો. તેમની સફળતાની સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ ફિલ્મ ‘કભી કભી’થી. આ ફિલ્મ તેમને કેવી રીતે, કયા સંજોગોમાં મળી એ યાદ કરતાં ખય્યામ કહે છે,                                                                                                  ‘એક દિવસ મોડી રાતે હું રઝિયા સુલતાનનું રેકા‌ૅર્ડિંગ પતાવીને ઘેર પહોંચ્યો તો જોયું કે    બિલ્ડિંગની નીચે જ સાહિર લુધિયાનવી અને યશ ચોપડા મારી રાહ જોઈને ઊભા હતા. મને નવાઈ લાગી. સાહિર કહે, ‘કબ સે આપ કી રાહ દેખ રહે હૈં.’ અમે ઉપર મારા ફ્લૅટમાં આવ્યા. સાહિર કહે, ‘મારી એક કવિતાના આધારે યશજીએ એક અદ્ભુત લવ સ્ટોરી બનાવી છે. આ સ્ટોરી પરથી જે ફિલ્મ બનશે એમાં સંગીત ખૂબ જ મહત્ત્વનું પાસું રહેવાનું છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. શેરોશાયરી અને રોમૅન્સથી ભરપૂર આ મેગા પ્રોજેક્ટને તમારા જેવા કાબેલ સંગીતકાર જ પૂરતો ન્યાય આપી શકે. પ્લીઝ તમે ના નહીં પાડતા.’

તેમની વાત મેં શાંતિથી સાંભળી, પણ કોણ જાણે કેમ યશજીના ચહેરા પરના હાવભાવ જોઈ મને લાગતું હતું કે તે આ બાબત ૧૦૦ ટકા સંમત નહોતા. એનું કારણ સમજી શકાય એમ હતું. મને ખબર હતી કે તેમના જેવા મોટા પ્રોડ્યુસર પર અનેક લોકોનો પ્રભાવ હોય. બીજું કારણ એ પણ હતું કે ભલે મારાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં હતાં, પરંતુ એ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત હિટ નહોતી થઈ. એટલે જો સંગીતનો દારોમદાર મારી પાસે હોય તો આ ફિલ્મ હિટ થાય એવા ચાન્સિસ બહુ ઓછા હતા. મને લાગ્યું કે સા‌િહરસા’બના આગ્રહ સામે તે મજબૂર હતા. તેમણે યશજીને કહ્યું કે આ બાબત વધારે વિચાર કરવાની જરૂર નથી, કારણ કે મારી શાયરીને જો પૂરી સમજદારીથી નિભાવી શકે એવી કોઈ એક વ્યક્તિ હોય તો તે કેવળ ખય્યામ છે.’

એક આડવાત. સંગીતકાર ચિત્રગુપ્તના પુત્રો આનંદ-મિલિંદ સાથેની મારી વાતચીતમાં તેમણે ફિલ્મ ‘કભી કભી’ વિષે વાત કરતાં કહ્યું હતું કે યશ ચોપડા પાપા (ચિત્રગુપ્ત) પાસે આ ફિલ્મની ઑફર લઈને આવ્યા હતા. સાહિરસા’બ અને પાપાની જોડીએ ‘વાસના’માં સાથે કામ કર્યું હતું અને એનું સંગીત લોકપ્રિય થયું હતું. જોકે પાપાએ યશજીનો આભાર માનતાં વિનમ્રતાથી આ ફિલ્મનો અસ્વીકાર કરતાં કહ્યું કે આવા રોમૅન્ટિક સબ્જેક્ટ માટે ખય્યામ જ યોગ્ય સંગીતકાર છે.

એ રાતની વાતને આગળ વધારતાં ખય્યામ કહે છે, ‘સાહિરસા’બ પોતાની કવિતા લઈને આવ્યા હતા. એ વાંચીને મેં હાર્મોનિયમ હાથમાં લીધું અને ઈશ્વરની કૃપા એવી હતી કે પાંચ મિનિટમાં એની ધૂન બની ગઈ. હું અને જગજિત ગાતાં હતાં, ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ કે જૈસે તુઝકો બનાયા ગયા હૈ મેરે લિએ’ અને વાતાવરણ રોમૅન્ટિક થઈ ગયું. યશજી પણ સાથે-સાથે ગીત ગણગણવા લાગ્યા. જોકે હજી તે અવઢવમાં હતા કે શું કરવું. પરંતુ સાહિરસા’બના આગ્રહ આગળ યશજીનું કંઈ ન ચાલ્યું. આ તરફ સાહિરસા’બનો મારા પર એટલો ભરોસો હતો કે હા પાડવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આજે મને લાગે છે કે સાહિરસા’બની અદ્ભુત શાયરી, યશજીની આગવી શૈલીનું ડિરેક્શન અને આ બન્નેથી ઇન્સ્પાયર થયેલું મારું સંગીત જો ન હોત તો ‘કભી કભી’ સુપરડુપર હિટ ન થઈ હોત. દરેક ચીજનો જે સુભગ સમન્વય થયો એના કારણે જ આ ફિલ્મ યાદગાર બની. મારા જીવનનો પહેલો ફિલ્મફેર અવૉર્ડ મને ‘કભી કભી’ માટે મળ્યો એ કેમ ભુલાય?’

આ પણ વાંચો : આર્થિક વિકાસદર છ વર્ષના તળિયે, શૅરબજાર વિક્રમી સપાટીએ : આવી વિસંગતતા શા માટે?

આ ફિલ્મ બે જનરેશનની સ્ટોરી છે. યુવાન જનરેશન માટે મેં કિશોરદાનું પ્લેબૅક પસંદ કર્યું. જોકે અમિતજી માટે કોનું પ્લેબૅક લેવું એ વિશે હું વિચારમાં હતો. તેમનો જન્મજાત ધીરગંભીર અવાજ છે એને મૅચ થાય એવો અવાજ મારે જોઈતો હતો. એ માટે મેં મુકેશજીને પસંદ કર્યા. ત્યાં સુધી અમિતજી માટે કદી મુકેશજીનું પ્લેબૅક લેવાયું નહોતું. પણ મને ખાતરી હતી કે આ કૉમ્બિનેશન એક અલગ ઇફેક્ટ ઊભી કરશે. આટલાં વર્ષો પછી આજે પણ ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ એટલું જ લોકપ્રિય છે. અમિતજીનાં ૬૦ વર્ષની ઉજવણી વખતે પ્રકાશિત થયેલા ખાલ િદ મોહમ્મદના પુસ્તક ‘To be or not To be’માં આ સદાબહાર ગીત વિષે અમિતજીએ જે લખ્યું છે એ આજે પણ એટલું જ સાચું છે, ‘આ ગીતની ધૂન એટલી સુરીલી છે કે ત્રીસ વર્ષ બાદ પણ એ મારા દિલોદિમાગમાં ગુંજ્યા કરે છે. સાહિર લુધિયાનવી અને યશ ચોપડાનો તાલમેલ અનોખો હતો. નજાકતથી ભરપૂર શાયરી અને કાશ્મીરનાં નયનરમ્ય દૃશ્યોનું ફિલ્માંકન, આ બેમાં ખય્યામના સંગીતના ગ્રેસ અને રિધમ એટલે જાણે સોનામાં સુગંધ ભળી હોય એવો અહેસાસ થાય છે.’ 

columnists weekend guide