આર્થિક વિકાસદર છ વર્ષના તળિયે, શૅરબજાર વિક્રમી સપાટીએ : આવી વિસંગતતા શા માટે?

Published: Dec 01, 2019, 15:58 IST | Sushma B Shah | Mumbai

ભારતીય અર્થતંત્રમાં અત્યારે અસંગત પરિબળોનું રાજ છે. કેટલાક અંશે આવાં અસંગત પરિબળો વૈશ્વિક નાણાબજારમાં પણ જોવા મળી રહ્યાં છે.

દલાલ સ્ટ્રીટ
દલાલ સ્ટ્રીટ

ભારતીય અર્થતંત્રમાં અત્યારે અસંગત પરિબળોનું રાજ છે. કેટલાક અંશે આવાં અસંગત પરિબળો વૈશ્વિક નાણાબજારમાં પણ જોવા મળી રહ્યાં છે. એક તરફ વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ આગળ ધપી રહ્યું છે કે વૈશ્વિક વિકાસ ધીમો પડી રહ્યો હોવાની આગાહી થઈ રહી છે તો બીજી તરફ અમેરિકા, ભારત, યુરોપ અને જપાનના શૅરબજાર નવા વિક્રમ સર કરી રહ્યા છે. શૅરબજારને કેટલાક અભ્યાસુઓ અર્થતંત્રની પારાશીશી કહે છે, પરંતુ અત્યારે મંદી હોવા છતાં શૅરબજાર વધી રહ્યાં છે, જીડીપી ઘટી રહી હોય, અર્થતંત્ર ધીમું પડી રહ્યું હોય તો તેનું બેરોમીટર કેવી રીતે તેજીમાં હોઈ શકે?

અસંગત કે વિસંગત જેવી લાગતી આ બાબત સમજવી સરળ છે. આ પહેલાં થોડી ચર્ચા વર્તમાન આર્થિક વિકાસ અંને તેની નબળાઈઓની કરી લઈએ.

વર્તમાન આર્થિક મંદી આવી કેવી રીતે?

વધારે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા પહેલાં આપણે દેશની આર્થિક સ્થિતિની હાલત સમજીએ. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રણ મહિનામાં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કે આર્થિક વિકાસદર છ વર્ષમાં સૌથી નીચો પાંચ ટકા રહ્યો હતો જે બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં વધુ ઘટી ૪.૫ ટકા રહ્યો હોવાના સત્તાવાર આંકડા જાહેર થયા છે. આર્થિક વિકાસ નબળો પડી રહ્યો હોવાનાં કારણો છે કે માગ નથી, મૂડીરોકાણ નથી અને ઉત્પાદન ક્ષેત્ર નબળું પડી રહ્યું છે. આ વિષચક્ર જેવી સ્થિતિ છે. ગ્રાહકો પાસે નાણાં ખૂટી રહ્યાં છે, રોજગારી ઘટી રહી છે અને ગ્રામીણ ભારતની હાલત ખરાબ હોવાથી ગ્રાહકો ખરીદી કરતાં અટકી ગયા છે. ઘટેલી માગના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઝમાં ક્ષમતા ફાજલ પડી છે એટલે તેઓ નવું મૂડીરોકાણ કરી રહ્યા નથી. સરકારે સપ્ટેમ્બરના અંતે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરી નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન ચોક્સ્સ આપ્યું છે, પણ ગ્રાહકો જો બજારમાં ખરીદી કરવા નહીં નીકળે તો માગ પણ નહીં વધે અને નવું મૂડીરોકાણ પણ નહીં.

દેશનો આર્થિક વિકાસ અને નાણાકીય વ્યવસ્થાનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે છેલ્લાં પાંચ વર્ષનો ગ્રાહકોનો વપરાશ દેવું કરી, વધુને વધુ લોન મેળવી કરેલા ખર્ચને આધારિત હતો. અત્યારે વ્યાજના દર ઓછા છે, લોન સસ્તી મળે છે પણ લોકોની ખરીદ કરવાની શક્તિ, લોન લેવાની શક્તિ ઘટી રહી હોવાના કારણે ઊભી થઈ છે. વધુને વધુ દેવું ભારતીય અર્થતંત્રને ધીમું પાડી રહ્યું છે.

વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાનના પાંચ વર્ષમાં ભારતની માથાદીઠ આવક ૪૩,૬૦૪ રૂપિયાથી વધી ૭૯,૧૧૮ રૂપિયા થઈ હતી. આ વધારો ૮૧ ટકા કે ૩૫,૫૧૪ રૂપિયાનો હતો. હવે ૨૦૧૪થી ૨૦૧૮ દરમ્યાન માથાદીઠ આવક ૪૫ ટકા વધી ૧,૧૪,૯૫૮ રૂપિયા થઈ હતી અને આ વખતે વધારો ૩૫,૮૪૦નો હતો. સીધા શબ્દોમાં કહીએ તો ૨૦૦૯ અને ૨૦૧૪ના સમયગાળા સામે ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળામાં દેશનો આર્થિક વિકાસ ધીમો પડ્યો અને તેની સાથે પ્રજાની માથાદીઠ આવક પણ લગભગ સ્થિર થઈ ગઈ છે.

વ્યક્તિગત ધિરાણ વર્ષોથી ભારતમાં ચાલતું આવે છે. લોકો મકાન ખરીદવા, વાહન ખરીદવા, ઘરવખરી વસાવવા માટે લોન લેતા હોય છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાન દેશમાં બૅન્કોએ આપેલી વ્યક્તિગત લોન (પર્સનલ લોન) કુલ ૮૬ ટકા વધી ૧૦,૩૬,૫૨૩ કરોડ રૂપિયા હતી. આ સમયગાળામાં કુલ ૪,૮૦,૧૩૦ કરોડ રૂપિયાની વધારાની લોન ગ્રાહકોને મળી. એટલે કે દેશની પ્રજાએ આટલું દેવું કરી ઘર, જમીન, દુકાન, વાહન કે રાચરચીલું વસાવ્યું. આના પછીના પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે બૅન્કોની પર્સનલ લોન ૧૧૭ ટકા વધી ૨૨,૫૩,૮૪૩ કરોડ રૂપિયાની થઈ એટલે કે એ પાંચ વર્ષમાં કુલ ૧૨,૧૭,૩૨૦ કરોડ રૂપિયાનું નવું દેવું પ્રજાએ કર્યું. પ્રજાએ જે બમણાથી વધારે રકમ બજારમાંથી ઉપાડી તેમાં સૌથી મોટો હિસ્સો ક્રેડિટ કાર્ડ અને વ્હીકલ માટે લેવામાં આવેલી લોનનો છે. એટલે કે મિલકત ખરીદવા માટે નહીં પણ મોજશોખ માટે તેનો ઉપયોગ થયો છે.

એક તરફ લોકો દેવું કરી રહ્યા હતા અને બીજી તરફ આવક વધી રહી નહોતી ત્યારે નોટબંધી આવી. ડિજિટલ વ્યવહાર ચોક્કસ વધી ગયા છે, પણ આ વ્યવહાર વધે એ પહેલાં એણે ગ્રામીણ અર્થતંત્રની કમર ભાંગી નાખી છે. ગ્રાહક ભાવાંક અને જથ્થાબંધ ભાવાંકના આંકડાઓમાં ખાદ્ય ચીજોના ભાવ ડિસેમ્બર ૨૦૧૬થી ઑગસ્ટ ૨૦૧૯ સુધી સતત ઘટેલા રહ્યા. આ દર્શાવે છે કે ખેડૂતોને તેમના ઉત્પાદનનું પૂરતું વળતર મળ્યું નથી. એટલે ગ્રામ્ય અર્થતંત્ર પણ ધીમું પડી ગયું અને તેની અસર એકંદરે જીડીપી ઉપર પડી. ખેડૂતોની હાલત સારી જ છે એવી દલીલ કરનારાએ ખાસ વાંચવું કે ફેબ્રુઆરી ૨૦૧૯ના વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકારે દરેક ખેડૂતને વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવાની સ્કીમ જાહેર કરવી પડી હતી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં સ્થાનિક સરકારે દેવાં માફીની સ્કીમ લાવવી પડી હતી.

currency

નાણાપ્રવાહની બજાર ઉપર કેવી અસર થાય?

વ્યાજનો દર ઘટી રહ્યો છે. ફુગાવો નીચો છે અને આર્થિક વિકાસદર ઘટી રહ્યો છે એટલે વિશ્વની સેન્ટ્રલ બૅન્ક્સ–ફેડરલ રિઝર્વ, પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સતત વ્યાજનો દર ઘટાડી રહી છે. ભારતમાં વ્યાજનો દર આ વર્ષે જ ૧.૩૫ ટકા જેટલો રિઝર્વ બૅન્કે ઘટાડ્યો છે. અત્યારે જે વ્યાજના દર (થાપણ અને ધિરાણ ઉપર) ચાલી રહ્યા છે તે એક દાયકામાં સૌથી નીચા છે.

વ્યાજ એટલે સરળ ભાષામાં નાણાંની કિંમત કે ભાવ. હળવા વ્યાજદરની નીતિમાં બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. વ્યાજદર ઘટતો હોવાથી લોકોની ખરીદશક્તિ વધે છે અથવા ખરીદ કરવાની ઇચ્છા પણ વધે છે. બીજી તરફ બાંધી મુદ્દતની બચત (ફિક્સ્ડ ડિપોઝિટ) ફુગાવો અને જીવનધોરણ સામે ઓછું વળતર આપે છે એટલે લોકો થોડું જોખમ લઈ વધારે વળતર મેળવવા માટે અન્ય અસ્કયામતોમાં રોકાણ કરવાનું શરૂ કરે છે.

નીચા વ્યાજદરથી લોકો જોખમ ઉઠાવવા પ્રેરાય છે. આ જોખમ રોકાણ સ્વરૂપે હોઈ શકે, ખરીદી કે માગના રૂપમાં કે બિઝનેસ ચલાવનાર માટે મૂડીરોકાણ તરીકે પણ હોઈ શકે. વર્તમાન બિઝનેસ માટે હળવો વ્યાજદર મૂડી સસ્તી કરતો હોવાથી તેની નફાશક્તિ વધારે છે અથવા તો ગ્રાહકને આકર્ષવા માટે તે વધારે આકર્ષક સ્કીમ સાથે સ્પર્ધામાં ઊતરે છે.

દેશના મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી શૅરમાં રોકાણ થઈ શકે તેવી અસ્કયામતો ઑક્ટોબર ૨૦૧૬થી ઑક્ટોબર ૨૦૧૯ વચ્ચે ૩,૨૨,૭૨૭ કરોડ રૂપિયા વધી છે. સેબીના આંકડા અનુસાર આ સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડે કુલ ૩,૧૪,૯૫૨ કરોડ રૂપિયાનું રોકાણ શૅરબજારમાં કર્યું છે. એટલે કે રોકાણકારો જોખમ લેવા તૈયાર છે અને વધુને વધુ રકમ મ્યુચ્યુઅલ ફન્ડને આપી રહ્યા છે અને તે શૅરબજારમાં રોકી રહ્યા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સતત ચાર મહિના સુધી વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં શૅર વેચ્યા હોવા છતાં સ્થાનિક ખરીદીના કારણે બજારમાં તેજીનો અન્ડરટોન જોવા મળી રહ્યો હતો અને આજે બજાર વિક્રમી સપાટીએ છે.

તો શૅરબજાર કેમ વધે?

દેશની ટોચની ૩૦ કંપનીઓના માપદંડ એવા સેન્સેક્સ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આવી ૫૦ કંપનીઓનું માપદંડ એવા નિફ્ટી ઇન્ડેક્સ ઐતિહાસિક ઊંચી સપાટી સર કરવામાં આ સપ્તાહ દરમ્યાન સફળ થયા છે. સમગ્ર શૅરબજાર નહીં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સ્મોલ કૅપ ઇન્ડેક્સ જાન્યુઆરી ૨૦૧૮માં વિક્રમી સપાટીએ પહોંચેલો જે શુકવારના બંધ સ્તરે ૩૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. અહીં મિડ કૅપ ઇન્ડેક્સ જાન્યુઆરી ૨૦૧૮ના વિક્રમી સ્તરથી હજુ ૧૮ ટકા નીચો છે. એટલે એવું માની લેવાને કોઈ કારણ નથી કે સમગ્ર બજારમાં તેજી છે, દરેક શૅર વધી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકાર માત્ર એવી જ કંપનીઓ પસંદ કરી રહ્યા છે જે સદ્ધર હોય, જેનું મૅનેજમેન્ટ પ્રભાવશાળી હોય, જેની કમાણી અને નફો અન્ય કરતાં વધારે ઝડપથી વિકસી રહ્યો હોય અથવા વધવાની આશા હોય.

ભલે ગ્રાહકોની ખરીદી ઘટી, ભલે સિમેન્ટ, સ્ટીલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિકાસ ધીમો પડ્યો પણ કંપનીઓની કમાણી અટકી નથી. એમનો વૃદ્ધિદર ધીમો પડ્યો છે. ખોટ નથી થઈ રહી પણ તેમની આવક રળવાની ક્ષમતા ઘટી છે. એટલે જે કંપની ઉદાહરણ તરીકે વર્ષે ૧૦ ટકાનો નફાવૃદ્ધિ દર ધરાવતી હતી તે કંપની હવે ૭ ટકાથી પોતાનો નફો વિસ્તારી રહી છે. નબળી કંપનીઓ, દેવાંના ડુંગર તળે દટાયેલી કંપનીઓ, જે કંપનીમાં ફ્રોડ થયા છે, જેમણે રોકાણકારો અને બૅન્કો સાથે વિશ્વાસઘાત કર્યો છે તેવી કંપનીઓના ભાવ તો આજે વિક્રમી સ્તરે પણ સતત ઘટી રહ્યા છે. તો શૅરના ભાવમાં વધારો કે ઘટાડો શેને આધારે થાય? આ પ્રશ્નનો સરળ જવાબ છે – અપેક્ષાઓ અને આશાઓ.

કંપનીઓના શૅરમાં વધઘટ ભૂતકાળમાં કંપનીની કામગીરીના આધારે નહીં, કંપનીએ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કેટલી આવક રળી, કેટલો નફો રળ્યો એ નહીં પણ ભવિષ્યમાં કંપની કેટલું કમાશે તેના આધારે થાય છે. ભૂતકાળની કામગીરીમાં અચાનક જ ધારણા કરતાં બહુ વધારે નફો થઈ જાય તો ભાવ વધે પણ જો બહુ મોટી ખોટ કે નબળી કામગીરી થાય તો ભાવ ઘટી પણ શકે છે. એટલે અત્યારે બજારમાં એવી આશા છે કે ભારતીય અર્થતંત્ર વર્તમાન ઢીલાશથી બહુ ઝડપથી બહાર આવી જશે. જેવું અર્થતંત્ર વેગ પકડી લેશે એટલે તરત જ કંપનીઓની કામગીરી પણ સુધરી જશે અને એટલે તેમાં ખરીદી જોવા મળી રહી છે.

સાવ સરળ શબ્દોમાં સમાપન કરીએ તો આર્થિક ગતિવિધિઓ ચોક્કસપણે ઘટી છે. દેશનું અર્થતંત્ર ફરી ધમધમતું થાય એ માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક સતત પગલાં લઈ રહી છે. રિઝર્વ બૅન્કે વ્યાજના દર ઘટાડ્યા છે અને હજુ ઘટાડશે એવી આશા છે. હળવા વ્યાજદર નાણાં પ્રવાહિતા વધારે છે અને લોકો પોતાની મૂડીની રક્ષા કરવા માટે જોખમ લેવા મજબૂર બને છે. અર્થતંત્રની મંદી દૂર થશે એટલે સદ્ધર, નાણાકીય ક્ષમતા અને કાર્યક્ષમતા સારી હોય એવી કંપનીઓની કમાણી વધશે એવી આશા છે અને એટલે જ એ પસંદગીની કંપનીઓના સહારે શૅરબજાર પણ વધી રહ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK