‘વાગલે કી દુનિયા’ કેવી રીતે બધા માટે ચૅલેન્જિંગ છે?

10 November, 2022 05:01 PM IST  |  Mumbai | JD Majethia

વર્લ્ડમાં આ ફૉર્મેટ પર હવે ક્યાંય કામ નથી થતું, કારણ કે આ ફૉર્મેટ બહુ ચૅલેન્જિંગ છે. એમાં કાસ્ટ કરતાં પણ ક્રૂ અને ક્રીએટિવ ટીમ વધી જાય અને બધાનું કામ પણ ખૂબ વધી જાય. આ જ કારણે દુનિયામાં અત્યારે ‘વાગલે કી દુનિયા’ જેવો શો બીજો કોઈ નથી

વિશ્વમાં આ પ્રકારના એકમાત્ર ફૉર્મેટથી ચાલતા શોના ૫૦૦ એપિસોડ પૂરા થાય તો એનું સેલિબ્રેશન બને જ.

એક સીનનું શૂટ ચાલતું હોય ત્યાં બીજી વાર્તાનો સીન આવી જાય. આવું બને એટલે ડિરેક્ટર માટે કામ અઘરું થઈ જાય. તેણે એપિસોડ વાંચ્યો ન હોય એટલે એની રિધમ તેણે એવી રીતે સેટ કરવાની કે ઑડિયન્સને પણ ઝાટકો ન લાગે.

આપણે વાત કરીએ છીએ ‘વાગલે કી દુનિયા’ના ૫૦૦ એપિસોડ પૂરા થયા એ વિષય પર અને આ જરા પણ નાનીસૂની વાત નથી. આ ૫૦૦ એપિસોડમાં અમે મિનિમમ સાડાત્રણસો સ્ટોરી વાપરી છે. આ વાર્તાઓ આપણી જ રોજબરોજની લાઇફ સાથે જોડાયેલી કે પછી આપણા જીવનમાં બનતા પ્રસંગો પર જ આધારિત રહી છે. અત્યારે આ ફૉર્મેટ પર દુનિયામાં ક્યાંય શો નથી થતા. નાની-નાની સ્ટોરીઓ શોધવાનું કામ બહુ અઘરું છે અને એના માટે ખરેખર બહુ જહેમત ઉઠાવવી પડે છે.

‘વાગલે કી દુનિયા’નું ફૉર્મેટ આખી દુનિયામાં સૌથી અલગ કેમ છે એ તમને સમજાવું. 

ખૂબબધા લેખકો આ શો લખે છે. આનું ફૉર્મેટ એવું છે કે તમે ક્યારેય એ જુઓ તો તમને તરત જ લિન્ક બંધાઈ જાય અને તરત જ તમે એ શોમાં ઓતપ્રોત થઈ જાઓ. આગળ શું બન્યું હતું અને કેવું બન્યું હતું એ ચિંતા તમારે કરવી ન પડે, કારણ કે નાની વાર્તાઓ. કૅરૅક્ટર એ જ, દુનિયા એ જ; પણ પ્રશ્નો દર વખતે બદલાઈ જાય. તમે કહી શકો કે ‘વાગલે કી દુનિયા’ વાર્તાઓનો સંગ્રહ છે, વાર્તાઓનો શો છે. 

એક મિડલ ક્લાસ ફૅમિલી, કહો કે અમારે એ જ જૂની વાગલે ફૅમિલી ઊભી કરવી હતી અને દેખાડવું હતું કે આજની તારીખમાં મિડલ ક્લાસ પરિવાર કેવી રીતે જીવે છે. એક વાત યાદ રાખજો અને સાચી રીતે આ મિડલ ક્લાસ ફૅમિલીની વ્યાખ્યા સમજજો.

આપણા બધાનો ખાલી ફાઇનૅન્શિયલ પ્રોગ્રેસ થયો છે એટલે પૈસાવાળા થઈ ગયા, પણ એનો અર્થ એવો નથી કે આપણે મિડલ ક્લાસ નથી. ઘણી વાર આપણે આર્થિક રીતે અપર મિડલ ક્લાસ કે પછી અપર ક્લાસમાં આવી જઈએ, પણ એમ છતાં માનસિક રીતે તો આપણે મિડલ ક્લાસ જ હોઈએ છીએ. તમે મને પૂછો તો હું કહીશ કે હું માનસિક રીતે મિડલ ક્લાસ જ છું. આ મિડલ ક્લાસ ફૅમિલીની જે વૅલ્યુઝ છે, મોરાલ્સ છે, તેમની જે રહેણીકરણી છે એ જ જીવન જીવવાની મજા આપે છે, કારણ કે એમાં સતત ચૅલેન્જિસ હોય છે અને એ ચૅલેન્જિસમાંથી તમે હંમેશાં પાર પડતા હો છો એટલે તમે તમારી અંદરથી એવું વ્યક્તિત્વ બહાર લાવો છો જે સતત કાર્યરત રહેશે અને એની એક અલગ જ મજા છે. હું તો એમ કહું છું કે આ જે દુનિયા છે એ આપણને લાઇવલી રાખે છે અને એ જ વાત હતી જે ‘વાગલે કી દુનિયા’માં અમારે બહાર લાવવી હતી અને એ આવી છે અને લોકોએ દરેકેદરેક એપિસોડ સાથે એને ખૂબ જ કનેક્ટ કરી છે, માણી છે. તમારી વાત હોય તો સ્વાભાવિક રીતે તમે એની સાથે કનેક્ટ થઈ જાઓ અને એવું જ બનતું રહ્યું છે. આ કનેક્શન તમારે કારણે આવ્યું અને એ કનેક્શનને લીધે જ આજે આ શો આ ઊંચાઈ પર પહોંચ્યો છે. તમે માનશો નહીં, પણ જ્યારે શો ડિઝાઇન થતો હતો ત્યારે બધાને એમ હતું કે આ શો ૨૦૦ એપિસોડ કરે તો પણ બહુ છે, પણ એને બદલે ૫૦૦ એપિસોડ અને મેં કહ્યું એમ, હજી બીજા ૫૦૦ એપિસોડની એની ક્ષમતા છે. આ તમારી જીત છે અને તમારી જ આ જીતે જ, તમારી જ આ જીદે મને લેખક બનાવવાનું કામ પણ કર્યું. એ કામ કેવી રીતે થયું એની વાત આપણે પછી કરીશું, પહેલાં વાત કરીએ શરૂઆતની.

શોની શરૂઆત મારા મિત્ર, મારા ધંધાકીય ભાગીદાર આતિશ કાપડિયાએ કરી. તેણે અમુક પાત્રો બનાવ્યાં, એપિસોડ બનાવ્યા અને આખી ટીમ ભેગી કરી. આતિશે શોધેલી ટીમે અમને ખૂબ સારી-સારી વાર્તા આપી. એ ટીમમાં કોણ-કોણ છે એમનાં નામ હું અત્યારે નથી લેવા માગતો, કારણ કે જો હું એકાદનું નામ ભૂલી જઈશ તો તે બિચારાને હર્ટ થાય અને મારે એવું નથી કરવું; પણ હા, આ શોમાં ઘણા લેખકોનાં યોગદાન છે. લેખકોમાં પણ એવું બન્યું કે શો શરૂ થયો ત્યારે ટીમ જુદી હતી. એ પછી લેખકો બદલાતા રહ્યા અને નવા લેખકો ઉમેરાયા અને લેખકોનું બોર્ડ મોટું થતું ગયું જેમ જેની પાસે વાર્તા આવે તે આપે અને અમે લોકો તેની વાર્તા જોઈને પછી નક્કી કરીએ કે આમાં પાત્રો સાથે કેવી રીતે વાર્તા આગળ જશે. વાર્તા પસંદ થયા પછી એનો સ્ક્રીનપ્લે થાય અને એ પછી ડાયલૉગ્સ લખાય. ઘણી વાર તો એવું પણ બન્યું છે કે વાર્તા કોઈની હોય, એનો સ્ક્રીનપ્લે કોઈ બીજો કરે અને ડાયલૉગ્સ કોઈ ત્રીજો જ કરે. ફૉરેનમાં જેમ એક શો પર ખૂબબધા લેખકો કામ કરતા હોય એ જ ફૉર્મેટથી આ શો ડિઝાઇન થયો અને આગળ વધતો રહ્યો. મારે કહેવું છે કે હિન્દુસ્તાનમાં પહેલી વાર આ રીતે કામ થયું છે અને આ રીતે કામ કરવું અઘરું પણ છે, કારણ કે મહિનામાં ૨૬ એપિસોડ ટેલિકાસ્ટ થાય અને રોજ આવી રીતે એક એપિસોડ તૈયાર કરવાનો. તમે વિચાર કરો કે શોમાં આર્ટિસ્ટ હોય એના કરતાં ક્રીએટિવ ટીમ મોટી થઈ જાય અને એમાં બધાને ન્યાય મળતો રહે એ પણ જોવાનું અને એ પણ ધ્યાન રાખવાનું કે ટીમ પણ આખા શો દરમ્યાન કમ્ફર્ટેબલ રહે.

શરૂઆતમાં તો એક એપિસોડમાં એક જ વાર્તા લેતા હતા એટલે શૂટ કરતાં-કરતાં ઘણી વાર ટાઇમ-લેન્ગ્થ પૂરી થઈ જાય તો તમારે એપિસોડ ફરીથી કાપી નાખવો પડે. એ કાપી નાખો એટલે તમને આર્થિક નુકસાની થાય અને એ પછી પણ તમારે એ કામ હસતા મોઢે કરી લેવાનું. શરૂઆતના ઑલમોસ્ટ ૧૦૦ એપિસોડ સિંગલ વાર્તા પર જ ચાલ્યા અને એ પછી અમે સ્ટોરી મુજબ એપિસોડ નક્કી કરતા થયા. 

આ પ્રકારની એપિસોડિક સ્ટોરી ચાલતી હોય એવા સમયે કલાકારો અને ડિરેક્ટર માટે પણ કામ કરવું અઘરું થઈ જાય. કેવી રીતે એ સમજાવું?

અત્યારે આ વાર્તાના એક સીનનું શૂટ ચાલતું હોય. એ સીનનું શૂટ પતે ત્યાં બીજી વાર્તાનો સીન આવી જાય. આવું બને એટલે ડિરેક્ટર માટે કામ અઘરું થઈ જાય. તેણે એપિસોડ વાંચ્યો ન હોય એટલે એની રિધમ તેણે તરત જ સેટ કરવાની અને એ સેટ પણ એવી રીતે કરવાની કે ઑડિયન્સને સહેજ પણ ઝાટકો ન લાગે. આ જ વાત કલાકારો સાથે બને એટલે તેઓ પણ મૂંઝાય. પહેલા સીનમાં એક વાર્તાનો સીન અને એમાં વંદના અથર્વને આ રીતે ખિજાય છે તો તરત જ શૂટ થતા બીજી વાર્તાના કોઈ સીનમાં ફરીથી અથર્વને ખિજાવાની વાત છે એટલે એ સીનમાં વંદનાએ જુદી રીતે અથર્વને ખિજાવાનું. બન્ને ખીજમાં રહેલો ડિફરન્સ આપણે અલગ-અલગ દિવસે જોઈએ એટલે આપણને તરત જ દેખાય, પણ વિચારો કે એક જ કલાકમાં બે પ્રકારની ખીજ દેખાડવાની અને એ પણ એવી રીતે કે ઑડિયન્સ કન્વિન્સ થાય. નાની વાતમાં અથર્વને ખીજવાયા પછી હવે અથર્વએ મોટું તોફાન કર્યું છે એટલે લાઉડ થઈને ખિજાવાનું તો એ પછીના સીનમાં એ જ અથર્વને પ્રેમ કરવાનો અને એ પછીના સીનમાં ફરી અથર્વને ખિજાવાનું. આ જે રોલર-કોસ્ટર જેવી રાઇડ છે એ કલાકારોને બહુ ડિસ્ટર્બ કરે, પણ આ જે ચૅલેન્જ છે એની જ મજા છે. 
કલાકારો, ડિરેક્ટર અને ક્રીએટિવ ટીમની ચૅલેન્જની વાત કરી તો હવે વાત કરીએ નિર્માતાની ચૅલેન્જની. તો ભાઈ, નિર્માતા માટે તો આ કામ બહુ ચૅલેન્જિંગ છે. મારી પર્સનલ વાત કરું તો જેમ મેં તમને કહ્યું કે શરૂઆતના પચાસ-પંચાવન એપિસોડ તૈયાર કરીને આતિશ કાપડિયાએ ગાડી અમને પાટા પર ચડાવી આપી. ત્યાં સુધી હું ઇન્વૉલ્વ ખરો, પણ એ પછી મારું ઇન્વૉલ્વમેન્ટ જબરદસ્ત વધ્યું. ઑલમોસ્ટ દસકાઓથી મેં એપિસોડ્સ લખવાનું બંધ જ કરી દીધું હતું, પણ ‘વાગલે કી દુનિયા’થી એની ફરી શરૂઆત થઈ. એ શરૂઆત વિશે અને ‘વાગલે કી દુનિયા’ને અમે કઈ રીતે ફિલ્મની જેમ ટ્રીટ કરીએ છીએ એની વાત કરીશું આપણે આવતા ગુરુવારે.

columnists JD Majethia