બિકમિંગ : ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા પછી પણ પગ જમીન પર રાખવાની કળાનું જ્વલંત ઉદાહરણ

24 May, 2022 06:25 PM IST  |  Mumbai | Manoj Joshi

આમ તો આ કામ દર બુધવારે ‘મિડ-ડે’ની લાઇફપ્લસ સપ્લિમેન્ટની બુક-ટૉક નામની કૉલમમાં થાય જ છે

મિડ-ડે લોગો

આમ તો આ કામ દર બુધવારે ‘મિડ-ડે’ની લાઇફપ્લસ સપ્લિમેન્ટની બુક-ટૉક નામની કૉલમમાં થાય જ છે, પણ એમ છતાં રહેવાતું નથી એટલે આપણે એ વિષયની વાત અત્યારે અહીં કરવાની છે. આ નામ સામાન્ય લોકોને ભાગ્યે જ યાદ હશે - મિશેલ ઓબામા. બરાક ઓબામાનાં વાઇફ. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનાં વાઇફ મિશેલે બુક લખી છે જે તેમની બાયોગ્રાફી છે. નામ છે એનું ‘બિકમિંગ’. તમને વિચાર આવે કે બાયોગ્રાફી તો બરાક ઓબામાની વાંચવાની મજા આવે, તેમની વાઇફની બાયોગ્રાફીમાં શું દાટ્યું હોય; પણ હું કહીશ કે જો બરાકની પણ બૅકસાઇડ વાંચવી હોય અને જો બરાકના સંઘર્ષને પણ નજીકથી જોવો હોય તો મિશેલ ઓબામાની બાયોગ્રાફી વાંચજો. ‘બિકમિંગ’ હમણાં જ વાંચવાની પૂરી કરી. એ વાંચતાં એક વાત તો સ્પષ્ટ થઈ કે જીવનમાં ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા પછી પણ પગ જમીન પર અકબંધ રાખવા હોય, જમીન પર સ્પર્શેલા રહેવા દેવા હોય તો તમારે ‘બિકમિંગ’ વાંચવી જ જોઈએ. ઉચ્ચ સ્થાન પર રહીને પણ વાસ્તવિકતા સ્વીકારતા રહેવાની અદ્ભુત કળા આ બાયોગ્રાફીમાં છે. ‘બિકમિંગ’માં મિશેલે બરાક ઓબામા સાથેના પોતાના પ્રેમની વાત પણ લખી છે અને તેમના સંઘર્ષ વિશે પણ લખ્યું છે. બ્લૅક મૅન હોવા છતાં અમેરિકાએ કેવી રીતે તેમને સ્વીકાર્યા અને એ સ્વીકાર પછી તેમને દુનિયાની મહાસત્તાના પ્રેસિડન્ટ બનાવ્યા એની તમામ વાતો પણ એમાં લખાયેલી છે. અબ્રાહમ લિંકન અને હનુમાનનો ઉલ્લેખ પણ આ બાયોગ્રાફીમાં છે અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતોની વાતો પણ મિશેલે તેની બાયોગ્રાફીમાં કરી છે. મિશેલની આ બાયોગ્રાફીમાં પોતાની અંગત વાતો પણ છે અને એ અંગત વાતોમાં બરાક હસબન્ડ તરીકે કેવો હતો એના કિસ્સા પણ તેણે લખ્યા છે.
મિશેલ લખે છે કે તમે દેશ માટે કામ કરનારી વ્યક્તિ સાથે જ્યારે જોડાતા હો છો ત્યારે બાંધછોડ તમારા પક્ષે જ આવતી હોય છે અને તમારે જ એ કરવી પડે. જો તમે એ ન કરી શકો તો દુખી પણ તમારે એકલાએ જ થવું પડે છે. બહેતર છે કે તમે માનસિકતા કેળવી લો અને દુખી ન થવાનો સરળ રસ્તો અપનાવીને તમારા પ્રિય પાત્રના કામને પણ સ્વીકારી લો. મિશેલે અહીં જે વાત કહી છે એ જ વાત મારે પણ કહેવી છે. દેશ માટે કામ કરનારાઓની વ્યાખ્યા બહુ ટૂંકી કે નાની રાખવાને બદલે એનો વિસ્તાર વધારીને જોજો તમે. સમાજની ચોથી જાગીર સાથે સંકળાયેલા લોકોના પરિવારજનોને સતત એવી ફરિયાદ રહે છે કે તેમના માટે સમય જ નથી હોતો, પણ એ વાતને ફરિયાદની જેમ લેવાને બદલે જરા એ રીતે વિચારજો કે એની પાસે તમારા માટે સમય નથી પણ તમારા દેશ માટે, તમારા શહેર માટે તે પોતાનો સમય ખર્ચી રહ્યો છે અને એટલે તમારા માટે સમય નથી. ફરિયાદને ફરિયાદના રૂપમાં જોવાને બદલે જો એને સાચા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એ ફરિયાદ પણ અહોભાવ બની શકે છે. આ વાત બહુ સહજ, સરળ રીતે મિશેલ ઓબામાની ‘બિકમિંગ’માં સમજાવવામાં આવી છે. વાંચજો એક વાર, દરેક રીતે આંખો ખૂલી જશે.

columnists manoj joshi