વાસ્તુપુરાણ : એક કહે આ છે બેસ્ટ, બીજો કહે કે ના, રહેવા નહીં જતા

13 January, 2022 03:10 PM IST  |  Mumbai | JD Majethia

બીકનો કોઈ રસ્તો હોતો નથી અને એવું જ થયું હતું મારી વાઇફ નીપા સાથે. એ ડરી ગઈ એટલે મને થયું કે આપણે એક વખત સેકન્ડ ઓપિનિયન લઈએ, જેથી ફાઇનલ ડિસિઝનની ખબર પડી જાય અને કદાચ કોઈ રસ્તો પણ મળી જાય

વાસ્તુપુરાણ : એક કહે આ છે બેસ્ટ, બીજો કહે કે ના, રહેવા નહીં જતા

આપણે વાતની શરૂઆત કરી વીંટીની અને એ પછી આપણે આવ્યા વાસ્તુશાસ્ત્ર પર. ૨૦૦૬માં અમે અમારું ઘર શિફ્ટ કરવાના હતા, ઘરનું ઇન્ટીરિયર નીપા કરતી હતી. જ્યાં આતિશે ફ્લૅટ લીધો હતો ત્યાં જ મારો આ નવો ફ્લૅટ હતો. આતિશનો ૧૪મા ફ્લોર પર અને અમારો ફ્લૅટ ૧૫મા ફ્લોર પર, પણ ઊલટી દિશામાં. મુંબઈના બહુ જાણીતા વાસ્તુશાસ્ત્રી નીતિન પરખ આતિશના ઘરે આવ્યા અને આખું ઘર વાસ્તુ મુજબ જોઈને તેને ચાર-પાંચ સજેશન કર્યાં. આતિશનું ઘર જોયા પછી તેઓ વાતો કરતાં-કરતાં બહાર નીકળ્યા અને પૂછ્યું કે જેડીનું ઘર આ જ બિલ્ડિંગમાં છેને? આતિશે ઘરની દિશા કહી અને નીતિનભાઈએ એક રીઍક્શન આપ્યું. એ સમયે હું ગુજરાતમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો અને મને નીપાનો ફોન આવ્યો. હવે વાત વધારીએ આગળ...
‘અરે...’
નીતિન પરખે આવો ઉદ્ગાર કર્યો, જેનાથી નીપાને બહુ ડર લાગ્યો અને નીપાએ મને ફોન કરી દીધો. ફોનમાં જ મેં તેને કારણ પૂછ્યું એટલે નીપાએ કહ્યું કે ‘આ જે તેમનું ‘અરે...’ છે એનો મને બહુ ડર લાગે છે એટલે તું તરત આવી જા.’
ગયા ગુરુવારે તમને કહ્યું હતું એમ ઘણી વાર કોઈ આવું અકળ અને અચંબાનું રીઍક્શન આપી દે તો એ કોઈને માટે બહુ તકલીફકારક બની જાય અને એ તકલીફને લીધે આપણે ન ઇચ્છતા હોઈએ તો પણ આપણને અમુક દિશામાં દોરી જાય. નીતિનભાઈએ તો બહુ મિત્રભાવે કહ્યું હતું, પણ તેમના આ મિત્રભાવના ઉદ્ગારને કારણે નીપાને ચિંતા ઊપજી અને તેણે મને ફોન કરી દીધો. નીપાનો ફોન આવ્યો એના બીજા જ દિવસે શૂટિંગમાં ગૅપ હતો એટલે હું મુંબઈ આવ્યો.
મુંબઈ આવ્યો કે તરત નીપાએ કહ્યું કે આપણે એક વાર જઈને તેમને મળી લઈએ. મેં તેને સમજાવવાની કોશિશ કરી, પણ ડરનું કામ છે એ તમને અધીરા કરી દે. મને લાગ્યું કે નીપાનું મન રાખવા પણ એક વાર મળી લેવું જોઈએ અને અમને નીતિનભાઈની તરત જ અપૉઇન્ટમેન્ટ મળી ગઈ. તેમનું કામ બહુ મોટું પણ મેં તમને કહ્યું હતું કે તેમની સિસ્ટર ટીના પરખ અમારી ‘ખીચડી’માં હતી એટલે એ ઓળખાણનો લાભ થયો અને તેઓ આવ્યા ઘરે.
ઘરે આવીને તેમણે સજેશન આપવાનું શરૂ કર્યું કે અહીં આમ કરાવો, કારણ કે દિશાનો પ્રૉબ્લેમ છે. આ બાજુએ આમ કરાવો, કારણ કે અહીં આ દિશાનો પ્રૉબ્લેમ દૂર કરવાનો છે. મને એમ કે નીપાના મનમાં શંકા છે તો એ શંકાને દૂર કરી દેવાની અને તેને રાહત આપી દેવાની. નીપાની ચિંતા હોય એ સ્વાભાવિક છે, પણ એ સમયે ચિંતાનું બીજું પણ એક કારણ હતું, નીપા પ્રેગ્નન્ટ હતી અને મિશ્રી આવવાની હતી.
નીતિનભાઈ વાત કરતા રહ્યા, પણ એ વાતો દરમ્યાન તેમણે ઘરમાં ફરતાં-ફરતાં જ એક રૂમ પાસે આવીને પૂછ્યું, ‘આ રૂમ?’
‘કેસરની, મારી દીકરીની...’
નીતિનભાઈએ પોતાની રીતે કંઈક જોયું અને કહ્યું,‘આ રૂમમાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે, હંમેશાં...’
કોઈ તમને બાળક માટે કહે, સંતાન માટે કહે તો તમે માનતા હો કે ન માનતા હો પણ સાહેબ, તમારે એ માનવું જ પડે. બાળકની વાતમાં કોઈ રિસ્ક લેવાનું ન હોય અને તમે એવું વિચારી પણ ન શકો. અમારી હાલત પણ એવી જ થઈ ગઈ હતી. 
એ પછીના અમારા બે-ત્રણ દિવસ તો એટલા ખરાબ ગયા કે શું કહું તમને. ઇન્ટીરિયરનું અડધું કામ થઈ ગયું હતું અને શિફ્ટિંગની તારીખ પણ નક્કી કરી લીધી હતી અને એમાં હવે આ અણધારી ઉપાધિ આવી હતી. હું શૂટિંગમાં પાછો આવ્યો, પણ મનમાં વિચારો સતત ચાલુ જ રહ્યા. નીપા પણ આ જ વિચારોમાં હતી. લાંબા વિચાર પછી મને થયું કે હું આ બાબતમાં ખોટી ગડમથલમાં રહું છું. બહેતર છે કે નીપા સાથે વાત કરું અને મેં નીપા સાથે વાત કરીને તેને સલાહ આપી કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈએ. મેડિકલમાં આ સેકન્ડ ઓપિનિયનની પ્રથા છે એટલે મેં એ જ પ્રથા અહીં અપનાવી કે ચાલો, પહેલો ઓપિનિયન લઈ લીધો છે તો હવે બીજાને પણ મળી લઈએ.
અમે બીજા વાસ્તુશાસ્ત્રીની અપૉઇન્ટમેન્ટ લીધી અને તેમણે વિઝિટ કરીને કહ્યું કે જગ્યા બરાબર છે, અહીં રહેવામાં કશો વાંધો નથી.
બંદા તૈયાર.
સાહેબ, આ તો આપણી વાત થઈ, પણ જે વ્યક્તિ સાથે તમારે ઘરમાં રહેવાનું છે તેના મનમાં ભય રહે એવું ન થવું જોઈએ. આપણી વ્યક્તિની ચિંતાનો ખ્યાલ આપણે જ રાખવો પડે અને આવી વાત હોય ત્યારે પાછું બને એવુંને, કશું થાય તો તરત જ તે તો કહી દે કે હું તો કહેતો કે કહેતી હતી. આવા સંજોગોમાં શું કામ રહેવું નવા ઘરમાં અને ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાસે બીજા ઑપ્શન પણ હોય અને ઓપિનિયન લેવાની ક્ષમતા પણ હોય. મેં વિચાર કર્યો થર્ડ ઓપિનિયનનો અને નીપાના મનનો ભય કાઢવાના હેતુથી મેં આપણે ત્યાં નંબર-વન ગણાતા વાસ્તુશાસ્ત્રીને ફોન કર્યો અને લીધી તેમની અપૉઇન્ટમેન્ટ. મને તેમનું નામ યાદ છે, પેલા ભાવનગરવાળા જ્યોતિષીની જેમ આ નામ હું ભૂલ્યો નથી પણ આપણે તેમના નામનો ઉલ્લેખ ટાળીએ.
એ નંબર-વન વાસ્તુશાસ્ત્રીને ફોન કરીને મેં કહ્યું કે મારું નામ જેડી મજીઠિયા. મેં મારી ઓળખાણ પણ આપી કે હું આ-આ બધું કરું છું અને સિરિયલો બનાવું છું. મને અટકાવીને તેમણે કહ્યું કે ઓળખું છું તમને, તમે આવી જાઓ. આપણે રૂબરૂ મળીએ.
અમે તો ગયા રૂબરૂ મળવા. તેમણે કહી રાખ્યું હતું કે બિલ્ડિંગનો પ્લાન, ફ્લૅટનો પ્લાન ને એ બધું લેતા આવજો. અમે દેખાડ્યું એ બધું. તેમણે શાંતિથી અભ્યાસ કર્યો અને પછી ફાઇનલ જજમેન્ટ આપતાં કહ્યું, ‘આ બિલ્ડિંગ જ ખોટું છે. આના તો એક પણ માળ પર રહેવું ન જોઈએ.’
હા... હા... હા...
અત્યારે મને હસવું આવે છે, પણ એ સમયે તો મને શું કહેવું અને શું કરવું એ પણ સમજાયું નહોતું. મેં તમને કહ્યુંને, હું આ બધામાં માનું નહીં. ઠાકોરજીથી આગળ કે ઉપર કોઈ હોય જ નહીં એટલે મારી તો શ્રદ્ધા સાવ સરળ, ઠાકોરજી જે કરશે એ બધું સારા માટે જ હશે, પણ વાત નીપાના મનમાંથી ડર કાઢવાની હતી. બિલ્ડિંગ અને ફ્લૅટનું જજમેન્ટ આપ્યા પછી તો ઘણી વાતો થઈ. તેમણે અમને ઍડ્વાઇઝ આપી કે એ બિલ્ડિંગમાં જવું જ નહીં. અરે, તેમણે તો એક વર્ષ ટાંકીને અમને એવું પણ કહ્યું કે તમને આ વર્ષ સુધી બંધાયેલા ફ્લૅટમાં બેસશે જ નહીં. 
આ વાસ્તુની એક ખાસ વાત કહું તમને. વાસ્તુમાં અમુક વાત પૂછીએ તો આપણને નવાઈ લાગે અને પછી સામા પ્રશ્ન પૂછીને વધારે જાણવાની કોશિશ કરીએ તો અચરજ થાય કે આવું તે કાંઈ હોય?
જો બિલ્ડિંગ સામે પાણી હોય અને જન્મના ગ્રહ મુજબ એ સદતું હોય તો બહુ સારું અને તમારે એ બિલ્ડિંગમાં રહેવા જવું જોઈએ. હવે ધારો કે થોડા સમય પછી એ પાણીની જગ્યાએ કોઈ બિલ્ડિંગ ઊભું થઈ જાય તો પાછા ગ્રહ ફરી જાય. આ અને આવી તો કેટલીયે વાતો કે ઘરમાં આ જ રૂમમાં સૂવું જોઈએ અને આ જ દિશામાં જોઈને રસોઈ બનાવવી જોઈએ. આમ જ મોઢું રાખીને જમવા બેસવું જોઈએ અને ફલાણી તરફ નજર કરીને સૂવું જોઈએ વગેરે વગેરે, પણ આ જે વગેરે-વગેરે છે એનો સમાવેશ કરીશું આવતા ગુરુવારે અને આવતા ગુરુવારે કહીશ પણ ખરો કે અમે એ ફ્લૅટનું પછી કર્યું શું?

જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને ગ્રહ એ બધામાં હું માનું નહીં. ઠાકોરજીથી આગળ કે ઉપર કોઈ હોય જ નહીં એટલે મારી તો શ્રદ્ધા સાવ સરળ, ઠાકોરજી જે કરશે એ બધું સારા માટે જ હશે, પણ મારે જે બીક નીપાના મનમાં હતી એ કાઢવાની હતી અને સૌથી મોટી વાત એ હતી કે નીપા ત્યારે પ્રેગ્નન્ટ હતી.

columnists JD Majethia