વાસ્તુપુરાણ : પૂછે નહીં તો કોઈને સલાહ ન આપવી

06 January, 2022 04:01 PM IST  |  Mumbai | JD Majethia

આ વાતને જીવનમાં પાળજો અને ધ્યાન રાખજો. ખાસ તો એવા સમયે ધ્યાન રાખજો કે તમારી વણમાગી સલાહ કોઈના જીવનમાં આંધી બનવાનું કામ કરી જાય એમ હોય. પૂછે તો અચૂક સાચી વાત કહેવી અને બેધડક કહેવી; પણ કન્ડિશન અપ્લાય, પૂછે તો જ

વાસ્તુપુરાણ : પૂછે નહીં તો કોઈને સલાહ ન આપવી

આપણે વાત કરીએ છીએ વીંટીની. મને નાનપણથી વીંટીનો શોખ. મેં નક્કી કર્યું હતું કે મારી આવક શરૂ થાય એ પછી વીંટી અને ચેઇન લેવાં. આ જ ગાળામાં નાટક ‘સૂર્યવંશી’ના શો માટે અમે ભાવનગર ગયા, જ્યાં સાથી-કલાકાર એવા મિલિંદને ઓળખતા હતા એવા એક જ્યોતિષી શો જોવા આવ્યા. હું આ બધામાં બહુ માનું નહીં, પણ મિલિંદને અનુભવ ખૂબ સારો. હું તો શોની તૈયારીમાં લાગી ગયો. ઇન્ટરવલ ટાઇમે તે જ્યોતિષી બૅકસ્ટેજમાં આવ્યા અને આવીને સામેથી મને મળવાની ઇચ્છા દર્શાવી. તેમને મળ્યા પછી મેં પહેલાં જ ચોખવટ કરી કે હું ઠાકોરજીમાં શ્રદ્ધા ધરાવું છું અને એ જે કરે એ બરાબર કરે એવી નીતિમાં માનું છું. મેં તેમની માફી માગતાં કહ્યું પણ ખરું કે આપ કશું કહો અને હું ન માનું તો આપ અવિવેક નહીં માનતા. તેમણે પણ ખુશીથી સૂચન કરતાં જમણા હાથની એક આંગળી દેખાડીને વીંટી પહેરવાનું કહ્યું. ગયા ગુરુવારે તમને કહ્યું એમ મેં વીંટી પહેરી નહીં ને સમય પસાર થતો ગયો. સફળતાની એક લાંબી મજલ કાપ્યા પછી થયું કે હવે વીંટી પહેરું તો એ શોખ કહેવાય અને મેં વીંટી પહેરી. તમે માનશો, એ વીંટી ઘરમાંથી જ ચોરાઈ ગઈ અને હું ફરી વીંટી વિનાનો થઈ ગયો.
સત્તર-અઢાર વર્ષ થયાં એ વાતને, પણ વીંટીને આપેલી તિલાંજલિ આજ સુધી અકબંધ છે. આપણે વીંટી સાથે સંબંધ બાંધ્યો નથી. હવે આગળ...
એ ઘટના પછી મેં ક્યારેય વીંટી પહેરી નથી, ક્યારેય નહીં. અરે, એક વખત તો મને પાર્ટીમાં આપણા જાણીતા ન્યુમરોલૉજિસ્ટ સંજય જુમાની મળી ગયા. સામેથી મળવા આવ્યા અને આવીને મને કહે...
‘જેડીભાઈ, આપસે બાત કરની હૈ, આપકો કુછ કહના હૈ...’
મેં પ્રેમથી તેમને કહ્યું કે મને નહીં કહો, તમારે જે કહેવું હોય એ આતિશને કહો, તે આ બધી બાબતોમાં બહુ માને છે. આમ પણ આ શ્રદ્ધાનો વિષય છે અને મારી શ્રદ્ધા મારા ઠાકોરજી પર અખૂટ છે, એ મારી સાથે હોય પછી મારું કોઈ ખરાબ કરી ન શકે એવું મને મનથી લાગે અને આજ સુધી એવું જ થયું છે. મને ક્યારેય કોઈ વાતની તકલીફ આવી નથી અને આવી હોય તો પણ એમાંથી ઉગારવાનું કામ ઠાકોરજીએ કર્યું છે. ઍનીવે, આપણે આવીએ આપણા વિષય પર. આપણે આ વિષય પર આગળ વાત કરીશું તો તમને હું વાસ્તુનો એક પ્રસંગ પણ કહીશ. જો તમે વાસ્તુમાં વિશ્વાસ ધરાવતા હશો તો-તો તમને એ બહુ ગમશે.
આગળ શું કામ? ચાલો, અત્યારે જ કહી દઉં.
વર્ષ ૨૦૦૬. બન્યું એમાં એવું કે મારું ઘર શિફ્ટ થતું હતું. એ સમયે હું મલાડમાં મારા ‘કેન્ટ હાઇટ્સ’વાળા ઘરમાં રહેતો હતો અને અમે શિફ્ટ થતા હતા ‘વિસ્પરિંગ હાઇટ્સ’, માઇન્ડ સ્પેસમાં. મારો દોસ્ત અને પાર્ટનર એવો આતિશ કાપડિયા ઑલરેડી ત્યાં શિફ્ટ થઈ ગયો હતો અને અમારું શિફ્ટિંગ શરૂ થવામાં. મેં તમને અગાઉ કહ્યું હતું કે હું અને આતિશ ઑલમોસ્ટ સાથે જ રહ્યા છીએ. હમણાં આતિશે નવું ઘર લીધું અને તે ઑબેરૉયમાં શિફ્ટ થયો ત્યારે અમારા બન્નેનાં ઘરને લઈને એક લાંબો આર્ટિકલ કર્યો હતો, પણ એ તો હમણાંની વાત થઈ. આપણે વાત કરવાની છે ૨૦૦૬ની.
આતિશના જીવનમાં ત્યારે સંતાન નહોતું એ સહેજ તમારી જાણ ખાતર. આતિશે ત્યાં ૧૪મા માળે ફ્લૅટ લીધો હતો અને મેં પંદરમાં ફ્લોર પર થ્રી બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ લીધો. મારી દીકરી કેસરનો જન્મ થઈ ગયો હતો. આતિશ અને મારા ફ્લૅટની દિશા અલગ-અલગ. કહો કે એકબીજાથી સાવ વિપરીત દિશા. 
મારા અને આતિશના ફ્લૅટનું ઇન્ટીરિયર ત્યારે મારી વાઇફ નીપા જ કરતી હતી. આતિશ પહેલાં રહેવા ગયો એટલે સ્વાભાવિક છે કે તેના ફ્લૅટનું કામ પહેલાં પૂરું થઈ ગયું હતું અને અમારા ઘરનું કામ અડધે પહોંચ્યું હતું. નીપા એ બધાં કામ જુએ એટલે મને બીજી કોઈ ચિંતા હોય નહીં અને હું હંમેશાં માનું પણ એવું કે ઘર વાઇફની પસંદનું હોવું જોઈએ. તેણે આખો દિવસ ઘરમાં રહેવાનું હોય તો તે પોતાની જરૂરિયાત અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરે એ જ હિતાવહ છે.
એ સમયે મારી ઍક્ટિંગ-કરીઅર ચાલતી હતી અને હું એક ફિલ્મના શૂટિંગ માટે ગુજરાત ગયો હતો. બહુ સમય પછી મેં એક ફિલ્મ માટે હા પાડી હતી. મનમાં એવું હતું કે ફિલ્મ એવી રીતે કરીએ કે પર્ફોર્મન્સ બેસ્ટ રીતે બહાર આવે. શૂટિંગ મસ્ત રીતે ચાલે અને એવામાં એક દિવસ અચાનક જ નીપાનો ફોન આવ્યો. તમને કહી દઉં કે એ સમયે મોબાઇલ હજી આવ્યા જ હતા. નીપાનો ફોન આવ્યો અને નીપાએ મને કહ્યું કે તું જલદી મુંબઈ આવી જા. મેં પૂછ્યું કે થયું શું? શું આમ અચાનક આવવાનું કહે છે? એટલે નીપા મને કહે કે આપણા નવા ઘરમા પ્રૉબ્લેમ છે, બરાબર નથી, તો તું જલદી આવ એટલે વાત થાય.
હું તો વિચારમાં પડી ગયો કે આ શું, મુંબઈ આવી જાવ, ઘરમાં પ્રૉબ્લેમ છે?!
માંડીને તમને સમજાવું, જે મને મોડું-મોડું સમજાયું હતું.
મુંબઈમાં બહુ મોટા વાસ્તુશાસ્ત્રી. નામ તેમનું નીતિન પરખ. અમારા મિત્ર. ‘ખિચડી’માં ટીના પરખ નામની એક ઍક્ટ્રેસ હતી તેના ભાઈ અને પોતાના ફીલ્ડમાં બહુ મોટું નામ હતું તેમનું. તે આતિશના નવા ઘરે આવ્યા અને આખું ઘર વાસ્તુ મુજબ જોઈને તેમણે આતિશને ચાર-પાંચ સજેશન કર્યાં, જે સજેશન તમે પાળો એટલે એ ઘર રહેવાયોગ્ય થઈ જાય એવો અર્થ નીકળે. આતિશનું ઘર જોયા પછી વાત કરતાં-કરતાં તેમણે જ સામેથી પૂછ્યું કે જેડીનું ઘર પણ આ જ બિલ્ડિંગમાં છેને?
નૅચરલી આતિશે કહ્યું કે હા, અહીં જ છે; પણ તેનું ઘર બીજી દિશામાં છે. જેવું નીતિન પરખે સાંભળ્યું કે તેમણે રીઍક્શન આપ્યું, ‘અરે...’
આ ઉદ્ગારથી નીપાને બહુ ડર લાગ્યો અને નીપાએ મને ફોન કરી દીધો. ફોનમાં જ મેં તેને કારણ પૂછ્યું એટલે નીપાએ કહ્યું કે ‘આ જે તેમનું ‘અરે...’ છે એનો મને બહુ ડર લાગે છે એટલે તું તરત આવી જા.’
ઘણી વાર કેવું હોય કે પૂછ્યા વિના જ કોઈ સામેથી આવું અકળ અને અચંબાનું રીઍક્શન આપી દે તો એ બહુ તકલીફકારક બની જાય અને એ તકલીફને લીધે આપણે ન ઇચ્છતા હોઈએ કે ન માનતા હોઈએ તો પણ આપણને અમુક દિશામાં દોરી જાય. આવું જ અમારી સાથે મિશ્રીના જન્મ વખતે પણ બન્યું હતું. વાસ્તુની આ ચાલુ વાતે જ તમને મિશ્રીવાળી વાત વચ્ચે કહી દઉં, જેથી અનુસંધાન બરાબર જોડાયેલું રહે.
હું નીપાને લઈને ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને સોનોગ્રાફી સજેસ્ટ કરી એટલે હું અને નીપા સોનોગ્રાફી માટે ગયાં. ત્યાં ડૉક્ટરે સોનોગ્રાફી દરમ્યાન જ કહ્યું કે તમને પહેલી દીકરી છે... તે કંઈ આગળ બોલે કે પૂછે એ પહેલાં જ મેં તેમને રોક્યા અને કહ્યું કે મારે આગળ કશું જાણવું નથી કે સંતાન શું આવશે?
અહીં હું આ લેખના અને ‘મિડ-ડે’ માધ્યમથી એક વાત કહેવા માગું છું કે કોઈ તમને પૂછે નહીં તો વણમાગી સલાહ આપવી નહીં અને ખાસ કરીને એવા સમયે અને એવી બાબતમાં તો ન જ આપવી જેનાથી કોઈના જીવનમાં ઊથલપાથલ મચી જાય કે પછી તેનું ધ્યાન બીજી દિશામાં ચાલ્યું જાય. પૂછે તો જરૂર કહેવું, ચોક્કસ કહેવું અને ખચકાટ વિના કહેવું; પણ પૂછે તો અને માત્ર, માત્ર અને માત્ર પૂછવામાં આવે ત્યારે જ.
    વાસ્તુવિષયક ઘટનાની વાત આપણે આવતા ગુરુવારે આગળ વધારીશું, પણ જતા પહેલાં એક વણમાગી સલાહ આપવાની ગુસ્તાખી કરી લઉં. કોરોનાની ત્રીજી વેવ ન આવે એના માટે જે કોઈ ચીવટ રાખવાની હોય એ રાખજો. અગાઉ બહુ કહ્યું છે એના વિશે એટલે અત્યારે બસ આટલું જ. ટૂંકામાં લાંબું સમજી જજો.

કોઈ પૂછે નહીં તો વણમાગી સલાહ ક્યારેય આપવી નહીં. ખાસ કરીને એવા સમયે અને એવી બાબતમાં તો ન જ આપવી જેનાથી કોઈના જીવનમાં ઊથલપાથલ મચી જાય કે પછી તેનું ધ્યાન બીજી દિશામાં ચાલ્યું જાય. પૂછે તો જરૂર કહેવું, ચોક્કસ કહેવું અને ખચકાટ વિના કહેવું; પણ પૂછે તો.

columnists JD Majethia