કચ્છના સંસારી સાધુ પ્રવીણ વેલજી શાહ

16 July, 2019 01:26 PM IST  |  મુંબઈ ડેસ્ક | વસંત મારુ - કચ્છી કોર્નર

કચ્છના સંસારી સાધુ પ્રવીણ વેલજી શાહ

પ્રવીણ વેલજી

કચ્છી કોર્નર

કચ્છી માડુઓની સૌથી મોટી ખાસિયત છે કે ૧૦૦ રૂપિયા કમાય તો ૧૦ રૂપિયા સમાજનાં સારાં કાર્યો માટે વાપરે, પણ આ સમાજમાં એવી વ્યક્તિ પણ છે જેમણે જેટલું કમાયા હતા એ બધું વેચીને એ રૂપિયા સમાજકાર્યમાં વાપરી નાખ્યા! એ વ્યક્તિ એટલે પ્રોફેસર પ્રવીણ વેલજી શાહ.
કચ્છના નરેડી ગામમાં જન્મેલા પ્રોફેસર પ્રવીણ વેલજી શાહનું બા‍ળપણ સામાન્ય પરિસ્થિતિમાં વીત્યું. બીજા ધોરણ સુધી નરેડીમાં ભણીને મુંબઈ આવ્યા. ભણવામાં તેજસ્વી પ્રવીણભાઇઈએ શાળાનો અભ્યાસ પૂરો કરી ત્યારની અત્યંત પ્રસિદ્ધ જયહિન્દ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી સિવિલ એન્જિનિયરિંગ માટે આઇઆઇટીમાં ઍડ્‍મિશન મળ્યું, પણ તેમની ઇચ્છા મેકૅનિક્લ એન્જિનિયર બનવાની હતી એટલે અંધેરી ભવન્સમાં સરદાર પટેલ એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્‍મિશન લઈને એન્જિનિયર બન્યા.
કૉલેજના અભ્યાસ દરમ્યાન મહાવીર વિદ્યાલય હૉસ્ટેલમાં રહેતાં-રહેતાં ટ્યુશન કરી પોતાના ખર્ચ કાઢતા.
એન્જિનિયર બન્યા બાદ નોકરી-વ્યવસાય કરવાને બદલે મૅથ્સના પ્રોફેસર બની પોતાના ટ્યુશન ક્લાસિસ ચાલુ કર્યા, કારણ કે શિક્ષણ એ તેમનો પ્રિય વિષય હતો.

તેમણે વિદ્યાર્થીઓને માત્ર ગણિત નથી શીખવાડ્યું, પણ હોશિયાર વિદ્યાર્થીઓને સારી કરીઅર બને એ માટે માર્ગદર્શન આપી એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી મેળવવા અમેરિકા જવા પ્રેરણા આપતા. પરિણામે આજે તેમના માર્ગદર્શનથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અમેરિકા જઈ ભણીને તેજસ્વી કારકિર્દી બનાવી છે.
મર્સિડીઝ ગાડીમાં ફરી શકે એવી આર્થિક સધ્ધરતા મેળવ્યા પછી પણ ખભે થેલો લઈ સાઇકલ પર જઈને સમાજસેવાનાં કાર્યો કરવા લાગ્યા. કચ્છી સમાજની પ્રસિદ્ધ ‘સેવા સમાજ’ સંસ્થામાં જોડાઈને સમાજ પ્રત્યેનું ઋણ ફેડવાનું શરૂ કર્યું.
ભભકાદાર લગ્નો જોઈને તેમને દુ:ખ થતું. એવાં લગ્નોમાં જવાનો વારો આવે તો માત્ર આશીર્વાદ આપી ત્યાં ન જમવાનો નિર્ધાર કર્યો. એ સમયે અમેરિકા રહેતા પોતાના દીકરાનાં લગ્ન સમૂહલગ્નમાં કર્યાં, એટલું જ નહીં, ‘સેવા સમાજ’ની સમૂહલગ્ન પ્રવૃત્તિમાં જોડાઈને ૩૦૦થી વધુ યુગલોને સમૂહલગ્નમાં જોડાવા સમજાવી સમાજના કરોડો રૂપિયા બચાવ્યા!
સેવા સમાજ દ્વારા શ્રી પન્નાલાલ છેડા પુરસ્કૃત વિદ્યાર્થી સન્માનના કાર્યમાં કન્વીનર તરીકે વર્ષો સુધી જોડાઈને હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું કામ કર્યું. શિક્ષણ સાથે પ્રવીણભાઈએ કલા અને સ્પોર્ટની ફિલ્મમાં પણ આયોજન-સહયોગ આપ્યો જેમાં આ લખનારને પણ લાભ મળ્યો છે.
તેમનાં પત્ની જયાબહેનના અવસાન બાદ તેમની જીવનદિશા બદલાઈ ગઈ. સમાજે જે આપ્યું છે એ સમાજને પાછું આપવા નિર્ધાર કર્યો. તેમના આ નિર્ણયમાં અમેરિકા રહેતા પુત્ર પ્રશાંત, પુત્રવધૂ ડિમ્પલ, અમેરિકા રહેતી દીકરી લીના અને જમાઈ રોહિત પલણ દ્વારા વધાવી લેવાયો અને અલગારી પ્રવીણભાઈએ મુલુંડના એક ઘર સિવાય બધી મિલકત વેચીને મસમોટી રકમ સમાજમાં વાપરવાનું શરૂ કર્યું. એ બધા દાનમાં પોતાના નામની તકતી ન આવે એનું ધ્યાન તેમણે રાખ્યું.
સમાજશિલ્પી ખીમજી માડણ ભુજપુરિયાના નામે ડોમ્બિવલીના નવનીતનગરમાં મસમોટી રકમ દાન આપીને વૃદ્ધાશ્રમ જેવી ગોઠવણ કરી જ્યાં આજે ૪૦ જેટલા વડીલો જીવનસંધ્યા પસાર કરી રહ્યા છે.
તો કચ્છના ઝવેરચંદ મેઘાણી તરીકે ઓળખાતા કવિવર્ય દુલેરાય કારાણીના નામે સોનગઢ બોર્ડિંગમાં મસમોટું દાન આપ્યું.
દહિસરમાં આવેલી ‘નવનીત હૉસ્પિટલ’માં લીલાધર માણેક ગડા ‘અધા’ના નામે મેડિક્લ પ્રવૃત્તિ માટે માતબર રકમ આપી. પોતાના ગામ નરેડીમાં અતિથિગૃહ માટે આર્થિક સહયોગ આપ્યો.
બધી મિલકત વેચ્યા બાદ મુલુંડની ગૌશાળા લેનમાં એક મોટું ઘર રહેવા માટે રાખ્યું છે. ત્યાં પણ નવી પ્રવૃત્તિની શરૂઆત કરી. ત્યાં એકલદોકલ વૃદ્ધા, બહારગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓ, બહારગામથી લગ્ન માટે આવતા લોકોને શોધી લાવી પોતાના ઘરમાં રાખે, તેમની ખાવા-પીવા-રહેવાની સગવડ કરી આપી તેમને હૂંફ આપે છે. આજે પણ આ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ રીતે પોતાના ઘરને આશ્રમ કે આશ્રયસ્થાનમાં ફેરવી નાખી તેઓ લોકોની સેવા કરે છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

આજે ૭૮ વર્ષની જૈફ ઉંમરે પ્રોફેસર પ્રવીણ વેલજી શાહ સમાજકાર્યોમાં સક્રિય છે. અંધેરી સેવા સમાજના તેજસ્વી પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત ગાલા દ્વારા તેમના વિશે ઘણી વાતો જાણવા મળી છે. જેની વાત ફરી ક્યારેક કરીશું. સંસારી સાધુ જેવું જીવન જીવતા ગાંધીવાદી પ્રવીણભાઈને ‘મિડ-ડે’ના ‘કચ્છી કૉર્નર’ વતી વંદન કરું છું.

columnists kutch gujarat