જીત જાએંગે હમ, તૂ અગર સંગ હૈ

13 June, 2022 10:25 AM IST  |  Mumbai | Varsha Chitaliya

પરિવારના સુખ માટે રાત-દિવસ દોડધામ કરનારા પુરુષોને ક્યારેક આર્થિક કટોકટીનો સામનો પણ કરવો પડે છે. એવા ટાણે જીવનસંગિની અને પરિવાર નામની સપોર્ટિવ સિસ્ટમ હોય તો તેને કોઈ હરાવી શકતું નથી

ભાવેશ ભટ્ટ વાઇફ લીના સાથે

શારીરિક-માનસિક રીતે સશક્ત મનાતો પુરુષ જિંદગીમાં હર કદમ પર જંગ લડતો રહે છે. પરિવારના સુખ માટે રાત-દિવસ દોડધામ કરનારા પુરુષોને ક્યારેક આર્થિક કટોકટીનો સામનો પણ કરવો પડે છે. એવા ટાણે જીવનસંગિની અને પરિવાર નામની સપોર્ટિવ સિસ્ટમ હોય તો તેને કોઈ હરાવી શકતું નથી

આજના જમાનામાં પતિ-પત્ની બન્ને કમાય એ સામાન્ય બાબત છે પરંતુ સામાજિક વ્યવસ્થા અને માનસિકતાની વાત કરીએ તો આજે પણ પુરુષની ગણના બ્રેડ-વિનર તરીકે થાય છે. ઇન ફૅક્ટ પુરુષ પોતે પણ માને છે કે ઘરની આર્થિક જવાબદારી એની છે. પોતાના પરિવારને તમામ સુખ અને સલામતી આપવા તે રાત-દિવસ મહેનત કરે છે. જોકે ચડતી-પડતી જીવનનો ક્રમ છે. શારીરિક અને માનસિક રીતે સશક્ત મનાતા પુરુષને પણ ક્યારેક સંજોગો આગળ હારવું પડે છે. નોકરી છૂટી જવી કે બિઝનેસમાં આર્થિક નુકસાની વેઠવી પડે ત્યારે પુરુષની હિંમતની કસોટી થાય છે. ઘર કેમ ચલાશે, સંતાનોની સ્કૂલની ફી કઈ રીતે ભરીશ, પત્નીની ઇચ્છાઓ ક્યાંથી પૂરી કરીશ, માતા-પિતાની સારવારના ખર્ચને કેવી રીતે પહોંચી વળાશે જેવી કેટકેટલીય ચિંતામાં તે ડિપ્રેશનનો ભોગ બને છે. સામાન્ય રીતે પુરુષો પોતાના ખરાબ સમયને કોઈ સાથે શૅર કરતા નથી તેથી આપણે ધારી લઈએ છીએ કે તે એકલો જ કાફી છે. વાસ્તવમાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસના પિરિયડમાં એને પણ પરિવારના મૉરલ સપોર્ટની ખૂબ જરૂર હોય છે. માતા-પિતા, પત્ની, સંતાનો અને મિત્રો લાઇફ સિસ્ટમ બને તો એનામાં પરિસ્થિતિ સામે લડવાનો અને ફરી બેઠા થવાનો જુસ્સો કેળવાય છે. આજે આપણે એવા પુરુષોને મળીએ જેઓ પોતાની આ સપોર્ટિવ સિસ્ટમના સહારે ટકી ગયા. 
માવતરના આશીર્વાદમાં તાકાત
વર્ષ ૨૦૦૯ના સપ્ટેમ્બરમાં પત્ની પૂનમ સાથે મળીને કાંદિવલીમાં ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનો બિઝનેસ શરૂ કરનાર મેહુલ નવીનચંદ્ર માધાણીનો ધંધો ધમધોકાર ચાલતો હતો. કૉર્પોરેટ કંપનીઓ, બિલ્ડરો, સ્કૂલ-કૉલેજોમાંથી મળતા કામકાજની સાથે સમયાંતરે નાનાં-મોટાં એક્ઝિબિશન અને સેમિનાર થકી ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનું ભરપૂર કામ મળતું. છેલ્લાં સાત વર્ષોથી તો સ્કૂલ-કૉલેજનાં કામ કરતાં થાકતાં નહીં. એવામાં કોરોનાકાળ હકીકતમાં તેમના જીવનમાં કાળ બનીને આવ્યો. આપવીતી જણાવતાં મેહુલભાઈ કહે છે, ‘સૌથી પહેલાં સ્કૂલ-કૉલેજો બંધ થઈ. સ્ટાફ અને ટ્રસ્ટી મંડળનાં પેમેન્ટો અટકી પડ્યાં. લોકો પાસે કામધંધો હોય નહીં ત્યારે ખર્ચામાં ઍડ્વર્ટાઇઝિંગ અને પ્રિન્ટિંગ છેલ્લે આવે. બજારમાં માલની ખરીદી નહીં તેથી પૅકેજિંગના ઑર્ડર મળતા બંધ થઈ ગયા. બિલ્ડરોના ફ્લૅટો વેચાતા નહોતા. માર્કેટમાં નવો પ્રોજેક્ટ લૉન્ચ ન થાય તો બ્રોશર કે અન્ય પ્રિન્ટેડ માર્કેટિંગ સામગ્રીની જરૂર ન પડે. એક્ઝિબિશન કે સેમિનારમાંથી પણ બિઝનેસ મળતો બંધ થઈ ગયો. એક મહિનામાં ખૂલશે... બે મહિનામાં ખૂલશે.. એવી રાહ જોતાં-જોતાં બબ્બે વર્ષ વીતી ગયાં. ઘરનું ભાડું, ઑફિસનું ભાડું, સ્ટાફનો પગાર અને રોજિંદા ખર્ચાએ એવો ભાર વધાર્યો કે બિઝનેસની સાથે-સાથે સપનાંઓ પણ ભાંગી પડ્યાં. પત્ની આશ્વાસન આપ્યા કરતી. મમ્મીએ પોતાની બચત ગિરવે મૂકીને રકમની વ્યવસ્થા કરી આપી. એમાંથી લોકોનું દેવું ચૂકવ્યું. પપ્પાની દીર્ઘદૃષ્ટિએ સલાહ આપી કે હમણાં સમય ખરાબ છે તો નોકરીએ બેસી જવામાં વાંધો નથી. મમ્મી અને પત્નીએ પણ હામી ભરી. શેઠની જેમ પોતાનો બિઝનેસ ચલાવ્યા બાદ બીજાના હાથ નીચે કામ કરવાના વિચારે મને અંદરથી હલાવી નાખ્યો. અનુભવ અને લાયકાતના આધારે નોકરી શોધવાનું શરૂ તો કર્યું પણ મુંબઈમાં મેળ ન પડ્યો. ઘણી મહેનત બાદ ચેન્નઈમાં નોકરી મળી. માતા-પિતા, પત્ની અને એકના એક દીકરાને છોડીને ચેન્નઈ તરફ પ્રયાણ કર્યું. ચેન્નઈમાં રહેવાનું અને ખાવા-પીવાનું ફાવતું નથી. ભાષાની તકલીફો તો ખરી જ. હું માનું છું કે કુદરતની થપાટ કરતાં વધુ તાકાત માવતરના આશીર્વાદમાં હોય છે. તેમના સંસ્કારો અને પત્નીના સહકારથી આજે હું ટકી ગયો છું. જિંદગીના કોઈ પણ જંગ પુરુષ ત્યારે જ જીતી શકે જ્યારે પરિવારનો સાથ હોય.’
પરિવારે બિઝનેસને બચાવી લીધો
પૅન્ડેમિક દરમ્યાન હાઈલી અફેક્ટેડ બિઝનેસમાં ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ ટૉપ પર છે. કાંદિવલીના રાજ મહેતાનો પણ ટ્રાવેલ્સનો બિઝનેસ હોવાથી આર્થિક કટોકટી અને મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થવું પડ્યું. જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૦ મારા વ્યવસાયમાં શ્રેષ્ઠ સમયગાળો હતો, કારણ કે સમર હૉલિડેઝ માટેનાં અઢળક બુકિંગ થયાં હતાં. રોગચાળાની શરૂઆતના દિવસોને યાદ કરતાં રાજ કહે છે, ‘એક તરફ બિઝનેસનો પીક ટાઇમ અને બીજી તરફ પ્રેમિકા ક્રિના સાથે લગ્નનો પ્લાન હતો. ઘણાંબધાં સ્વપ્નો સાકાર થવા જઈ રહ્યાં હતાં પરંતુ કિસ્મતે કરવટ બદલી. જેમ-જેમ વિશ્વમાં કોવિડના કેસ વધતા ગયા અને હૉલિડે ડેસ્ટિનેશન લૉકડાઉન થવા લાગ્યાં એમ બુકિંગ પણ કૅન્સલ થતાં ગયાં. કેટલાકને આસાનીથી રીફન્ડ મળ્યું તો ઘણાને રીફન્ડ મળ્યું નથી. અરે, હજી લોકો રીફન્ડની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતના ત્રણ મહિના માત્ર ફ્લાઇટના કેસને હૅન્ડલ કરી રહ્યો હતો. ક્લાયન્ટ્સને સમજાવવા અઘરું હતું. અમુક લોકો બિલકુલ સમજવા તૈયાર નહોતા. મેં તેમની સાથે છેતરપિંડી કરી હોય એવું બિહેવ કરતા હતા. એકાદ ક્લાયન્ટે તો શિખામણ આપતાં કહ્યું કે તમે ઘરમાંથી પૈસા કાઢીને આપો, રીફન્ડ આવે એ રાખી લેજો. પરિસ્થિતિને હૅન્ડલ કરવામાં કંપનીના ગુડવિલ અને મારા નામને અસર થઈ હતી. ઇન્કમ ઝીરો અને ઑફિસનું ભાડું, વીજળીનું બિલ તથા અન્ય નાના-મોટા ખર્ચા ચાલુ એમાં રાતના મોડે સુધી ઊંઘ ન આવે. પપ્પા-મમ્મી અને બહેન આશ્વાસન આપતાં હતાં. સાત વર્ષથી જમાવેલો બિઝનેસ બંધ થઈ જશે એવો મનમાં ભય સતાવતો હતો. મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો હતો એ તબક્કામાં ક્રિનાએ મારી સાથે લગ્ન કરી પરિસ્થિતિઓ સામે લડવાનો આત્મવિશ્વાસ જગાવ્યો. પપ્પા અને વાઇફે ઘરની આર્થિક જવાબદારી ઉપાડવાની સાથે બિઝનેસને ટકાવી રાખવામાં સહાય કરી. કોઈ પણ પુરુષને પેરન્ટ્સ અને વાઇફની હેલ્પ લેવી ગમે નહીં પરંતુ એ સમયગાળામાં બિઝનેસ સ્વિચ કરવો રિસ્કી હતું અને ઇન્વેસ્ટમેન્ટ માટે રકમ પણ નહોતી તેથી સપોર્ટ લેવો પડ્યો. પરિવારે આર્થિક, શારીરિક અને માનસિક ટેકો આપ્યો એના કારણે જ હું બેઠો થઈ શક્યો.’
હજી પણ સંઘર્ષનો દોર 
પૅન્ડેમિક દરમ્યાન ફાઇનૅન્શિયલ ક્રાઇસિસનો સામનો કરી ચૂકેલા અનેક પુરુષોનો કામધંધો હવે પાટે ચડ્યો છે પરંતુ કેટલાક એવા પુરુષો પણ છે જેઓ કોરોના આવ્યો એ પહેલાંથી સંઘર્ષ કરી રહ્યા છે. નાલાસોપારામાં રહેતા ભાવેશ ભટ્ટની પ્રોફેશનલ લાઇફમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છતાં તેઓ હાર્યા નથી. ફૅમિલી અને ફ્રેન્ડ્સ મારી સ્ટ્રેંગ્થ છે એવી વાત કરતાં ભાવેશભાઈ કહે છે, ‘અમારો પરિવાર કાંદિવલીમાં પાઘડીની જગ્યામાં રહેતો હતો. લગભગ એક દાયકાથી મારો સ્ટૉક લૉટનો બિઝનેસ હતો. ફૅક્ટરી વાઇન્ડઅપ થાય ત્યારે જથ્થાબંધ અથવા બધો માલ ઉપાડી ઓછા માર્જિનમાં વેપારીઓને સપ્લાય કરવાનું. એમાં આઉટફિટ્સ હોય, ફર્નિચર, પગરખાં, સ્ટેશનરી કે કોઈ પણ આઇટમ હોય. માતા-પિતા, પત્ની અને દીકરા સાથેના પરિવારનો ખર્ચો સારી રીતે નીકળે એવો ધંધો હોવાથી ખુશ હતાં. નોટબંધીએ પહેલો ઝટકો આપ્યો. લૉટનું કામકાજ લગભગ બંધ થઈ ગયું અને પૈસા પણ ડૂબી ગયા. મારો અનુભવ કહે છે કે તમારી નીતિ અને વ્યવહાર સારો હોય તો લોકો મદદ કરે છે. મારા પરિવારને આર્થિક કટોકટીમાંથી ઉગારવામાં મિત્રોની ભૂમિકા મહત્ત્વની રહી. પરિસ્થિતિ થાળે પડી રહી હતી ત્યાં પાઘડીનું બિલ્ડિંગ તોડી નાખવામાં આવતાં વધુ એક ઝટકો લાગ્યો. કાંદિવલીમાં ભાડું પરવડે એમ ન હોવાથી ફૅમિલીને લઈને નાલાસોપારા આવી જવું પડ્યું. અહીં આવ્યાને આંગળીના વેઢે ગણાય એટલા દિવસો માંડ થયા હશે ત્યાં કોવિડ આવી ગયો. જે થોડુંઘણું કામ ચાલતું હતું એ પણ બંધ થઈ ગયું. આ દરમિયાન પપ્પાની તબિયત લથડતાં સારવારનો ખર્ચ આવી ગયો. હાલમાં ચા, ચૉકલેટ્સ, સાબુ જેવી ઘરવપરાશની ચીજવસ્તુઓનું દુકાને ફરી-ફરીને માર્કેટિંગ કરું છું. સંઘર્ષના દિવસો પૂરા થવાનું નામ લેતાં નથી તેમ છતાં ટકી ગયો છું, કારણ કે વાઇફ લીના અને પેરન્ટ્સની ખાસ કોઈ ડિમાન્ડ નથી. તેઓ જેટલા પૈસા આપું એમાં ઘર ચલાવે છે. પરિવાર સંતોષી હોય તો દરેક કસોટીમાંથી પાર ઊતરી જવાય. જિંદગીના સંઘર્ષમાં અડધો જંગ જીતી ગયો એનું શ્રેય ફૅમિલી અને ફ્રેન્ડ્સ બન્નેને ફાળે જાય છે.’

પૅન્ડેમિક દરમ્યાન ફાઇનૅન્શિયલ ક્રાઇસિસનો સામનો કરી ચૂકેલા અનેક પુરુષોનો કામધંધો હવે પાટે ચડ્યો છે, પરંતુ કેટલાક એવા પુરુષો પણ છે જેઓ કોરોના આવ્યો એ પહેલાંથી સંઘર્ષ કરી રહ્યા છે.

 પૅન્ડેમિકમાં ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ હાઈલી અફેક્ટેડ રહ્યો. ઇન્કમ ઝીરો અને ખર્ચા ચાલુ. એમાં રાતના મોડે સુધી ઊંઘ ન આવે. ક્લાયન્ટ્સ પણ રીફન્ડ માટે દબાણ કરતા હતા. મેન્ટલ સ્ટ્રેસના એ દોરમાં પપ્પા અને વાઇફે આર્થિક જવાબદારી ઉપાડી પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપી - રાજ મહેતા

columnists Varsha Chitaliya