સોશ્યલ ઇન્ટરૅક્શનને તમારા મગજ સાથે શું સંબંધ છે?

07 March, 2019 02:08 PM IST  |  | વર્ષા ચિતલિયા

સોશ્યલ ઇન્ટરૅક્શનને તમારા મગજ સાથે શું સંબંધ છે?

પ્રતીકાત્મક તસવીર

પૃથ્વી પરનાં અન્ય જીવંત પ્રાણીઓની તુલનામાં આપણે કેમ વધુ ઇન્ટેલિજન્ટ છીએ? એનું એકમાત્ર કારણ છે આપણું મગજ. હ્યુમન બ્રેઇન એટલું પાવરફુલ છે કે જાતજાતના મુદ્દાઓ, ભૂતકાળની ઘટનાઓ, સ્થળો, ચહેરાઓ બધું જ યાદ રાખી શકે છે. મગજની અંદર અબજોની સંખ્યામાં આવેલા જ્ઞાનકોષો આ બધું યાદ રાખવાની સાથે આપણા આખા શરીરનું સંચાલન પણ કરે છે. આટલું નાનું એવું મગજ ઘણાંબધાં કામો કઈ રીતે કરી શકે છે એ વિજ્ઞાન માટે હંમેશાંથી સંશોધન અને અવલોકનનો વિષય રહ્યો છે. માનવીય મગજનો આકાર અને એનાં ફંક્શન હવે નવી શોધ નથી, પરંતુ ન્યુરો સાયન્સે આ ક્ષેત્રમાં વધુ સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે હ્યુમન બ્રેઇન સામાજિક પરિસ્થિતિકીય સમસ્યાઓના ઉકેલ માટેના સાધન તરીકે સંપૂર્ણ રીતે વિકસિત થયું નથી. અભ્યાસ કહે છે કે ઊંચો IQ ધરાવતા લોકો પણ મગજમાં ચાલતા વિચારોને સાચી દિશામાં વાળવામાં થાપ ખાઈ જાય છે. તબીબી ભાષામાં એને સોશ્યલ બ્રેઇન હાઇપોથિસિસ કહે છે.

કારણ શું?

સૌથી પહેલાં તો સમજી લો કે સોશ્યલ બ્રેઇન હાઇપોથિસિસ કોઈ રોગ નથી. બ્રિટિશ મનોવૈજ્ઞાનિક રૉબિન ડનબર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલું આ સંશોધન ‘થિયરી ઑફ માઇન્ડ’ આધારિત છે. તેમના સંશોધનમાં મુખ્યત્વે માનવીય વર્તણૂક અને મગજના મેકૅનિઝમ પર ધ્યાન કેãન્દ્રત કરવામાં આવ્યું છે. અભ્યાસ અનુસાર આપણું મોટું મગજ સામાજિક પૂર્વધારણાઓને સમાવી રાખે છે. આ પૂર્વધારણાની અસરના કારણે બુદ્ધિશાળી વ્યક્તિની તર્કશક્તિ પણ કેટલાક જટિલ પ્રfનોનું સમાધાન શોધવામાં નિષ્ફળ જાય છે. સાદી ભાષામાં કહીએ તો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. આ થિયરી વ્યક્તિના સોશ્યલ નેટવર્ક અને ઇમોશન્સ સાથે સંકળાયેલી છે તેથી દરેકને એકસરખી લાગુ નથી પડતી તેમ જ કેટલાક અપવાદ પણ જોવા મળ્યા છે. આ સંદર્ભે ન્યુરોલૉજિસ્ટ ડૉ. જૉય દેસાઈ તેમ જ સેક્સ્યુઅલ મેડિસિન ઍન્ડ કન્સલ્ટન્ટ કાઉન્સેલર ડૉ. રંજન ભોસલે સાથે થયેલી વાતચીત પ્રસ્તુત છે.

માનવ એક સામાજિક પ્રાણી છે. તેને સલામતી માટે સોસાયટી જોઈએ. પોતાના મગજથી જ તેણે આ સમાજ વિકસાવ્યો છે. પૃથ્વી પર એવા અનેક જીવ છે જે એકલા પણ રહે છે, પરંતુ આપણે નથી રહી શકતા. વિજ્ઞાનની દૃષ્ટિએ મગજ એવું અંગ છે જે અનેક રહસ્યોથી ભરેલું છે. આપણી દરેક વર્તણૂક પાછળ કોઈ રહસ્ય અને મગજ દ્વારા આપવામાં આવતાં સિગ્નલ કામ કરે છે. સામાન્ય રીતે આપણે બીજાના કઠોર વ્યવહારને પચાવી શકતા નથી. સમય અને પરિસ્થિતિ પ્રમાણે તેમની જે વર્તણૂક હોય છે એ આપણને ગળે ઊતરતી નથી. તેને આપણે પાષાણ હૃદયના કહીએ છીએ. પણ આ કામ હૃદયનું નહીં, મગજનું છે. ક્યારેક આપણે પરિણામની પરવા કર્યા વગર ઉતાવળા નિર્ણયો પણ લઈએ છીએ. આવું કેમ થાય છે? મનોવિજ્ઞાને આ દિશામાં અઢળક રિસર્ચ કયાર઼્ છે. સોશ્યલ બ્રેઇન હાઇપોથિસિસ બીજું કંઈ નહીં પણ મગજમાં ચાલતી વિચારોની ઊથલપાથલ પાછળ કયાં ફૅક્ટર કામ કરે છે એનો અભ્યાસ છે. આ અભ્યાસને વ્યક્તિનાં સોશ્યલ ઇન્ટરૅક્શન અને ફીલિંગ સાથે ડાયરેક્ટ સંબંધ છે.

IQ અને EQ

માનવ બ્રેઇન IQ અને EQ એમ બે ભાગમાં વિભાજિત થયેલું છે અને એના આધારે જ બિહેવ કરે છે. મગજનાં મેકૅનિઝમ એક ચોક્કસ મોમેન્ટ પર વ્યવહારુ પગલાં અને ભાવનાત્મક પરિણામ વચ્ચેના તફાવત વિશે વિચારી શકતાં નથી. સામેવાળી વ્યક્તિની સંવેદનાને સમજવાની જગ્યાએ તે પોતાની બુદ્ધિ મુજબ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. ઉદાહરણ તરીકે ડૉક્ટર ઑપરેશન થિયેટરમાંથી બહાર આવે ત્યારે પેશન્ટના પરિવારને શું કહેશે? જે રિઝલ્ટ હશે એ જ જણાવશે. એ વખતે તેમની તર્કબુદ્ધિ પેશન્ટના ફૅમિલી મેમ્બરોના EQ લેવલને ઓળખવામાં અને એને નિયંત્રિત કરવામાં કદાચ થાપ ખાઈ જશે. (જોકે આવું બહુ ઓછું થાય છે, કારણ કે પેશન્ટને આઘાત ન લાગે એ બાબતનું કાઉન્સેલિંગ એની સ્ટડીનો જ એક ભાગ છે.) આવી જ રીતે અન્ય કોઈ પબ્લિક ફિગરને તમારા માટે સહાનુભૂતિ ન હોય તેથી એ વ્યક્તિ પોતાની બુદ્ધિ અનુસાર જ બિહેવ કરશે. આ પ્રકારની સામાજિક પરિસ્થિતિ સામે માનવીય મગજ નબળું પુરવાર થાય એ શક્ય છે. લાગણીનો પ્રવાહ જે તરફ નથી હોતો ત્યાં આપણું મગજ શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકતું નથી.

આ પણ વાંચો : તમે ગુડ મધર છો કે સક્સેસફુલ મધર?

હ્યુમન બિહેવિયર ડેવલપમેન્ટ અને સોશ્યલ ઇન્ટરૅક્શનમાં આપણા મગજના કેન્દ્રમાં આવેલા ઇન્સ્યુલા સેરિબ્રલ કૉર્ટેક્સની ભૂમિકા મહત્વની છે. IQ લેવલ જન્મની સાથે જ ફિક્સ થઈ ગયો હોય છે, પણ EQ સોશ્યલ ઇન્ટરૅક્શનની સાથે ડેવલપ થાય છે. બાળક જન્મે ત્યારે તેને પેરન્ટ્સ કોણ છે કે તેનો જન્મ ક્યાં થયો છે વગેરે બાબતોની ખબર હોતી નથી. અરે, તેને પોતાના શરીર વિશે પણ જાણકારી નથી હોતી. જેમ-જેમ તે સોસાયટીમાં ભળે છે તેનો EQ ડેવલપ થાય છે. તે પોતાની આસપાસના લોકોની ભાવનાને સમજતું થાય છે. સલામતી અને જોખમ બન્ને તેને સમાજ પાસેથી જ મળવાનાં છે એ વાત તેના મગજમાં ગોઠવાતી જાય છે. આ બાબતમાં દરેક વ્યક્તિની અવેરનેસ અને EQ જુદાં-જુદાં હોય છે. જે વ્યક્તિનું EQ લેવલ IQ કરતાં નબળું હોય તેને આપણે સામાન્ય ભાષામાં અકડુ કે ઘમંડી કહીને સંબોધીએ છીએ. ઘણા એવા પણ હોય છે જે એવું વિચારતા હોય કે આપણને શું? તેઓ સામાજિક પ્રવાહમાં ઍડ્જસ્ટ કરી શકતા નથી. મનોવિજ્ઞાનમાં એને કમ્યુનિકેશન સ્કિલનો અભાવ કહેવાય છે. આવી વ્યક્તિ તેની રીતે પરિસ્થિતિનું અવલોકન કરી જજમેન્ટ આપે છે. ઑટિસ્ટિક બાળકોનો પણ એમાં સમાવેશ કરી શકાય. તેમનું મગજ સામાજિક પ્રવાહમાં ભળવા સંપૂર્ણપણે વિકસિત થયું ન હોવાથી તેઓ પણ અન્યની ભાવનાને સમજી શકવા અસમર્થ હોય છે. બીજી બાજુ એવાં પ્રાણીઓ છે જે ઇમોશન્સને સમજી શકે છે. EQ માત્ર માનવજાતિમાં જ નહીં, પ્રાણીઓમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ પ્રાણીનું બચ્ચુ મુસીબતમાં હોય અથવા એનું મૃત્યુ થાય તો એ પ્રાણી હતાશ થાય છે, રડે પણ છે. હાથી અને ચિમ્પાન્ઝી જેવાં પ્રાણીઓ તો માનવી જેવાં જ બુદ્ધિશાળી પણ છે એવું રિસર્ચ કહે છે. સામાજિક પ્રવાહમાં ભળવા દરેક વ્યક્તિએ ઇમોશન્સને સમજવા અનિવાર્ય છે. જો તેમનું મગજ એ બાબતમાં સાથ ન આપતું હોય તો કાઉન્સેલિંગ અત્યંત જરૂરી છે.

IQ = ઇન્ટેલિજન્ટ ક્વૉશન્ટ, EQ = ઇમોશનલ ક્વૉશન્ટ

Varsha Chitaliya columnists