ક્યા ખૂબ લગતી હો!

19 December, 2022 02:52 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મહિલાઓને કૉમ્પ્લીમેન્ટ્સ આપવાની બાબતમાં પુરુષો બહુ કંજૂસ હોય છે એ વાતમાં કેટલો દમ છે એની ખણખોદ કરવા કેટલાંક દંપતી સાથે વાત કરતાં શું જાણવા મળ્યું એ વાંચો

પ્રતીકાત્મક તસવીર

પત્નીની પ્રશંસામાં આટલા શબ્દો કહેવામાં ભારતીય પતિદેવોને જોર પડે છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે. મહિલાઓને કૉમ્પ્લીમેન્ટ્સ આપવાની બાબતમાં પુરુષો બહુ કંજૂસ હોય છે એ વાતમાં કેટલો દમ છે એની ખણખોદ કરવા કેટલાંક દંપતી સાથે વાત કરતાં શું જાણવા મળ્યું એ વાંચો

વિશ્વમાં ભાગ્યે જ એવી સ્ત્રી હશે જેને પોતાની તારીફ સાંભળવી ન ગમે. એમાંય સજીધજીને તૈયાર થયા પછી તેના કાન કૉમ્પ્લિમેન્ટ્સ માટે તરસતા હોય છે. મોટા ભાગની સ્ત્રીઓ ઇચ્છે છે કે પતિદેવ અટેન્શન આપે અને તેમના શૃંગાર અને ડ્રેસિંગની પ્રશંસા કરે, પણ શું પુરુષોને તારીફ કરતાં આવડે છે? સર્વે કહે છે કે મોટા ભાગના પુરુષો પત્નીને કૉમ્પ્લિમેન્ટ્સ આપવાની બાબતમાં ચીકણા હોય છે. ઘણાને તો શું રીઍક્ટ કરવું એની ગતાગમ પડતી નથી અથવા તેઓ ધ્યાન જ નથી આપતા. આજે તું સુંદર લાગે છે કે શાક ખૂબ સરસ બન્યું હતું, આટલા શબ્દો કહેવામાં પતિદેવને જોર પડે છે એવા રિસર્ચમાં કેટલો દમ છે એ કેટલાંક કપલ્સને પૂછીએ. 

ટાઇમિંગ મિસ થઈ જાય

અટેન્શન નથી આપતા એવી ફરિયાદ ખોટી છે. વિચારો તો ઘણા આવતા હોય છે, પરંતુ કન્ફ્યુઝનના લીધે જે સમયે કહેવું જોઈએ એ ચૂકી જવાય છે. અન્ડર વૉટર ઇન્સ્પેક્ટર (પેટ્રોલ કંપનીમાં દરિયાની અંદર બનાવેલા પ્લૅટફૉર્મનું ઇન્સ્પેક્શન કરનાર એન્જિનિયર) તરીકે સેવા આપી ચૂકેલા મુલુંડના આશિષ જોશી પોતાનો અભિપ્રાય આપતાં કહે, ‘પત્ની તૈયાર થાય ત્યારે તેની સુંદરતા જોઈને અંદરથી ખુશી થતી હોય. પહેલો વિચાર આવે રોજ મારુતિ ગાડી લાગે છે ને આજે મર્સિડીઝ બની ગઈ. બીજો વિચાર આવે આ મર્સિડીઝ તો આપણી છે. મનમાં જાત-જાતના વિચારો ઉદ્ભવે એમાં એક્ઝૅક્ટ ટાઇમે કૉમ્પ્લિમેન્ટ્સ આપવાનું રહી જાય. બે કલાક પછી કહીએ અથવા ભૂલી પણ જવાય. મને લાગે છે કે મોટા ભાગના પુરુષો સાથે આવું થતું હશે, કારણ કે તેમના મગજમાં ચોવીસે કલાક કામ-ધંધાને લઈને કંઈક મથામણ ચાલતી જ હોય. સોશ્યલ સર્કલમાં અન્ય મહિલાઓની પ્રશંસા કરવામાં પણ પુરુષોને ખચકાટ થતો હોય છે. જોકે વર્ષોના સંગાથ બાદ પત્ની સ્વભાવને ઓળખતી થઈ જાય છે. દામ્પત્યજીવનમાં એક તબક્કો આવે છે જ્યારે બાહ્ય આકર્ષણ અને એકબીજાની પ્રશંસા કરતાં કાળજી મહત્ત્વની બની જાય. અટ્રૅક્શનની વ્યાખ્યા બદલાઈ જાય પછી ફરિયાદ નથી રહેતી.’ 

આ પણ વાંચો :  પત્નીના ચહેરા પર ચમક જોવી હોય તો વાસણ ચમકાવો

વાહ, રેડ ડ્રેસમાં બ્યુટિફુલ લાગે છે. આ વાક્ય એક સ્ત્રી જેટલી સરળતાથી કહી શકે છે એટલી સરળતાથી પુરુષો બોલી નથી શકતા. ફીલિંગ્સને એક્સપ્રેસ કરવામાં તેઓ કાચા છે એ વાત સાથે સહમત થતાં આશિષભાઈનાં વાઇફ નંદિની કહે છે, ‘સામાન્ય રીતે પુરુષને પત્નીનો રોજિંદો લુક વધુ પસંદ પડે છે. પ્રસંગમાં મેકઅપ ઓછો કરવાની પત્નીને ભલામણ કરતાં પતિદેવને પણ જોયા છે. કૉમ્પ્લિમેન્ટ્સ આપવા માટે એક્સપ્રેસિવ હોવું જોઈએ અને આ ગુણ કુદરતી રીતે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘણી વાર ફંક્શનમાં જવા માટે ઘરેથી નીકળતી વખતે તેમને કંઈ સૂઝે નહીં. પત્ની લેડીઝ ગ્રુપમાં વ્યસ્ત થઈ જાય એટલે કહેવું હોય તોય ખચકાટ અનુભવે. છેક રાત્રે ઘરે આવ્યા બાદ બોલે, આજે સરસ લાગતી હતી. જોકે, પત્નીથી કંઈ છૂપું ન રહે. હસબન્ડના ચહેરાના હાવભાવથી એને ખબર પડી જાય. સ્પેશ્યલ અટેન્શન આપીને કે શબ્દો વડે લાગણીને વ્યક્ત કરવાની જરૂર પડતી નથી.’

વિચારો તો ઘણા આવતા હોય, પરંતુ કન્ફ્યુઝનના લીધે જે સમયે કહેવું જોઈએ એ ચૂકી જવાય છે. વર્ષોના સંગાથ બાદ દામ્પત્યજીવનમાં એવો તબક્કો આવે છે જ્યારે બાહ્ય આકર્ષણ અને એકબીજાની પ્રશંસા કરતાં કાળજી મહત્ત્વની બની જાય. અટ્રૅક્શનની વ્યાખ્યા બદલાઈ જાય પછી ફરિયાદ નથી રહેતી. : આશિષ અને નંદિની જોશી

ખચકાટ શેનો?

ભૂપેશ અને પારુલ શિરોદરિયા

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ભૂપેશ શિરોદરિયા ઉપરોક્ત સર્વે સંદર્ભે પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘એક સ્ત્રી સુંદર સજીધજીને પુરુષને પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ ત્યારે કરે છે જ્યારે એની કોઈ દરકાર નથી કરતું અથવા કાળજી લેવામાં નથી આવતી. ઘણી વાર મૉર્નિંગ વૉકમાં મેકઅપ કરીને આવનારી મહિલાઓને જોઈને મને તો વિચાર આવે કે તૈયાર થવા માટે કેટલી વહેલી ઊઠતી હશે. મહિલાઓની પ્રશંસા કરવામાં પુરુષો ચીકણા હોય છે એવું હું બિલકુલ નથી માનતો. હા, સાવધ રહે છે, કારણ કે તેમના રીઍક્શનને સમજવું મુશ્કેલ છે. ઘણી વાર નિદોર્ષ ટિપ્પણીનું ખોટું અર્થઘટન થઈ જાય છે. આ તો વાત થઈ અન્ય મહિલાઓની પ્રશંસા કરવાની. પત્ની અથવા સ્ત્રીમિત્રના ડ્રેસિંગ અને લુક્સ પર કમેન્ટ્સ કરવામાં તેમને ખચકાટ નથી થતો.’

આ પણ વાંચો : શું ખરેખર મહિલાઓ વધુ કટકટ કરે છે?

ભૂપેશભાઈનાં પત્ની પારુલ કહે છે, ‘હું આર્ટિસ્ટ છું એટલે મેકઅપ અને ડ્રેસિંગ પર ફોકસ રાખવું પડે. સ્ટેજ ઉપર હોઉં ત્યારે અને સોશ્યલ મીડિયા પોસ્ટિંગ પર પુરુષો તરફથી લાઇક્સ વધુ આવતી હોય છે. એક રીતે અટેન્શન મળતું જ હોય છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ કે પતિદેવની કમેન્ટ્સ પણ ત્યાં જ હોય. એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં કામ કરતી મહિલાઓની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખાસ્સો અંતર હોય છે. અમારે સજોડે બહાર જવાનું હોય ત્યારે ખરેખર તો હું તૈયાર થતી જ નથી, કારણકે બાકીના દિવસોમાં ઘણો મેકઅપ કરવો પડતો હોય છે. શરૂઆતમાં કોઈ ફંક્શનમાં જવાનું હોય તો હસબન્ડને કહેતી કે તૈયાર નહીં થાઉં તો ચાલશે, કંટાળો આવે છે. તેમનો એક જ રિપ્લાય હોય, બિન્દાસ ચાલ. આ એક યુનિક વસ્તુ છે કે પ્રોફેશનલી હું ડ્રેસઅપમાં રહું, પણ પર્સનલ આઉટિંગમાં બિલકુલ મેકઅપ વગર જવાનું એટલે પતિ તરફથી પ્રશંસા અસ્થાને છે.’

સારી લાગે છે અને ગમે છે એટલે તો લગ્ન કર્યાં 
 
મોટા ભાગના પુરુષો પત્નીનાં વખાણ નથી કરતાં એનું કારણ તેનો પોતાનો અહંકાર છે. આપણા સમાજમાં પત્નીની પ્રશંસા કરવી એટલે તેને માથે ચડાવવી એવી માનસિકતા મોટો રોલ ભજવે છે. ઘર કી મુર્ગી દાલ બરાબર આ કહેવત પુરુષોને અક્ષરશ: લાગુ પડે છે. જ્યારે અન્ય સ્ત્રીઓને કૉમ્પ્લિમેન્ટ્સ આપવા માટે તેમની પાસે શબ્દો હોય. રિસર્ચ સંદર્ભે પોતાનો અભિપ્રાય આપતાં વિરારમાં રહેતા અને વિલે પાર્લેની ગુજરાતી સ્કૂલમાં પ્રિન્સિપાલનો હોદ્દો સંભાળતા કીર્તિકુમાર લિમ્બચિયા કહે છે, ‘મારા જનરલ ઑબ્ઝર્વેશન મુજબ એક વાર મહિલાઓનાં વખાણ કરવાનાં શરૂ કરો પછી તેમની એક્સપેક્ટેશન વધતી જાય અને પ્રાઉડ આવી જાય. ઘણી સ્ત્રીઓ રોજ-રોજ પતિને પૂછે, આજે શાક કેવું બન્યું છે? આ સાડીમાં હું કેવી લાગું છું? અરે, સારી લાગે છે અને ગમે છે એટલે તો પરણ્યા છીએ. વારે-વારે એને રિપીટ કરવાની જરૂર નથી. રસોઈ સારી નહીં બની હોય કે ડ્રેસ શોભતો નહીં હોય ત્યારે કહીશું. કૉમ્પિલિમેન્ટ્સ કરતાં આ વધારે મહત્ત્વનું છે. પત્ની માટે હાઉસવાઇફ શબ્દ વાપરવો પણ ખોટો છે. હું બધાને એમ જ કહું કે મારી પત્ની હાઉસ મૅનેજર છે. અમારા સંસારને તેણે સુંદર રીતે મૅનેજ કર્યો છે. પ્રશંસા માટે આનાથી વિશેષ શબ્દો ન હોય.’
 
આ પણ વાંચો : તૈયાર થવા માટે તમને કેટલો સમય જોઈએ?
 
ત્રીજી વ્યક્તિ આવીને કહે કે તમારા હસબન્ડ તમને હાઉસ મૅનેજર કહેતા હતા ત્યારે ચોક્કસ ગમે, પણ આ જ શબ્દો પતિના મોઢેથી ડાયરેક્ટ સાંભળવા મળે તો વધુ સારું લાગે. ફરિયાદના સૂરમાં વાત કરતાં કીર્તિભાઈનાં પત્ની પૂનમ કહે છે, ‘પ્રશંસાના બે શબ્દો મોટિવેશનનું કામ કરે છે. આખી દુનિયા કે સ્વયં ઈશ્વર ધરતી પર આવીને કૉમ્પ્લિમેન્ટ્સ આપે એનાથી વિશેષ મહત્ત્વ પતિદેવની લાઇક્સ અને ડિસ્લાઇક્સનું હોય છે. બહારના લોકો વખાણ કરે, પરંતુ હસબન્ડ રિસ્પૉન્સ ન આપે તો અંદરખાને થાય કે કંઈક ખૂટે છે. પત્નીની આ ભાવના અને લાગણીને સમજવામાં ગુજરાતી પતિદેવો સોએ સો ટકા થાપ ખાઈ જાય છે. જોકે, ૨૫ વર્ષના સહજીવન બાદ સમજાઈ ગયું છે કે ગૃહસ્થી આમ જ ચાલે.’
columnists Varsha Chitaliya