ઇફતારીની દાવત

06 May, 2021 12:18 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આ ધાર્મિક વિધિમાં વિવિધ વ્યંજનો આરોગવાની કેવી પ્રથા છે એ વિશે મુસ્લિમ ગૃહિણીઓને વર્ષા ચિતલિયાએ પૂછ્યું. આવો જાણીએ તેમની સ્પેશ્યલ વેજ ડિશ વિશે

ઇફતારીની દાવત

ઉપવાસ અને બંદગીના પવિત્ર મહિના રમઝાનમાં મુસ્લિમ બિરાદરો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજા રાખે છે. સાંજની નમાજ બાદ ઇફતારી સાથે તેઓ રોજા ખોલે છે. આ ધાર્મિક વિધિમાં વિવિધ વ્યંજનો આરોગવાની કેવી પ્રથા છે એ વિશે મુસ્લિમ ગૃહિણીઓને વર્ષા ચિતલિયાએ પૂછ્યું. આવો જાણીએ તેમની સ્પેશ્યલ વેજ ડિશ વિશે

ટ્રેડિશનલ ડિશમાં નવું ટ્રાય કર્યું

આજનાં બાળકોને ટ્રેડિશનલ ડિશ પ્રમાણમાં ઓછી ભાવે છે તેથી ઇફતારીમાં બનતી વાનગીઓમાં ડાઇવર્ઝન આવ્યું છે. મરિયમ મર્ચન્ટ કહે છે, ‘અમારા ઘરમાં બાળકોની સંખ્યા વધારે છે અને તેઓ આખો મહિનો રોજા રાખે છે. યંગ એજનાં સંતાનો માટે રમઝાનના ત્રીસ દિવસ સુધી ત્રીસ નવી વેરાઇટી બનાવવી ચૅલેન્જિંગ છે. ઘણી વાર એવું બને કે બટાટાવડાંનું વિચાર્યું હોય અને તેઓ ટાકોઝ કે પેરી-પેરી ડિમાન્ડ કરે તો બનાવવા પડે. સામાન્ય રીતે તળેલી વાનગી અને એક સ્વીટ ડિશ બને જ. આપણે થાળીમાં પાથરીને સેવની બિરંજ બનાવીએ છીએ એ ટ્રેડિશનલ સ્વીટ ડિશમાં મોલ્ડનો યુઝ કરી વન બાઇટ ટ્રાય કર્યું છે. બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખી મેક્સિકન અને થાઇ ફૂડ પણ ઇન્ડિયન તડકો લગાવી બનાવું છું.’

ઇન્ડો-મેક્સિકન ટાકોઝ

સામગ્રી : ૧ કપ ઑલ પર્પઝ આટા, ૧ ચમચી તેલ, અડધી ચમચી બેકિંગ સોડા, પાંચ બૉઇલ્ડ પટેટોઝ, ૩-૪ સૂકાં લાલ મરચાં, ૧ મોટી સાઇઝનો કાંદો, મીઠું, લીંબનો રસ, ચીઝ, ટમેટો કેચપ, બટર
રીત : સૌથી પહેલાં મીઠું, તેલ અને બેકિંગ સોડા નાખી લોટ બાંધી પંદર મિનિટ રહેવા દો. કડાઈમાં ૧ ચમચી તેલ લઈ કાંદા ફ્રાય કરો. કાંદાનો રંગ સોનેરી થાય એટલે એમાં લાલ મરચાં નાખી સાંતળો. ત્યાર બાદ પટેટોને સ્મૅશ કરી નાખો. બધા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો. હવે બાંધેલા લોટમાંથી એકસરખી સાઇઝની રોટલીઓ વણી બન્ને બાજુ કાચી-પાકી શેકી લો. શેકેલી રોટલી પર ટમેટો કેચપ લગાવી બધો મસાલો પાથરી ઉપરથી ચીઝ ભભરાવી ટાકોઝને દબાવીને વાળી લો. બધા ટાકોઝ તૈયાર થાય એટલે નૉનસ્ટિક પૅનમાં બટર લગાવી બન્ને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા. 

ઇન્ટરનેટના જમાનામાં મિક્સ કલ્ચર ડેવલપ થયું

ઇફતારીમાં દરરોજ નવી વાનગી જોઈએ. અમારા ઘરમાં ટ્રેડિશનલ ડિશ ઉપરાંત પાસ્તા, પીત્ઝા અને મોમોઝ જેવી વિદેશી વાનગીઓ પણ બને છે. ઇન્ટરનેટના યુગમાં મિક્સ કલ્ચર ડેવલપ થઈ ગયું છે એમ જણાવતાં અજબ ભાનપુરાવાલા કહે છે, ‘રમઝાન માસ શરૂ થાય કે ઇન્ટરનેટ પર નવી-નવી રેસિપીના વિડિયો અપલોડ થવા લાગે. હવે તો બાળકોને પણ સર્ચ કરતાં આવડે છે તેથી તેમની પસંદગી પ્રમાણે બનાવી આપું. મમ્મીઓ માટે વિડિયો જોઈને નવી ડિશ ટ્રાય કરવી ઈઝી છે. જોકે ફ્રાઇડ આઇટમનું મહત્ત્વ વધારે તેથી સમોસા બધાના ઘરમાં બને. મુસ્લિમ મહિલાઓના હાથનાં મગની અને તુવેરદાળનાં ચપટાં સમોસાં અમારી સ્પેશ્યલિટી છે.’

દાલ સમોસા

સામગ્રી : ૫૦૦ ગ્રામ ફોતરાવાળી મગની દાળ, ૩-૪ બારીક સમારેલા કાંદા, ૩-૪ લીલાં મરચાં, ૧ ઝૂડી સમારેલા લીલા કાંદા, સમારેલી કોથમીર અને ફુદીનો, ૧ ચમચી વાટેલું જીરુ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી વરિયાળી, મીઠું સ્વાદ અનુસાર, પડ માટે રોટલીનો લોટ, તળવા માટે તેલ.
રીત : દાળને ચાર કલાક પાણીમાં પલાળી રાખો જેથી સૉફ્ટ થઈ જાય. એક કડાઈમાં દાળ નાખો. એમાં મીઠું અને હળદર ઉમેરી ચડવા દો. દાળનો દાણો આખો રહે એટલી જ ચડવી જોઈએ તેથી વારંવાર ચેક કરતા રહો. ત્યાર બાદ વધારાનું પાણી નિતારી કોરી પડવા દો. હવે એમાં સમારી રાખેલા કાંદા, કોથમીર, ફુદીનો તેમ જ બધા મસાલા ઍડ કરો. રોટલીને વણી એમાં પૂરણ ભરી ચપટાં સમોસાં વાળી લો. વાળવાની ટેક્નિક ઇન્ટરનેટ પર મળી રહેશે. ઇચ્છો તો બજારમાં તૈયાર સમોસા પટ્ટી મળે છે એનો ઉપયોગ પણ કરી શકો. સમોસાને તળીને ચટણી અને સૉસ સાથે પીરસો.  

પરંપરાગત વ્યંજનોની મિજબાની હોય

ઇફતારીમાં હવે વિદેશી વાનગીઓએ પગપેસારો કર્યો છે, પરંતુ અમારા ઘરમાં હજીયે પરંપરાગત વ્યંજનો બનાવવાનો ટ્રેન્ડ બરકરાર છે એમ જણાવતાં ફરીદા લોખંડવાલા કહે છે, ‘રમઝાનમાં સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ ખાવી જોઈએ. ગોળ-લીંબુનું પાણી અને ખજૂર ખાસ હોય. હમણાં જ અમારી મોટી રાત ગઈ. આ રાતના સૅફ્રન જર્દા ખાવાની પ્રથા છે જેને તમે મીઠા ચાવલ પણ કહી શકો. આ ઉપરાંત ચણા-બટાટા, કોકમ બટાટા જેવી કેટલીક વાનગીઓ બોહરા મુસ્લિમ પરિવારોમાં પ્રખ્યાત છે. જોકે યંગ જનરેશનની ચૉઇસને નજરમાં રાખી બહારથી કોઈક વાર કૉન્ટિનેન્ટલ ડિશ ઑર્ડર કરીએ પણ એ સાઇડમાં હોય. ઘરની અંદર ટ્રેડિશનલ ડિશ જ બનાવું છું.’

કોકમ ચિલી-પટેટો

સામગ્રી : ૫૦૦ ગ્રામ નાની સાઇઝના બટાટા, ૮ કોકમ, ૪-૫ લાલ કાશ્મીરી મરચાં, અડધી ચમચી સફેદ સરકો, ૮ કળી લસણ, ૧ ચમચી શેકેલું ધાણાજીરું, ૧ ચમચી જીરું, મીઠો લીમડો, ૩ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર, ગાર્નિશિંગ માટે કોથમીર
રીત : કોકમ અને લાલ મરચાં ૩૦ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી કોકમ, મરચાં, સરકો અને લસણને એકસાથે પીસી લો. જરૂર હોય તો પીસતી વખતે સહેજ પાણી ઉમેરી શકો છો. પેસ્ટને બાઉલમાં કાઢી એક બાજુ રાખો. બટાટાને મીઠું નાખી ઢાંકણું ઢાંક્યા વિના પ્રેશર કુકરમાં ચડવા દો. ઠંડા પડે પછી બટાટાની છાલ ઉતારી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી જીરા-લીમડાનો વઘાર કરો. એમાં ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ ઉમેરી ધીમી આંચ પર ૧ મિનિટ સાંતળો. ત્યાર બાદ બટાટા અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. એક ચમચી પાણી ઉમેરી પાંચ મિનિટ રાખી મૂકો. તેલ છૂટું પડે એટલે પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

columnists Varsha Chitaliya