એક એવું ગામ જ્યાં પચીસ ટકા વસ્તી બ્લાઇન્ડ છે

20 November, 2022 11:16 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

સેન્ટ્રલ રેલવેમાં બદલાપુર પાસેના વાંગણીની કુલ વસ્તી ૧૨,૦૦૦ છે અને એમાંથી ૬૫૦ પરિવાર એટલે કે ૩૦૦૦ જેટલા લોકો જોઈ નથી શકતા. કોઈ બીમારીને લીધે આટલી મોટી સંખ્યામાં અહીં દિવ્યાંગો બની ગયા છે કે બીજું કોઈ કારણ છે?

સેન્ટ્રલ રેલવેમાં બદલાપુર પાસેના વાંગણીની કુલ વસ્તી ૧૨,૦૦૦ છે

સેન્ટ્રલ રેલવેમાં મુંબઈથી ૭૫ કિલોમીટરના અંતરે બદલાપુર પછીનું સ્ટેશન વાંગણી. પહાડ અને વન વિભાગથી ઘેરાયેલા આ સાવ નાનકડા વિસ્તારની કુલ વસ્તી ૧૨,૦૦૦ જેટલી છે, પણ અહીંના પચીસ ટકા લોકો બ્લાઇન્ડ છે. કોઈ વિસ્તારમાં આટલા બધા લોકો જોઈ શકતા ન હોય એવું સાંભળીને ચોંકી ગયાને? મુંબઈથી બહુ દૂર ન કહી શકાય એવા વાંગણીમાં આટલા બધા લોકો કઈ રીતે બ્લાઇન્ડ થઈ ગયા? શું કોઈ બીમારીને લીધે આવું બન્યું છે?

ના, વાંગણીમાં આવી કોઈ બીમારી નથી, જેને કારણે અહીંના પચીસ ટકા લોકો જોઈ નથી શકતા. હકીકત એ છે કે આપણે રેલવે સ્ટેશન કે ટ્રેનના ડબામાં ભીખ માગતા કે નાનો-મોટો સામાન વેચીને અથવા તો ગીતો ગાતા બ્લાઇન્ડ લોકોને દરરોજ જોઈએ છીએ, એમાંના લગભગ ૯૦ ટકા બ્લાઇન્ડ છેલ્લાં પંદરેક વર્ષથી વાંગણીમાં સ્થાયી થયા છે. એકથી દોઢ દાયકા પહેલાં આ લોકો મુંબઈમાં જુદા-જુદા વિસ્તારમાં ભાડેથી અથવા નાની-મોટી રૂમમાં રહેતા હતા, પરંતુ સમય જતાં મોંઘવારીને લીધે તેમને મુંબઈ કે નજીકના વિસ્તારોમાં રહેવાનું મુશ્કેલ બની જતાં તેઓ પ્રમાણમાં ઘણા સસ્તા ભાડામાં મકાન ઉપલબ્ધ છે એવા વાંગણીમાં ધીમે-ધીમે વસવા માંડ્યા હતા.

જાણીને આંચકો લાગશે કે વાંગણીમાં રહેતા ૬૫૦ જેટલા પરિવારમાંથી મોટા ભાગના બ્લાઇન્ડ લોકો શિક્ષિત છે. કેટલાકને તો સંગીતનો બહુ સારો અનુભવ હોવાથી તેઓ ઑર્કેસ્ટ્રામાં ગીત ગાય છે. જોકે જોઈ ન શકતા આ લોકો પ્રત્યે બે આંખે જોઈ શકતો સમાજ દુર્લક્ષ સેવી રહ્યો છે. આ દિવ્યાંગો પાસે કામ કરવાની પૂરી ક્ષમતા હોવા છતાં માત્ર તેઓ જોઈ નથી શકતા એટલે કોઈ તેમને કામ નથી આપતા. એટલું જ નહીં, રાજ્ય અને કેન્દ્ર સરકારની આવા દિવ્યાંગો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે એનો પણ આ લોકોને લાભ નથી મળતો એટલે તેમને માટે લોકલ ટ્રેનમાં સામાન વેચવા કે ગીત ગાઈને ભીખ માગવા સિવાય આવકનું કોઈ સાધન નથી.

વાંગણી-વેસ્ટમાં સાવરેવાડી ખાતેના સાંઈનગરમાં જોઈ ન શકતા દિવ્યાંગોના ૫૦ જેટલા પરિવાર રહે છે. વાંગણીમાં આવી રીતે જુદા-જુદા વિસ્તારમાં જોઈ ન શકતા દિવ્યાંગોના લગભગ ૬૫૦ પરિવાર વસે છે. મોટા ભાગના આ વિસ્તારો રેલવે સ્ટેશનથી દોઢથી બે કિલોમીટરના અંતરે આવેલા છે. આમ છતાં આર્થિક પરિસ્થિતિને લીધે તેઓ દરરોજ પગપાળા ચાલીને વાંગણી સ્ટેશને આવ-જા કરે છે. મોટા ભાગનો રસ્તો કાચો છે એટલે ચોમાસામાં એમાં કીચડ થઈ જાય છે, જેમાં ચાલવાનું મુશ્કેલ બની જાય છે.

સાંઈનગરમાં જન્મથી જ જોઈ ન શકતી ૨૪ વર્ષની જ્યોતિ શેળકે નામની યુવતી એચએસસી ભણેલી હોવા છતાં તેની પાસે કોઈ કામ નથી એટલે તે ટ્રેનમાં નાનો-મોટો સામાન વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પણ ગયા વર્ષે જુલાઈમાં ટ્રેનમાંથી ઊતરતી વખતે પડી જતાં તે એક પગ ગુમાવી બેઠી છે. માતા-પિતા કે પરિવારમાં કોઈ નથી એટલે તે નોધારી બની ગઈ છે અને પગ કપાઈ ગયો છે એટલે ઘરની બહાર પણ નીકળી નથી શકતી. આથી તે દયનીય હાલતમાં જીવી રહી છે.

સાવરેવાડીમાં બ્લાઇન્ડ પત્ની સાથે રહેતો બીએ ગ્રૅજ્યુએટ જુમ્મા નવાઝ મન્સૂરી બે બાળક સાથે રહે છે. ભણેલો-ગણેલો છે અને ઑર્કેસ્ટ્રામાં સારું સંગીત વગાડવાની સાથે ગીત ગાતો હોવા છતાં લોકો તેને કામ નથી આપતા. જુમ્મા કહે છે, ‘આંખે જોઈ શકતી વ્યક્તિ જેટલું નહીં, પણ એનાથી વધુ સારું કામ કરી શકું છું. હોટેલમાં ચાલતા ઑર્કેસ્ટ્રા કે બીજા કાર્યક્રમોમાં હું પર્ફોર્મ કરું છું. જોકે દુ:ખની વાત એ છે કે મોટા ભાગના લોકો અમને આંધળો સમજીને કામ નથી આપતા. મારી પત્ની પણ બીકૉમ ગ્રૅજ્યુએટ છે. તેણે પણ સંગીતની તાલીમ લીધી છે, પરંતુ માત્ર જોઈ શકતી ન હોવાથી તેને કોઈ કામ નથી મળતું. આથી અમે લોકલ કે બહારગામની ટ્રેનોમાં નાનો-મોટો સામાન વેચીને જેમ તેમ દિવસ પસાર કરીએ છીએ.’

મૂળ દિલ્હીનો પણ કામની શોધમાં મુંબઈ આવેલો ૩૧ વર્ષનો આકાશ તન્વર આંશિક બ્લાઇન્ડ છે. તે વાંગણીમાં બે વર્ષથી બ્લાઇન્ડ પત્ની સાથે રહે છે. બીએ ગ્રૅજ્યુએટ આકાશ રેલવેમાં દિવ્યાંગો માટેની રિઝર્વ જૉબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેને હજી સુધી મોકો નથી મળ્યો એટલે ટ્રેનમાં સામાન વેચીને પેટિયું રળે છે. આકાશ જણાવે છે, ‘હું અને પત્ની શિક્ષિત છીએ, પણ કોઈ નથી એટલે વાંગણીમાં અવગડ હોવા છતાં રહીએ છીએ. બીજા વિસ્તાર કરતાં અહીં ભાડું ઓછું છે એટલે ટ્રેનમાં સામાન વેચીને જેકોઈ આવક થાય છે એમાં અમારો ગુજારો થાય છે. દિવ્યાંગો માટે સરકારની અનેક યોજના હોવા છતાં મારા જેવા અસંખ્ય લોકોને એનો લાભ નથી મળતો.’

વાંગણીમાં ૧૫ વર્ષથી રહેતા રમાકાંત ગોળે બ્લાઇન્ડ છે. તેમણે ફોર્ટમાં આવેલી સિદ્ધાર્થ કૉલેજમાંથી બીએ કર્યું છે છતાં, માત્ર જોઈ શકતા ન હોવાથી તેઓ બરાબર કામ ન કરી શકે એમ માનીને લોકો તેમને જૉબ નથી આપતા. આથી તેઓ પણ ટ્રેનમાં સામાન વેચે છે. તેમની દીકરી દિવ્યાંગ નથી એટલે તેઓ તેને ભણાવી રહ્યાં છે. રમાકાંત ગોળે જણાવે છે, ‘સ્થાનિક પ્રશાસનથી માંડીને રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજના છે, જેમાં દિવ્યાંગોને કામ આપવામાં આવે છે. રેલવે સ્ટેશનની આસપાસ કે શહેર વિસ્તારમાં અમને સ્ટૉલ પણ ફાળવવામાં આવે છે. જોકે અમારી આર્થિક સ્થિતિ સારી નથી એટલે સ્ટૉલ શરૂ કરવા માટે જરૂરી દોઢથી બે લાખ રૂપિયા ક્યાંથી લાવીએ? બીજું, સ્ટૉલ માટે અરજી કરીએ ત્યારે અધિકારીઓ લાંચ માગતા હોય છે. આંખે જોઈ શકતા સામાન્ય લોકોની જેમ જ અમે બધું કામ કરી શકીએ છીએ, પણ મોટા ભાગના લોકો અમને નકામા સમજે છે. કામ નથી એટલે શિક્ષિત હોવા છતાં ટ્રેન કે રેલવેના બ્રિજ પર નાનો-મોટો સામાન વેચવો પડે છે. દીકરી મુક્તા મોટી થઈને અમારું ધ્યાન રાખશે એવી આશામાં જ જીવીએ છીએ.’

વાંગણીમાં ૨૦ વર્ષથી રહેતા કૃષ્ણા સંપત ખોપડે જન્મથી જોઈ નથી શકતા છે. આંખે જોઈ ન શકતા હોય તેમને સંગીતનું વરદાન હોય છે. આમને નાનપણથી સંગીતનો જબરો શોખ હોવાથી તેમણે સંગીતની તાલીમ લીધી છે અને વર્ષો સુધી તેમણે ઑર્કેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કર્યું છે. જોકે ઉંમર વધવાની સાથે તેમને કામ નથી મળતું એટલે ટ્રેનમાં ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કૃષ્ણા ખોપડે જણાવે છે, ‘હિન્દી, મરાઠી, ગુજરાતી સહિત પાંચ ભાષાનાં ગીતો હું ગાઈ શકું છું. ૧૦,૦૦૦ જેટલાં ગીતો તો બાયહાર્ટ છે છતાં અંધ છું એટલે મને અન્યાય કરવામાં આવે છે. ઘણી વાર તો નક્કી કરેલી રકમ કરતાં ઓછા રૂપિયા લોકો આપીને અપમાન કરે છે. આવું અનેક વખત બન્યા બાદ મેં બહાર જવાનું બંધ કર્યું છે અને હવે ઉંમર વધવાની સાથે મને કામ મળવાનું બંધ થઈ ગયું છે. આથી ટ્રેનમાં ગીતો ગાઈને લોકો જે કંઈ આપે છે એનાથી ચલાવી લઉં છું.’

વાંગણીમાં આવા અનેક દિવ્યાંગ રહે છે જેઓ શિક્ષિત છે, તેમનામાં ટૅલન્ટ છે, પણ માત્ર તેઓ જોઈ નથી શકતા એટલે તેમને કામ નથી મળતું. ભ્રષ્ટ સરકારી અધિકારીઓ નિજી સ્વાર્થ ખાતર આવા લોકોને હક નથી આપતા એ આ દિવ્યાંગોને કોઠે પડી ગયું છે, પરંતુ તેમને દુ:ખ એ વાતનું છે કે સામાન્ય લોકો પણ તેમને તક નથી આપતા. વાંગણીના દિવ્યાંગોને તેમની માલિકીનાં ઘર મળે અને રોજગાર ઉપલબ્ધ થાય એ માટેના પ્રયાસ વાંગણીમાં રહેતાં ચારુશીલા પાલવે અને તેમની ટીમ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં સ્વતંત્ર દિવ્યાંગ મંત્રાલયની શરૂઆત કરી છે. આ માધ્યમથી વાંગણી તેમ જ મુંબઈ કે રાજ્યમાં ગમે ત્યાં રહેતા દિવ્યાંગોને કેટલો લાભ મળશે એ તો સમય જ કહી શકશે.

columnists central railway badlapur prakash bambhrolia