આપણો ઉછેર એવી રીતે થયો છે કે ફૅમિલી સિવાય આપણને બીજું કશું દેખાતું જ નથી

25 April, 2024 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેટલું ફૅમિલી જરૂરી છે એટલી જ જાત પણ જરૂરી છે. કદાચ, ફૅમિલી કરતાં એક પર્સન્ટ વધારે જરૂર તમને તમારી છે.

વંદના પાઠકની તસવીર

અત્યારે હું એટલાં બધાં કામમાં ઘેરાયેલી છું કે મને ખબર નથી પડતી કે મારે ક્યાંથી શરૂ કરવું. પ્રોફેશનલી પણ ખૂબ કામ છે તો ઘરમાં પણ બહુ બધાં કામ હોય છે. 

એ બધાં કામમાં કયું કામ પહેલાં કરું અને કયા કામને ઓછી પ્રાયોરિટી આપું એની ખબર નહોતી પડતી એમાં જ મને અચાનક વિચાર આવ્યો કે બીજાં બધાં કામ પછી, દાંતમાં થોડું પેઇન ફરી શરૂ થયું છે તો પહેલાં હું ડેન્ટિસ્ટ પાસે જઈ આવું. આમ તો આ પેઇન થોડા વીકથી છે, પણ પેઇનકિલરથી રિલીફ હતી એટલે ચાલ્યું અને આટલો સમય મેં ખેંચી નાખ્યો. આ જે સમય ખેંચાયો છે એ જ પૉઇન્ટ પર મારી વાત શરૂ થાય છે. 

આપણે આવું બહુ કરતા હોઈએ છીએ અને એ જ કામને પ્રાયોરિટી આપી બેસીએ છીએ જે કામમાંથી આપણને ઇન્કમ થવાની હોય, પૈસા આવવાના હોય. આપણે ભૂલી ગયા કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારી પાસે હેલ્થની વેલ્થ નહીં હોય તો ગમે એટલી ફાઇનૅન્શિયલ વેલ્થ હશે તો એ કોઈ કામની નથી. બીજા નંબરે મેં એ પણ જોયું છે કે આપણે ત્યાં ફૅમિલીની જે લીડિંગ ફીમેલ મેમ્બર છે તે પોતાની હેલ્થની બાબતમાં બહુ બેદરકાર રહે છે. અફકોર્સ તેને માટે ફૅમિલી, બચ્ચાંઓ અને ઘર પ્રત્યેની પોતાની જવાબદારીઓ પ્રાયોરિટીમાં સૌથી ઉપર હોય છે. એ લેવલ પર કે તે પોતાની હેલ્થ માટે પણ આંખ આડા કાન કરી દે છે. ઍક્ચ્યુઅલમાં આપણો ઉછેર જ એ રીતે થયો છે અને એ ઉછેરમાં કોઈ ખરાબી પણ નથી. આપણે ત્યાં આજે પણ મા એક એવું કેન્દ્રબિંદુ છે જે ફૅમિલીના બધા મેમ્બર્સને જોડી રાખે છે અને એ બહુ સારી વાત છે, પણ મને લાગે છે કે એ ક્વૉલિટીને અકબંધ રાખીને આપણે થોડો સુધારો કરવો જોઈએ.

જેટલું ફૅમિલી જરૂરી છે એટલી જ જાત પણ જરૂરી છે. કદાચ, ફૅમિલી કરતાં એક પર્સન્ટ વધારે જરૂર તમને તમારી છે. જો તમે સલામત હશો તો જ તમે તમારી ફૅમિલીને સાથે રાખી શકશો અને જો તમે ખુશ હશો તો તમારા સરાઉન્ડને ખુશ રાખી શકશો. મને લાગે છે કે જાતને ખુશ રાખવાનું કામ પણ બહુ જરૂરી છે અને એ બાબતમાં પણ આપણી ફૅમિલીના ફીમેલ મેમ્બર ધ્યાન આપતા નથી, એને માટે ફૅમિલીથી આગળ કંઈ હોતું જ નથી. ફૅમિલી સામે તે જાતને ભૂલી જાય છે, પણ એમ ન કરવું જોઈએ. જાતનું ધ્યાન રાખવું અને એને ખુશ રાખવી એ બધાં કામમાં સૌથી અગત્યનું કામ છે, એને ક્યારેય પાછળ નહીં ધકેલતા.

અહેવાલ: વંદના પાઠક

columnists life and style